કૅનેડામાં મૂળ ભારતીયોએ રૂ. 120 કરોડના સોના અને લાખો ડૉલરની 'ઉઠાંતરી'ને કેવી રીતે આપ્યો અંજામ?

ઇમેજ સ્રોત, Getty Images
સપ્ટેમ્બર-2023માં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પોલીસે ટ્રાફિક નિયમભંગના ગુનામાં એક શખ્સની ધરપકડ કરી. પોલીસે તેની ગાડીમાં તપાસ કરી તો તેમાંથી હથિયાર મળી આવ્યા.
મૂળ કૅનેડાના ડ્રાઇવર દુરાંતે કિંગ-મૅકક્લિને ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. પોલીસે તપાસ કરતા કૅનેડામાં થયેલી સોનાની તફડંચીની બહુ મોટી ઘટના ઉપરથી પડદો ઊંચકાયો.
એપ્રિલ-2023 ટૉરેન્ટોના પિઅર્સન ઍરપૉર્ટ પરથી લગભગ રૂ. 120 કરોડની કિંમતનાં 400 કિલોગ્રામનાં સોનાનાં બિસ્કિટ અને (20 મિલિયન કૅનેડા ડૉલર) આ સિવાય કૅનેડાના 25 લાખ ડૉલરની રોકડની ઉઠાંતરી કરવામાં આવી હતી. આ કેસમાં ભારતીય મૂળના બે શખ્સ સહિત નવ જેટલા લોકોની સંડોવણી બહાર આવી છે.
પોલીસે લૂંટનો કેટલોક મુદ્દામાલ, હથિયાર અને રોકડ કબજે કર્યાં છે. પોલીસના મતે ક્રિમિનલ્સની ગૅંગે 'નૅટફ્લિક્સ વેબસિરીઝ'ને ટક્કર મારે એ રીતે સમગ્ર અપરાધને અંજામ આપ્યો હતો.
આ મુદ્દે માલની સુરક્ષા આપનારી અમેરિકાની કંપનીએ ઍર કૅનેડા ઉપર એક કરોડ 45 લાખ અમેરિકન ડૉલરનું વળતર મેળવવા દાવો કર્યો છે, પરંતુ વિમાન કંપનીએ તેની ઉપરના તમામ આરોપોને નકાર્યા છે.
42 મિનિટમાં તફડંચી

કૅનેડાના ટૉરેન્ટોમાં આવેલું પિઅર્સન ઍરપૉર્ટ સમગ્ર વિશ્વમાં સોનાની હેરફેર માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. દેશના ઑન્ટારિયો પ્રાંતમાં ખાણકામ દ્વારા જે સોનું કાઢવામાં આવે છે, તે અહીંથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચે છે તથા આંતરરાષ્ટ્રીય બજારમાંથી આવતું સોનું અહીં ઊતરે છે.
તા. 17મી એપ્રિલ-2023ના સ્વિટ્ઝરલૅન્ડના ઝ્યુરિચ ખાતેથી ઍર કૅનેડાની ફ્લાઇટ પિઅર્સન ઍરપૉર્ટ ઉપર ઊતરી. જેમાં બીજા બધા સામાનની સાથે લગભગ ચારસો કિલોગ્રામ સોનું ઊતર્યું હતું. લગભગ છ હજાર 500 લગડીની કિંમત કૅનેડાના બે કરોડ ડૉલર જેટલી હતી. આ સિવાય 25 લાખ કૅનેડિયન ડૉલરની રોકડ પણ ઊતરી હતી.
સોનું ઊતર્યું તેના લગભગ 42 મિનિટમાં જ તેને તફડાવી લેવામાં આવ્યું હતું. કૉર્ટના દસ્તાવેજો પ્રમાણે, પાંચ ટનની લૉરી આવી હતી, જેણે બનાવટી ઍરવે બિલ બતાવ્યું હતું અને માલની ડિલિવરી લઈ લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પીલ રિજનલ પોલીસને આ વિશે જાણ થઈ, ત્યારે તેમને આશંકા હતી કે ઍર કૅનેડાના અમુક કર્મચારીઓની સંડોવણી હોઈ શકે છે. ઍરપૉર્ટના જે વિસ્તારમાંથી માલની ડિલિવરી લેવામાં આવી, ત્યાં ઍરપૉર્ટની સુરક્ષા ન હતી.

