'તેમનાં શરીર ગરમીથી જાણે કે મમી બની જાય છે'- અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવા રણનો માર્ગ લેતા લોકોની હાલત કેવી થાય છે?

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, JOSÉ MARÍA RODERO / BBC NEWS WORLD

    • લેેખક, વેલેન્ટિના ઓરોપેઝા કોલ્મેનારેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

રાઉલ વધુ એક ડગલું પણ માંડી શકે તેમ ન હતા. ફોલ્લાને લીધે તેમના પગમાં બળતરા થતી હતી અને પગ કોઈ પ્રતિભાવ જ આપતા ન હતા.

અમેરિકાના એરિઝોનાના સોનોરન રણના સેરો પિકુડો પર્વત ખાતે રાઉલની ત્રણ કલાક સુધી રાહ જોયા પછી તેમના સાથી પ્રવાસીઓએ તેમને છોડીને આગળ જવાનું નક્કી કર્યું હતું.

પાંચ સ્થળાંતકર્તાઓ અને કોયોટે મેક્સિકો તથા અમેરિકા વચ્ચેની સરહદ પાર કર્યા પછી પાંચ દિવસથી રણમાં આગળ વધી રહ્યા હતા.

રાઉલ સાંચેઝ પાસે બે સેલ ફોન હતા. એક મેક્સિકન લાઈનનો અને બીજો અમેરિકન લાઈનનો હતો. કોયોટે તેમને સૂચવ્યું હતું કે 911 પર કોલ કરવા માટે અમેરિકન નંબરનો ઉપયોગ કરીને ઉગારી લેવાની વિનંતી કરી શકે તેમ હતાં. પછી ભલે બોર્ડર પેટ્રોલના કર્મચારીઓ તેમને ફરી મેક્સિકો મોકલી આપે.

તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ થોડું આગળ ચાલશે તો તેમને મેક્સિકોના અલ્ટાર સોનોરાથી એરિઝોનાના ટ્રેસ પોઈન્ટ્સ શહેર વચ્ચેના 190 કિલોમીટરના માર્ગ પરના સેરો પિકુડો પર્વત પર મોબાઈલ સિગ્નલ મળશે.

લાલ ટી-શર્ટ અને બ્લેક ટેનિસ જૂતામાં સજ્જ એ 36 વર્ષીય મેક્સિકન સેરો પિકુડોની પહાડી ખડક પર ઝૂકી ગયા હતા. તે અંગ્રેજી વાય અક્ષરના આકારમાં બે માર્ગ વચ્ચેના એક ચોક જેવું હતું. તેમણે તેમનો સામાન બૅકપૅકમાં રાખ્યો હતો.

કેરો પિકુડો

ઇમેજ સ્રોત, VALENTINA OROPEZA / BBC NEWS WORLD

ઇમેજ કૅપ્શન, કેરો પિકુડો પર્વત

સોનોરન રણ 86,100 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. એ વિસ્તાર હૈતી કરતાં ત્રણ ગણો મોટો છે. મેક્સિકોની બાજુએ તે બાજા કેલિફોર્નિયા અને સોનોરા સુધી છે, જ્યારે અમેરિકન બાજુએ તે એરિઝોના અને કેલિફોર્નિયા રાજ્યની વચ્ચે આવેલું છે.

રાઉલે કોયોટેને જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે અને જરાય ચાલી શકે તેમ નથી. થોડું સારું લાગ્યું ત્યારે તેમણે આગળ વધવાનું શરૂ કર્યું હતું. તેમની પાસે થોડું પાણી અને ખાવાનું બચ્યું હતું. તેઓ અન્ય પ્રવાસીઓ સાથે ભળી ગયા હોત તો તેમની સાથે રણની બહાર નીકળી શક્યા હોત.

કોયોટે અને પ્રવાસીઓએ રાઉલને છેલ્લીવાર 22 ઓગસ્ટ, 2023ની બપોરે ચારથી સાડા ચારની વચ્ચે જોયાં હતાં.

