'હું 8 વર્ષનો છું અને મારા મિત્રો 80ના' ગરીબ વૃદ્ધોની સંભાળ લઈને દુનિયામાં છવાયેલા છોકરાની કહાણી

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
- લેેખક, રફાએલ અબુચાઈડે
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
માત્ર આઠ વર્ષનો અલ્બેરો એક વૃદ્ધને વાંચવા અને લખવાનું શીખવી રહ્યો હતો ત્યારે ફ્રેન્ચ પત્રકાર ટોની કોમિટીએ તેને ઉત્તર કોલંબિયામાંના તેના વતન બુકારામાંગામાં પ્રથમ વખત જોયો હતો.
ટોની કોમિટીએ ફ્રાન્સની મુખ્ય ચેનલો પૈકીની એક માટે 80ના દાયકાના અંતમાં અશાંત કોલંબિયામાંથી રિપોર્ટિંગ કરતા હતા ત્યારે સંજોગવશ એક એવા બાળકની કથા મળી હતી, જે ગરીબીમાં રહેતો હતો અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી બહાર રમવા જવાને બદલે પાડોશના ઘરોમાં ફરતો હતો તથા જેમને મદદની જરૂર હોય એવા વૃદ્ધ લોકોને શોધતો હતો.
કોમિટીએ બીબીસીને કહ્યું હતું, "હું હજામની દુકાને ગયો હતો. મેં એલ ટિએમ્પો અખબારમાં તેની સ્ટોરી વાંચી હતી. મને લાગ્યું હતું કે તે એક સકારાત્મક કહાણી છે અને તેનાથી લોકોને પ્રેરિત કરવામાં મદદ મળશે."
ટોની કોમિટી 30થી વધુ વર્ષ પહેલાં એ જાણતા ન હતા કે અલ્બેરો સાથેની તેમની મુલાકાત આંતરરાષ્ટ્રીય સમર્થન અને સ્વીકૃતિના એક આંદોલનનું નિમિત્ત બનશે. તેના પરિણામે એક ફાઉન્ડેશન રચવામાં આવ્યું હતું, જે હાલ લગભગ 500 નિરાધાર વૃદ્ધોને મદદ કરે છે.
જોકે, કોલમ્બિયાના પ્રસાર માધ્યમો જેને "ઉત્તરનો દેવદૂત" કહે છે તે અલ્બેરો વર્ગાસની કહાણી બુકારામાંગામાંથી શરૂ થઈ ન હતી.
ઘણા અન્ય દેશોમાં બને છે તેમ અલ્બેરોની કહાણી ગ્રામ્ય પ્રદેશમાં ફરજિયાત વિસ્થાપનને પગલે શરૂ થઈ હતી.

હિંસામાંથી બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
અલ્બેરોનો જન્મ થયો તે પહેલાં તેમનાં માતા-પિતા પ્યુર્ટો વિલ્ચેસના શહેરી કેન્દ્રની નજીક સેન્ટેન્ડર વિભાગની ઉત્તરે રહેતા હતા.
તેઓ તેમના ચાર સંતાનો સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યારે ડાબેરી ગેરિલા જૂથો અને જમણેરી અર્ધસૈનિક દળો એમ બંને તરફથી ધમકીઓ મળવા લાગી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલ 45 વર્ષના અલ્બેરોએ બીબીસીને કહ્યું હતું, "મારા મોટા ભાઈઓને સલામત રાખવા, તેઓ સશસ્ત્ર જૂથોમાં ન જોડાય તે માટે મારાં માતા-પિતાએ ત્યાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. તેઓ બુકારામાંગાની ઉત્તરે આવેલા આક્રમણ પ્રદેશમાં પહોંચ્યા હતા."
અલ્બેરોએ તેમનું કિશોર વયનું તોફાનીપણું આજે પણ સાચવી રાખ્યું છે. તેમણે 30થી વધુ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય પત્રકારોને ચોંકાવી દીધા હતા.
"એ વિસ્તારમાં કચરાના પહાડો હતા અને મારાં માતા તથા બીજા પરિવારો ત્યાં કાર્ડબોર્ડ સાથે આવ્યાં હતાં."
