ભારત-કૅનેડા તણાવ : ટ્રુડોએ ભારતને પહેલાંથી જ પુરાવા આપ્યા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને કૅનેડા વચ્ચે સંબંધોમાં સતત એક પછી એક તિરાડો પડી રહી છે. દરરોજ બંને દેશો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે તો કડક પગલાં પણ ભરવામાં આવી રહ્યાં છે. હવે આ મામલે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે લગાવેલા આરોપો વિશે ફરીથી નિવેદન આપ્યું છે.
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે તેમણે પહેલાંથી જ ભારત સાથે આ મામલે માહિતી શૅર કરી હતી.
આવું ત્રીજીવાર ઘટી રહ્યું છે કે જ્યારે ટ્રુડોએ આ મુદ્દે જાહેરમાં વાત કરી હોય. અત્યાર સુધી ભારત કહેતું આવ્યું છે કે કૅનેડાએ હજુ સુધી તેના આરોપોને સમર્થન આપતા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા સંબંધે ભારત પર આરોપ લગાવ્યા બાદ ટ્રુડોએ શુક્રવારે કૅનેડાની રાજધાની ઓટ્ટાવામાં આયોજિત પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેમણે આ અંગે ભારતને કેટલાંક અઠવાડિયાં પહેલાં જાણ કરી હતી.
તેમણે કહ્યું કે, "હું એટલું કહી શકું છું કે મેં સોમવારે જે કહ્યું તે અંગેનાં વિશ્વસનીય કારણો અમે ભારતને ઘણાં અઠવાડિયાં પહેલાં આપ્યાં હતાં."
તેમણે એમ પણ કહ્યું હતું કે આ મામલાની તપાસમાં તેઓ ભારતનો સહયોગ ઇચ્છે છે. તેમણે કહ્યું હતું કે, “અમે ભારત સાથે સકારાત્મક રીતે કામ કરવા માંગીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે આ ગંભીર મુદ્દાની તપાસમાં ભારત અમને સહયોગ આપશે.”

જસ્ટિન ટ્રુડોએ ભારત સામે ફરીથી આરોપો લગાવ્યા

ઇમેજ સ્રોત, REUTERS/MIKE SEGAR
જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલે ભારત પર લગાવેલા આરોપોનું પુનરાવર્તન કર્યું છે અને કહ્યું છે કે તેમની પાસે તેના વિશ્વાસપાત્ર પુરાવા છે.
ગુરુવારે ટ્રુડોએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની સમાનાંતરે ન્યૂયૉર્કમાં પત્રકારો સાથે વાતચીત કરતા આ વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું હતું કે, “જે પ્રમાણે મેં સોમવારે કહ્યું હતું તેમ જ અમારી પાસે વિશ્વાસપાત્ર પુરાવા છે કે ભારત સરકારના એજન્ટો કૅનેડિયન વ્યક્તિની કૅનેડામાં જ હત્યા કરવામાં સંડોવાયેલા છે. અમે એ કહેવા માંગીએ છીએ કે કૅનેડા કાયમ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાપિત સિદ્ધાંતોને વળગી રહેશે.”
જોકે, આ પુરાવાઓ કેટલા પ્રમાણભૂત કે મજબૂત છે એ અંગે પૂછેલા પ્રશ્નનો ટ્રુડોએ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે “કૅનેડા પાસે એક સ્વતંત્ર અને મજબૂત ન્યાયપ્રણાલી છે. અમને વિશ્વાસ છે કે ન્યાયપ્રણાલીની નીતિમત્તાને કારણે સત્ય જરૂર બહાર આવશે.”
તેમણે એ પણ ઉમેર્યું હતું કે આરોપો હવામાં લગાવવામાં આવેલ નથી, આ ખૂબ ગંભીરતાથી લગાવાયેલા આરોપો છે.

