કૅનેડામાં શીખોની બોલબાલા કેવી રીતે વધી અને સ્થળાંતર ક્યારથી શરૂ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નવદીપકોર ગ્રેવાલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
હાલમાં શીખો કૅનેડિયન રાજકારણ, અર્થતંત્ર, સામાજિક માળખા અને સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે, પરંતુ શીખોએ કૅનેડામાં સ્થળાંતર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમની સ્થિતિ આજના જેવી ન હતી.
શીખોએ કૅનેડામાં પોતાનું સ્થાન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને તેના અનેક ઐતિહાસિક સંદર્ભ છે.
આ લેખમાં આપણે શીખો કૅનેડા કેવી રીતે પહોંચ્યા, કયા વર્ષથી કૅનેડામાં શીખોનું સ્થળાંતર વધ્યું અને ક્યારથી ઘટ્યું તેની વાત કરીશું.
આ માહિતી કૅનેડાના શીખ મ્યુઝિયમની વેબસાઇટ, કૅનેડામાં ત્રણ વખત સંસદસભ્ય બનેલા ગુરમંત ગરેવાલના લેખ અને 'હિન્દુસ્તાન ટાઇમ્સ' તથા અન્ય ઘણા સ્રોતોમાંથી એકત્ર કરવામાં આવી છે.

કૅનેડા પહોંચેલા પ્રથમ શીખ કોણ હતા?

મહારાજા રણજિતસિંહના પૌત્ર પ્રિન્સ વિક્ટર આલ્બર્ટ દલીપસિંહ કૅનેડાની મુલાકાત લેનાર શીખ સમુદાયની પ્રથમ વ્યક્તિ હોવાનું માનવામાં આવે છે. તેઓ મહારાજા દલીપસિંહ અને રાણી બેમ્બા મુલરના પુત્ર હતા.
કૅમ્બ્રિજમાં ઈટોન અને ટ્રિનિટીમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે સેન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. એ પછી તેમની નિમણૂક ફર્સ્ટ (રૉયલ) ડ્રેગન્સમાં લેફટનન્ટ તરીકે કરવામાં આવી હતી.
1888માં તેમની નિમણૂક બ્રિટિશ ઉત્તર અમેરિકાના નોવા સ્કોટિયાના હેલિફેક્સમાં કરવામાં આવી હતી. ત્યાં તેમણે બ્રિટિશ સૈન્યના કમાન્ડર જનરલ સર જોન રોન્સના માનદ સહાયક તરીકે કામ કરવાનું હતું. તેથી તેમને કૅનેડા ગયેલા શીખ સમુદાયની સૌપ્રથમ વ્યક્તિ માનવામાં આવે છે. 1890માં તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા હતા.
એ પછી કૅનેડા ગયેલા શીખો બ્રિટિશ સૈનિકો હતા. 1897માં ઇંગ્લૅન્ડમાં રાણી વિક્ટોરિયાના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સંદર્ભે લંડનમાં યોજાયેલી રેલીમાં કૉમનવેલ્થ દેશોના અનેક સૈન્ય એકમોએ ભાગ લીધો હતો. તેમાં શીખો પણ હાજર રહ્યા હતા.
કૅનેડિયન શીખ સરજિતસિંહ જગપાલ તેમના પુસ્તક ‘બીકમિંગ કૅનેડિયન’માં લખે છે કે રાણી વિક્ટોરિયાના હીરક મહોત્સવની ઉજવણીમાં ભાગ લેનાર હૉંગકૉંગ રેજિમેન્ટના શીખ પુરુષો કૅનેડા માર્ગે હૉંગકૉંગ પાછા ફર્યા હતા.
સરજિતસિંહ જગપાલ લખે છે, શીખ યુવાનો કૅનેડાની જમીન અને હરિયાળીથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમને કૅનેડા પંજાબ જેવું લાગ્યું હતું.

શીખો કૅનેડા આવ્યા તે પહેલાંથી કૅનેડાનો શીખો સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
શીખોએ કૅનેડાની ધરતી પર પગ મૂક્યો તે પહેલાં ત્યાં શીખોની ચર્ચા હોવાના સંદર્ભ મળે છે.
ભારતના શીખોને વિશ્વના સૌથી બહાદુર સૈનિકો ગણવામાં આવતા હતા.