"મારાં માતાએ નાનકડી વાડી બનાવી હતી અને તેમાં ઊગતી વસ્તુઓ પાડોશમાં વેંચવાનું, એરેપા બનાવવાનું શરૂ કર્યું હતું. તેઓ અનુભવને આધારે નર્સ બન્યાં હતાં, કારણ કે તેમણે ગાય, ચિકન તથા ડુક્કર ખેતરમાં બીમાર પડ્યાં ત્યારે તેમનો ઇન્જેક્શન આપીને ઉપચાર કર્યો હતો."
અલ્બેરો કહે છે તેમ, તેમનો જન્મ 1978માં, તમામ મુશ્કેલીઓ વચ્ચે થયો હતો, પરંતુ જીવન પ્રેમ અને મૂલ્યોથી ભરપૂર હતું.
એ દિવસોને યાદ કરતાં અલ્બેરોએ કહ્યું હતું, "બાળપણ મુશ્કેલ હતું. મુશ્કેલ વિસ્તારમાં હતું. પિતાઓનાં તેમનાં સંતાનો સાથેના અને પતિઓના તેમની પત્નીઓ સાથેના દુર્વ્યવહારની ચીસો રોજ સંભળાતી હતી."
"જોકે, મારાં માતા અમને બહુ સારી રીતે સાચવતાં હતાં. અમને રોજ જમવાનું આપતાં હતાં અને તેમણે અમને આભાર માનવાનું શીખવ્યું હતું."
"એ મહત્ત્વનાં મૂલ્યો પરિવારમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતાં. મુદ્દો પૈસા, સંપત્તિ કે ગરીબીનો ન હતો, વલણનો હતો."

દાદા બન્યા દોસ્ત

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
અલ્બેરોને તેમના છઠ્ઠા જન્મદિવસે એવા સમાચાર મળ્યા હતા કે તેના દાદા તેમની સાથે રહેવા બુકારામાંગાના ઉત્તરે ઢોળાવ પર આવેલા તેમના ખેતરમાં આવવાના છે.
તેમણે પણ ખેતર છોડવું પડ્યું હતું, પરંતુ તેમના કિસ્સામાં કારણ તેમનું સ્વાસ્થ્ય હતું.
અલ્બેરોએ કહ્યું હતું, "કેન્સરનું નિદાન થયું ત્યાં સુધી તેમણે કામ કર્યું હતું. હૉસ્પિટલમાં જવાનું શક્ય ન હતું. સરકારી સહાય મેળવવાનું ખૂબ જ મુશ્કેલ હતું."
"તેથી મારાં માતાએ ઘરગથ્થુ દવાઓથી તેમનો ઉપચાર કર્યો હતો. મારાં માતાએ તેમના સસરાને કેટલા પ્રેમથી સંભાળ્યા હતા, કાળજીપૂર્વક સ્નાન કરાવ્યું હતું, વસ્ત્રો પહેરાવ્યાં હતાં. તેમને કૉફી આપી હતી એ બધું મેં જોયું છે."
અલ્બેરોએ તેમના દાદાની સેવાની શરૂઆત તેમના માટે કૉફી લાવીને કરી હતી, પરંતુ ધીમે ધીમે બંને વચ્ચે ગાઢ સંબંધ અંકુરિત થયો હતો.
અલ્બેરોના કહેવા મુજબ, "મેં તેમને એકથી દસ સુધીના આંકડા તથા સ્વરો શીખવ્યા હતા. હું તેમનો શિક્ષક બન્યો હતો. હું સાત વર્ષનો હતો ત્યારે શાળામાં જે શીખ્યો હતો, તે બધું મેં મારા દાદાને શીખવ્યું હતું. મેં એક વિદ્યાર્થી તરીકે તેમની પાસેથી માગણી કરી ત્યારે તે સ્વીકારી હતી. મેં મારું હોમવર્ક કર્યું ન હતું ત્યારે તેમણે મને ઠપકો આપ્યો હતો."
અલ્બેરોના જણાવ્યા મુજબ, તેમના પાડોશમાં વેશ્યાવૃત્તિ, ડ્રગ્ઝ અને ગેરકાયદે સશસ્ત્ર ટોળકીઓ સાથેનું ખતરનાક વાતાવરણ હતું. આ બધાની વચ્ચે તેમનાં માતા સંતાનોને બહુ જ જતનપૂર્વક સાચવતાં હતાં. આ બધા કારણોસર 87 વર્ષના દાદા અલ્બેરોના સૌથી સારા દોસ્ત બની ગયા હતા.
