મ્યાનમારમાં ઓનલાઇન છેતરપિંડી કરીને કઈ રીતે લોકોને ‘સાયબર ગુલામ’ બનાવવામાં આવી રહ્યા છે?

- લેેખક, સુનેથ પરેરા અને ઇસ્સારિયા પ્રૅથોન્ગએમ
- પદ, બીબીસી ન્યૂઝ
“તેણે મારાં કપડાં ઉતારી નાખ્યાં. મને એક ખુરશી પર બેસાડીને મારા પગમાં વીજળીના ઝટકા અપાયા. મને લાગ્યું કે મારા જીવનનો અંત થઈ ગયો.”
શ્રીલંકાના 24 વર્ષીય રવિ આઇટીની નોકરી મેળવવા માટે થાઇલૅન્ડ ગયા હતા. પરંતુ બૅંગકોકની ગગનચુંબી ઇમારતોવાળી ઑફિસમાં હોવાને બદલે તેઓ મ્યાનમારના એક અંધારા ઓરડામાં ફસાઈ ગયા હતા.
રવિનું અપહરણ થઈ ગયું હતું. ત્યારબાદ તેમને થાઇલૅન્ડના સરહદી વિસ્તાર ‘માએ સોત’ પાસે નદીપાર લઈ જવામાં આવ્યા. તેમનું કહેવું છે કે ત્યાં તેમને ઓનલાઇન છેતરપિંડી કરનારા ચીની ભાષી લોકોની છાવણીઓમાંથી એકમાં છાવણીમાં વેચી દેવામાં આવ્યા.
આ શિબિરોમાં રવિ જેવા અપહરણનો શિકાર બનેલા લોકોને છેતરપિંડીનું કામ કલાકો સુધી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. આ પીડિતોની ખોટી ઓનલાઇન ઓળખ ઊભી કરીને તેમને મહિલા બનાવીને રજૂ કરવામાં આવે છે.
તેમનું કામ અમેરિકા અને યુરોપના એકલા રહેતા પુરુષોને જાળમાં ફસાવવાનું હોય છે. ત્યારબાદ કોઈ વ્યક્તિ સારો રિસ્પોન્સ આપે કે તરત જ તેને કોઈ ફેક ટ્રેડિંગ પ્લૅટફૉર્મમાં મોટી રકમનું રોકાણ કરવા માટે રાજી કરી લેવામાં આવે છે.
રવિ ‘સાયબર ગુલામી’ના જે શિબિરમાં ફસાયા તે મ્યાનમારમાં મ્યાવાડ્ડી પાસે જંગલમાં બનેલી હતી. આ એવો વિસ્તાર છે કે જ્યાં મ્યાનમારની સૈન્ય સરકારનું સીધું નિયંત્રણ નથી.
ઇન્ટરપૉલ અનુસાર એશિયા, પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને પશ્ચિમી યુરોપનાં હજારો યુવક-યુવતીઓને કમ્પ્યુટર સાથે જોડાયેલી નોકરીઓની લાલચ આપીને ‘સાયબર ક્રિમિનલ’ શિબિરોમાં ફસાવી દેવામાં આવે છે.
જે લોકો તેમના આદેશોનું પાલન નથી કરતા તેમને મારવા-પીટવામાં આવે છે અથવા તો તેમનો બળાત્કાર પણ કરવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રવિએ બીબીસીને જણાવ્યું હતું કે, “તેમની વાત ન માનવાને કારણે મેં એક જ કોટડીમાં 16 દિવસ વીતાવ્યા હતા. તેમણે મને પીવા માટે જે પાણી આપ્યું તેમાં સિગારેટના ટુકડાઓ અને રાખ ભેળવેલી હતી.”
તેમણે જણાવ્યું, “કોટડીમાં મને પાંચ કે છ દિવસ થઈ ગયા હતા ત્યારે બે છોકરીઓને મારી બાજુની કોટડીમાં લાવવામાં આવી હતી. મારી આંખ સામે 17 લોકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. એક છોકરી ફિલિપાઇન્સની હતી અને બીજી પીડિત છોકરીનો દેશ મને ખબર નથી.”