બ્રિટિશ નૉર્થ અમેરિકા ઍક્ટ પછી 1868માં કૅનેડાના પ્રથમ વડા પ્રધાન સર જોન એ. મૅકડોનાલ્ડે ભારતમાંના એક દોસ્તને પત્ર લખ્યો હતો.
કૅનેડાના શીખ હેરિટેજ મ્યુઝિયમની વેબસાઇટ જણાવે છે, “ઇંગ્લૅન્ડ અને અમેરિકા વચ્ચે યુદ્ધ થાય ત્યારે ભારત શીખોની સેના મોકલીને અમારી મદદ કરી શકશે.”
તે અગાઉ, 1843-1845ના સમયગાળામાં બ્રિટિશ સામ્રાજ્યના કૅનેડાના ગવર્નર જનરલ સર ચાર્લ્સ મેટકાફે પંજાબી શીખ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.
ભારતમાંના બ્રિટિશ રાજના અધિકારી તરીકે સર ચાર્લ્સ મેટકાફે મહારાજા રણજિતસિંહ સાથે લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને લાહોરની એક શીખ મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.
કૅનેડાના ગવર્નર જનરલ તરીકેના મેટકાફના કાર્યકાળ દરમિયાન તેમનાં શીખ પત્ની તેમની સાથે કૅનેડા ગયાં હતાં કે નહીં, તેનો કોઈ સંદર્ભ મળતો નથી.

શીખો રોજગાર માટે કૅનેડામાં ક્યારથી અને કેવી રીતે આવતા થયા?

ઇમેજ સ્રોત, VANCOUVER PUBLIC LIBRARY
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીસમી સદીના શરૂઆત (વર્ષ 1900)થી શીખો રોજગાર માટે કૅનેડા આવવા લાગ્યા હતા.
‘બીકમિંગ કૅનેડિયન’માં સરજિતસિંહ જગપાલ લખે છે, રાણી વિક્ટોરિયાના હીરક મહોત્સવમાં ભાગ લઈને કૅનેડા માર્ગે હૉંગકૉંગ પાછા ફરેલા શીખ સૈનિકોએ તેમના લોકોને નવા દેશ તથા ત્યાં ઉપલબ્ધ તકો વિશે માહિતી આપી હતી.
કૅનેડામાં ગદ્રી બાબાના ઇતિહાસ વિશે અનેક પુસ્તકો લખનાર સોહનસિંહ પૂનીએ કહ્યું હતું, “બ્રિટિશ શાસિત હૉંગકૉંગમાં કામ કરતા શીખોને ત્યાંની ચીની લોકો મારફત કૅનેડા અને અમેરિકાનો પરિચય થયો હતો, કારણ કે ચીની લોકોએ પહેલેથી જ કૅનેડામાં સ્થળાંતર શરૂ કરી દીધું હતું.”
“ભારતીયો પહેલાં ઑસ્ટ્રેલિયા જતા હતા, પરંતુ 1901માં ત્યાંની ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર થતાં ઑસ્ટ્રેલિયાના દરવાજા બંધ થઈ ગયા હતા. પછી લોકો કૅનેડાના વિકલ્પ તરીકે જોવા લાગ્યા હતા.”
શીખો સારા જીવનની શોધમાં કૅનેડા ગયા હતા અને ધીરે ધીરે આ નવા દેશની વાત પંજાબ સુધી પહોંચી હતી.
સોહનસિંહ પૂની પોતે 1972થી કૅનેડામાં વસવાટ કરે છે.
શીખ હેરિટેડ મ્યુઝિયમમાંથી મળેલી માહિતી અનુસાર, 1903-04થી શીખો રોજગાર માટે કૅનેડા આવવા લાગ્યા હતા. વીસમી સદીના પહેલા દાયકામાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં લગભગ 5,500 શીખો રહેતા હતા.
એ સમયે મોટા ભાગના શીખો લાકડાનાં કારખાનાંમાં, સિમેન્ટ ફેક્ટરીઓમાં અને રેલવે કામદાર અથવા ખેતમજૂર તરીકે કામ કરતા હતા. તે સમયે શીખ પુરુષો કૅનેડામાં માત્ર રોજગાર માટે આવતા હતા. સરકારની ઇમિગ્રેશન નીતિને કારણે તેઓ તેમની પત્ની અને સંતાનોને લાવી શકતા ન હતા. કૅનેડામાં બ્રિટિશ કોલંબિયા શીખોનું પ્રથમ ઘર હતું.