અલ્બેરોએ કહ્યું હતું, "મારા દાદા એ વ્યક્તિ હતા, જેમણે મને બધું જણાવ્યું હતું અને બધી કથાઓ સંભળાવી હતી."
થોડા મહિના પછી કૅન્સરને કારણે દાદાનું અવસાન થયું અને અલ્બેરો એકલા થઈ ગયા હતા. એક મોટી દ્વિધાનું તેમણે પોતાની રીતે નિરાકરણ કરવું પડ્યું હતું.

દાદીનું દર્દ

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
દાદાના મૃત્યુ પછી અલ્બેરોએ પોતાનો નવો સાથી શોધવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
અલ્બેરોએ કહ્યું હતું, "મારા દાદાનું મૃત્યુ થયું કે તરત હું પાડોશમાં રહેતાં એક દાદી પાસે ગયો હતો અને તેમને કહ્યું હતુઃ દાદી, હું તમારી સાથે રમવા ઇચ્છું છું. તેમણે કહ્યું - તું મને લૂંટવા અને મારી મજાક કરવા આવ્યો છે."
પાડોશમાં વાતાવરણ એટલું અસલામત હતું કે કોઈ અજાણી વ્યક્તિ, ખાસ કરીને કોઈ નિઃસહાય વૃદ્ધને મળવા આવે ત્યારે લોકો સતર્ક થઈ જતા હતા.
તેથી અલ્બેરોએ એક યોજના બનાવી હતી. "મારે તમારી સાથે રમવું છે" એમ કહેવાને બદલે તેઓ "મારે માળા જપતાં શીખવું છે" એમ કહીને વૃદ્ધ મહિલાઓ પાસે જતા હતા. સેટેન્ડરની પરંપરાગત દાદીઓ માટે આ અનન્ય ઑફર હતી.
તેનાથી વધુ એક લાભ પણ થયો હતો. અલ્બેરોના કહેવા મુજબ, "હું પાડોશમાં સૌથી સારી પ્રાર્થના કરતો છોકરો બની ગયો હતો."
"કોઈ મૃત્યુ પામતું ત્યારે માળા જપવા માટે મારી નિયુક્તિ કરવામાં આવતી હતી અને આ રીતે હું પાડોશમાં વિખ્યાત થઈ ગયો હતો."
આ કારણે અલ્બેરો માટે પાડોશી વૃદ્ધોના ઘરના દરવાજા અને તેમની સાથે જોડાયેલી નાટકીય કથાઓનો ખજાનો ખુલી ગયો હતો.
"હું એક દાદીના ઘરે ગયો હતો. તેઓ લગભગ 100 વર્ષનાં હતાં. બપોરના ત્રણ વાગ્યા હતા. તેમની સાથે મૈત્રીનો પ્રયાસ કર્યો ત્યારે જોયું તો દાદીનું મોં સિગારેટને ઠુંઠાથી ભરેલું હતું." આ ઘટના જાણે કે ગઈકાલે જ બની હોય તેવી રીતે અલ્બેરોએ કહ્યું હતું.
"મને યાદ છે કે મેં દાદીને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે દાદી, ડુક્કર બનશો નહીં. આનાથી તમને નુકસાન થશે. આ સાંભળીને દાદી રડી પડ્યાં હતાં અને તેમણે મને કહ્યું હતુઃ મને બહુ ભૂખ લાગી છે. મેં કશું ખાધું નથી."
"મારી વાત માનજો. એ ક્ષણે મને નિઃસહાયતાનો અનુભવ થયો હતો. મને એવું લાગ્યું હતું કે હું વાસ્તવમાં દોડવા ઇચ્છતો હતો, કંઈક કરવા ઇચ્છતો હતો. મારાં માતા પાસેથી કેટલીક બ્રેડ ચોરીને દોડ્યો હતો, કારણ કે આઠ બાળકોનું પેટ ભરવામાં મારાં માતાને બહુ મુશ્કેલી થશે એ હું જાણતો હતો. હું એ બ્રેડ લઈને દાદી પાસે ગયો ત્યારે તેમણે મને કહ્યું બ્રેડ ચાવવા માટે મારા મોંમાં દાંત નથી."