તેમનાં બહેન ઈન્મેક્યુલાડાએ તેમને મેક્સિકન લાઇન અને અમેરિકન લાઇન પર એક સપ્તાહ સુધી ફોન કર્યા હતા, પણ કોઈ જવાબ મળ્યો ન હતો. કશુંક ખોટું થયું હોવાના ભય સાથે તેમણે રાઉલ ગુમ થયા હોવાનું ડેઝર્ટ ઈગલ્સ નામના એક સ્વયંસેવી જૂથને જણાવ્યું હતું. ડેઝર્ટ ઈગલ્સ એરિઝોના અને કેલિફોર્નિયા વચ્ચેના સોરોરન રણમાં ગૂમ થયેલા પ્રવાસીઓને શોધવાનું કામ કરે છે.

સ્થિતિ સમજ્યા બાદ સ્વયંસેવકોએ રાઉલને શોધવાની કામગીરી રાઉલ ગુમ થયાના એક સપ્તાહ પછી એટલે કે સાતમી ઑક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

કબર માટે એક ક્રોસ

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, VALENTINA OROPEZA / BBC NEWS WORLD

ઇમેજ કૅપ્શન, ચેપરિટો તરીકે ઓળખાતા ઑક્ટાવિઓ સોરિઆ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્વયંસેવકોમાં ચેપરિટોનાં નામે જાણીતા ઑક્ટેવિયો સોરિયો તેમની બેગમાં એક ક્રૉસ કાયમ સાથે રાખે છે. રણમાં રાઉલના અવશેષો મળશે તો એ ક્રૉસ તેઓ જમીનમાં ખોસી દેવાના હતા.

અમેરિકા પહોંચવાના પ્રયાસમાં મૃત્યુ પામતા પ્રવાસીઓની સ્મૃતિનાં સન્માન માટે ઉત્તર અમેરિકાની ફેલિશિયન સિસ્ટર્સ મંડળીએ સફેદ રંગનો લાકડીનો તે ક્રૉસ દાનમાં આપ્યો હતો.

ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન(આઈઓએમ)ના જણાવ્યા અનુસાર, મેક્સિકો અને અમેરિકા વચ્ચેની સીમા વિશ્વમાં સૌથી ખતરનાક માઇગ્રેટરી ક્રૉસિંગ છે.

અમેરિકા ખંડમાં લોકોનાં મૃત્યુ તથા ગુમ થવાની 2022માં નોંધાયેલી કુલ 1,457 પૈકીની અડધોઅડધ ઘટનાઓ આ સીમા પર બની હતી. જોકે, આઈઓએમ ચેતવણી આપે છે કે મેક્સિકો અને અમેરિકન સરકાર પાસે સત્તાવાર માહિતી ન હોવાને કારણે આ આંકડો ઓછો છે.

શોધની આગલી રાતે ચેપરિટો મેક્સિકોની સીમાથી 90થી ઓછા કિલોમીટરના અંતરે આવેલા દક્ષિણ એરિઝોનામાંના શહેર અજો ખાતેના ડેઝર્ટ ઈગલ કૅમ્પમાં સાત કલાક ડ્રાઇવિંગ કરીને પહોંચ્યાં હતાં.

એ કૅમ્પમાં જરૂરી સુવિધાઓ ન હોવાથી ચેપરિટોએ સાપ, વિંછી, ઉંદર અને કીડીઓને ભગાડી મૂકતો સ્પ્રે છાંટીને એક તંબુમાં રાત પસાર કરી હતી.

સવારે ચાર વાગ્યે શોધમાં ભાગ લેતા 15 સ્વયંસેવકો ફળો, પાણીની બૉટલ્સ અને ઈલેક્ટ્રોલાઇટ સપ્લિમૅન્ટ્સ વાહનમાં લોડ કરતી વખતે ફ્લેશલાઈટનો ઉપયોગ કરે છે. પરસેવાને કારણે શરીરમાંથી ખનીજનું પ્રમાણ ઘટી જાય ત્યારે તેઓ ઉપરોક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરે છે.

