સિડની ચાકૂ હુમલો: છ લોકોની હત્યા કરનારો કોણ છે અને આવું કૃત્ય કેમ કર્યું?

ઇમેજ સ્રોત, SUPPLIED/BBC
- લેેખક, જે સૅવેજ
- પદ, બીબીસી સંવાદદાતા, સિડનીથી
ઑસ્ટ્રેલિયાની પોલીસે શુક્રવારે સિડનીના શોપિંગ સેન્ટરમાં ચાકૂથી હુમલો કરનારા વ્યક્તિની ઓળખ કરી લીધી છે. આ હુમલામાં છ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. હુમલાખોરનું ગોળી વાગવાથી મૃત્યુ થઈ ગયું હતું.
શનિવારે 40 વર્ષના જોએલ કાઉચીએ અત્યંત ભીડવાળા વૅસ્ટફીલ્ડ બૉન્ડી જંક્શન શૉપિંગ સેન્ટરમાં લોકો પર એક મોટા ચાકૂથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં પાંચ મહિલાઓ અને એક પુરુષનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલામાં એક બાળક સહિત અનેક લોકો ઘાયલ પણ થયા હતા.
અધિકારીઓનું કહેવું છે કે એ વાત સંભવ છે કે આ હુમલાનો સંબંધ કાઉચીના માનસિક સ્વાસ્થ્ય સાથે પણ હોય.
પરંતુ શું કાઉચી પોતાના હુમલામાં માત્ર મહિલાઓને નિશાન બનાવી રહ્યો હતો? આ સવાલના જવાબમાં રવિવારે ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનર કૅરેન વૉબે પત્રકારોને કહ્યું કે આ તપાસમાં આ ઍંગલથી પણ તપાસ થઈ રહી છે.
જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે આ ચાકૂ હુમલાને તેઓ આતંકી હુમલો નહીં કહે. તેમણે એ પણ કહ્યું હતું કે પોલીસને એવું લાગી રહ્યું છે કે આ હુમલો કોઈ ખાસ ‘વિચારધારાથી પ્રેરિત’ હોય તેવું લાગતું નથી.
માનસિક સમસ્યાથી પીડિત હતો હુમલાખોર

ઇમેજ સ્રોત, NSW POLICE
પોલીસે કહ્યું છે કે તેમને પહેલાંથી જ કાઉચી વિશે જાણકારી હતી. પરંતુ તેની પોતાના હોમટાઉન ક્વીન્સલૅન્ડમાં ક્યારેય ધરપકડ થઈ ન હતી કે ન તો તેના પર કોઈ આરોપ લાગ્યો હતો.
ક્વીન્સલૅન્ડ પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કાઉચીના પરિવારે આ હરકતને ‘ભયાનક’ ગણાવી છે અને તેને કિશોરાવસ્થામાં 17 વર્ષની ઉંમરથી જ માનસિક સમસ્યા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કાઉચીના પરિવારનું કહેવું છે કે સિડનીમાં જ કાળજું કંપાવનારી ઘટના બની તેનાથી અમે સ્તબ્ધ છીએ.
“અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતોના સંબંધીઓ સાથે છે. જોએલે જે કર્યું તે ખરેખર ભયાવહ હતું અને અમે હજુ પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હશે કે તેણે આવું પગલું ભર્યું.”
પરિવારે કહ્યું કે તેઓ સતત પોલીસના સંપર્કમાં છે. પરંતુ તેમને એ પોલીસ ઑફિસર પ્રત્યે કોઈ ફરિયાદ નથી કે જેણે કાઉચી પર ગોળી ચલાવી.
પરિવારે કહ્યું, “તેઓ લોકોને બચાવવાનું કામ કરી રહ્યાં હતાં અને અમને આશા છે કે તેઓ ઠીક હશે.”
ન્યૂ સાઉથ વૅલ્સ પોલીસે કહ્યું કે કાઉચીના નાનકડા સ્ટોરેજ યુનિટની શરૂઆતી તપાસ કર્યા પછી પણ અમને આ હુમલા પાછળના કોઈ સંભવિત કારણની ખબર પડી નથી.
અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ તેઓ પીડિતોના પરિવારોને સૂચિત કરવાની કોશિશ કરી રહ્યા છે. તેમાંથી બે લોકોના કોઈ સંબંધીઓ હાલમાં ઑસ્ટ્રેલિયામાં નથી.
પરંતુ હુમલામાં ઘાયલ બાળકનાં માતા ઍશલે ગુડના પરિવારનું કહેવું છે કે એશલે ગુડ પણ મૃત્યુ પામેલા લોકોમાંનાં એક છે. હુમલો નજરે જોનારા લોકોમાંથી એકે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે ઍશલેએ હુમલો શરૂ થતાં જ બાજુમાં ઊભેલા લોકોને પોતાની નાની બાળકી સોંપી દીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
એક વ્યક્તિએ નાઇન ન્યૂઝને જણાવ્યું કે, "બાળકની માતાને છરો મારવામાં આવ્યો હતો અને તેઓ મારી પાસે આવ્યાં અને તેમણે બાળકને મારી તરફ તરત જ ફેંકી દીધું. પછી હું બાળકને પકડીને ત્યાં ઊભો હતો."
હૅલ્થ મિનિસ્ટર રેયાન પાર્કે એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, "નવ મહિનાની બાળકીની રાતોરાત સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં તે આઈસીયુમાં ગંભીર હાલતમાં છે. અમને લાગે છે કે બાળકી સ્વસ્થ થઈ જશે પરંતુ હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો છે."
ઍશલેના પરિવારે બાળકી અને ઍશલેને મળી રહેલા પ્રેમ માટે દેશવાસીઓનો આભાર માન્યો છે.
હુમલાનો બીજો શિકાર ફરાઝ તાહિર બન્યા હતા. ઑસ્ટ્રેલિયાના અહમદિયા મુસ્લિમ સમુદાય વતી જણાવવામાં આવ્યું છે કે આ 30 વર્ષીય વ્યક્તિ પાકિસ્તાનના છે અને તેમણે એક વર્ષ પહેલાં જ ઑસ્ટ્રેલિયામાં શરણ લીધી હતી.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાહિર એક સુરક્ષા ગાર્ડ હતા અને સ્થાનિક સમુદાયમાં એક સન્માનિત સદસ્ય તરીકે તેઓ જાણીતા હતા.
હુમલામાં 25 વર્ષીય ડૉન સિંગલટનનું પણ મોત થયું હતું. તેઓ વ્હાઇટ ફૉક્સ બુટિકમાં કામ કરતાં હતાં.
તેમની કંપનીએ કહ્યું, "તેના (સિંગલટન) નિધનથી અમે ખૂબ જ દુઃખી છીએ. તે એક સારાં, દયાળુ મહિલા હતાં જેમની પાસે હજી આખું જીવન હતું. તેઓ ખરેખર અદ્ભુત વ્યક્તિત્ત્વ ધરાવતાં હતાં."
દેશ-વિદેશના નેતાઓએ વ્યક્ત કર્યું દુ:ખ