ભારત-કૅનેડા વિવાદ પર અમેરિકાએ શું કહ્યું?
કૅનેડામાં ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવાને ગુરુવારે કહ્યું હતું કે અમેરિકા આ મામલે ભારતને કોઈ 'વિશેષ છૂટ' નહીં આપે.
તેમનું કહેવું છે કે અમેરિકા આ મામલે ઉચ્ચ સ્તરે ભારતીય અધિકારીઓના સંપર્કમાં છે.
ન્યૂઝ ઍજન્સી રૉઇટર્સ અનુસાર વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું, "આ અમારા માટે ચિંતાનો વિષય છે. આ એવી વસ્તુ છે કે જેને અમે ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ એક એવી બાબત છે કે જેના પર અમે કામ કરવાનું ચાલુ રાખીશું અને કોઈ પણ દેશની ચિંતા કર્યા વગર અમે અમારું કામ કરીશું."
તેમણે કહ્યું, "આ પ્રકારના મામલાઓમાં તમને કોઈ વિશેષ છૂટ મળતી નથી. અમે અમારા મૂળભૂત સિદ્ધાંતોનું રક્ષણ કરીશું. અમે કૅનેડા જેવા સાથીઓ સાથે પણ નજીકથી કામ કરીશું, કારણ કે કૅનેડા આ કેસમાં તપાસ અને રાજદ્વારી પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યું છે."
સુલિવાને કહ્યું હતું કે અમેરિકા આ મામલે બંને દેશોના સંપર્કમાં છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શું આરોપો લગાવ્યા?

ઇમેજ સ્રોત, ANI
ભારત સરકાર પહેલા દિવસથી જ કૅનેડાના આરોપોને ફગાવી રહી છે. ગુરુવારે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ પ્રૅસ કૉન્ફરન્સમાં આ મામલાને લગતા અનેક સવાલોના જવાબ આપ્યા હતા.
તેમણે કહ્યું કે, "નિજ્જરની હત્યા સંબંધિત કોઈ ગુપ્ત માહિતી કેનેડાએ અમારી સાથે શેર કરી નથી."
અરિંદમે કહ્યું, "કૅનેડા દ્વારા કોઈ ચોક્કસ માહિતી શેર કરવામાં આવી નથી. આરોપ પહેલા કે પછી પણ તેમણે કોઈ માહિતી આપી નથી.”
તેમણે કેનેડા પર ખાલિસ્તાન સમર્થકોને આશ્રય આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
"અમારી પાસે કૅનેડાની ધરતી પર કેટલાક લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હોવાના પુરાવા છે. અમે તે માહિતી કૅનેડા સાથે શેર કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી."
અરિન્દમે કહ્યું, “એવા લોકોને કૅનેડામાં સુરક્ષિત આશ્રય આપવામાં આવે છે જેમની સામે આતંકવાદના આરોપો છે. કૅનેડા તેમને સલામત આશ્રય ન આપે તેવી અમારી વિનંતી છે. તેમણે ત્યાં કાર્યવાહી કરવી જોઈએ. આ 20 જેટલા લોકોનો મામલો છે. અમે આ કેસમાં પ્રત્યાર્પણ અથવા અન્ય કાર્યવાહી કરવા માટે વિનંતીઓ કરી છે."