પોતાના પુસ્તકમાં સરજિતસિંહ જગપાલ લખે છે, “તે સમયે કૅનેડા આવેલા શીખો સામાન્ય રીતે અશિક્ષિત અને અકુશળ હતા, પરંતુ મહેનતુ બહુ હતા. તેઓ ગોરા કામદારો કરતાં ઓછા વેતન પર કામ કરતા હતા. તેથી શીખ કામદારોને વધુ પસંદ કરવામાં આવતા હતા.”
લુધિયાણાની જીએન કૉલેજમાં ટ્રાવેલ લિટરેચર સેન્ટરના સંયોજક આસિસ્ટંટ પ્રોફેસર ડૉ. તેજિન્દરકોરના જણાવ્યા મુજબ, એ વખતે સ્થળાંતર કરનાર શીખોનો હેતુ પૈસા કમાઈને પોતાના વતન પાછા ફરવાનો હતો.
ડૉ. તેજિન્દર કહે છે, “શીખોએ કૅનેડા જવાનું શરૂ કર્યું ત્યારે તેમણે ભાષાની ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. વિદેશી ભૂમિમાં સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં, સંવાદ સાધવામાં તેમને મુશ્કેલી થતી હતી.”
“તેઓ સ્થાનિક લોકો સાથે વધુ વાતચીત કરતા ન હતા. તે સમયે તેમના દિમાગમાં વધુમાં વધુ કમાણી કરીને ઘરે પાછા ફરવાના વિચાર જ ચાલતા હતા. એ વખતે વાતચીતના માધ્યમો પણ મર્યાદિત હતાં.”
સરજિતસિંહ જગપાલના પુસ્તકમાંથી મળેલા એક સંદર્ભ મુજબ, પંજાબથી કૅનેડા જતા શીખો પંજાબથી કલકત્તા (કોલકાતા) સુધી ટ્રેનની મુસાફરી કરતા હતા. બાદમાં તેઓ જહાજ દ્વારા હૉંગકૉંગ થઈને કૅનેડા પહોંચતા હતા.
શરૂઆતમાં કૅનેડા આવેલા લોકો અને તેમના પરિવારજનોએ કરેલી નોંધ મુજબ, શીખો કડકડતી ઠંડીમાં ઘોડાના તબેલામાં અથવા તો સખત લાકડા પર સૂતા હતા. શિયાળામાં વાપરવા માટે તેઓ ધાબળા ભારતમાંથી લાવતા હોવાની નોંધ પણ મળે છે.

કૅનેડામાં પ્રથમ ગુરુદ્વારા

ઇમેજ સ્રોત, Getty Images
1906માં વાનકુવરમાં ખાલસા દીવાન સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો હેતુ શીખોને સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જરૂરિયાતોને સંતોષવાનો હતો.
ખાલસા દીવાન સોસાયટીએ જ કૅનેડામાં પ્રથમ ગુરુદ્વારા સાહિબનો પાયો નાખ્યો હતો. કૅનેડાનું પ્રથમ ગુરુદ્વારા 1908માં વાનકુવરમાં જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
એ ગુરુદ્વારાની ડિઝાઇન હૉંગકૉંગમાં બનાવવામાં આવેલા સૌપ્રથમ ગુરુદ્વારા સાહિબ જેવી હતી. ભારતથી કૅનેડાના પ્રવાસમાં હૉંગકૉંગ એક સ્ટૉપઓવર હતું. હૉંગકૉંગમાં રહેતા શીખો આ ગુરુદ્વારા સાહિબમાં આશરો લેતા હતા.
સ્થળાંતર કરીને કૅનેડા આવેલા શીખો માટે ગુરુદ્વારાનું નિર્માણ એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હતું.
સોહનસિંહ પૂનીના કહેવા મુજબ, કૅનેડામાં રહેતા શીખોએ ગુરુદ્વારા સાહિબ સ્વરૂપે પોતાની એક એવી જગ્યા બનાવી હતી, જ્યાં જઈને તેઓ પોતાના લોકો સાથે, સમુદાય સાથે ચર્ચા કરી શકે. એ ગુરુદ્વારા ઘર અને દેશથી દૂર રહેતા શીખો માટે એકઠા થવાનું સ્થળ બની ગયું હતું.

સ્થળાંતર અટક્યું
કૅનેડાના શીખ હેરિટેજ મ્યુઝિયમના આંકડા અનુસાર, 1098માં શીખોની વસ્તી લગભગ 5,500 હતી, પરંતુ 1918માં તે સંખ્યા ઘટીને માત્ર 700 થઈ ગઈ હતી.
