કૅનેડાના નાગરિકોને વિઝા આપવાનું સ્થગિત કરવાથી ભારતીયો પર શું અસર થશે?

ભારત -કૅનેડા વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મુરલીધરન કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ

કૅનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધ તંગ બનવાને લીધે કૅનેડામાંના ભારતીય દૂતાવાસે વિઝા સેવા સ્થગિત કરી દીધી છે. આ સેવા ઑપરેશનલ કારણોસર બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

કૅનેડાસ્થિત ભારતીય દૂતાવાસ બીએલએસ ઇન્ટરનેશનલના સહયોગથી ભારતીય વિઝા સેવા પ્રદાન કરે છે. શુક્રવારે સવારે કંપનીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા એક સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે “ભારતીય વિઝા સેવા ઑપરેશનલ કારણોસર 21 સપ્ટેમ્બર, 2023થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે બીએલએસની વેબસાઈટ ચેક કરતા રહો.”

કૅનેડાએ ભારત સરકાર પર ખાલિસ્તાન તરફી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ મૂક્યો ત્યારથી ભારત અને કૅનેડાના સંબંધ બગડ્યા છે. બંને દેશે એકમેકના રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા છે.

વિઝા સેવા સ્થગિત કરવાના નિર્ણયને બંને દેશ વચ્ચેના બગડેલા સંબંધ સાથે કશું લાગેવળગે છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ગ્રે લાઇન

કૅનેડામાં કેટલા પ્રકારના ભારતીય વિઝા આપવામાં આવે છે?

ભારત -કૅનેડા વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

કૅનેડાસ્થિત ભારતીય દૂતાવાસ અનેક પ્રકારના વિઝા ઓફર કરે છે.

એન્ટ્રી વિઝાઃ આ વિઝા ભારતીય મૂળના લોકોને આપવામાં આવે છે. તેમાં કૅનેડામાં રહેતા ભારતીય મૂળના લોકો એક વખત ભારતની મુલાકાત લઈ શકે છે.

બિઝનેસ વિઝાઃ કૅનેડામાં રહેવાની લાંબા ગાળાની પરમિટ ધરાવતા કૅનેડાના નાગરિકો અને અન્ય નાગરિકો વેપાર કે વેપાર સંબંધી કામ માટે ભારત આવવા ઇચ્છતા હોય તો તેમને બિઝનેસ વિઝા આપવામાં આવે છે.

ટૂરિસ્ટ વિઝાઃ ભારતની મુલાકાત લેવા ઇચ્છતા કૅનેડાના નાગરિકોને ટૂરિસ્ટ વિઝા આપવામાં આવે છે. અનેક વર્ષોની વેલિડિટી ધરાવતા આ પ્રકારના વિઝા મેળવી શકાય છે.

ઍમ્પ્લૉયમૅન્ટ વિઝાઃ ભારતમાં કામ કરવા ઇચ્છતા લોકોને ઍમ્પ્લૉયમૅન્ટ વિઝા આપવામાં આવે છે. કૅનેડામાં રહેવાની લાંબા ગાળાની પરમિટ ધરાવતા કૅનેડાના અને અન્ય નાગરિકોને આ વિઝા આપવામાં આવે છે.

મેડિકલ વિઝાઃ ભારતમાં તબીબી સારવાર લેવા ઇચ્છતા લોકોને મેડિકલ વિઝા આપવામાં આવે છે. તે દર્દીઓ અને દર્દીઓની સાથે આવતા લોકોને આપવામાં આવે છે. આ વિઝા હેઠળ સંબંધિત વ્યક્તિ ત્રણ મહિના ભારતમાં રહી શકે છે.

ફિલ્મ વિઝાઃ ભારતમા સંશોધન કાર્ય કરવા ઇચ્છતા લોકોને ફિલ્મ વિઝા આપવામાં આવે છે.

સ્ટુડન્ટ વિઝાઃ ભારતમાં માન્યતાપ્રાપ્ત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે છે. આ એક મલ્ટીપલ ઍન્ટ્રી વિઝા છે. આ વિઝા હેઠળ વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી અનેક વખત ભારત આવી શકે છે.

કૉન્ફરન્સ વિઝાઃ ભારતમાં યોજાતી કોઈ પણ કૉન્ફરન્સ અને પરિસંવાદમાં ભાગ લેવા ઇચ્છતા લોકોને કૉન્ફરન્સ વિઝા આપવામાં આવે છે. આ વિઝા કૉન્ફરન્સના સમયગાળા દરમિયાન સિંગલ વિઝિટ માટે આપવામાં આવે છે.

