કૅનેડાના વડા પ્રધાન ટ્રૂડોએ કહ્યું કે, નિજ્જર મામલે ભારતે 'ભયંકર ભૂલ' કરી, તો ભારતે માગ્યા પુરાવા

ઇમેજ સ્રોત, AFP via Getty Images
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ દેશની અંદર વિદેશી હસ્તક્ષેપ પર થયેલી પબ્લિક ઇન્ક્વાયરીમાં કહ્યું હતું કે, "હરદીપસિંહ નિજ્જરની હત્યા ગૅંગવૉરમાં થઈ હતી એવું શરૂઆતી અનુમાન હતું, પરંતુ દક્ષિણ એશિયાના સાંસદો અને સમુદાયના સભ્યોએ કહ્યું કે તેની પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે."
ભારતે હરદીપસિંહ નિજ્જરને શીખોની એક અલગ માતૃભૂમિની માગ કરતા ખાલિસ્તાની આંદોલનનું સમર્થન કરતા આતંકવાદી જાહેર કર્યા હતા. ગયા વર્ષે જૂનમાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયાના સરૅમાં પાર્કિંગમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પીએમ ટ્રૂડોએ આ ઇન્ક્વાયરીમાં જણાવ્યું હતું, "તે વખતે આ હત્યા સાથે કોઈ સ્પષ્ટ, તાબડતોબ, આંતરરાષ્ટ્રીય કડી ન હતી. હત્યા પછીના દિવસોમાં અમને આવી જ માહિતી આપવામાં આવી હતી."
ટ્રૂડોના હાલના નિવેદન પછી ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, "કૅનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લાગેલા ગંભીર આરોપોના સમર્થનમાં હજુ સુધી કોઈ પુરાવા રજૂ કર્યા નથી."
ભારત – કૅનેડાના સંબંધને કેટલું નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રૂડોએ કહ્યું હતું, “જ્યારે દક્ષિણ એશિયાના સાંસદો અને એ સમુદાયના લોકોએ ભારપૂર્વક કહ્યું કે નિજ્જરની મોતના તાર ભારત સુધી પહોંચેલા હોઈ શકે છે. એ પછી જ અમે ગુપ્તચર સંસ્થાઓને હત્યાની તપાસ કરવાનું કહ્યું હતું. ત્યારે મને ખબર પડી કે ગુપ્તચર સંસ્થા તો પહેલેથી જ આ હત્યા પર નજર રાખીને બેઠી હતી.”
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ભારત પર 'ભયંકર ભૂલ' કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, "ગયા વર્ષે કૅનેડાની ધરતી પર એક શીખ અલગતાવાદી નેતાના મૃત્યુ પાછળ જો દિલ્હીનો હાથ હશે તો કૅનેડા તેને અવગણી નહીં શકે."
તેમણે કહ્યું હતું કે, "અમે ભારતને ઉશ્કેરવા અથવા તેની સાથે ઝઘડો કરવા માગતા નથી. ભારત સરકારે એવું વિચારીને એક ભયંકર ભૂલ કરી કે તેઓ કૅનેડાની સુરક્ષા અને સાર્વભૌમત્વમાં આક્રમક દખલ કરી શકે છે. કૅનેડાના લોકો સુરક્ષિત છે એ માટે થઇને અમારે જવાબ દેવો પડ્યો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્રૂડોના નિવેદન પર ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, "આજે અમે જે સાંભળ્યું છે તે એ જ વાતને અનુમોદન આપે છે જે અમે સતત કહેતા આવ્યા છીએ. કૅનેડાએ ભારત અને ભારતીય રાજદ્વારીઓ પર લગાવેલા ગંભીર આરોપોને સમર્થન આપતા માટે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આ બેદરકાર વ્યવહારની લીધે ભારત – કૅનેડાના સંબંધને જે નુકસાન થયું છે તેની જવાબદારી વડા પ્રધાન ટ્રૂડોની છે."