કોણ બની રહ્યું છે તસ્કરીનો શિકાર?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંયુક્ત રાષ્ટ્રે (યુએન) ઑગસ્ટ 2023માં અનુમાન લગાવ્યું હતું કે મ્યાનમારમાં 1.20 લાખથી વધુ અને કંબોડિયામાં 1 લાખ લોકોને અનેક પ્રકારની ઓનલાઇન છેતરપિંડી કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે.
યુએન અનુસાર તેમની પાસે ગેરકાયદે જુગારથી લઈને ક્રિપ્ટોકરન્સીની છેતરપિંડી તથા ઓનલાઇન અનેક પ્રકારની છેતરપિંડીનાં કામ કરાવવામાં આવી રહ્યાં છે. ગત વર્ષે જાહેર કરાયેલા ઇન્ટરપોલના એક રિપોર્ટ અનુસાર, લાઓસ, ફિલિપાઇન્સ, મલેશિયા, થાઇલૅન્ડ અને વિયતનામમાં ઓનલાઇન છેતરપિંડીનાં કેન્દ્રો હતાં.
ઇન્ટરપોલના એક પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે આ ટ્રેન્ડ એક ક્ષેત્રીય સમસ્યાથી વધીને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો બની ચૂક્યો છે. સંસ્થા અનુસાર બીજા અનેક દેશો પણ છેતરપિંડીનાં કેન્દ્ર બની ગયાં છે જ્યાં લોકોને અપહરણ કરીને લાવવામાં આવે છે.
આ મહિનાની શરૂઆતમાં ભારત સરકારે જણાવ્યું હતું કે હવે કંબોડિયામાં તસ્કરી કરીને લઈ જવામાં આવેલા કુલ 250 નાગરિકોને બચાવવામાં આવ્યા છે.
ચીને માર્ચ મહિનામાં પોતાના સેંકડો નાગરિકોને મ્યાનમારનાં આ કેન્દ્રોમાંથી પાછા લઈ જવામાં સફળતા હાંસલ કરી હતી. ચીન મ્યાનમારની સૈન્ય સરકાર અને હથિયારબંધ સમૂહો પર છેતરપિંડીનાં કેન્દ્રોને બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે.
શ્રીલંકાના અધિકારીઓ અનુસાર તેમને પોતાના ઓછામાં ઓછા 56 નાગરિકોની ભાળ મળી છે. આ એ લોકો છે જેઓ મ્યાનમારની ચાર અલગ-અલગ જગ્યાઓએ ફસાયેલા છે. મ્યાનમારમાં શ્રીલંકાના રાજદૂત જનક બંડારાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમાંથી આઠ લોકોને હાલમાં મ્યાનમારના સત્તાવાળાઓની મદદથી બચાવવામાં આવ્યા છે.
આ શિબિરોનો શિકાર બનેલા લોકોમાં પ્રવાસી લોકોનું પણ મોટું પ્રમાણ છે. દક્ષિણ એશિયાથી દર વર્ષે લાખો ઍન્જિનિયર, ડૉક્ટર, નર્સ, આઇટી વિશેષજ્ઞ કામની તલાશમાં વિદેશ પલાયન કરે છે.
કમ્પ્યૂટરના જાણકાર રવિ પણ સંકટને કારણે ઘેરાયેલી પોતાના દેશની અર્થવ્યવસ્થાને કારણે શ્રીલંકા છોડવા માટે બેતાબ હતા. આવા સમયે તેમને થાઇલૅન્ડની રાજધાની બૅંગકોકમાં ડેટા ઍન્ટ્રીની નોકરી આપનાર સ્થાનિક ઍજન્ટ વિશે ખબર પડી હતી.
ભરતી કરનારા ઍજન્ટે દુબઈના પોતાના એક સહયોગી સાથે મળીને ભરોસો અપાવ્યો કે કંપની તેમને શ્રીલંકામાં 3,70,000 શ્રીલંકન રૂપિયા અને 1200 ડૉલરની બેઝિક સૅલરી આપશે. હાલમાં જ લગ્ન કરનારા રવિ અને તેમનાં પત્નીને લાગ્યું કે આ નોકરીથી તેઓ તેમનું ઘર બનાવી શકે છે. આ માટે તેમણે એ ઍજન્ટને પૈસા આપવા માટે ઘણી લોન પણ લીધી.