ઇમેજ સ્રોત, NSW POLICE
ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થોની અલ્બનીઝે કહ્યું કે જે પણ બન્યું તેનાથી લાગેલા આઘાતમાંથી ઑસ્ટ્રેલિયાના લોકો બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે.
આ હુમલાને સમજથી પરે ગણાવતા અલ્બનીઝે એ એ મહિલા પોલીસ અધિકારીની ભરપૂર પ્રશંસા કરી હતી. જેણે મૉલમાં ઉપદ્રવ મચાવી રહેલા કાઉચીનો મુકાબલો કર્યો અને તેના પર ગોળી ચલાવી.
પોલીસે એ મહિલા અધિકારીની ઓળખ ઍમી સ્કૉટ તરીકે આપી છે. જોકે, આ મહિલા અધિકારી હાલમાં મીડિયા સાથે આ ઘટના અંગે વાતચીત કરવા ઇચ્છતાં નથી.
છરીના હુમલા પછી નવ લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને અન્ય ત્રણને રાતોરાત તબીબી નિરીક્ષણની જરૂર પડી હતી એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ હુમલા બાદ લગભગ 40 પેરામેડિક્સ તહેનાત કરવામાં આવ્યા હતા.
સિડનીનું આ શોપિંગ સેન્ટર ફૉરેન્સિક તપાસ માટે રવિવારે સામાન્ય લોકો માટે બંધ રહ્યું હતું.
બપોર સુધી આ શોપિંગ મૉલના ગેટની બહાર સેંકડો ગુલદસ્તાઓ રાખવામાં આવ્યા હતા. અહીંથી પસાર થતા મોટાભાગના લોકોની આંખોમાં આંસુ હતાં.
વિશ્વભરના નેતાઓએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. ન્યુઝીલૅન્ડના નેતા ક્રિસ્ટૉફર લક્સને કહ્યું છે કે તેમના દેશમાં દરેક વ્યક્તિ હુમલાથી પ્રભાવિત લોકો વિશે જ વિચારી રહી છે.
તો બીજી તરફ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે બ્રિટિશ લોકોના મનમાં પીડિતો પ્રત્યે સહાનુભૂતિ છે.
કેથોલિક ધર્મગુરુ પૉપ ફ્રાન્સિસે કહ્યું હતું કે તેઓ આ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ક્વીન કૅમિલાએ કહ્યું હતું કે તેઓ આ હુમલાથી આઘાતમાં છે અને તેમની સંવેદનાઓ પીડિતોના પરિવારો સાથે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત)