બંને દેશોના સંબંધમાં ખટાશ

ઇમેજ સ્રોત, REUTERS
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
છેલ્લા કેટલાક સમયથી ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધમાં ખટાશ વધી રહી છે. આ અઠવાડિયે સોમવારે ભારતે કહ્યું હતું કે તેણે ભારતીય હાઈ કમિશનર સંજય વર્મા સહિત અન્ય કેટલાક રાજદ્વારીઓને કૅનેડાથી પાછા બોલાવી લીધા છે. સાથે જ ભારતે કૅનેડાના છ રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
પરંતુ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રાજધાની ઓટાવામાં પત્રકારોને કહ્યું હતું કે, તેમની સરકારે છ ભારતીય રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢ્યા છે.
આ સિવાય કૅનેડાની રૉયલ માઉન્ટ પોલીસે પણ ગયા સોમવારે પત્રકારો સમક્ષ દાવો કર્યો હતો કે ભારતીય એજન્ટો સંગઠિત અપરાધ જૂથ બિશ્નોઈ ગ્રૂપની મદદથી કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકોને ખાસ કરીને ખાલિસ્તાન સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે.
ટ્રૂડોએ પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે તેમની સરકારે નિજ્જરની હત્યા સાથે સંબંધિત માહિતીને જાહેર ન કરવાનો નિર્ણય ભારતમાં યોજાયેલા જી20 સંમેલન અગાઉ લીધો હતો.
તેમણે કહ્યું હતું, "જો અમે ઇચ્છતા હોત તો અમે સંમેલન પહેલાં તેને જાહેર કરીને ભારતને મૂંઝવણમાં મૂકી શક્યા હોત. પરંતુ અમે એવું ન કર્યું. અમે પડદા પાછળ કામ કરવાનું ચાલુ રાખ્યું જેથી ભારત અમને સહકાર આપે. ભારતે અમને પૂછ્યું કે પુરાવા શું છે? અમે કહ્યું કે તમારી સુરક્ષા એજન્સીઓ તમને જણાવી દેશે, તમે તપાસ કરો તેમની પાસે શું માહિતી છે."
જસ્ટિન ટ્રૂડોએ જણાવ્યું હતું, ભારતમાં આયોજિત જી20 કૉન્ફરન્સ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ તેમણે કેવી રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ટ્ર્ડોએ કહ્યું હતું, "મેં તેમને કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે તેઓ સામેલ છે અને મેં તેના વિશે ખરેખર ચિંતા વ્યક્ત કરી હતી."
ટ્રૂડોએ કહ્યું કે મોદીએ સામાન્ય જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું,"કૅનેડામાં એવા લોકો છે જેઓ ભારત સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે અને તેમની ધરપકડ થવી જોઈએ.”
જી20 સંમેલનમાંથી પાછા ફર્યા પછી કૅનેડાના હાઉસ ઑફ કોમન્સમાં ટ્રૂડોએ નિઝરની હત્યાના આરોપ પ્રગટ કર્યા હતા.
કૅનેડાના સાંસદ ચંદ્ર આર્યે સવાલ ઉઠાવ્યા

ઇમેજ સ્રોત, @ARYACANADA
કૅનેડામાં ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યે કહ્યું હતું કે, એક હિન્દુ સાંસદ હોવાને નાતે પોતે પણ હિન્દુઓની ચિંતા અનુભવી શકે છે.
સોશિયલ મીડિયા મંચ – ઍક્સ પર એક વીડિયો રજૂ કરીને તેમણે કહ્યું કે,
"મેં તાજેતરની ઘટનાઓ વિશે કૅનેડિયન હિંદુઓની ચિંતાઓ સાંભળી છે. એક હિન્દુ સાંસદ તરીકે મેં પણ આ ચિંતાઓ અનુભવી છે."
તેણે કહ્યું હતું કે, “ખાલિસ્તાની પ્રદર્શનકારીઓના એક જૂથે પણ મારી વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જો કે, હું રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ(આરસીએમપી)ના અધિકારીઓના રક્ષણ હેઠળ એડમોન્ટનના એક હિન્દુ કાર્યક્રમમાં સામેલ થઈ શક્યો હતો. કૅનેડામાં લાંબા સમયથી ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદની સમસ્યાથી અમે વાકેફ છીએ."