થાઇલૅન્ડથી મ્યાનમાર સુધીની સફર

ઇમેજ સ્રોત, NOPPORN WICHACHAT
2023ની શરૂઆતમાં રવિ અને શ્રીલંકાના અન્ય લોકોના એક જૂથને પહેલાં બૅંગકોક મોકલવામાં આવ્યું. ત્યારબાદ તેમને પશ્ચિમી થાઇલૅન્ડના શહેર માએ સોત મોકલવામાં આવ્યા હતા.
રવિએ કહ્યું, “અમને એક હોટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારબાદ અમને સીધા જ બંદૂકધારીઓને સોંપી દેવામાં આવ્યા. અમને એક નદી પાર કરાવીને મ્યાનમાર લઈ જવામાં આવ્યા.” ત્યારબાદ તેમને ચીની ભાષા બોલનારા ગૅંગસ્ટરો દ્વારા ચલાવવામાં આવી રહેલા શિબિરોમાં મોકલવામાં આવ્યા.
રવિ અનુસાર, “અમે ડરેલા હતા. શ્રીલંકા, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ અને આફ્રિકી દેશોનાં લગભગ 40 યુવક-યુવતીઓને આ શિબિરમાં જબરદસ્તીથી રાખવામાં આવ્યાં હતાં.”
રવિએ કહ્યું કે તેઓ ત્યાંથી ભાગી ન જાય તેના માટે પરિસરની ચારે બાજુએ ઊચી દીવાલો અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા હતા અને પ્રવેશદ્વાર પર 24 કલાક બંદૂકધારીઓ પહેરેદારી કરી રહ્યા હતા.
રવિ અનુસાર તેમને અને અન્ય લોકોને ત્યાં દરરોજ 22 કલાક કામ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. મહિનામાં માત્ર એક દિવસની જ રજા મળતી હતી. તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે દરરોજ તેઓ ઓછામાં ઓછા ત્રણ લોકોને શિકાર બનાવશે.
જે લોકો તેમની વાત ન માને તેમના પર ત્રાસ ગુજારવામાં આવતો હતો અથવા તો જો તેમનાથી બચવું હોય તો તેના માટે નાણાં ચૂકવવા પડતાં હતાં.
આવું જ મહારાષ્ટ્રના 21 વર્ષીય નીલ વિજય સાથે બન્યું હતું. તેમને ઑગસ્ટ 2022 સુધીમાં પાંચ અન્ય ભારતીય પુરુષો અને ફિલિપાઇન્સની બે મહિલાઓ સાથે તસ્કરી કરીને મ્યાનમારમાં લાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, NOPPORN WICHACHAT
નીલ વિજયે બીબીસીને જણાવ્યું હતું કે તેમનાં માતાના એક મિત્રે તેમને બૅંગકૉકના એક કૉલ સેન્ટરમાં નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. તેણે ઍજન્ટની ફીના ભાગરૂપે 1.50 લાખ ચૂકવ્યા હતા.
નીલે જણાવ્યું હતું કે, “ચીની ભાષી લોકો અનેક કંપનીઓ ચલાવી રહ્યા હતા. તેઓ બધા છેતરપિંડી કરી રહ્યા હતા. અમને એ કંપનીઓને વેચી દેવામાં આવ્યા હતા. અમે જ્યારે એ જગ્યાએ પહોંચ્યા ત્યારે મેં આશા છોડી દીધી હતી. જો મારાં માતાએ તેમને ખંડણીની રકમ ન આપી હોત તો મને પણ બીજાની જેમ હેરાન કરવામાં આવત. ”
આ છેતરપિંડીમાં સામેલ થવાની મનાઈ કર્યા બાદ નીલના પરિવારે તેમને છોડી દેવા માટે છેતરપિંડી કરનાર વ્યક્તિને છ લાખ ભારતીય રૂપિયાની ચૂકવણી કરી હતી. જોકે, ત્યાંથી છૂટ્યા બાદ તેમને ખ્યાલ આવ્યો કે ટાર્ગેટ પૂરો ન કરવાને કારણે અથવા તો ખંડણીના પૈસા ન આપવાને કારણે અનેક લોકો સાથે અમાનવીય અને ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું.