વીસમી સદીની શરૂઆતમાં શીખોએ મજૂર તરીકે કૅનેડામાં સ્થળાંતર શરૂ કર્યું ત્યારે તેમના પ્રત્યે વિવિધ કારણસર દ્વેષનું નિર્માણ થયું હતું. રાજકીય કારણો ઉપરાંત અન્ય કારણો પણ હતાં. સ્થાનિક લોકોને નોકરી ગુમાવવાનો ડર લાગવા માંડ્યો હતો.
એપ્રિલ, 1907માં કૅનેડામાં મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે વખતે શીખો મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેને લીધે સંઘરાજ્યની ચૂંટણીમાંથી શીખો બહાર થઈ ગયા હતા.
લગભગ 40 વર્ષ સુધી શીખો કૅનેડાની રાજકીય પ્રક્રિયાથી દૂર રહ્યા. એ સમયગાળા દરમિયાન શીખોને મત આપવાનો કે નાગરિકત્વનો અધિકાર ન હતો.
આ બાબતે સોહનસિંહ પૂનીએ માહિતી આપી હતી. એ ઉપરાંત જગવંત ગરેવાલે પણ તેમના લેખમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
એ સમયગાળામાં શીખો વિરુદ્ધ સાંપ્રદાયિક નફરત ફેલાઈ હતી. કૅનેડાના શીખ હેરિટેજ મ્યુઝિયમની વેબસાઇટ અનુસાર, સપ્ટેમ્બર 1907માં 400થી 500 ગોરા લોકોના ટોળાએ અમેરિકાના વૉશિંગ્ટન ડીસીની લામ્બર મિલમાં કામ કરતા હજારો શીખ કામદારોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. આખરે શીખોને શહેરમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
કૅનેડાના વાનકુવરમાં પણ આવી જ હિંસા થઈ હતી. એ ઘટનાને એશિયન વિરોધી રમખાણ પણ કહેવામાં આવે છે.
દરમિયાન, કૅનેડામાં ભારતીયોના આગમનને રોકવા માટે ઇમિગ્રેશન નીતિમાં ફેરફારની ચર્ચા થવા લાગી હતી. તદનુસાર, જાન્યુઆરી, 1908માં નવી નીતિ અને આદેશ બહાર પાડવામાં આવ્યા હતા.
તે આદેશ મુજબ, કૅનેડા આવતા તમામ ઇમિગ્રન્ટ્સ માટે તેમના મૂળ દેશમાંથી કન્ફર્મ્ડ ટિકિટ સાથે કૅનેડા આવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. એ સમયે કૅનેડિયન સરકારે પેસિફિક સ્ટીમશિપ કંપની પર દબાણ કર્યું હતું. એ કંપની ભારતથી કૅનેડા માલ લાવતી હતી. તે એકમાત્ર શિપિંગ કંપની હતી અને તેની સેવા પણ બંધ કરવામાં આવી હતી.
કામાગાટા મારુની ઘટના

અન્ય આદેશ મુજબ, કૅનેડામાં તમામ એશિયન ઇમિગ્રન્ટ્સ માટે 200 ડૉલર સાથે રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, પરંતુ અન્ય ઇમિગ્રન્ટ્સ માટે માત્ર 25 ડૉલર સાથે રાખવાનો નિયમ હતો. આ નિયમ એશિયન કામદારો સાથે ભેદભાવ કરતો હતો.
એ પછી 1914માં કામાગાટામારુની ઘટના બની હતી. એ ઘટના બાબતે સરજિતસિંહ જગપાલે લખ્યું છે કે શીખ બિઝનેસમૅન ગુરદિતસિંહે કૅનેડાની ઇમિગ્રેશન નીતિને પડકારી હતી. તેમણે ભારતીયોને કૅનેડા લાવવા માટે કામાગાટામારુ નામનું જહાજ ભાડે લીધું હતું.
એ જહાજ 1914ની 23 મેએ હૉંગકૉંગ, શાંઘાઈ તથા યોકોહામા થઈને વાનકુવર પહોંચ્યું હતું. તેમાં 376 પ્રવાસીઓ હતા અને એ પૈકીના મોટા ભાગના શીખો હતા. પ્રવાસીઓને કૅનેડાની ધરતી પર ઊતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને બે મહિના પછી 1914ની 23 જુલાઈએ તે જહાજ પાછું મોકલવામાં આવ્યું હતું.