ઉત્તર અમેરિકાના સૌથી ગરમ સોરોરન રણમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતું હોય છે. એ રણ પાર કરતા પ્રવાસીઓનાં મોતનું મુખ્ય કારણ ડીહાઇડ્રેશન હોય છે.

આ વિસ્તારમાં નદી-નાળાં નથી, પણ ગરમી જોરદાર હોય છે. તે માઇગ્રન્ટ્સના જીવનું જોખમ છે. તેમ છતાં તેઓ સોનોરન રણનો માર્ગ પસંદ કરે છે, કારણ કે અહીં કેલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો કે ટૅક્સસ જેવા અન્ય બોર્ડર પૉઇન્ટ્સની સરખામણીએ અહીં સર્વેલન્સ ઓછું હોય છે. કેલિફોર્નિયા, ન્યૂ મેક્સિકો કે ટૅક્સસના બોર્ડર પૉઇન્ટ્સ પર દિવાલ અને કાંટાળી વાડ બનાવવામાં આવી છે.

સંખ્યાબંધ લોકોની શોધ કર્યા પછી સ્વયંસેવકોએ તારણ કાઢ્યું છે કે દરેક વ્યક્તિએ પાણીની ઓછામાંઓછી 13 બૉટલ્સ સાથે રાખવી જોઈએ. 10 પોતાના માટે અને ત્રણ વચ્ચે કોઈ માઇગ્રન્ટ જીવતો મળે તો તેને આપવા માટે.

થાક, માથાનો દુખાવો કે ચક્કર આવવા જેવી તકલીફોથી બચવા માટે ચાલતી વખતે પાણી પીવું જરૂરી હોય છે.

રણમાં ચારે તરફ છવાયેલા ભૂરા અને લીલા રંગથી પોતાને નોખા તારવવા માટે અન્ય સ્વયંસેવકોની જેમ ચેપરિટો પણ પીળું ફ્લોરોસન્ટ ટી-શર્ટ પહેરે છે.

અણિયાળા કાંટાઓ તથા સાપના ડંખથી બચવા માટે બૂટ તથા ગોઠણ સુધીના કવરિંગ્ઝ પહેરે છે. તેઓ સૂર્યપ્રકાશથી બચવા માટે ચશ્મા અને ટોપી પણ પહેરે છે.

તેમના બૅકપૅક પર એક નાનકડું પગરખું લટકે છે. એ એક બાળકનું બૂટ છે, જે તેમને સાન ડિએગો અને તિજુઆના વચ્ચે કેલિફોર્નિયાના રણમાં શોધ કામગીરી દરમિયાન મળ્યું હતું. એ બાળકનાં માતા-પિતા આખી રાત ઝાડ નીચે આરામ કર્યા પછી પરોઢિયે રવાના થયા હશે ત્યારે એ બૂટ રહી ગયું હશે, એવું તેઓ માને છે.

પોતાની પાસે આખો દિવસ ચાલે તેટલું પાણી છે એ ચકાસતાં તેઓ કહે છે, “ડેઝર્ટ ઈગલ સાથે સ્વયંસેવક તરીકેના મારા ત્રણ વર્ષ દરમિયાન આ બૂટ કાયમ મારી સાથે રહ્યું છે.”

ચેપરિટો 34 વર્ષ પહેલાં 14 વર્ષનાં હતાં ત્યારે તેમનાં માતાએ તેમને ક્વેરેટોમાંથી કેલિફોર્નિયાના રણમાંથી કાકા સાથે અમેરિકા મોકલ્યાં હતાં. ચેપરિટો ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરીમાં ભાગ લે છે ત્યારે દર વખતે તેમના માતાએ આપેલા બલિદાન બાબતે વિચારે છે.

રાઉલ કોણ હતા?

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, VALENTINA OROPEZA / BBC NEWS WORLD

ઈન્માક્યુલાડાએ તેમનો ભાઈ ગુમ થયાની જાણ ડેઝર્ટ ઈગલ્સને કરી ત્યારે જણાવ્યું હતું કે તેમના ભાઈના જમણા હાથ પર ગુઆડાલુપ વર્જિનનું ટેટૂ છે અને ઉપરના બે દાંત માટે તેમણે ઇમ્લાન્ટ કરાવ્યું છે.

