ઓનલાઇન પ્રેમ : જ્યારે એક પુરુષે પ્રેમના બહાને ચાર મહિલાઓના 80 લાખ રૂપિયા લૂંટી લીધા

ઇમેજ સ્રોત, OTHER
- લેેખક, ડીના કૅમ્પબેલ દ્વારા
- પદ, બીબીસી રેડિયો 5 લાઇવ
પસંદગીના મિત્ર, કે પ્રેમી ઓનલાઇન ડેટિંગ ઍપથી શોધવા કે ગમતા સાથી ઓનલાઇન મળી જાય એ વાત હવે કોઈ નવી નથી રહી. જોકે, એ વાત ચોક્કસ નવી છે કે ઓનલાઇન પ્રેમી કે સાથીદાર શોધવા જતાં ખાસ કરીને મહિલાઓને લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે છે. આવું જ થયું છે ટિન્ડર પર.
મહિલાઓનું એક ગ્રૂપ અન્ય મહિલાઓને આવી ઍપના માધ્યમથી મળનારા તેમને ગમતાં પાત્રનું બેકગ્રાઉન્ડ ચકાસી લેવાની ચેતવણી આપી રહ્યું છે. આ મહિલાઓ પોતે પણ ઓનલાઇન ઍપ પર તેમને મળેલા પાર્ટનરની છેતરપિંડીનો ભોગ બની ચૂકી છે. આ મહિલાઓના પાર્ટનરોએ બૅન્કોમાંથી તેમના નામે લાખો રૂપિયાની લોન લઈ લીધી હતી.
ઇંગ્લૅન્ડમાં 35 વર્ષીય પીટર ગ્રેને ચાર મહિલાઓ સાથે લગભગ 80 હજાર પાઉન્ડ (83.78 લાખ ભારતીય રૂપિયા)ની છેતરપિંડી કરવા બદલ જેલમાં પૂરવામાં આવ્યો છે. પીટર ગ્રે આ મહિલાઓને ડેટિંગ ઍપ ટિન્ડર પર મળ્યો હતો.
તેની છેતરપિંડીનો ભોગ બનેલી એક મહિલાએ કહ્યું, તેણે “મારું જીવન પૂરેપૂરું બરબાદ કરી નાખ્યું” અને હવે તેઓ અન્ય લોકો પર વિશ્વાસ નથી મૂકી શકતાં.
ટિન્ડરે આ મામલે કહ્યું કે કંપનીએ “સંભવિત છેતરપિંડીઓથી તેના યુઝર્સને ચેતવવા માટે વિવિધ વ્યવસ્થાઓને અમલમાં મૂકી છે.”
ગ્રેને ગત ફેબ્રુઆરીમાં 56 મહિના (4 વર્ષ 8 મહિના)ના કારાવાસ ઉપરાંત પીડિતાઓનો સંપર્ક ન કરવાનો અને તેમનાથી દૂર રહેવાની સજા આપવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Tinder
બીબીસી રેડિયો 5 લાઇવનાં ક્લૅર મૅક્ડોનેલ સાથે વાત કરતાં જેસિકા(બદલેલું નામ)એ જણાવ્યું હતું કે તેઓ ઓનલાઇન ડેટિંગ ઍપ પર 2018માં કેવી રીતે ગ્રેને મળ્યાં હતાં. એ સમયે તેઓ છ વર્ષ લાંબા સમયના સંબંધમાંથી મુક્ત થયાં હતાં.
જોકે તેમને જે પ્રકારના લોકો ગમે છે, ગ્રે તેવા નહોતા. તેઓ યાદ કરતાં કહે છે, “એ એક સારો શ્રોતા હતો અને એ સમયે મને જેની જરૂર હતું તે બધું જ એનામાં હતું.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની ત્રીજી મુલાકાતમાં જેસિકા ગ્રેના ઘરે હતાં અને બાથરૂમ ગયાં.
તેમણે કહ્યું, “હું મારી બૅગ ડાઇનિંગ ટેબલ પર મૂકીને ગઈ હતી. તેણે મારી બૅગ ફેંદી અને મારાં ડ્રાઇવિંગ લાઇસન્સ, અને મારા બન્ને કાર્ડની તસવીરો ખેંચી લીધી હતી.”
જેસિકાને થોડા સમય બાદ ખબર પડી કે તેમના નામે 9 હજાર પાઉન્ડ (9 લાખ 42 હજાર રૂપિયા)ની લોન લેવામાં આવી છે.