જહાજ કલકતાના બજાજ ઘાટ પર પાછું ફર્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં કૅનેડા પ્રથમ વિશ્વયુદ્ધમાં સામેલ થઈ ગયું હતું.
જહાજ કલકતા પહોંચતાની સાથે જ બ્રિટિશ સરકારે મુસાફરો પર અંગ્રેજ સરકાર વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. જહાજમાંથી અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જેલમાં વર્ષો સુધી યાતના આપવામાં આવી હતી. એ પૈકીના 20 લોકો મૃત્યુ પામ્યા હતા અને અનેક લોકો બ્રિટિશ સરકારના ગોળીબારમાં ઘાયલ થયા હતા.
આ તમામ ઘટના ભારતીયો (શીખો)નું કૅનેડામાં સ્થળાંતર રોકવા માટે પૂરતી પ્રભાવશાળી સાબિત થઈ હતી અને કૅનેડામાં શીખોની સંખ્યામાં ઘટાડો થયો હતો.
‘બીકમિંગ કૅનેડિયન’ પુસ્તકમાં જણાવ્યા અનુસાર, 1915માં એક શીખ વ્યક્તિ કૅનેડા આવી હતી, પરંતુ તે પછી 1919 સુધી કૅનેડામાં સ્થળાંતર કરનારાઓમાં એક પણ શીખ ન હતો.
સરજિતસિંહ જગપાલ લખે છે, “અગાઉ કૅનેડામાં રહેતા ઘણા શીખો એવું વિચારીને ભારત પાછા ફર્યા હતા કે જ્યાં સુધી દેશને આઝાદી નહીં મળે ત્યાં સુધી કૅનેડામાં તેમની સ્થિતિમાં સુધારો થશે નહીં. કેટલાક શીખોએ સારા જીવનની શોધમાં અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું. કૅનેડામાં કોમી હિંસાની ઘટનાઓમાં ઘણા શીખોએ જીવ ગુમાવ્યા હતા.”
કૅનેડામાં શીખ સ્ત્રીઓનું આગમન

ઇમેજ સ્રોત, Getty Images
પાછલા દાયકાની મુશ્કેલીઓ પછી કૅનેડામાં શીખો માટે ઉજ્જવળ ભવિષ્યની નવી આશા જાગી. 1918માં પ્રથમ વિશ્વયુદ્ધમાં કૅનેડા માટે આપેલી સેવાને કારણે ભારતીયો પરના ઇમિગ્રેશન પ્રતિબંધો હટાવવાનું દબાણ કૅનેડા પર કરવામાં આવ્યું હતું.
1919માં કૅનેડાએ તેની ઇમિગ્રેશન નીતિ બદલી હતી અને ત્યાં રહેતા શીખોને તેમની પત્નીઓ તથા સંતાનોને કૅનેડા લાવવાની મંજૂરી આપી હતી. 1920ના દાયકામાં શીખ મહિલાઓએ કૅનેડામાં સ્થળાંતર શરૂ કર્યું હતું.
સરજિતસિંહ જગપાલના પુસ્તકમાં આપેલા આંકડા અનુસાર, 1920માં 10 શીખો કૅનેડામાં સ્થળાંતરિત થયા હતા. તેમાં મહિલાઓ અને બાળકો પણ હતાં.
આ પુસ્તક અને કૅનેડાના શીખ હેરિટેજ મ્યુઝિયમની વેબસાઇટ પરની માહિતી મુજબ, હરદયાલસિંહ અટવાલ કૅનેડાની ધરતી પર જન્મેલા પ્રથમ શીખ છે. તેમનો જન્મ બ્રિટિશ કોલંબિયાના વાનકુવરમાં 1912ની 28 ઑગસ્ટે થયો હતો.
તેમના પિતા બળવંતસિંહ ત્યાંના ગુરુદ્વારાના પાઠી હતા. તેમના માતાનું નામ કરતારકોર હતું. તેમના જન્મનું પ્રમાણપત્ર શીખ હેરિટેજ મ્યુઝિયમે શેર કર્યું છે.
શીખ મહિલાઓ 1920ના દાયકામાં આવી હતી ત્યારે કરતારકોર 1912માં વાનકુવર કેવી રીતે પહોંચ્યાં તે સ્પષ્ટ નથી.