ઍરપૉર્ટ સુરક્ષાના નિષ્ણાત સ્ટેસી પૉર્ટરે ઘટના સમયે બીબીસીને જણાવ્યું હતું, 'ઍરપૉર્ટના વિસ્તાર ખૂબ જ મોટા હોય છે એટલે સુરક્ષાને લગતાં જોખમ પણ વધુ હોય છે. જ્યાં મુસાફરોની અવરજવર હોય છે, ત્યાં તો ભારે સુરક્ષા તથા કૅમેરાની નજર હોય છે, પરંતુ જે વિસ્તારમાં યાત્રીઓનો સામાન અથવા કાર્ગૉ રાખવામાં આવે છે, ત્યાં દરેક ખૂણે કૅમેરાની નજર નથી હોતી, એટલે આવી ઘટના ઘટે છે.'
સોનાને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી અમેરિકાની બ્રિન્ક્સ ઇન્ટરનેશનલ કંપની ઉપર હતી. જેણે ઍર કૅનેડા ઉપર સોનાની ડિલિવરી લેવા આવનારી વ્યક્તિની ઓળખ વિશે પૂરતી ખરાઈ નહીં કરીને લાપરવાહીપૂર્વક દાખવવાનો આરોપ મૂક્યો.
સિક્યૉરિટી કંપનીએ ઍર કૅનેડા પાસેથી પૂરેપૂરી રકમની વળતરપેટે માગણી કરી. કંપનીનું કહેવું હતું કે અનધિકૃત વ્યક્તિની અવરજવર ઉપર નિયંત્રણ રાખવા કે તેને અટકાવવા માટે કોઈ સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં નહોતી આવી.
ઍર કૅનેડાએ તેની ઉપરના 'દરેકે દરેક' આરોપને નકારી કાઢ્યા. ઍરપૉર્ટનું કહેવું હતું કે જે વિસ્તારમાંથી સોનું લઈ જવામાં આવ્યું, તેની સુરક્ષાની જવાબદારી ત્રાહિત પક્ષકારની હતી.
ઑપરેશન 24K

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સોનાની શુદ્ધતાને કૅરેટમાં માપવામાં આવે છે. જે સોનાની શુદ્ધતાનો ભારાંક 24 કૅરેટ હોય તેને એકદમ શુદ્ધ માનવામાં આવે છે તથા '24 K'નું નિશાન મારવામાં આવે છે. કદાચ એટલે જ જ્યારે પીલની પ્રાંતીય પોલીસે આ કેસને ઉકેલવા માટે અભિયાન હાથ ધર્યું, ત્યારે તેને નામ આપ્યું 'ઑપરેશન 24 K.'
આ કૅનેડાની સૌથી મોટી લૂંટ તો ન હતી, પરંતુ મોટી લૂંટોમાંથી એક ચોક્કસ હતી. ઘટનાને કારણે ઍરપૉર્ટ ઉપર અવરજવર કરતા મુસાફરોની સુરક્ષા વિશે પણ ચિંતા ઊભી થઈ હતી, પરંતુ પોલીસે એ આશંકાઓને નકારી કાઢી હતી.
કૅનેડા તથા અમેરિકાની પોલીસે મળીને આ કેસની ગૂંચ ઉકેલવાના પ્રયાસ હાથ ધર્યા હતા, ત્યારે તેમને ફિલાડેલ્ફિયામાં અકલ્પનીય સફળતા મળી હતી.
દુરાંતે પાસેથી જે હથિયાર મળી આવ્યા,એમાંથી એક 'ભૂતિયું હથિયાર' હતું, જ્યારે 11 ચોરાઉ હતા, એમાંથી બેને મૉડિફાય કરીને તેને ઑટોમૅટિક બનાવવામાં આવ્યા હતા. જે હથિયાર ઉપરથી તેના સિરિયલ નંબરને ભૂંસી નાખવામાં આવ્યા હોય, જેથી કરીને તેનું પગેરું દાબી ન શકાય, તેવા હથિયારને 'ભૂતિયા હથિયાર' કહેવામાં આવે છે.
આ શસ્ત્રો કૅનેડા મોકલવાના હતા. હથિયાર સાથે ધરપકડ થઈ હોવાથી અમેરિકાએ દુરાંતેને કૅનેડાની પોલીસને હવાલે નહોતા કર્યા, પરંતુ તપાસમાં બહાર આવ્યું કે તેમણે જ તફડંચી માટે આવેલી કારનું ડ્રાઇવિંગ કર્યું હતું.
આ સિવાય પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી બે તફડંચી સમયે ઍર કૅનેડામાં કામ કરતા હતા. બંને જામીન પર બહાર છે. એકે ઘટના પછી કંપની છોડી દીધી હતી, જ્યારે ધરપકડ સમયે બીજાની નોકરી ચાલુ હતી.
પોલીસે પરમપાલ સિદ્ધુ, અમિત જલોટા, અમાદ ચૌધરી, અલી રાઝા અને પ્રશાંત પરમલિંગમની ધરપકડ કરી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, ધરપકડ કરાયેલાઓમાંથી બે ભારતીય મૂળના છે. આ સિવાય સિમરન પ્રિત પાનેસર, અર્ચિત ગ્રૉવર તથા અરસલાન ચૌધરી નામની ત્રણ વ્યક્તિ હજુ પણ ફરાર છે.
અત્યાર સુધીની તપાસ દરમિયાન પોલીસને સોનાનાં છ કડાં, સોનું ગાળવાના સાધન અને બીબાં ઉપરાંત ચાર લાખ 30 હજાર કૅનેડિયન ડૉલર્સ મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ નાણાં સોનું વેંચીને મેળવવામાં આવ્યા હતા. જ્યારે જપ્ત કરાયેલા હથિયારની સંખ્યા 65 ઉપર પહોંચી ગઈ છે.