"મેં થોડું પાણી લીધું અને પાણી સાથે તેમને બ્રેડ આપી. એ ક્ષણ મારા મનમાં બરાબર નોંધાયેલી છે અને મને લાગે છે કે તે મારા જીવનની સફળતા છે. મારા દિમાગમાં કોઈ વિચાર હોય તો હું તેનો અમલ જરૂર કરું છું."

‘ઉત્તરનો દેવદૂત’ થયો સક્રિય

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
પોતાના રસોડામાંથી રોજ બ્રેડ કોણ ચોરી જાય છે તેની ખબર અલ્બેરોનાં માતાને પડી ત્યારે તેમણે અલ્બેરોને કૉફી ભરેલું થર્મોસ આપવાનું શરૂ કર્યું હતું. રોજ સવારે અભ્યાસ કરવા જતા પહેલાં અલ્બેરોએ તેમાંથી પાડોશમાંનાં દાદા-દાદીઓને કૉફી પહોંચાડવાની હતી. અલ્બેરો ક્યારેય બપોરે પણ એ કામ કરતા હતા.
આ કામ માત્ર તેમની જ મોટી જવાબદારી છે એવું માનતા અલ્બેરોએ કહ્યું હતું,"હું આઠ વર્ષનો હતો ત્યારે 70, 80 અને 90 વર્ષના મારા લગભગ 20 દોસ્તો હતા."
"ક્યારેક દાદા-દાદી મને ફરિયાદ કરતાં હતાં કે અલ્બેરો, ગઈકાલે કેમ આવ્યો ન હતો. અમે તારી રાહ જોતાં હતાં. આ કામ મને બહુ મોટું લાગવા માંડ્યું હતું. તેથી મેં પ્રથમ બોર્ડ ઑફ ડિરેક્ટર્સ બનાવવાનો નિર્ણય લીધો હતો."
અલ્બેરોના જણાવ્યા અનુસાર, તેમની કામગીરીમાં બાજુની સ્કૂલોમાં ભણતાં બાળકોને વૃદ્ધોની મદદમાં સામેલ કરવાનો સમાવેશ થતો હતો. તેઓ સ્કૂલમાં જઈને આ કામ બાબતે સમજાવતા હતા અને એ રીતે તેમનું આ ગ્રૂપ બન્યું હતું.
અલ્બેરોએ સમજાવ્યું હતું, "સોશિયલ સાયન્સ નામના વિષયમાં બાળકોને કારોબારી, વિધાનસભા, બોર્ડ ઑફ ડિરેક્ટર્સ, પ્રમુખ અને સચિવના કાર્યો વિશે ભણાવવામાં આવે છે."
બુકારામાંગા ખાતેની પોતાની ઑફિસમાં બીબીસી સાથે વાત કરતાં અલ્બેરોએ કહ્યું હતું, "તેના જેવી જ નોટબુક અહીં મારી પાસે છે. તેમાં મીટિંગની કાર્યવાહીની નોંધ, દાદા-દાદી માટે લાવવામાં આવેલા ભોજનની યાદી અને લોકો દ્વારા આપવામાં આવેલા દાન સહિતની અનેક બાબતો નોંધવામાં આવે છે."
‘ઉત્તરના દેવદૂત’ની કહાણી પત્રકાર યુક્લિડ્સ અર્ડીલાના કાન સુધી ન પહોંચી ત્યાં સુધી ચૂપચાપ આગળ વધતી રહી હતી. અર્ડીલાએ સ્થાનિક અખબાર વાનગાર્ડિયા લિબરલમાં અલ્બેરોની સ્ટોરી પ્રકાશિત કરી હતી. એ સાથે જ તે સ્ટોરી રાષ્ટ્રીય અને પછી સીમા પાર કરીને પરદેશમાં પહોંચી હતી.
પત્રકાર ટોની કોમિટીના જણાવ્યા મુજબ, તેમણે હેર સલૂનમાં પહેલીવાર અલ્બેરોની સ્ટોરી વાંચી ત્યારથી તેના વિશે કેવી રીતે રિપોર્ટ કરવો તે વિચારવાનું શરૂ કરી દીધું હતું.
ટોની કોમિટીએ બીબીસીને કહ્યું હતું, "મેં તે બાળક સાથે ત્રણ-ચાર દિવસ પસાર કરવા વિચાર્યું હતું. એ સમયે ઇન્ટરનેટ કે સેલફોનની સુવિધા ન હતી. તેથી તેનો સંપર્ક કરવાની એકમાત્ર રીત તેને શોધવાની હતી."