ભારતે કૅનેડાના નાગરિકોને વિઝા આપવાના બંધ કર્યા

ઇમેજ સ્રોત, BLS
ભારત અને કૅનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે. બંને દેશો તરફથી એક પછી એક નિવેદનો આવી રહ્યાં છે.
દરમિયાન ભારતના કૅનેડાસ્થિત ભારતીય મિશને કહ્યું છે કે ઑપરેશનલ કારણોથી આગળ કોઈ સૂચના જાહેર કરવામાં આવે ત્યાં સુધી વિઝા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
આમ, હવે કૅનેડાના નાગરિકોને ભારતના વિઝા મળશે નહીં.
થોડા સમય પહેલાં ભારતના વિઝા ઍપ્લિકેશનોનું કામ જોનાર કંપની બીએલએસની વેબસાઇટ પર આ માહિતી મૂકવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેને હઠાવી લેવામાં આવી હતી. પરંતુ હવે આ જાણકારી ફરીથી શેર કરી દેવામાં આવી છે.
કૅનેડાના ભારતીય વિઝા સેન્ટરે તેની વેબસાઇટ પર આ માહિતી આપી હતી. જેમાં લખ્યું હતું કે, “ભારતીય મિશન તરફથી જરૂરી સૂચના-ઑપરેશનલ કારણોને લીધે 21 સપ્ટેમ્બર, 2023થી ભારતીય વિઝા સેવાઓને હવે પછીનો આદેશ કરવામાં આવે ત્યાં સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કૃપા કરીને હવે પછીની અપડેટ્સ માટે બીએલએસની વેબસાઇટ ચેક કરતા રહો.”
બીએલએસ ઇન્ટરનેશનલ કૅનેડામાં ભારત માટે ઑનલાઇન વિઝા ઍપ્લિકેશન કેન્દ્રોનું કામ સંભાળે છે.

ભારતીય વિદ્યાર્થીઓએ કૅનેડામાં તકલીફ હોય તો શું કરવું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરિંદમ બાગચીએ ગુરુવારે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં કૅનેડામાં ચાલી રહેલા તણાવ સાથે સંબંધિત ઘણા સવાલોના જવાબ આપ્યા. કૅનેડાએ ગુરુવારે જણાવેલું કે સોશિયલ મીડિયા પર કૅનેડિયન રાજદ્વારીઓને ધમકી મળી છે.
આ અંગે અરિંદમ બાગચીએ કહ્યું, “અમે વિયેના કન્વેશનને ખૂબ ગંભીરતાપૂર્વક લઈએ છીએ. અમે આ વિશે સુરક્ષા એજન્સીઓ સાથે વાત કરીશું. અમે તેમને સુરક્ષા અને સહાયતા પૂરી પાડીશું. અને અમે આ જ પ્રકારની સંવેદનશીલતાની અપેક્ષા કૅનેડા પાસેથી પણ કરીએ છીએ. તેમણે કન્વેશનને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ.”
કૅનેડામાં નોંધપાત્ર સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ વિશે બાગચીએ કહ્યું, “ભારતીય વિદ્યાર્થીઓ જ્યાં ક્યાંય પણ છે, ત્યાં અમારાં દૂતાવાસ કામ કરી રહ્યાં છે, કોઈ પણ તકલીફ હોય તો તેમનો સંપર્ક સાધો. અમારી વિઝા પૉલિસીથી તેમને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ ભારતીય વિદ્યાર્થી છે.”
અરિંદમ બાગચીએ આ દરમિયાન કૅનેડામાં ભારતીય દૂતાવાસ અને ભારતમાં કૅનેડિયન દૂતાવાસમાં રાજદ્વારીઓની સંખ્યા અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે બંને દેશોમાં સંખ્યા મામલે એકરૂપતા હોય એ જરૂરી છે. દિલ્હીમાં કૅનેડિયન કર્મીઓની સંખ્યા ઘણી વધારે છે.

કૅનેડાના ભારતીય મૂળના સાંસદે શું અપીલ કરી?