ચંદ્ર આર્યે કહ્યું હતું કે, 'હું સ્પષ્ટ કરી દઉં કે અમે કૅનેડાની અંદર કોઈપણ દેશની કોઈપણ કાર્યવાહીને સ્વીકારતા નથી. કૅનેડિયન તરીકે, અમે નથી ઈચ્છતા કે કોઈ દેશ અમારી સ્થાનિક બાબતોમાં દખલ કરે. એમાં ખાલિસ્તાની ઉગ્રવાદના મામલા પણ સામેલ છે."
ભારતીય મૂળના સાંસદે કહ્યું હતું કે, "ખાલિસ્તાન એ કૅનેડાની સમસ્યા છે અને તેને થાળે પાડવાની જવાબદારી અમારી સરકાર અને અમારા કાયદાની છે."
ભારત અને કૅનેડા વચ્ચેના સંબંધમાં ગયા વર્ષથી ખટાશ છે. જૂન 2023માં ભારતીય મૂળના શીખ નાગરિક હરદીપસિંહ નિજ્જરની કૅનેડામાં હત્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધ વણસવાના શરૂ થયા હતા.
કૅનેડાની સરકારે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. હરદીપસિંહ નિજ્જર ખાલિસ્તાનના સમર્થક હતા.
આ અઠવાડિયે બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને પણ રવાના કરી દીધા હતા. જોકે ભારતે દાવો કર્યો હતો કે તેણે પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે.
કૅનેડાએ અત્યાર સુધી શું શું કહ્યું છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
• કૅનેડાની ધરતી પર હિંસાની નિંદા કરતા ટ્રૂડોએ કહ્યું કે ભલે તે હત્યા હોય, ખંડણી કે અન્ય કોઈ હિંસક પ્રવૃત્તિ હોય, તેને ચલાવી લેવામાં આવશે નહીં.
• તેમણે કહ્યું, "કોઈ દેશ, ખાસ કરીને લોકશાહી જે કાયદાના શાસનને અનુમોદન આપે છે તે પોતાના સાર્વભૌમત્વના આ મૂળભૂત ઉલ્લંઘનને સ્વીકારી શકે નહીં."
• જસ્ટિન ટ્ર્ડોએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ(આરસીએમપી)એ આજે બહાર આવવાનો નિર્ણય લીધો છે અને ભારતીય રાજદ્વારીઓ દ્વારા કૅનેડિયન નાગરિકો વિશે માહિતી એકત્ર કરવાની પદ્ધતિને રોકવાનો નિર્ણય કર્યો છે."
• તેમણે દાવો કર્યો હતો કે આ માહિતી ગુનાઈત સંગઠનોને આપવામાં આવી હતી જેના કારણે 'ખંડણીથી લઈને હત્યા સુધીની હિંસા' થઈ હતી.
• જો કે, ટ્રૂડોએ કોઈપણ રાજદ્વારી અને હાઈ કમિશન સ્ટાફની કથિત ભૂમિકા વિશે કોઈ માહિતી આપી નથી અને કહ્યું છે કે આ બાબતો કોર્ટમાં વિચારાધીન છે.
• તેમણે એવું જરૂર કહ્યું છે કે જ્યારે કાયદાકીય કેસ પૂરા થશે ત્યારે વધુ માહિતી જાણવા મળશે.
• ટ્રૂડોએ પોતાના કાર્યલયમાંથી પણ એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, 'આરસીએમપી અને રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ ભારત સરકાર અને ભારતીય કાયદા એજન્સીઓ સાથે કામ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ ઇન્કાર કરતા રહ્યા, એટલા માટે કૅનેડિયન અધિકારીઓએ આ અઠવાડિયે અભૂતપૂર્વ પગલું ભર્યું.