જ્યારે જેસિકાને એ ખબર પડી કે ગ્રેએ તેમના નામે લોન લઈ લીધી ત્યારે ગ્રેએ તેમને સમયાંતરે એ નાણાં પાછા ચૂકવી દેવાનો વાયદો કર્યો હતો. જોકે, જેસિકાએ ગ્રે વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી.
તેમણે કહ્યું, “હું આ માણસ સાથે પાંચ વર્ષ સુધી જોડાયેલી નહોતી રહેવા ઇચ્છતી કારણ કે હું તેને ખાસ ઓળખતી પણ નહોતી.”
રોમાન્સમાં છેતરપિંડીના સ્કૅમથી આ રીતે બચો
- તમે જે વ્યક્તિને ક્યારેય રૂબરૂ મળ્યા જ નથી, તેમના તરફથી પૈસાની મદદ માટેની વિનંતી આવે તો એ શંકાસ્પદ છે.
- આ મામલે સંકોચ રાખ્યા વિના તમારા પરિવાર અને મિત્રો સાથે ચર્ચા કરો
- પ્રોફાઇલમાં જોવા મળતી તસવીરો ખોટી પણ હોઈ શકે છે, એટલે સર્ચ એન્જિમાં રિવર્સ ઇમેજ સર્ચ કરો અને ખાતરી કરો કે ફોટોગ્રાફ બીજી કોઈ વ્યક્તિના કે બીજા કોઈ સ્થળેથી લીધેલા નથી
- તમારાં બૅન્ક સ્ટેટમેન્ટ, ક્રૅડિટ કાર્ડનાં બિલ ચકાસતાં રહો, ખાસ કરીને જ્યારે તમારી ઓળખના દસ્તાવેજોની વિગતો ચોરાઈ ગઈ હોય
- જો તમને લાગે કે તમે કોઈ સ્કૅમનો ભોગ બન્યા છો તો તરત જ પોલીસની આર્થિક ગુના શાખા (ઇકોનોમિક ઓફેન્સ સેલ)નો સંપર્ક કરો
(સ્રોત: ઍક્શન ફ્રૉડ/વિક્ટિમ સપોર્ટ/સ્ટોપ સ્કૅમ્સ યુકે)
આ મહિલાનાં નામે 20.94 લાખ રૂપિયાની લોન લઈ લીધી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૅન્નાહ પણ ગ્રેને ટિન્ડર પર મળ્યાં હતાં. તેમણે ગ્રે વિશે કહ્યું, તેની સાથે શરૂઆતમાં “શાંતિ અને હિમ્મતનો અનુભવ થતો હતો” પણ એમને કંઈક “યોગ્ય ન હોય” તેવું લાગતું હતું.
એક સપ્તાહ બાદ, હૅન્નાહે ગ્રે સાથેના સંબંધનો અંત લાવવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ તેમને તેમના નામે 20 હજાર પાઉન્ડ (20 લાખ 94 હજાર રૂપિયા)ની લોન લેવાઈ હોવાનો પત્ર મળ્યો.
થોડા મહિનાઓ બાદ તેઓ ગ્રે સાથે ફરીથી જોડાયાં કારણ કે ગ્રેએ તેમને તેમના પ્રત્યે તેના પ્રેમનો એકરાર કર્યો અને ઢગલાબંધ ગિફ્ટ્સ આપી હતી. જોકે તેમણે આખરે એ સંબંધનો અંત લાવી દીધો.
તેમણે કહ્યું, “મને એ સમયે જોખમ અને ખતરાનો અંદેશો ખૂબ જ તીવ્રતાથી અનુભવાતો હતો.”
ગ્રેએ બધા જ સંબંધોમાં પીડિતાઓ પાસેથી વ્યક્તિગત નાણાકીય લાભ લેવા માટે તેમની સાથે ઘનિષ્ઠ સંબંધો વિકસાવ્યા હતા, જેથી પીડિતાઓનો વિશ્વાસ કેળવીને તે તેમની પાસેથી નાણા મેળવી શકે.
જ્યારે હૅન્નાહને ખબર પડી કે તેઓ ગર્ભવતી છે, ત્યારે તેમનાં બહેને ગ્રેના ભૂતકાળની તપાસ કરી અને ગ્રેની પૂર્વ પ્રેમિકાઓનો સંપર્ક કર્યો. ગ્રેની એ પૂર્વપ્રેમિકાઓએ તેમને ગ્રેના છેતરપિંડીભર્યા ગુપ્ત ભૂતકાળની પણ માહિતી આપી.