"હું મારા કૅમેરા તથા ઉપકરણો સાથે બુકારામંગા પહોંચ્યો અને ટેક્સીમાં બેસી ગયો. હું ક્યાં જવા ઇચ્છું છું એ મેં ડ્રાઇવરને જણાવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે હું પાગલ છું અને ત્યાં લોકો મને લૂંટી લેશે, પરંતુ મેં ડ્રાઇવરને ટેક્સી ચલાવતા રહેવા જણાવ્યું હતું."
અલ્બેરો રહેતા હતા તે સ્થળે ત્યારે, ટોનીના કહેવા મુજબ, તેમણે એક જ વ્યક્તિને પૂછવું પડ્યું હતું. એ વ્યક્તિએ કહ્યું હતું, "તમે દેવદૂતને મળવા ઇચ્છો છો? હું તમને તેમની પાસે જરૂર લઈ જઈશ."
તેમના જણાવ્યા મુજબ, તેમણે અલ્બેરોને જોયો ત્યારે આઠ વર્ષનો એ છોકરો એક વૃદ્ધને વાંચતા અને લખતા શીખવી રહ્યો હતો.
"એ બહુ આશ્ચર્યજનક હતું. તેણે મને કહ્યું હતું કે તમે મારી પાછળ ચાલતા રહેજો. મેં એવું કર્યું અને પછીના ત્રણ દિવસ સુધી મેં તેને આશ્ચર્યજનક કામ કરતો જોયો હતો."
કોમિટીએ શરૂઆતમાં ત્રણ-ચાર મિનિટના રિપોર્ટની યોજના બનાવી હતી, પરંતુ તે અડધા કલાકની દસ્તાવેજી ફિલ્મ બની ગઈ. તેમાં અલ્બેરોને એ કામ કરતા દેખાડવામાં આવ્યો હતો, જેનાથી તે પ્રસિદ્ધ થઈ ગયો હતો. એક દાદીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા હતાં ત્યારે આ છોકરો તરત બૅન્કમાં જઈને દાદીના મકાનના ભાડાના પૈસા લાવતો તે ફિલ્મમાં જોવા મળ્યો હતો. તેને વૃદ્ધ લોકો માટે સ્થાનિક વેપારીઓ પાસેથી ભોજન એકઠું કરતો પણ દેખાડવામાં આવ્યો હતો.
એક ચોંકાવનારા દૃશ્યમાં અલ્બેરો એક ઘરમાં પ્રવેશે છે, જ્યાં એક વૃદ્ધાને કેદ કરવામાં આવી હતી.
અલ્બેરો તેને બહાર કાઢીને સ્નાન માટે લઈ જાય છે. તે મહિલા મનોભ્રંશની બીમારીથી પીડાતી હતી અને તે સલામત રહે એટલા માટે તેની દીકરીએ મહિલાને ઘરમાં પૂરી રાખવી પડતી હતી.
અલ્બેરો અને તેને મદદ કરતા બાળકોના ધ્યાનમાં આવ્યું હતું કે એ ઘરમાં દિવસ દરમિયાન ઉષ્ણતામાન અસહ્ય થઈ જાય છે. એ મહિલાની દીકરીએ ઘરની ચાવી છૂપાવી રાખી હતી. તે ચાવી શોધીને તેઓએ તે મહિલાને સ્નાન કરાવ્યું હતું.
હાથમાં ફોટોગ્રાફ્સ લઈને ટોનીએ અલ્બેરો તથા તેની મમ્મીની વિદાય લીધી હતી અને દસ્તાવેજી ફિલ્મને એડિટ કરવા પેરિસ તરફ પ્રયાણ કર્યું હતું.
ફ્રાન્સમાં ઉત્સાહ

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
ટોની કોમિટીને યાદ છે કે તેમણે અલ્બેરોના ફોટોગ્રાફ્સ તેમના ઓછામાં ઓછા બે સહયોગીઓને દેખાડ્યા હતા અને તેમને તરત રડી પડતા જોયા હતા.
ટોનીએ કહ્યું હતું, "અમને દર્શકો પાસેથી આકરા પ્રતિસાદની આશા હતી, પરંતુ જે થયું તે અસામાન્ય હતું."