• "તેઓ ભારતીય અધિકારીઓને આરસીએમપીના પુરાવા આપવા માટે મળ્યા હતા, જેમાં છ ભારતીય સરકારી એજન્ટો ગુનાઈત પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારત સરકાર દ્વારા વારંવાર વિનંતીઓ કરવા છતાં, તેમણે સહકાર ન આપવાનું નક્કી કર્યું હતું. ભારત સરકાર હજુ પણ સહકાર આપવાનો ઇન્કાર કરી રહી છે તે જોતાં, મારા સહયોગી, વિદેશ બાબતોના મંત્રી મૅલાની જૉલી પાસે એક જ વિકલ્પ હતો.
• “આજે (સોમવારે) આ છ લોકોને દેશમાંથી રવાના કરવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે. તેમણે કૅનેડા છોડવું પડશે. તેઓ હવે કૅનેડામાં રાજદ્વારી તરીકે કામ કરી શકશે નહીં તેમજ કોઈપણ કારણસર કૅનેડામાં ફરીથી પ્રવેશ કરી શકશે નહીં. "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આરસીએમપી દ્વારા પૂરા પાડવામાં આવેલા પુરાવાઓને અવગણી શકાય નહીં."
• કૅનેડાના વડા પ્રધાને તપાસમાં સહકાર આપવા માટે ફરી ભારત સરકારને અપીલ કરી છે.
• ટ્રૂડોએ તેમના નિવેદનમાં આકરા શબ્દોમાં કહ્યું હતું કે "ભારત સરકારે તપાસમાં જોડાવું જોઈએ અને નિષ્ક્રિયતા તેમજ ભ્રામક નિવેદનોનો અંત લાવવો જોઈએ."
ભારતે અત્યાર સુધી શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
ભારતે સોમવારે જાહેરાત કરી હતી કે કૅનેડામાંથી ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્મા અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે ભારતે કૅનેડાના છ રાજદ્વારીઓને પણ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે.
• ભારતીય વિદેશ મંત્રાલયે તેમને 19 ઑક્ટોબરના રોજ રાત્રે 11:59 વાગ્યા પહેલા ભારત છોડવા કહ્યું છે.
• કૅનેડાના વલણ પર વિરોધ વ્યક્ત કરતા, ભારતે દિલ્હીમાં તેના મિશનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ બજાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કૅનેડામાં ભારતીય હાઈ કમિશન અને અન્ય રાજદ્વારીઓને કોઈ આધાર વગર અડફેટે લેવા એ સ્વીકાર્ય નથી.
• સોમવારે સાંજે, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "ટ્રૂડો સરકારના વલણને કારણે ભારતીય રાજદ્વારીઓ જોખમમાં છે." હાલની સરકારમાં અમને ભરોસો નથી. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે કૅનેડામાંથી તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે. અમે કૅનેડાને કહ્યું છે કે ટ્રૂડો સરકાર જે રીતે ભારત વિરુદ્ધ અલગતાવાદ અને ઉગ્રવાદને સમર્થન આપી રહી છે તેની સામે ભારતને જવાબ આપવાનો અધિકાર છે.
• ભારતના વિદેશ મંત્રાલયે નિજ્જર હત્યા કેસમાં ભારતીય હાઈ કમિશનરના નામ સામે સખત વાંધો ઊઠાવ્યો છે. ભારતે કહ્યું છે કે આ મુદ્દો હવે રાજકારણ સાથે જોડાઈ ગયો છે કારણ કે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો ઘણા પડકારનો સામનો કરી રહ્યા છે.
• ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “અમને રવિવારે કૅનેડા તરફથી રાજદ્વારી સંદેશ મળ્યો હતો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે કૅનેડામાં ચાલી રહેલી તપાસમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓની સંડોવણી સામે આવી છે. ભારત સરકાર આ વાહિયાત આરોપોને ફગાવે છે. કૅનેડાની ટ્રૂડો સરકાર મત મેળવવા આવું કરી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












