101 વર્ષનાં એ વૃદ્ધા જેમને ઍરલાઇન કંપનીઓ 'એક વર્ષનું બાળક જ' ગણે છે

- લેેખક, જૉ ટિડી
- પદ, સાયબર મામલાઓના સંવાદદાતા
101 વર્ષના આ વૃદ્ધ મહિલાને ઍરલાઇનની બુકિંગ સિસ્ટમની ભૂલને કારણે લોકો એક વર્ષનું બાળક જ ગણતા હતા. તેની પાછળ અમેરિકન ઍરલાઇન્સ સિસ્ટમની એક ખામી જવાબદાર છે. આ સિસ્ટમમાં તેમના જન્મનું વર્ષ 1922ને બદલે 2022 લખવામાં આવ્યું છે.
બીબીસી તાજેતરમાં જ તેઓ જ્યારે વિમાનમાં પ્રવેશ્યાં ત્યારે તેમના અને કૅબિન ક્રૂ વચ્ચે થયેલા હળવા સંવાદનું સાક્ષી બન્યું હતું.
101 વર્ષનાં પેટ્રિશિયાએ કહ્યું હતું કે, “વિમાનના કર્મચારીઓને એવું અનુમાન હતું કે હું એક નાનકડું બાળક હોઇશ પણ હું તો એક વૃદ્ધ મહિલા નીકળી.”
આયુષ્યની સદી વટાવી ચૂકેલાં આ મહિલા કહે છે તેમને આ ભૂલને સુધારી લેવડાવવી પડશે કારણ કે તેના લીધે તેમને ભૂતકાળમાં ઘણી તકલીફો પડી છે.
ઉદાહરણ તરીકે ઍરપૉર્ટના સ્ટાફે એકવાર તેમને ટર્મિનલમાં લઈ જવા માટે વ્યવસ્થા કરી નહોતી કારણ કે તેમને એવું અનુમાન હતું કે આ તો નાનું બાળક હશે અને તેને આસાનીથી લઈ જવાશે.
ઍરલાઇન્સ સિસ્ટમમાં ખામી

ઇમેજ સ્રોત, Getty Images
પેટ્રિશિયા જ્યારે શિકાગોથી મિશિગનના માર્કેટ્ટે જઈ રહ્યાં હતાં અને સંજોગાવશાત્ આ લખનાર પણ એ જ ફ્લાઇટમાં જઈ રહ્યાં હતાં.
પેટ્રિશિયા તેમનાં દીકરી ક્રિસ સાથે આ ફ્લાઇટમાં જઈ રહ્યાં હતાં.
તેમણે કહ્યું કે, “મારી દીકરીએ મારા માટે ઑનલાઇન બુકિંગ કરાવ્યું હતું અને ઍરપૉર્ટ પરની સિસ્ટમે મારી જન્મતારીખ 1922ને બદલે 2022 લઈ લીધી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
“ગત વર્ષે પણ આવુ બન્યું હતું જેમાં તેઓ મારા બદલે કોઈ બાળક આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા હતા.”
જોકે, તેમની ટિકિટ એક પુખ્ત વયના વ્યક્તિ તરીકે બુક કરવામાં આવી હતી.
પરંતુ ઍરપૉર્ટ કમ્પ્યૂટર સિસ્ટમ આટલાં વર્ષો જૂની તારીખ પ્રોસેસ કરવા માટે સક્ષમ નથી એવું લાગે છે એટલે તે 100 વર્ષને બદલે આપોઆપ 1 વર્ષ લઈ લે છે.
પેટ્રિશિયા ભૂતકાળમાં એક નર્સ રહી ચૂક્યાં છે અને તેઓ તેમના પરિવારને મળવા માટે અને ઠંડીથી બચવા માટે દર વર્ષે ઉડાણ ભરીને અન્ય શહેરમાં જાય છે. પરંતુ તેમણે કહ્યું હતું કે આ બંને વખતે અમેરિકન ઍરલાઇન્સનો સ્ટાફ માયાળુ અને મદદગાર સાબિત થયો હતો.
જોકે, અમેરિકન ઍરલાઇન્સનો આ મુદ્દે જવાબ મેળવી શકાયો નથી.
તેઓ કહે છે કે ગત વર્ષે પણ તેઓ તેમની દીકરી સાથે વ્હીલચેરની રાહ જોઈ રહ્યાં હતાં. બધા પેસેન્જરો ઊતરી ગયાં પણ તેઓ ઊતરી શક્યાં નહોતા. આથી તેઓ ઇચ્છે છે કે જલદીથી આ ભૂલ સુધરી જાય.
તેઓ કહે છે કે તેમની વાસ્તવિક ઉંમર લખાય તેનાથી તેમના પુત્રી ક્રિસને પણ ફાયદો થશે.
તેમણે કહ્યું, "હું ઇચ્છું છું કે તેઓ કમ્પ્યૂટર સિસ્ટમને ઠીક કરે. કારણ કે મારી દીકરીએ અમારો બધો સામાન અને કપડાં એક ગેટથી બીજા ગેટ સુધી લગભગ એક માઇલ દૂર લઈ જવાં પડે છે."
હવે પછીની ટ્રિપ?
પેટ્રિશિયા 97 વર્ષનાં હતાં ત્યાં સુધી તેઓ એકલા જ પ્રવાસ કરતાં હતાં. પરંતુ ત્યારબાદ તેઓ મદદ માટે તેમના પરિવાર પર નિર્ભર છે.
તેઓ કહે છે, “હવે મને આંખે પણ થોડું ઓછું દેખાય છે, જેના કારણે હું એકલી જઈ શકતી નથી.”
પરંતુ તેમનું કહેવું છે કે આવી નાની તકલીફોથી તેઓ રોકાશે નહીં અને તેઓ થોડા મહિનાઓ પછી ઉડાણ ભરનારી ફ્લાઇટની તૈયારી કરી રહ્યાં છે.
ત્યાં સુધીમાં તેમનું 102મું વર્ષ શરૂ થઈ ચૂક્યું હશે અને કદાચ ત્યાં સુધીમાં ઍરલાઇન્સ પણ માની લેશે કે તેઓ 102 વર્ષનાં છે.