રાઉલ છ ભાઈઓમાં સૌથી નાના છે. સાંચેઝ પરિવાર સૅન્ટ્રલ મેક્સિકોના પુએબ્લા રાજ્યમાં ઝોક્વિટલાન મ્યુનિસિપાલિટીના પર્વતોમાં આવેલા એક નાનકડા શહેર સાન એન્ટોનિયો એક્ટેપેકનો છે.

સાંચેઝ પરિવાર સ્થાનિક નહુઆ સમુદાયનો છે અને તેમની ભાષા અનાહુક છે.

ઈન્માક્યુલાડા સ્પેનિશ ભાષા લખવા કે બોલવાનું જાણતાં નથી. રાઉલના ગુમ થયાની જાણ એરિઝોનામાંના મેક્સિકન કોન્સ્યુલેટને કરવા ડેઝર્ટ ઈગલ્સના સ્વયંસેવકોએ જણાવ્યું ત્યારે ઈન્માક્યુલાડાને એવું લાગ્યું હતું કે તેઓ તેમના ભાઈને શોધી શકશે નહીં.

સાન એન્ટોનિયો એક્ટેપેકમાંથી આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “એ મારી સાથેની સૌથી ખરાબ બાબત હતી. હું સારી રીતે બોલી શકતી નથી એ ભાષામાં મને મદદ માગવાની ફરજ પાડવામાં આવી હતી.”

તેમના દાવા મુજબ, દૂતાવાસના અધિકારીએ તેમને જણાવ્યું હતું કે રાઉલ ક્યાં ગુમ થઈ ગયો છે અને તેણે કેવો પોશાક પહેર્યો હતો તેના પુરાવા તમારે એકઠા કરવા પડશે.

ઈન્માક્યુલાડાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું, “રાઉલ દોઢ મહિના પહેલાં ગુમ થઈ ગયો હોય તેને કેવી રીતે શોધી શકાય. વિશાળ અને ખતરનાક રણમાંથી તેને કોણ બચાવશે?”

આ અનિશ્ચિતતા વચ્ચે તેમણે કોયોટ શોધવામાં મદદ માટે રાઉલના દોસ્તનો સંપર્ક કર્યો હતો.

કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ઘરમાં જ રહેવું પડે તેમ હોવાથી રાઉલે મોટરકાર ધોવાની નોકરી ગુમાવી દીધી હતી. કોઈ સ્થિર નોકરી મળતી ન હતી. તેથી તેણે અમેરિકા જવાનો નિર્ણય કર્યો હતો. તેના કિશોર વયનાં બે સંતાનો અને તેમનાં પાર્ટનરને છોડીને તેઓ એકલા નીકળી પડ્યા હતા.

ઈન્માક્યુલાડાએ કહ્યું હતું, “તે સોનોરન રણના માર્ગે અમેરિકા જવાનો છે એવું મને ક્યારેય કહ્યું ન હતું. કહ્યું હોત તો મેં તેને જરૂર અટકાવ્યો હોત.”

સર્ચ ઓપરેશનની યોજના

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, COURTESY OF INMACULADA SÁNCHEZ

ડેઝર્ટ ઈગલ્સને તેમના ટેલિફોન નંબર્સ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ મારફત દર મહિને લગભગ 450 લોકોને શોધવાની વિનંતી મળે છે.

સંસ્થાના 100 સ્વયંસેવકો વારાફરતી મહિને બે કે ત્રણ વખત સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ચોક્કસ માહિતીના અભાવે લોકોને શોધવાનું મુશ્કેલ હોય છે. તેથી મોટાભાગના કેસમાં તેઓ આગળ વધી શકતા નથી.

જોકે, માઇગ્રન્ટ્સને અમેરિકામાં સ્થળાંતર માટે જેણે માર્ગદર્શન આપ્યું હતું કે કોયોટ સાથે વાત કર્યા પછી રાઉલના સાથીદારે ચોક્કસ માહિતી આપી હતી.