હૅન્નાહે કહ્યું, “હું મારા બાળકને આવા બદમાશ માણસની નજીક પણ ઉછેરું તેવી કોઈ શક્યતા જ નથી.”
“માત્ર અડધા કલાકની એ વાતચીતમાં મારી આખી દુનિયા લૂંટાઈ ગઈ.”
ટિન્ડર પર થતી છેતરપિંડી વિશે કંપનીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગ્રેએ છેતરપિંડી કરવાની પોતાની પૅટર્ન ફરી એકવાર એલિઝાબેથ (બદલેલું નામ) પર અજમાવી. તેની પ્રોફાઇલ એલિઝાબેથ સાથે વર્ષ 2020માં મૅચ થઈ હતી.
એલિઝાબેથે ગ્રેને પોતે ક્યાં રહે છે તેની કોઈ માહિતી નહોતી આપી, તે છતાં ગ્રેએ તેમના ઘરે ફૂલો મોકલ્યાં હતાં.
એલિઝાબેથે કહ્યું, “મને પણ કંઈક અજુગતું લાગ્યું અને મનમાં શંકા થઈ. પણ પછી હું એવું વિચારતી રહી કે જે માણસ મારી સાથે ખૂબ જ સારી રીતે વર્તતો હોય તો મારે તેની સાથે જોડાવું જોઈએ અને તેના વિશે મારે એવું ના વિચારવાની મૂર્ખતા ન કરવી જોઈએ.”
એલિઝાબેથ તેમનાં નવા ઘરમાં રહેવાં જવાનાં હતાં એના બે દિવસ પહેલાં જ તેમની મૉર્ગેજની સુવિધાને પાછી ખેંચી લેવામાં આવી કારણ કે ગ્રેએ તેમનાં ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ તેમના નામે 10 હજાર પાઉન્ડની લોન લેવા માટે કરી લીધો હતો.
જેસિકાએ કહ્યું કે ગ્રેનાં આ પગલાંથી “મારું જીવન બરબાદ થઈ ગયું.” અને કહ્યું કે તેમણે હવે કોઈપણ ડેટ પર જતી વખતે પોતાનાં આઇડેન્ટિટી કાર્ડ્સ અને બૅન્કનાં કાર્ડને સાથે નથી રાખતાં.
તેમણે કહ્યું, “હું જેમને મળું છું, તેમાંથી કોઈની પણ ઉપર વિશ્વાસ નથી કરતી.”
એલિઝાબેથે કહ્યું, “તમે સતત એજ વિચારતા રહો છો કે, આ વ્યક્તિ ખરેખર કોણ છે? એ વ્યક્તિ એજ છે જે પોતે છે, એ દેખાડી રહી છે કે એ એવી વ્યક્તિ છે જ નહીં.”
બે મહિલાઓએ વ્યક્તિગત રીતે તેમના સાથીદારનો ભૂતકાળ અને અન્ય વિગતો ચકાસવા માટે પોલીસની મદદ લેવાનો અધિકાર આપતી ડોમેસ્ટિક વાયોલન્સ ડિસ્ક્લોઝર સ્કિમનો ઉપયોગ કર્યો હતો.
ઓનલાઇન ડેટિંગ ઍપ ટિન્ડરે એક નિવેદનમાં કહ્યું છે, તેઓ “એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ઉપયોગથી ચોક્કસ પ્રકારનાં વાક્યો કે શબ્દોને પકડી પાડે છે અને સમય પહેલાં જ હસ્તક્ષેપ કરે છે, જેથી યુઝર્સને સંભવિત સ્કૅમ અથવા છેતરપિંડીથી બચવા મદદ માટે અને ચેતવણી આપી શકાય.”
તેના પ્રવક્તાએ કહ્યું, “અમે યુઝર્સને સંભવિત સ્કૅમ કે છેતરપિંડીથી બચાવવા માટે વિવિધ પ્રક્રિયાઓને અમલમાં મૂકી છે. તેમાં ઍપમાં રહેલાં ફીચર્સ, પોપ-અપ મૅસેજ અને યુઝર્સનું શિક્ષણ.”
“તમામ યુઝર્સ પોતાને ગમેલી પ્રોફાઇલને મૅસેજ કરે તે પહેલાં તે પ્રોફાઇલના ફોટોગ્રાફ્સ વેરિફાઇડ કરવાની વિનંતી કરી શકે છે. અમે ઓનલાઇન છેતરપિંડી બાબતે વધુ જાગૃતિ ફેલાવવા માટે બિનસરકારી સંગઠનો અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને કામ કરીએ છીએ.”