‘બીકમિંગ કૅનેડિયન’ પુસ્તકમાં આપેલા આંકડા અનુસાર, 1920થી 1946 દરમિયાન થોડા શીખો કૅનેડામાં સ્થળાંતરિત થયા હતા. 1930માં તેમની સંખ્યા 80 હતી, જ્યારે 1942થી 1944 દરમિયાન એક પણ શીખે કૅનેડામાં સ્થળાંતર કર્યું ન હતું.
કૅનેડામાં શીખોને મતાધિકાર ક્યારે મળ્યો

ઇમેજ સ્રોત, Getty Images
40 વર્ષ પહેલાં એટલે કે 1907માં મતદાનથી વંચિત રાખવામાં આવેલા શીખોને કૅનેડામાં મતાધિકાર મળ્યો હતો.
સોહનસિંહ પૂનીએ નોંધ્યું છે કે એપ્રિલ, 1947માં શીખો અને અન્ય ભારતીયોને મતાધિકાર આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એ જ વર્ષે સપ્ટેમ્બરમાં મ્યુનિસિપલ કાઉન્સિલમાં મતદાન કરવાનો અધિકાર શીખોને મળ્યો હતો. એ જ વર્ષે ભારતને આઝાદી મળી હતી.
એ વર્ષથી કૅનેડામાં રહેતા શીખો કૅનેડિયન બની ગયા. એ પછી શીખોએ પણ કૅનેડાના રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કર્યું. 1947માં 130 શીખોએ કૅનેડામાં સ્થળાંતર કર્યું હતું, જે પાછલાં 40 વર્ષનો સૌથી મોટો આંકડો છે. મોટા ભાગના શીખોના કૅનેડામાં સ્થળાંતરનું કારણ સારું જીવન અને રોજગાર હતાં.
એ જ વર્ષે ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાન આકાર પામ્યું હતું. તે પણ એક કારણ હતું. અસરગ્રસ્ત પંજાબમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું હતું. તેથી કેટલાક શીખોને સ્થળાંતર કરવાનું વધુ યોગ્ય લાગ્યું હતું. તેમણે સારા વિકલ્પ તરીકે કૅનેડાની પસંદગી કરી હતી.
યુનિવર્સિટી ઑફ કેલગરીમાં ધર્મ વિભાગના પ્રાધ્યાપક હરજિતસિંહ ગરેવાલે વૉશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યું હતું કે એ સમયગાળામાં અનેક શીખો અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને બ્રિટન જેવા દેશોમાં ગયા હતા, પરંતુ કૅનેડામાં સ્થળાંતરિત થયેલા શીખોની સંખ્યા બહુ મોટી હતી.
નાગરિકત્વ અને મતાધિકાર મળ્યા પછી શીખોએ કૅનેડાના રાજકારણમાં ઝંપલાવ્યું હતું. 1950માં પહેલી વાર નિરંજનસિંહ ગરેવાલ બ્રિટિશ કોલંબિયાની સિટી કાઉન્સિલમાં ચૂંટાયા હતા.
ઇમિગ્રેશન નીતિમાં ફેરફાર પછી કૅનેડામાં ઇમિગ્રન્ટ્સની બીજી લહેર

ઇમેજ સ્રોત, Getty Images
1947માં કૅનેડામાં શીખોને મતાધિકાર આપવામાં આવ્યો હોવા છતાં તેમની સાથે ભેદભાવ તો ચાલુ જ રહ્યો હતો. ભારતથી કૅનેડા ગયેલા લોકોએ કૅનેડાના નાગરિકત્વની અરજી કરવા અને તેમનાં પત્ની તથા સંતાનોને કૅનેડા લાવવા વધુ પાંચ વર્ષ રાહ જોવી પડી હતી. યુરોપિયનો કૅનેડા આવતાંની સાથે જ આવી અરજી કરી શકતા હતા.
શીખોએ ભેદભાવ સામે લડવાનું ચાલુ રાખ્યું હતું. 1962માં ઇમિગ્રેશન ક્વોટા સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી અને 1967માં કૅનેડાએ નવી ઇમિગ્રેશન નીતિ અમલી બનાવી હતી.
1964થી 1971ના સમયગાળામાં શીખોએ મોટી સંખ્યામાં કૅનેડામાં સ્થળાંતર કર્યું હતું. ‘બીકમિંગ કૅનેડિયન’ પુસ્તકમાં આપવામાં આવેલા આંકડા મુજબ, 1964માં 1,154 શીખોએ કૅનેડામાં સ્થળાંતર કર્યું હતું. 1969, 1970 અને 1971માં કૅનેડા આવેલા શીખોની સંખ્યા 5,000થી વધુ હતી.
સોહનસિંહ પૂનીના કહેવા મુજબ, એ સમયે કૅનેડા આવવા માટે વિઝાની જરૂર ન હતી. કોઈ કૅનેડાની મુલાકાતે આવવા ઇચ્છતું હોય તો તેણે ત્યાં રહેવા માટે અરજી કરવી પડતી હતી.
આ નિયમ બદલાયા પહેલાં સોહનસિંહ પણ 1972માં કૅનેડા આવ્યા હતા.
સોહનસિંહના જણાવ્યા મુજબ, “એ પછી લોકો કૅનેડા અને અન્ય દેશોમાં જવા લાગ્યા હતા. સ્થળાંતરનું મુખ્ય કારણ સારી રોજગારી હતી. એ સમયે લોકોએ પરદેશની કમાણીમાંથી પોતાના વતનમાં મોટાં મકાનોનું નિર્માણ શરૂ કર્યું હતું.”
સોહનસિંહે કહ્યું હતું, “હું નાનો હતો ત્યારે મેં એક બિન-નિવાસી ભારતીયનું ઘર જોયું હતું. તેને જોઈને મને થયું કે હું કૅનેડા જઈશ તો મારા પરિવારની ગરીબી પણ દૂર થઈ જશે. પરદેશમાંથી કમાણીની આશાએ મારી માફક અન્ય ઘણા લોકો કૅનેડા આવવા ઇચ્છતા હતા.”
કૅનેડામાં સ્થળાંતર પર અસર

ઇમેજ સ્રોત, HARPER COLLINS
પંજાબમાં 1980થી 1992નો સમયગાળો ઉગ્રવાદનો હતો. એ સમયે પંજાબી શીખોના વિદેશ જવાની સંખ્યામાં ફરીથી વધારો થયો હતો. એ તત્કાલીન પરિસ્થિતિનું પરિણામ હતું.
ડૉ. તેજિન્દરકોરે કહ્યું હતું, “કેટલાક લોકો કાયદેસર રીતે પરદેશ ગયા હતા, જ્યારે અન્ય લોકો ગેરકાયદે પરદેશ ગયા હતા. પંજાબમાં વાતાવરણ બગડવાને કારણે કેટલાક લોકોએ આ માર્ગ અપનાવ્યા હતા.”
“એ સમયે ઘણા શીખોએ અન્ય દેશોને બદલે કૅનેડાની પસંદગી કરી હતી. વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું હોવાને કારણે તેઓ એવું માનતા થઈ ગયા હતા કે તેમનાં માતા-પિતા અને સંતાનો પંજાબ બહાર સલામત રહેશે. સ્થળાંતરનું તત્કાલીન કારણ આ હતું.”
ડૉ. તેજિન્દરના જણાવ્યા મુજબ, પંજાબમાં ઉગ્રવાદ દરમિયાન કૅનેડા ગયેલા અનેક લોકોએ પરિસ્થિતિ સુધર્યા પછી પાછા આવવાનું વિચાર્યું હતું. કેટલાક એ વિચાર સાથે જ કૅનેડા ગયા હતા, પણ થોડાં વર્ષ વિદેશમાં રહ્યા પછી પંજાબ પાછા ફરવાનો વિકલ્પ મુશ્કેલ જણાવા લાગ્યો હતો. તેથી મોટા ભાગના લોકો ત્યાં જ સ્થાયી થઈ ગયા હતા.
જમીનની ખરીદીથી વેચાણ સુધી
એ પછી વર્ષ 2000થી કૅનેડામાં શીખોના સ્થળાંતરનો નવો અંક શરૂ થયો હતો. છેલ્લાં 20 વર્ષમાં કૅનેડામાં શીખોની સંખ્યા બમણી થઈ ગઈ છે.
તેજિન્દરકોરના કહેવા મુજબ, કૅનેડા જવા માટેની આઈઈએલટીએસની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને નવી ઇમિગ્રેશન નીતિને લીધે હવે એક આખી પેઢીનું સ્થળાંતર શરૂ થયું છે.