ગ્રે લાઇન

કૅનેડાના ભારતીય નાગરિકો કેવી સમસ્યાનો સામનો કરે છે?

ભારત -કૅનેડા વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

વિઝા સેવા સ્થગિત કરવામાં આવતાં નોકરી, ધંધા અને વેપાર માટે ભારત આવવા ઇચ્છતા લોકોને વિઝા મળી શકશે નહીં. તેનું કારણ એ છે કે ભારતમાંથી સ્થળાંતર કરીને કૅનેડા ગયેલા લોકો હવે કૅનેડાના નાગરિક છે. તેથી તેમણે ભારત આવવા માટે વિઝા લેવા પડે છે.

ભારતના અવારનવાર મુલાકાત લેવા ઇચ્છતા વિદેશી નાગરિકોને ભારત સરકાર દ્વારા ઓવરસીઝ સિટીઝન્સ ઑફ ઇન્ડિયા (આઈઓસી) કાર્ડ આપવામાં આવે છે.

વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીયોએ આ કાર્ડ મેળવવા માટે અલગથી અરજી કરવી પડશે. જેમની પાસે આ કાર્ડ છે તેઓ ગમે તેટલી વખત ભારતની મુલાકાત લઈ શકશે, પરંતુ જેમની પાસે આ કાર્ડ નથી તેમણે ભારતીય વિઝા મેળવવા પડશે. આ હવે એક સમસ્યા છે.

ગ્રે લાઇન

ભારતીયોની વર્તમાન સમસ્યા શું છે?

ભારત -કૅનેડા વિવાદ

ઇમેજ સ્રોત, EMPICS

કૅનેડામાં ભારત માટેની વિઝા સેવા સ્થગિત કરવાથી વેપાર, પર્યટન અને નજીકના સંબંધીઓને મળવા માટે ભારત આવતા લોકોને અસર થશે.

એવી જ રીતે જે ભારતીયો પાસે આઈઓસી કાર્ડ નથી તેમણે પણ ભારત આવવા-જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેથી આ સમસ્યા માત્ર કૅનેડાના નાગરિકોની જ નથી. તેની અસર ભારતીય મૂળના કૅનેડાના નાગરિકોને પણ થશે.

ભારતીય મૂળના લોકો તત્કાળ આઈઓસી કાર્ડ મેળવી શકતા નથી.

કૅનેડાનું નાગરિકત્વ મેળવ્યું હોય એવા ભારતીયોએ ત્રણ મહિનામાં તેમનો ભારતીય પાસપોર્ટ કૅનેડા ખાતેના ભારતીય દૂતાવાસને સોંપી દેવો પડશે અને તેને ‘રદ’ કરાવવો પડશે. એ પછી જ તેઓ આઈઓસી કાર્ડ માટે અરજી કરી શકશે.

જોકે, આ કાર્ડ અરજી સુપરત કર્યાના પાંચથી સાત મહિના પછી આપવામાં આવશે. ભારતીય મૂળના કૅનેડાના નાગરિકો એ સમયગાળા દરમિયાન ભારત આવવા ઇચ્છતા હશે તો ઍન્ટ્રી વિઝા મેળવવા પડશે.

ગ્રે લાઇન

આઈઓસી કાર્ડધારકો માટે સમસ્યા સર્જાશે?

ચેન્નઈની લોયોલા કૉલેજના પ્રોફેસર ગ્લેડસન ઝેવિયરે જણાવ્યું હતું કે બે દેશ વચ્ચે સંઘર્ષ શરૂ થાય ત્યારે તેઓ વિવિધ રીતે પોતાની નારાજગી દર્શાવે છે.

તેમણે કહ્યું હતું, “શરૂઆતમાં એકમેકને રાજદૂતને પરત મોકલવામાં આવે છે. પછી વિઝા આપવાનું બંધ કરવામાં આવે છે. તેમાં ઍર ટ્રાફિક ગ્રાઉન્ડ કરવા જેવાં આત્યંતિક પગલાંનો પણ સમાવેશ થાય છે. કૅનેડાના સંદર્ભમાં ભારતે વિઝા ઇસ્યૂ કરવાનું બંધ કર્યું છે. તેને લીધે, વિવિધ કારણોસર ભારત આવવા ઇચ્છતા કેનેડિયન નાગરિકો અને કૅનેડાનું નાગરિકત્વ મેળવ્યું છે તેવા ભારતીયોને બહુ તકલીફ પડશે. ઘણા લોકોએ આજે, આવતીકાલે અથવા આવતા સપ્તાહે વિઝા ઍપ્લિકેશન પ્રોસેસ પૂર્ણ કરવાની હશે. હવે આ કાર્યવાહી અચાનક રદ કરવામાં આવી છે. તેમના માટે આ મોટો આંચકો હશે.”

તેમણે ઉમેર્યું હતું, “જેઓ પહેલાંથી વિઝા મેળવી ચૂક્યા છે તેમના માટે કોઈ સમસ્યા નથી. આ નિર્ણયને ભારતની નારાજગીનો સંકેત ગણવો જોઈએ. આ સ્થિતિ લાંબો સમય નહીં રહે તેવી આશા રાખવી રહી.”

ગ્રે લાઇન

કૅનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરવાની જ નહીં, પરંતુ આઈઓસી કાર્ડ ધરાવતા લોકોના ભારત આવવા પર પ્રતિબંધ મૂકવાની માગણી પણ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે.

ગ્લેડસન ઝેવિયરે કહ્યું હતું, “કેટલાક લોકો આઈસીઓ કાર્ડ પર પણ પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે. તેમને વર્તમાન સમસ્યા સાથે કોઈ લેવાદેવા નથી. તેથી તેમની માગ વાજબી નથી. સરકારે તેમની વાત ન સાંભળવી જોઈએ.”

અનેક ભારતીયો લાંબા સમયથી કૅનેડામાં રહે છે. વર્ષો અગાઉ કૅનેડા ગયેલા અને ત્યા સ્થાયી થયેલા લોકોના વંશજોનો સમાવેશ કરીએ તો 2021ની વસ્તીગણતરી મુજબ ભારતીય મૂળના લગભગ 18 લાખ લોકો કૅનેડામાં રહે છે. તેમનું પ્રમાણ કૅનેડાની કુલ વસ્તીના 5.11 ટકા છે.

ગ્રે લાઇન

‘વિઝા મેળવવાનો કોઈ વિકલ્પ નથી’

ભારત -કૅનેડા વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ નિર્ણયની અસર અને કૅનેડામાંની વર્તમાન પરિસ્થિતિ બાબતે જાણકારી મેળવવા બીબીસીએ કૅનેડાસ્થિત વરિષ્ઠ મીડિયા વિશ્લેષક રમણન ચંદ્રશેખર મૂર્તિ સાથે વાત કરી હતી.

બીબીસી સાથે વાત કરતાં રમણન ચંદ્રશેખરે કહ્યું હતું, “ઘણા દેશો આઉટસોર્સિંગ કંપનીઓ દ્વારા વિઝા સેવા પ્રદાન કરી રહ્યા છે. ભારતે કૅનેડા પર દબાણ લાવવાના હેતુસર કૅનેડિયનો માટેની વિઝા સેવા સ્થગિત કરી છે.”

તેમણે એમ પણ કહ્યું હતું, “ભારતની ટીસીએસ જેવી ઘણી કંપનીઓ કૅનેડામાં બિઝનેસ કરી રહી છે. કૅનેડામાંથી ઘણા લોકો વ્યાપાર અને પર્યટન માટે ભારત આવે છે. ભારત સરકારના આ નિર્ણયથી, ભારત આવવા ઇચ્છતા કૅનેડિયનોને અસર થશે. ભારતીય મૂળના કૅનેડિયન નાગરિકો અને કૅનેડાના નાગરિકો માટે વિઝા મેળવવાનો અત્યારે બીજો કોઈ વિકલ્પ નથી.”

ભારત અને કૅનેડા વચ્ચે વધતા તણાવ સંદર્ભે કૅનેડામાં ભારતીયોની સલામતીની વાત કરતાં રમણન ચંદ્રશેખર મૂર્તિએ જણાવ્યું હતું કે શીખ સમુદાયના સભ્યો કૅનેડા સરકારમાં સંરક્ષણમંત્રી જેવા શક્તિશાળી હોદ્દા પર છે. તેઓ કૅનેડાના રાજકારણમાં નિર્ણય લેવા માટે પૂરતી વગ ધરાવે છે.

તેમણે ઉમેર્યું હતું, “બંને દેશો વચ્ચે રાજકીય મુદ્દે ખળભળાટ સર્જાયો છે, પરંતુ લોકો પર તેની કોઈ અસર જોવા મળતી નથી. કૅનેડામાંના શીખો ભારત સરકારથી નારાજ છે, પરંતુ તેમને કૅનેડામાં વસતા ભારતીયો પ્રત્યે કોઈ રોષ નથી. કૅનેડામાં વસતા તમામ ભારતીયો સલામત છે.”

(પૂરક માહિતીઃ એસ. પ્રશાંત)

ગ્રે લાઇન
રેડ લાઇન
રેડ લાઇન