તેઓ ત્યાંથી છૂટ્યા બાદ થાઇલૅન્ડના અધિકારીઓએ ભારત ફરવા માટે તેમની મદદ કરી હતી. તેમના પરિજનોએ ભરતી કરનારા સ્થાનિક લોકો સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે.
થાઇલૅન્ડના અધિકારીઓ આવા પીડિતોને તેમના દેશ સુધી મોકલવા માટે મદદ કરે છે. પરંતુ ત્યાંના ન્યાય-મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે પાડોશી દેશોમાં ચાલતા આવા કૅમ્પોમાં ફસાયેલા લોકોની તુલનામાં બચાવાયેલા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે.
થાઇલૅન્ડમાં વિશેષ તપાસ સમિતિના ડેપ્યુટી ડાયરેક્ટર પિયા રક્સાકુલે કહ્યું કે, “આ આપરાધિક જૂથો વિશે લોકોને જાગૃત કરવા માટે અમારે દુનિયાના દેશો સાથે સંવાદ વધારવાની અને કામ કરવાની જરૂર છે જેથી કરીને લોકો પોતાને આમાંથી બચાવી શકે છે.”
તેમનું કહેવું છે કે માનવતસ્કરો ઘણીવાર બૅંગકોકને લોકોને લાવવા માટેના કેન્દ્ર તરીકે તેનો ઉપયોગ કરે છે. કારણ કે ભારત અને શ્રીલંકા સહિત અનેક દેશોના લોકો ‘વિઝા ઓન અરાઇવલ’ની સુવિધાને કારણે આસાનીથી થાઇલૅન્ડ જઈ શકે છે.
તેમણે જણાવ્યું કે ગુનેગારો આ સુવિધાનો ફાયદો ઉઠાવીને પોતાના માટે કામ કરવા માટે લોકોનું અપહરણ કરાવે છે.
કઈ રીતે થાય છે આ છેતરપિંડી?

ઇમેજ સ્રોત, NOPPORN WICHACHAT
રવિએ જણાવ્યું કે તેમને ચોરીના ફોન નંબરો, સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લૅટફોર્મ મારફતે રોમાન્ટિક સંબંધો બનાવીને પશ્ચિમી દેશોના અમીર લોકોને નિશાન બનાવવાનું કહેવામાં આવતું હતું. તેમણે પીડિત લોકો સાથે સીધો સંપર્ક કર્યો હતો. સામાન્ય રીતે તેમને ભરોસો અપાવાતો હતો કે પહેલો મૅસેજ ‘હાઈ’ એ માત્ર ભૂલથી થયો હતો.
રવિ જણાવે છે કે, કેટલાક લોકો મારા મૅસેજને નજરઅંદાજ કરતા હતા પરંતુ એકલા રહેતા લોકો અથવા તો સેક્સની ચાહ રાખનારા લોકો તેમાં ફસાઈ જતા હતા. “આ લોકો જવાબ આપે ત્યારપછી તેમને લોભાવવા માટે તેમને યુવતીઓની અંતરંગી તસવીરો મોકલવા માટે અમને મજબૂર કરવામાં આવતા.”
કેટલાક દિવસોમાં જ સેંકડો મૅસેજનું આદાનપ્રદાન કર્યા બાદ છેતરપિંડી કરનારા લોકો આવા લોકોનો ભરોસો હાંસલ કરી લેવાતો. ત્યારબાદ તેમને ખોટા ઓનલાઇન ટ્રેડિંગ પ્લૅટફોર્મમાં મોટી રકમનું રોકાણ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. પછી આ નકલી ઍપ તેમને રોકાણ અને લાભની ખોટી જાણકારી આપતી હતી.