‘ઉત્તરના દેવદૂત’ને એટલે કે "જે છોકરાએ વૃદ્ધોને મદદ કરવા પોતાના રમકડાં વેચ્યાં હતાં" તેને સહાય આપવા ઇચ્છતા લોકોના ઓછામાં ઓછા 200 કૉલ્સ નેટવર્કને આવ્યા હતા.
એક મહિલાએ સૌથી મોટા દાન પૈકીનું એક દાન આપ્યું હતું. કોમિટીના કહેવા મુજબ, "એ મહિલાએ તેની પાસે જે કંઈ હતું તે બધું આપી દેવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે તેઓ વિધવા હતાં અને તેમને કોઈ સંતાન કે બીજું કોઈ ન હતું, જેને તેઓ સંપત્તિ આપી શકે."
કાર્યક્રમથી દર્શકોમાં પણ આક્રોશ સર્જાયો હતો. તેઓ એ બાળકને મળવા ઇચ્છતા હતા, જેણે આટઆટલી મુશ્કેલીનો સામનો કર્યો હતો અને પોતાના સમુદાય માટે ઘણું સારું કામ કર્યું હતું.
કોમિટીએ તે પળને કડવાશ સાથે યાદ કરી હતી અને દાવો કર્યો હતો કે એ છોકરા અને તેની માતાને મીડિયા ટૂર માટે ફ્રાન્સ લાવવાના ચેનલના આઈડિયાનો અસ્વીકાર કર્યો હતો.
"મેં તેમને કહ્યું હતું, આ મારું કામ નથી. હું એક પત્રકાર છું. મને એ બહુ ખરાબ લાગ્યું હતું."
એ ટૂર કોમિટી વિના થઈ હતી અને અલ્બેરોને યાદ છે કે તેમને જેનો ડર હતો એ જ થયું હતું. "લોકો મને અલ્બેર્ટો, અલ્બેર્ટો કહેતા હતા. લોકો મને સ્પર્શવા ઇચ્છતા હતા અને મને સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે."
"મને યાદ છે કે તેમણે મારું નામ બદલી નાખ્યું હતું, મારી હોટેલ બદલી નાખી હતી, કારણ કે અનેક પત્રકારો સ્કૂપ કરવા ઈચ્છતા હતા. તેઓ કોલંબિયાના દેવદૂતને જોવા ઈચ્છતા હતા અને આ ટેલિવિઝન ચેનલે મને બબલમાં મૂકી દીધો હતો. એ પ્રભાવશાળી બાબત હતી."
અલ્બેરો વર્ગાસ ફાઉન્ડેશન અને ગાર્ડિયન એન્જલ્સ

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
કોલંબિયા પરત ફર્યાના થોડા સમય પછી અલ્બેરોને ફ્રેન્ચ દૂતાવાસ તરફથી દાનનો એક પ્રતિકાત્મક ચેક સ્વીકારવા માટે આમંત્રણ મળ્યું હતું. એ દાન તેની દસ્તાવેજી ફિલ્મ નિહાળ્યા પછી ફ્રેન્ચ લોકોએ આપ્યું હતું.
પ્રતીકાત્મક એટલા માટે, કારણ કે અલ્બેરો પુખ્ત વયના થાય ત્યારે જ એ ભંડોળનો ઉપયોગ કરી શકે તેમ હતા.
અલ્બેરોએ કહ્યું હતું,"તેઓ મને બોગોટામાં એક પ્રતીકાત્મક ચેક આપવાના છે એવું મેં મારા એક દોસ્તને જણાવ્યું ત્યારે તેણે મને કહ્યું હતું કે તેઓ તેને ચોરી લેશે. પ્રતીકાત્મક જુઠ્ઠું હોય છે, ખોટું હોય છે."
"એ કાર્યક્રમમાં ફ્રાન્સથી ટેલિવિઝન ચેનલના એક ડિરેક્ટર આવ્યા હતા. કોલંબિયાના રાષ્ટ્રપતિનાં પત્ની પણ ત્યાં હતાં. ત્યાં હાજર દરેક વ્યક્તિએ મને કહ્યું હતું કે અલ્બેરો, કેમેરા સામે સ્મિત કરો. અમે તમને ચેક આપીએ છીએ. મેં તેમને કહ્યું હતું કે ના, સજ્જનો, તેઓ મને રોકડ આપી છે. તેઓ મને લૂંટવાના નથી.“
તમે 18 વર્ષના થશો ત્યારે તમને ચેકના નાણાં મળશે, એવું સમજાવવામાં આવ્યું ત્યારે અલ્બેરોએ જવાબ આપ્યો હતો કે “સારું. એમ હોય તો મને તેની પરવા પણ નથી અને તેમાં રસ પણ નથી, કારણ કે હું 18 વર્ષનો થઈશ ત્યારે વૃદ્ધ લોકો ઠંડી અને ભૂખને કારણે મૃત્યુ પામ્યા હશે.“
અલ્બરોના જવાબથી બધા ચૂપ થઈ ગયા હતા.
એ પછી એક કરાર મુજબ, અલ્બરોના માતા અને રાજદૂત બન્નેને પૈસાના રક્ષક બનાવવામાં આવ્યા હતા. અલ્બેરોએ તેનું કામ ચાલુ રાખ્યું હતું અને કાર્યના વિસ્તાર વિશે વિચારવાનું શરૂ કર્યું હતું.
તેમના પ્રથમ પ્રોજેક્ટ્સ પૈકીનો એક બુકારામાંગા નજીક એક ત્યજી દેવાયેલા ઘરને ખરીદવાનો હતો. એ વખતે અલ્બેરોની વય 14 વર્ષ હતી. એ ઘરનો આજે વિસ્તાર થયો છે અને તેમાં આજુબાજુના ગરીબ વિસ્તારોના આશરે 500 વૃદ્ધ પુરુષો તથા મહિલાઓ રહે છે.
અલ્બેરો વર્ગાસ અને એન્જલ્સ કસ્ટોડિયોસ ફાઉન્ડેશને આ પ્રદેશમાં રહેતા 5,500 અસલામત વૃદ્ધોની સંભાળ લેતા લોકોને તાલીમ આપવા માટે સેન્ટેડરમાંના 56 નર્સિંગ હોમ્સ સાથે હાથ પણ મિલાવ્યા છે.

ઇમેજ સ્રોત, FUNDACIÓN ALBEIRO VARGAS
એટલું જ નહીં, અલ્બેરોના પાડોશનાં ઘણાં બાળકો સમયના જોખમમાં ખોવાઈ ગયાં હોવો છતાં, તેની સાથે પ્રોજેક્ટની શરૂઆતથી જ સામેલ કેટલાક હજુ પણ તેમની સાથે કામ કરે છે.
લોકોને દાનને લીધે ફાઉન્ડેશનનું કામ ચાલતું રહે છે, એવું ભારપૂર્વક જણાવતાં અલ્બેરોએ કહ્યું હતું, “અમે એકલા પૂરતા નથી. 90 કર્મચારીઓનું જૂથ કાર્યરત છે.“
કોમિટીના કહેવા મુજબ, ફ્રાન્સ ખાતેની તેમની પ્રોડક્શન કંપનીના દરવાજા પર નાના અલ્બેરોનો એક ફોટોગ્રાફ રાખવામાં આવ્યો છે, કારણ કે કંપનીનું અસ્તિત્વ ‘ઉત્તરનો દેવદૂત’ નામની દસ્તાવેજી ફિલ્મને આભારી છે.
અલ્બેરોના કેસનું પૃથ્થકરણ કરતાં કોમિટીએ કહ્યું હતું, “એક જ વ્યક્તિ અનેક લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે એ ઘણીવાર અકલ્પનીય લાગે છે.“
જોકે, અલ્બરો માટે તે અકલ્પનીય નથી.
તેમણે કહ્યું હતું, “મારા વિશે કશું કહેવાનું જ હોય તો તે એ છે કે હું જીદ્દી છું, પરંતુ વૃદ્ધોના અધિકારોના રક્ષણ માટે તે જીદ વાજબી છે. મને લાગે છે કે તેને લીધે જ હું આજે, 39 વર્ષ પછી પણ કહી શકું છું કે હા, તે કરી શકાય. તમે દુનિયાને બદલી શકો.“
“તમે જુદી જુદી વસ્તુઓ કરી શકો, કારણ કે ઇચ્છા એ નિશ્ચિત શક્તિ છે.“