ડૉ. તેજિન્દરકોરે કહ્યુ હતું, “એક સમયે લોકો કૅનેડા પૈસા કમાવા આવતા હતા. અહીં સ્થાયી થયા પછી પોતાની માલિકીની જમીન ખરીદવાના પ્રયાસ કરતા હતા. હવે ચિત્ર બદલાઈ ગયું છે. લોકો નોકરી છોડીને, જમીન વેચીને અહીં આવી રહ્યા છે. હાલ રોજગારની તકોની સરખામણીએ સ્થળાંતરનું પ્રમાણ વધુ છે.”
આઈઈએલટીએસ પછી કૅનેડામાં છોકરીઓના સ્થળાંતરનું પ્રમાણ પણ વધ્યું હોવાનું ડૉ. તેજિન્દરે જણાવ્યું હતું.
અગાઉ મોટા ભાગે પુરુષો કૅનેડા જતા હતા. પછી તેમની પત્નીઓને કૅનેડા લાવતા હતા. હવે ઘણી છોકરીઓ કૅનેડા સ્ટુડન્ટ વિઝા પર આવે છે, લગ્ન કરે છે અને પોતાના પતિને ભારતથી અહીં લાવે છે.
ડૉ. તેજિન્દરકોરે કહ્યું હતું, “આ દરમિયાન સામાજિક વ્યવસ્થા પણ ઘણી બદલાઈ ગઈ છે. જ્ઞાતિવ્યવસ્થા કે આર્થિક સ્થિતિને હવે કૅનેડા કે અન્ય કોઈ દેશમાં સ્થળાંતર કરવાની આકાંક્ષા સાથે કોઈ સંબંધ નથી. આપણા દેશમાંની ખૂબ જ કઠોર જ્ઞાતિવ્યવસ્થા અમુક અંશે લવચિક બની ગઈ છે. પંજાબમાં પણ કોઈ છોકરી આઈઈએલટીએસની પરીક્ષા પાસ કરે અને તે ગરીબ પરિવારની હોય તો છોકરાઓ તેના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા તૈયાર હોય છે, જેથી તેની સાથે છોકરો પણ વિદેશ જઈ શકે.”
અલબત્ત, આ ચિત્ર વર્ષ 2000 પહેલાંનું છે. હવે આવી પરિસ્થિતિ નથી, એમ જણાવતાં ડૉ. તેજિન્દરે ઉમેર્યું હતું કે પહેલાં ઘરનો મુખ્ય પુરુષ પરદેશ જતો હતો અને બાદમાં પોતાનાં સંતાનોને પરદેશ લઈ જતો હતો. હવે સંતાનો પહેલાં પરદેશ જાય છે અને બાદમાં માતા-પિતાને ત્યાં બોલાવી લે છે.
પંજાબમાંથી સ્થળાંતરની વર્તમાન લહેરનું મોટું કારણ કૅનેડાની ઉદાર સ્ટુડન્ટ વિઝા નીતિ છે. શીખ વિદ્યાર્થીઓ કૅનેડા ભણવા માટે જાય છે, પણ તેમનો ખરો હેતુ ત્યાં સ્થાયી થવાનો હોય છે.
કૅનેડામાં શીખોનું મહત્ત્વ

ઇમેજ સ્રોત, Getty Images
વીસમી સદીની શરૂઆતથી જ શીખોએ કૅનેડામાં ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. તેમણે વંશીય તિરસ્કારથી માંડીને પોતાની ધાર્મિક ઓળખ બચાવવા સુધીની ઘણી બાબતો માટે લડવું પડ્યું છે.
હવે શીખ સમુદાય કૅનેડામાં દરેક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. કૅનેડાના પ્રધાનમંડળમાં પણ શીખો છે અને શીખો સંસદસભ્યો પણ છે.
2015માં કૅનેડાની કૅબિનેટમાં ચાર શીખો પ્રધાન હતા. ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું હતું.
વર્ષ 2011ના આંકડા અનુસાર, કૅનેડામાં શીખોની કુલ વસ્તી 7.71 લાખ છે. કૅનેડામાં જન્મેલા હોવાને લીધે 30 ટકા શીખોને કૅનેડાનું નાગરિકત્વ મળ્યું છે.
કૅનેડાના કુલ વસ્તીમાં શીખ સમુદાયનો હિસ્સો 2.1 ટકા છે. તેથી અહીંની રાજકીય વ્યવસ્થામાં શીખોનું મહત્ત્વ છે.
પંજાબી ભાષા, કૅનેડામાં બોલાતી ત્રીજી સૌથી વધુ લોકપ્રિય ભાષા છે.