રવિ જણાવે છે કે, “જો કોઈ વ્યક્તિ 1 લાખ ડૉલર ટ્રાન્સફર કરે તો અમે તેમને 50 હજાર ડૉલર પાછા આપીને કહેતા કે આ તેમનો લાભ છે. જેથી તેમને લાગતું હતું કે તેમની પાસે તો હવે 1.50 લાખ ડૉલર છે. હકીકતમાં તેમને તો 1 લાખ ડૉલરની શરૂઆતી રકમમાંથી અડધી રકમ જ મળતી હતી અને અડધી રકમ તો અમારી પાસે જ હતી.”
આટલો ભરોસો બનાવી લીધા પછી છેતરપિંડી કરનારા લોકો પીડિત લોકો પાસેથી પૈસા પડાવી લેતા ત્યારબાદ તેમનાં ખાતાઓ અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ આપોઆપ ગાયબ થઈ જતાં હતાં.
છેતરપિંડીના આ કારોબારની વ્યવસ્થા કેટલી મોટી છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
જોકે, એફબીઆઈએ પોતાની 2023ની ‘ઇન્ટરનેટ ક્રાઇમ રિપોર્ટ’માં જણાવ્યું હતું કે અમેરિકામાં ‘ભરોસો કે રોમાન્સ’વાળા આવા ગોટાળાઓની 17 હજારથી વધુ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો હેઠળ થયેલા કુલ નુકસાનની રકમ અંદાજે 65 કરોડ ડૉલર હતી એવું સામે આવ્યું હતું.
માનસિક અને શારીરિક જખમો
રવિએ જણાવ્યું કે એક મહિનાની કેદ પછી તેમને કોઈ બીજા સમૂહને વેચી દેવામાં આવ્યા હતા. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કારણ કે તેઓ જે કંપની માટે કામ કરી રહ્યા હતા તે કંપનીનું દેવાળું ફૂંકાઈ ચૂક્યું હતું. મ્યાનમારમાં તેઓ છ મહિના સુધી ફસાયેલા રહ્યા અને તે દરમિયાન તેમને અલગ-અલગ સમૂહોને વેચી દેવામાં આવ્યા હતા.
તેમણે પોતાના આ નવા ગૅઁગમાસ્ટરોને કહ્યું હતું કે તે હવે લોકો સાથે વધુ છેતરપિંડી કરી શકશે નહીં એટલા માટે હવે તેને શ્રીલંકા જવાની પરવાનગી આપવામાં આવે. આ વાતને લઈને એક દિવસ તેની ટીમના લીડર સાથે મારામારી થઈ ગઈ. ત્યારબાદ રવિને એક કોટડીમાં લઈ જઈને તેના પર 16 દિવસ સુધી ત્રાસ ગુજારવામાં આવ્યો.
અંતમાં તેના ચીની બૉસે રવિ સાથે મુલાકાત કરી અને તેણે રવિને કામ કરવાનો છેલ્લો મોકો આપ્યો. રવિએ જણાવ્યું, “મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. ત્યાં સુધીમાં મારું અડધું શરીર અપંગ બની ચૂક્યું હતું.”
ત્યારપછીના ચાર મહિના સુધી રવિ સામે બે હજાર ડૉલર અને નદી પાર કરીને થાઇલૅન્ડ જવા માટે વધુ 650 ડૉલરની શરત મૂકવામાં આવી. રવિનાં માતાપિતાએ તેમનું ઘર ગીરવી રાખીને આ લાંચની રકમ આપી. ત્યારબાદ તેમને માએ સોત લઈ જવામાં આવ્યા.
વિઝા ન હોવાને કારણે ઍરપોર્ટ પર તેમના ઉપર 550 ડૉલરનો દંડ લગાવવામાં આવ્યો. તેના માટે રવિનાં માતાપિતાને વધુ ઉધાર પૈસા લેવા પડ્યા.
રવિ અનુસાર જ્યારે તેઓ શ્રીલંકા પહોંચ્યા ત્યારે તેમના પર 18.50 લાખ રૂપિયાનું લેણું હતું. તેમણે કહ્યું, “હું હવે આ લેણું ચૂકવવા માટે દિવસરાત એક ગૅરેજમાં કામ કરું છું. તેને ચૂકવવા માટે મેં લગ્નની બે વીંટીઓને પણ ગીરવે મૂકી દીધી છે.”
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