ઇમેજ સ્રોત, Social Media
કૅનેડામાં ઑન્ટારિયોના નપિયનથી સાંસદ ચંદ્ર આર્યાએ કૅનેડામાં વસતાં હિન્દુઓને અપીલ કરી છે કે તેઓ સાવધાન રહે.
આ સાથે જ કહ્યું છે કે ખાલિસ્તાન સમર્થક નેતાઓ કૅનેડામાં હિન્દુઓ અને શીખો વચ્ચે ભાગલા પડાવવાની કોશિશ કરી રહ્યા છે.
એક વીડિયો અપીલ જાહેર કરીને તેમણે કહ્યું, “થોડા દિવસો પહેલાં કૅનેડામાં ખાલિસ્તાન ચળવળના નેતા અને કથિત લોકમતનું આયોજન કરનાર શીખ ફૉર જસ્ટિસના પ્રમુખ ગુરપતવંતસિંહ પન્નુએ હિંદુ-કૅનેડિયનો પર હુમલો કર્યો હતો અને અમને કૅનેડા છોડીને ભારત પાછા ફરવા કહ્યું હતું.”
“મેં ઘણા હિન્દુ-કૅનેડિયનો પાસેથી સાંભળ્યું છે કે તેઓ આ હુમલા પછી ડરી ગયા છે. હું હિન્દુ-કૅનેડિયનોને શાંત રહેવાની અપીલ કરું છું પરંતુ સાથે સાથે તેઓ સાવધાન પણ રહે. હિન્દુફોબિયાની કોઈ પણ ઘટનાની જાણ તમારી નજીકની એજન્સીને તરત જ કરો."
“ખાલિસ્તાન તરફી નેતાઓ કૅનેડિયન હિન્દુઓને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ કૅનેડામાં શીખ અને હિંદુ સમુદાયને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું એક વાત સ્પષ્ટ કરવા માગું છું કે કૅનેડામાં મોટા ભાગના શીખભાઈઓ અને બહેનો ખાલિસ્તાન ચળવળને સમર્થન આપતાં નથી. ઘણા શીખો ખુલ્લેઆમ ખાલિસ્તાન ચળવળની નિંદા કરશે નહીં, પરંતુ તેઓ કૅનેડિયન હિંદુ સમુદાય સાથે જ જોડાયેલા છે."

કૅનેડાના વડા પ્રધાને ભારત પર આરોપો લગાવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
ખાલિસ્તાની ઉગ્રવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની કૅનેડામાં થોડા મહિનાઓ પહેલાં હત્યા કરી દેવામાં આવી હતી.
ગત સોમવારે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપો લગાવતા કહ્યું હતું કે આ મામલામાં ભારતના ઍજન્ટોની સંડોવણી હોઈ શકે છે.
તેમણે કૅનેડાની સંસદમાં ભાષણ આપતા સમયે ભારત પર આ આરોપો લગાવ્યા હતા.
ત્યારબાદ ભારત અને કૅનેડાના સંબંધો વણસવાનું ચાલુ થયું. કૅનેડાએ ભારતના એક રાજદ્વારી અધિકારીને પણ હઠાવી દીધા હતા.
ભારતે ત્યારબાદ આ નિવેદનનો વિરોધ કરીને બદલો લેતાં કૅનેડાના એક રાજદ્વારીને કાઢી મૂક્યા હતા.

સંબંધોમાં કડવાશ કઈ રીતે આવી?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને કૅનેડાના સંબંધોમાં કટુતા વધી ગઈ છે. ભારત સરકાર નિજ્જરની હત્યાના આરોપોને ફગાવતી આવી છે.
થોડા દિવસો પહેલાં ટ્રૂડો જ્યારે જી-20 સંમેલનમાં ભાગ લેવા ભારત આવ્યા હતા ત્યારે ટ્રૂડો સાથે મુલાકાતમાં પીએમ મોદીએ કૅનેડામાં અલગતાવાદી ગતિવિધિઓ અને ભારતીય રાજદ્વારી અધિકારીઓ પર થતા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
ટ્રૂડોના કૅનેડા પરત ફર્યા બાદ જ કૅનેડાના વાણિજ્યમંત્રી મૈરી એનજીના પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે કૅનેડાએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર વાતચીત અટકાવી દીધી છે.

જી-20 બાદ ઝડપથી વધ્યું અંતર

ઇમેજ સ્રોત, REUTERS
કૅનેડાના પીએમ ટ્રૂડો જી20 બાદ જેવા પોતાના દેશ પાછા ફર્યા ભારત સાથે સંબંધોમાં અંતર આવવાનું શરૂ થઈ ગયું હતું.
15 સપ્ટેમ્બરે કૅનેડાએ ભારત સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર પર વાતચીત રોકી દીધી હતી.
વર્ષ 2022માં ભારત કૅનેડાનો મોટા વેપારનો દસમો સૌથી મોટો ભાગીદાર દેશ હતો. 2022-23માં ભારતે કૅનેડાને 4.10 અબજ ડૉલરના સામાનની નિકાસ કરી હતી.
તો વર્ષ 2022-23માં કૅનેડાએ ભારતમાં 4.05 અબજ ડૉલરના સામાનની નિકાસ કરી હતી. 2021-22માં આ આંકડો 3.13 અબજ ડૉલરનો હતો.
ભારતમાં કૅનેડાની ઓછામાં ઓછી 600 કંપનીઓ કામ કરી રહી છે.
ભારતીય થિંક ટૅંક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર હર્ષ વી પંતે બીબીસીને કહ્યું હતું "ટ્રૂડો જ્યાં સુધી સરકારમાં છે ત્યાં સુધી તો સ્થિતિ સામાન્ય થતી નથી દેખાઈ રહી. મને લાગે છે કે ટ્રૂડોએ તેને અંગત મુદ્દો બનાવી લીધો છે. તેમને લાગે છે કે તેમના પર અંગત રીતે હુમલા થઈ રહ્યા છે."
તેમણે ઉમેર્યું, "ભારત ખાલિસ્તાન મુદ્દે પોતાની વાત સ્પષ્ટ રીતે મૂકી જ રહ્યું હતું અને વેપાર પર પણ વાતચીત થઈ રહી હતી. પણ ટ્રૂડોના નવા વલણથી લાગે છે કે તેઓ પોતાને બૅકફૂટ પર જોઈ રહ્યા છે. તેથી તેઓ પણ ભારત સાથે તણાવ બાબતે ખૂલીને બોલી રહ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા અને શીખ સમુદાય
1985માં ટૉરન્ટોથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક વિસ્ફોટ થયો હતો. જેમાં સવાર બધા જ 329 લોકો મૃત્યુ પામ્યા હતા. જેને કૅનેડામાં સૌથી ખતરનાક અને જીવલેણ આતંકવાદી હુમલા અને નરસંહાર સ્વરૂપે જોવાય છે.
લાંબી તપાસ બાદ 2005માં બ્રિટિશ કોલંબિયાના બે શીખ અલગતાવાદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા. આ મુદ્દે અનેક સાક્ષીઓનાં મૃત્યુ થઈ ગયાં અથવા તો તેમની હત્યા કરી દેવાઈ અથવા તો તેમને જુબાની આપવાથી ડરાવવામાં આવ્યા.
આ મુદ્દે એ ધ્યાને આવ્યું કે એક ત્રીજી શીખ વ્યક્તિએ બૉમ્બ બનાવવા અને હત્યાના કેસમાં ખોટી જુબાની આપી હતી.
2005માં આ અંગે મુક્ત થયેલા રિપુદમનસિંહ મલિકને ગોળી મારી દેવામાં આવી હતી. બાદમાં બે લોકોની ધરપકડ કરી લેવાઈ હતી. પણ આ હત્યાએ બ્રિટિશ કોલંબિયા શીખ સમુદાયને પરેશાન કરી દીધો.
ખાલિસ્તાન આંદોલનને ભારત પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે. પણ એવું મનાઈ રહ્યું છે કે આ આંદોલનથી સહાનુભૂતિ રાખનારા શીખો વિશ્વભરમાં છે. જેમાં ખાસ કરીને કૅનેડા અને બ્રિટનમાં ખાલિસ્તાની ગતિવિધિઓથી ભારતને સખત વાંધો છે.
2021ની વસ્તી ગણતરી મુજબ કૅનેડામાં 7,70,000 શીખો છે.
2015માં જ્યારે ટ્રૂડો વડા પ્રધાન બન્યા તો તેમની કૅબિનેટમાં કુલ ચાર શીખ હતા. સેન્ટર-લૅફ્ટ ન્યૂ ડેમૉક્રેટિક પાર્ટીના જગમીતસિંહ પણ શીખ જ છે. વૉશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ અનુસાર જગમીતસિંહ પાર્ટીના નેતા બનતા પહેલાં ખાલિસ્તાનની રેલીઓમાં સામેલ થતા હતા.