કોયોટેના જણાવ્યા અનુસાર, રાઉલ અને અન્ય માઇગ્રન્ટ્સ એક વાડીની સામેથી પસાર થયા હતા અને સેરો પિકુડોની પૂર્વ બાજુએ આવેલા એક સૂકા ઝરણા તરફ એક કલાકથી વધુ સમય ચાલ્યા હતા. તેઓ પર્વત ઉપર ચડ્યા હતા અને રાઉલને ખડક પર છોડી દીધો હતો. એ પછી તેઓ જમણી બાજુ આગળ વધ્યા હતા.

બચાવકર્તાઓ સાથેની ઝૂમ મીટિંગ દરમિયાન તેના એક દોસ્તે, જાણે કે તે રાઉલની ગેરહાજરીનો અર્થ સમજતો ન હોય તેમ કહ્યું હતું, “એ વૉટ્સઍપ દ્વારા કનેક્ટ થયો નથી. એ અજબ વાત છે.”

એ વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે રહે છે. તેથી તેણે તેની ઓળખ ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી.

કોઓર્ડિનેટ્સ દ્વારા ચિહ્નિત રણના નકશાની સામે જોઈને એગ્યુલાસ ડેલ ડેસિર્ટોના ડિરેક્ટર એલી ઓર્ટિઝે સવાલ કર્યો હતો કે રાઉલને તેના સાથીદારોએ પાણી અને ખોરાક આપ્યા વિના રઝળતો મૂકી દીધો હતો? રણને પાર કરતા માઇગ્રન્ટ્સ માટે પાણી અને ખોરાક સૌથી વધુ મૂલ્યવાન હોય છે.

એલીએ કહ્યું હતું, “લોકો બહુ વિચિત્ર માર્ગ અપનાવે છે.” ટેકરીઓ પર ચડવાને બદલે ઢોળાવ પરથી ઉતરવાનું વધુ તાર્કિક લાગે છે.

સ્વયંસેવકો વિચારતા હતા કે રાઉલને ચાલવામાં મુશ્કેલી પડતી હોય તો તેણે ક્યો માર્ગ અપનાવ્યો હશે. તેમણે બે શક્યતાનો વિચાર કર્યો હતો કે કાં તો રાઉલને, એ છેલ્લે જ્યાં જોવા મળ્યો હતો ત્યાં શોધવો જોઈએ અથવા પર્વતની તળેટી તરફના માર્ગ પર શોધવો જોઈએ.

સ્વયંસેવકો સાથે શેર કરેલી સ્ક્રીનમાં દેખાતા નકશા પર સેરો પિકુડોના ઢોળાવ કર્સર મૂકતાં એલીએ કહ્યું હતું, “રાઉલ ઉપર તો ચડ્યો જ નહીં હોય. આ બિહામણી જગ્યા છે.”

તેમને કહેવા મુજબ, સ્વયંસેવકોને બે જૂથમાં વિભાજિત કરવા જોઈએ અને બન્ને જૂથે છ-છ કિલોમીટર વિસ્તાર ફેંદવો જોઈએ. એક જૂથ સેરો પિકુડો પર્વત પર જવું જોઈએ અને બીજા જૂથે તળેટીના માર્ગ તરફ જવું જોઈએ.

વિદાય લેતા પહેલાં રાઉલના દોસ્તે કહ્યું હતું, “અમે તમારો હ્રદયથી આભાર માનીએ છીએ. ભગવાન તમારા બધાનું ભલું કરે.”

વીડિયોગ્રાફર જોસ મારિયો રોડેરા અને હું સ્વયંસેવકો સાથે સાતમી ઓક્ટોબરની સવારે સાડા આઠ વાગ્યે સેરો પિકુડોની પૂર્વ બાજુએ સૌથી નજીક આવેલા સોનોરન રણના પ્રવેશદ્વાર પર પહોંચ્યા હતા.

અમે ચેપરિટોના જૂથ સાથે જવાનું નક્કી કર્યું હતું. બીજા જૂથના સભ્યોને રાઉલ પર્વત ