જસ્ટિન ટ્રુડોના આરોપો પછી પંજાબના જાલંધરમાં હરદીપસિંહ નિજ્જરના ગામમાં શું છે સ્થિતિ?

હરદીપસિંહ નિજ્જરના પિતાના મોટા ભાઈ

ઇમેજ સ્રોત, PRADIP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, હરદીપસિંહ નિજ્જરના પિતાના મોટા ભાઈ
    • લેેખક, પ્રદીપ શર્મા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કૅનેડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે પણ જાલંધર જિલ્લામાં તેમના પૈતૃક ગામ ભારસિંહપુરામાં સન્નાટો છે.

ગામની સમુસાન ગલીઓને જોઈને એ અંદાજો સરળતાથી લગાવી શકાય કે કૅનેડા સરકારના નિવેદન પછી ગામના લોકો કેવી સ્થિતિમાં હશે.

ગત દિવસોમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

જોકે ભારત સરકારે કૅનેડા સરકારના આરોપોને ફગાવી દીધા છે.

આ વિવાદ સામે આવ્યા પછી અમે હરદીપસિંહ નિજ્જરના ગામ ભારસિંહપુરાની મુલાકાત લીધી અને લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો.

ભારસિંહપુરા ગામ જાલંધર જિલ્લામાં છે. જ્યારે મેં હરદીપસિંહ નિજ્જર વિશે ગામલોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો કોઈ પણ વાત કરવા તૈયાર ના થયું.

બીબીસી

હરદીપસિંહ નિજ્જરના વડીલ શું બોલ્યા?

હરદીપસિંહ નિજ્જરનું ઘર

ઇમેજ સ્રોત, PRADIP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, હરદીપસિંહ નિજ્જરનું ઘર

ઘણા પ્રયત્નો પછી ગામમાં રહેતા હરદીપસિંહ નિજ્જરના કાકા(પિતાના મોટા ભાઈ) હિંમતસિંહ વાત કરવા તૈયાર થયા. તેઓ પણ નિજ્જરની હત્યા માટે સરકારને જવાબદાર માને છે.

ભારત સરકારે આ આરોપોને સ્પષ્ટપણે નકાર્યા છે.

કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં 45 વર્ષિય શીખ નેતા અને ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની આ વર્ષે 18 જૂને સરે નામના સ્થળે ગુરુદ્વારા બહાર ગોળી મારી હત્યા કરાઈ હતી.

ખાલિસ્તાન સમર્થકો શીખો માટે અલગ અને સ્વાયત્ત દેશની માગ કરે છે. નિજ્જરના સમર્થકોનું કહેવું છે કે તેમની પ્રવૃત્તિઓને કારણે તેમનો જીવ જોખમમાં જ હતો.

હિંમતસિંહનું કહેવું છે કે જો તેઓ આવું કામ કરી રહ્યા હોત તો તેમની સામે પહેલાં જ કેમ કાર્યવાહી ન કરાઈ.

તેઓ કહે છે, "હવે અમારી કોઈ માગણી નથી. જ્યારે સ્વજન જ જતા રહે તો તેનું કોઈ વળતર ના હોઈ શકે."

હિંમતસિંહ લગભગ 80 વર્ષના છે અને સમય સાથે તેમની યાદશક્તિને પણ અસર થઈ હોવાના કારણે તેઓ વધારે વાત કરી શકતા ન હતા.

બીબીસી

'તેમનો પરિવાર અમારો પાડોશી હતો'

ગુરમુખસિંહ કહે છે કે નિજ્જરનો પરિવાર તેમના પાડોશમાં રહેતો હતો

ઇમેજ સ્રોત, PRADIP SHARMA/BBC

ઇમેજ કૅપ્શન, ગુરમુખસિંહ કહે છે કે નિજ્જરનો પરિવાર તેમના પાડોશમાં રહેતો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હિંમતસિંહ ઉપરાંત ભારસિંહપુરા ગામના પંચ ગુરમુખસિંહે બીબીસીને કેટલીક બાબતો જણાવી હતી. તેમણે જણાવ્યું કે હરદીપસિંહ નિજ્જરનો પરિવાર 1994-95માં અહીંથી ચાલ્યો ગયો હતો.

તેઓ કહે છે કે જ્યાં સુધી તેઓ ગામમાં રહેતા હતા ત્યાં સુધી તો આવી કોઈ પ્રવૃતિની વાત જાણવા નહોતી મળી. પરંતુ તેમના વિદેશ ગયા પછી કોઈ અલગતાવાદી પ્રવૃત્તિમાં સામેલ થયા વિશે કંઈ કહી ન શકાય.

ગુરમુખસિંહ કહે છે, "તેમનો પરિવાર અમારો પાડોશી હતો. તેઓ ખેતી અને દૂધનો વ્યવસાય કરતા હતા. નિજ્જર તે સમયે આઠમા કે નવમા ધોરણમાં ભણતો હોવો જોઈએ. તે સમયે તો આવી કોઈ ઘટના નહોતી બની. તે પોતાનું કામ કરતો, શાળાએ જતો અને દૂધવાળા તરીકે પણ કામ કરતો."

"તેમની અહીં કોઈ પંચાયત નથી થઈ, અહીં ક્યારેય કોઈની સાથે ઝઘડો કર્યો નથી. પણ જ્યારથી તે બહાર ગયો ત્યારથી તેમના વિશે કંઈ કહી શકાય નહીં. આ વિશે કાં તો કૅનેડાવાળા જાણે છે અથવા સરકાર જાણે છે કે બહાર ગયા પછી શું થયું કે શું નથી થયું?"

ગુરુમુખ કહે છે, "પરંતુ અમે ચોક્કસ કહીશું કે તેમની સાથે ખોટું થઈ રહ્યું છે. જ્યારે તે અહીંથી ગયા ત્યારે તે 14-15 વર્ષના હતા. અમને તેને જોયાને પણ ઘણો સમય થઈ ગયો હતો."

બીબીસી

નિજ્જર સામે કોર્ટની નોટિસ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PRADIP SHARMA/BBC

આ સિવાય ગામમાં બીજી એક બાબત જોવા મળી હતી, આ બાબત હતી કોર્ટનો આદેશ. જેમાં હરદીપસિંહ નિજ્જર અથવા તેના પરિવારના સભ્યોને કોર્ટમાં હાજર થવાનો આદેશ અપાયો હતો.

મોહાલીની એક વિશેષ સીબ.આઈ કોર્ટે ઑક્ટોબર 2021માં સંપત્તિ જપ્ત કરવા બાબતે એક નોટિસ જારી કરી હતી, જેમાં નિજ્જર અથવા તેના પરિવારમાંથી કોઈને પણ કોર્ટમાં હાજર રહેવા કહેવાયું હતું.

હાલમાં ગામમાં જોવા મળતી નોટિસમાં હરદીપસિંહ નિજ્જર અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યની કોર્ટમાં હાજર થવાની તારીખ 11 સપ્ટેમ્બર, 2023 લખવામાં આવી છે.

જોકે, હરદીપસિંહ નિજ્જરનું 18 જૂન, 2023ના રોજ અવસાન થયું હતું.

બીબીસી

કોણ હતા હરદીપસિંહ નિજ્જર

હરદીપસિંહ નિજ્જર

ઇમેજ સ્રોત, FB/VIRSA SINGH VALTOHA

ઇમેજ કૅપ્શન, હરદીપસિંહ નિજ્જર

ભારત સરકારે જણાવ્યા અનુસાર, નિજ્જર ખાલિસ્તાન ટાઇગર ફોર્સના પ્રમુખ હતા અને તે ખાલિસ્તાન ટાઇગર ફોર્સના મૉડ્યુલ સભ્યોને ઑપરેશન, નેટવર્કિંગ, તાલીમ અને નાણાંકીય સહાય પૂરી પાડવામાં સક્રિયપણે સામેલ હતા.

પંજાબ સરકારે જણાવ્યા અનુસાર, "નિજ્જરની કુલ 11 કૅનાલ અને સાડા તેર મરલે(પંજાબમાં જમીનનું એક માપ) જમીન નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ જાલંધરના ફિલ્લૌર સબ-ડિવિઝનમાં તેમના મૂળ ગામ ભારસિંહપુરામાં જપ્ત કરી લીધી હતી."

અલગ ખાલિસ્તાન રાષ્ટ્ર માટે એક ઑનલાઇન ઝુંબેશ 'શીખ રેફરન્ડમ 2020' કેસમાં 2020માં પંજાબમાં નિજ્જરની સંપત્તિ જપ્ત કરાઈ હતી.

નિજ્જર 1997માં કૅનેડા ગયા હતા. તેમનાં માતા-પિતા કોવિડ-19 લૉકડાઉન પહેલાં ગામમાં આવ્યાં હતાં. નિજ્જર પરિણીત હતા અને બે પુત્રોના પિતા નિજ્જર કૅનેડામાં પ્લમ્બર તરીકે કામ કરતા હતા.

ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી(એનઆઈએ) અનુસાર, નિજ્જર કથિત રીતે કેટીએફ (ખાલિસ્તાન ટાઈગર ફોર્સ)ના વડા જગતારસિંહ તારાને મળવા માટે 2013-14માં પાકિસ્તાન ગયા હતા.

જગતારસિંહ તારાની 2015માં થાઈલૅન્ડથી ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ તેને ભારત લવાયો હતો.

એજન્સી અનુસાર, નિજ્જર ભારતમાં પ્રતિબંધિત સંગઠન 'શીખ ફૉર જસ્ટિસ' સાથે પણ સંકળાયેલા હતા. નિજ્જર હાલમાં જ ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન રેફરન્ડમ માટે વોટિંગ કરતા જોવા મળ્યા હતા.

બીબીસી
બીબીસી