જસ્ટિન ટ્રુડોની રાજનીતિમાં કૅનેડાના શીખ આટલા મહત્ત્વના કેમ છે?

જસ્ટિન ટ્રુડો 2018માં સ્વર્ણ મંદિર ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસ્ટિન ટ્રુડો 2018માં સ્વર્ણમંદિર ગયા હતા

જસ્ટિન ટ્રુડો જ્યારે વર્ષ 2015માં પ્રથમ વખત કૅનેડાના વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે મજાકમાં કહ્યું હતું કે ભારતની મોદી સરકાર કરતા તેમની કૅબિનેટમાં વધારે શીખ મંત્રી છે.

એ સમયે ટ્રુડોએ કૅબિનેટમાં 4 શીખોને સામેલ કર્યાં હતાં. આવું કૅનેડાની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર થયું હતું.

હાલ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડેએ સંસદમાં આપેલા એક નિવેદન પછી ભારત સાથે કૅનેડાના સંબંધો ગંભીર સંકટમાં પહોંચતાં દેખાઈ રહ્યા છે.

જસ્ટિન ટ્રુડોએ ગત સોમવારે સંસદમાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી અને ત્યાર પછી બંને દેશોએ એકબીજાના વરિષ્ઠ રાજદ્વારી અધિકારીઓને નિષ્કાસિત કરી દીધા.

કૅનેડા સાથે ભારતના સંબંધોમાં ખાલિસ્તાનના કારણે ઉતાર-ચઢાવ પહેલાથી જ આવતા રહ્યા છે. પરંતુ એ ભૂતકાળમાં આટલી હદ સુધી નથી વણસ્યા કે સંસદમાં એના તણાવનો ઉલ્લેખ થયો હોય.

જોકે, જ્યારે જ્યારે કૅનેડાના શીખો વચ્ચે ટ્રુડોની લોકપ્રિયતાની વાત થાય છે, તો સવાલ ખાલિસ્તાન સમર્થકો પર તેમના નરમ વલણ સામે પણ ઉઠે છે.

ભારત સરકાર લાંબા સમયથી કૅનેડાને ખાલિસ્તાની અલગાવવાદીઓ પર કાર્યવાહી કરવા માટે કહેતી આવી છે.

ભારતનું માનવું છે કે ટ્રુડો સરકાર વોટ બૅન્કની રાજનીતિને ધ્યાનમાં રખતાં ખાલિસ્તાન પર નરમ વલણ ધરાવે છે. વિદેશમંત્રી એસ. જયશંકર પણ આ દાવો કરી ચૂક્યા છે.

એક નજર જસ્ટિન ટ્રુડોની અત્યાર સુધીની સફર પર અને તેમાં કૅનેડાના શીખોની ખાસ ભૂમિકા પર.

ગ્રે લાઇન

ટ્રુડો માટે શીખો કેમ મહત્ત્વના છે?

એનડીપી નેતા જગમીત સિંહ પત્ની સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનડીપી નેતા જગમીતસિંહ પત્ની સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જસ્ટિન ટ્રુડો માત્ર 44 વર્ષની વયમાં પહેલીવાર કૅનેડાના વડા પ્રધાન બન્યા હતા. વર્ષ 2019માં તેઓ ફરી પીએમ બન્યા પરંતુ એ સમય સુધી તેમની લોકપ્રિયતા ઘણી ઓછી થઈ ચૂકી હતી.

2019માં કોરોના મહામારી આવી. ટ્રુડોની લિબરલ પાર્ટીને વિશ્વાસ હતો કે આ મહામારી સામેની લડાઈમાં તેમની કાબેલિયતને જોતાં હાઉસ ઑફ કૉમન્સ(કૅનેડાની સંસદના નિચલા ગૃહ)માં તેમને સરળતાથી બહુમત મળી જશે.

વર્ષ 2019માં સમય પહેલા ચૂંટણી કરાવાઈ. ટ્રુડોની લિબરલ પાર્ટીની 20 બેઠકો ઓછી થઈ ગઈ. પરંતુ આ ચૂંટણીમાં જગમીતસિંહના નેતૃત્ત્વવાળી ન્યૂ ડૅમૉક્રેટિક પાર્ટીને 24 બેઠકો મળી હતી.

'વૉશિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટ અનુસાર જગમીતસિંહ પાર્ટીના નેતા બનતાં પહેલાં ખાલિસ્તાનની રેલીઓમાં સામેલ થતા હતા.

'ટ્રિબ્યૂન ઇન્ડિયા'એ એક ખબરમાં આ સ્થિતિનો ઉલ્લેખ કરતાં વિશ્લેષકોના હવાલાથી લખ્યું છે, “ટ્રુડો વડા પ્રધાન બનેલા રહે એ માટે જગમીતસિંહનું સમર્થન ઘણું જરૂરી થઈ ગયું હતું. કદાચ આ પણ એક મોટું કારણ છે કે ટ્રુડો શીખોને નારાજ કરવાનું જોખમ નહોતા લઈ શકતા.”

“ટ્રુડો એક એવી સરકાર ચલાવી રહ્યા છે, જેમાં બહુમત નથી પરંતુ જગમીતસિંહનું સમર્થન પ્રાપ્ત છે. રાજનીતિમાં યથાવત્ રહેવા માટે ટ્રુડોને જગમીતસિંહની જરૂર છે. સિંહને હવે ટ્રુડોના એવા વિશ્વાસપાત્ર સહયોગી તરીકે જોવામાં આવે છે, જે દરેક મુશ્કેલમાં તેમની સાથે ઊભા રહે છે.”

કૅનેડાની વસ્તીમાં શીખ 2.1 ટકા છે. ગત 20 વર્ષોમાં કૅનેડાના શીખોની વસ્તી બેગણી થઈ ગઈ છે. તેમાં મોટા ભાગના ભારતના પંજાબથી શિક્ષણ, કારકિર્દી, નોકરી જેવાં કારણોથી ત્યાં પહોંચ્યા છે.

હવે એ સવાલ છે કે લઘુમતી શીખ કૅનેડાની રાજનીતિમાં આટલા મહત્ત્વના કેમ છે.

ટ્રિબ્યૂન ઇન્ડિયાના એક રિપોર્ટમાં નિષ્ણાતો કહે છે, “શીખોની એક ખાસિયત એ છે કે એક સમુદાય તરીકે તેઓ એકજૂથ છે. તેમનામાં સંગઠનાત્મક કુશળતા છે, તેઓ મહેનતી છે અને સમગ્ર દેશમાં ગુરુદ્વારાનું અસરકારક નેટવર્કિંગ મારફતે સારું ભંડોળ પણ એકઠું કરી લે છે. ભંડોળ એક એવું પરિબળ છે જે શીખો અને ગુરુદ્વારાને કોઈ પણ રાજનેતા માટેની સપોર્ટ સિસ્ટમ બનાવી દે છે.”

વૅનકૂવર, ટોરન્ટો, કૅલગૅરી સહિત સમગ્ર કૅનેડામાં ગુરુદ્વારાનું એક મોટું નેટવર્ક છે.

વૅનકૂવર સનમાં કેટલાંક વર્ષો પહેલા ડફલસ ટૉડે એક લેખ લખ્યો. લેખ અનુસાર, “વેનકૂવર, ટોરન્ટો અને કૅલગૅરીનાં મોટાં ગુરુદ્વારામાં શીખોનો જે સમૂહ જીતે છે, તે મોટા ભાગે પોતાનો પૈસો અને પ્રભાવ કેટલાક લિબરલ અને એનડીપી ચૂંટણી ઉમેદવારોને સમર્થન આપવામાં વાપરે છે.”

ભારત-કૅનેડાના સંબંધોમાં તણાવને લઈને વૉશિંગ્ટન પોસ્ટે એક લેખ પ્રકાશિત કર્યો, જેમાં યુનિવર્સિટી ઑફ કૅલગૅરીના ધાર્મિક વિષય સંબંધિત વિભાગમાં ભણાવતા હરજીતસિંહ ગ્રેવાલે કૅનેડા શીખોની પસંદગી હોવા પાછળનું કારણ સમજાવ્યું.

તેઓ કહે છે, “ભારત-પાકિસ્તાનના 1947માં વિભાજન બાદ જે અસ્થિરતા આવી, તેણે પંજાબના શીખોને પલાયન માટે મજબૂર કર્યાં. જોકે, શીખ બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને અમેરિકા જઈને પણ વસ્યા પરંતુ વધુ શીખો કૅનેડા પહોંચ્યા કેમ કે અહીંનાં નૈતિક-સામાજિક મૂલ્યોમાં ખાસ કઈ ફરક નથી દેખાતો.”

આજે કૅનેડાના સમાજ અને રાજનીતિમાં શીખોની મહત્ત્વની ભૂમિકા છે. ન્યૂ ડૅમૉક્રેટિક પાર્ટી(એનડીપી)ના અધ્યક્ષ જગમીતસિંહ છે. તેઓ ભારતમાં શીખો સાથેના વર્તાવ પર ઘણી વાર સ્પષ્ટ બોલી રહ્યા છે. વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર પોતાનાં નિવેદનોને કારણે જ સિંહને વર્ષ 2013માં ભારતના વિઝા નહોતા આપવામાં આવ્યા.

ગ્રે લાઇન

‘નેતા બનવા માટે જ પેદા થયા છે’

જસ્ટિન ટ્રુડો પિતા એવા પૂર્વ પીએમ પિયર ટ્રુડો સાથે બાળપણની તસવીર

ઇમેજ સ્રોત, PETER BREGG/CANADIAN PRESS

ઇમેજ કૅપ્શન, જસ્ટિન ટ્રુડોની તેમના પિતા સાથેની તસવીર. બાળપણમાં પિતા પૂર્વ પીએમ પિયર ટ્રુડો સાથે.

જસ્ટિન ટ્રુડો જ્યારે માત્ર ચાર મહિનાના હતા ત્યારે એ સમયે અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને એ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક એક દિવસ પોતાના પિતાના ડગલે જ ચાલશે.

વર્ષ 1972ની વાત છે, જ્યારે ચિચર્ડ નિક્સન કૅનેડાના સત્તાવાર પ્રવાસ પર હતા. એ સમયે ગાલા ડિનરના આયોજનમાં તેમણે પોતાના કૅનાડા સમકક્ષને કહ્યું, “આજે રાત્રે અમે ઔપચારિકતા છોડી દઈશું. હું આ જામ કૅનેડાના ભવિષ્યના વડા પ્રધાનના નામે કરું છું. જસ્ટિન પિયર ટ્રુડોના નામે કરું છું.”

સીબીસીના એક રિપોર્ટ અનુસાર એ સમયે પિયર ટ્રુડોએ કહ્યું હતું, “હું આશા કરું છું કે તેમનામાં (ટ્રુડોમાં) રાષ્ટ્રપતિનું કૌશલ અને આકર્ષણ હોય.”

જસ્ટિન ટ્રુડોના પિતા પિયર ટ્રુડોનો 1980ના દાયકા સુધી કૅનેડાના રાજનીતિમાં દબદબો રહ્યો.

પિયર ટ્રુડો 1968થી 1979 અને પછી 1980થી 1984 વચ્ચે કૅનેડાના પીએમ રહ્યા.

ગ્રે લાઇન

રાજનીતિથી દૂર વીત્યું બાળપણ

જસ્ટિન ટ્રુડો

ઇમેજ સ્રોત, Getty Images

જસ્ટિન ટ્રુડોનું મોટા ભાગનું બાળપણ રાજનીતિથી દૂર રહ્યું. તેમણે મૅકગિલ યુનિવર્સિટી અને પછી યુનિવર્સિટી ઑફ બ્રિટિશ કોલંબિયાથી અભ્યાસ કર્યો અને પછી શિક્ષક બન્યા.

વર્ષ 1998માં જસ્ટિન ટ્રુડોના નાના ભાઈ માઇકલનું બ્રિટિશ કોલંબિયામાં થયેલા હિમસ્ખલનમાં મૃત્યુ થયું. આ આપદા પછી તેમની ભૂમિકાથી તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું. જોકે, તેઓ એવલન્ચ સેફ્ટીના પ્રવક્તા બની ગયા.

તેનાં બે વર્ષો બાદ તેમના પિતાનું 80 વર્ષની વયે નિધન થયું તો ટ્રુડોએ રાષ્ટ્રીય ટેલિવિઝન પર ભાષણ આપ્યું. તેમના આ ભાષણની ઘણી પ્રશંશા થઈ અને એ જ સમયે કેટલાય લોકોને તેમનામાં વડા પ્રધાન બનવાની સંભાવનાની ઝલક પણ દેખાઈ.

ટ્રુડોએ સોફી ગ્રીઝોર સાથે 2004માં લગ્ન કર્યાં. બંનેને ત્રણ સંતાન છે. જોકે, આ વર્ષે ટ્રુડો અને તેમનાં પત્નીએ અલગ થવાનું એલાન કર્યું છે.

ગ્રે લાઇન

રાજકીય ઇનિંગની શરૂઆત

જસ્ટિન ટ્રુડો 2018માં પોતાના પરિવાર સાથે તાજમહલ પણ ગયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જસ્ટિન ટ્રુડો 2018માં પોતાના પરિવાર સાથે તાજમહલ પણ ગયા હતા

જસ્ટિન ટ્રુડોના પિતાના નિધન બાદ રાજનીતિમાં સક્રિય થયા. તેઓ વર્ષ 2008માં પહેલીવાર સાંસદ ચૂંટાયા.

શરૂઆતથી જ લિબરલ પાર્ટીના જસ્ટિન ટ્રુડોમાં એક નેતા દેખાયા. ટ્રુડો 2011માં ફરીથી સાંસદ ચૂંટાયા.

બિલરલ પાર્ટીના નેતૃત્ત્વ કરવાની તેમની ઇચ્છા ઘણી વાર અધૂરી રહ્યા બાદ ટ્રુડોએ 2012માં પાર્ટી લીડરશીપ માટે ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો.

ચૂંટણીઅભિયાન દરમિયાન તેમના વિરોધી ઓછા અનુભવના કારણે ટ્રુડોની ટીકા કરતા રહ્યા. આ જ ટીકા તેમણે સામાન્ય ચૂંટણી પહેલાં પણ સહન કરવી પડી. પરંતુ ટ્રુડો જંગી મતોથી એ ચૂંટણી જીત્યા.

ગ્રે લાઇન

ભારત સરકાર સાથે પહેલાં પણ તણાવ રહી ચૂક્યો છે

શી જિનપિંગ સાથે જસ્ટિન ટ્રુડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શી જિનપિંગ સાથે જસ્ટિન ટ્રુડો

નરેન્દ્ર મોદી પીએમ હતા ત્યારે જસ્ટિન ટ્રુડો 2018માં પહેલી વખત ભારતના સાત દિવસના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ વિવાદ થયો હતો. ત્યારે વિદેશી મીડિયાએ પોતાના રિપોર્ટ્સમાં કહ્યું હતું કે ટ્રુડોના સ્વાગતમાં ભારતે ઉદાસિનતા બતાવી હતી.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે આવું શીખ અલગાવવાદીઓ મામલે કૅનેડાની સહાનુભૂતિના કારણે કર્યું હતું. આ પ્રવાસમાં જસ્ટિન ટ્રુડો અમૃતસરના સ્વર્ણમંદિર પણ ગયા હતા.

વર્ષ 2018માં જસ્ટિસ ટ્રુડોની કૅબિનેટમાં ત્રણ શીખ મંત્રી હતા. તેમાં રક્ષામંત્રી હરજિત સજ્જન હતા.

સજ્જન હજુ પણ ટ્રુડોની કૅબિનેટમાં છે અને તેમણે પોતાના વડા પ્રધાનના નિવેદનનું સમર્થન કરતા કહ્યું કે ભારત સહિત કોઈ પણ દેશનો હસ્તક્ષેપ કૅનેડા સહન નહીં કરે.

સજ્જનને 2017માં પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી કૅપ્ટન અમરિંદરસિંહે ખાલિસ્તાન સમર્થક કહ્યા હતા. જોકે સજ્જન સંહે આ દાવાને બકવાસ ગણાવ્યો હતો.

ભારતને ત્યારે પણ ઠીક નહોતું લાગ્યું જ્યારે ઓન્ટારિયો ઍસેમ્બલીમાં ભારતમાં 1984નાં શીખવિરોધી રમખાણોની નિંદાનો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. કૅનેડામાં ખાલિસ્તાન સમર્થકોની યોજના સ્વતંત્ર પંજાબ માટે એક જનમત સંગ્રહ કરાવાવની રહી છે.

ગ્રે લાઇન

ટ્રુડો પહેલાં પણ વિવાદોમાં આવી ચૂક્યા છે

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જસ્ટિન ટ્રુડો 2015માં કૅનેડામાં ‘સાચા બદલાવ’ જેવા કેટલાય પ્રગતિશીલ વાયદાઓ કરીને પીએમ બન્યા.

કૅનેડાના બે ડઝનથી વધુ સ્વતંત્ર શિક્ષાવિદોએ માન્યું કે પોતાના પ્રથમ કાર્યકાળમાં ટ્રુડોએ 92 ટકા વાયદાને આંશિક અથવા સંપૂર્ણ પૂરા કર્યાં છે.

જસ્ટિન ટ્રુડોનો બીજો કાર્યકાળ એક ડિપ્લોમેટિક ઘટનાથી શરૂ થયો. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી અને આ મામલો કૅમેરામાં કેદ થઈ ગયો. જવાબમાં ટ્રમ્પે ટ્રુડોને પાખંડી ગણાવ્યા.

તેના કેટલાક મહિનાઓ બાદ જ્યારે મીડિયાએ તેમની સાથે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકામાં એ સમયે થઈ રહેલાં પ્રદર્શનો પર સવાલ કર્યા તો ટ્રુડો 20 સૅકન્ડથી વધુ સમય ચૂપ રહ્યા. આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો.

ગત વર્ષે બાલીમાં થયેલી જી-20 સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેમાં બંને નેતાઓ વચ્ચે રકઝક થતી જોવા મળી.

અંગ્રેજી ભાષામાં તેમની વાતચીતને અનુવાદ કરનારા શખ્શને એ કહેતા સાંભળવા મળ્યા કે, “અમારી વચ્ચે જે પણ ચર્ચા થઈ એ અખબારોમાં લીક થઈ ગઈ એ ઠીક નથી..અને વાતચીતની આ કોઈ રીત નહોતી. જો તમે સાચા છો, તો અમને એકબીજા સાથે સન્માનજક રીતે સંવાદ કરવા દેવો જોઈએ. નહીં તો કહેવું મુશ્કેલ છે કે પરિણામ શું આવશે.”

એ બાદ કૅનેડાના વડા પ્રધાન ટ્રુડો આરામથી જવાબ આપતા દેખાયા, “કૅનેડામાં અમે સ્વતંત્ર અને સ્પષ્ટ વાતમાં માનીએ છીએ અને અમે આગળ પણ આવું ચાલુ જ રાખીશું.”

કોરોના મહામારી ટ્રુડોની સૌથી મોટી પરીક્ષા રહી. કૅનેડા માટે 18 મહિના ઘણા મુશ્કેલ રહ્યા. જ્યારે તેમણે સમય પહેલા ચૂંટણી કરાવી તો માનવામાં આવ્યું કે કૅનેડા હવે વીતેલી વાતોથી આગળ નીકળી ચૂક્યું છેં. પરંતુ આ ચૂંટણીનાં પરિણામો લિબરલ પાર્ટી માટે ઝડકો સાબિત થયાં. જો તેમને જગમીતસિંહનું સમર્થન ન મળ્યું હોત, તો ટ્રુડોના રાજકીય ભવિષ્ય પર જોખમ આવી ગયું હોત.

રેડ લાઇન
રેડ લાઇન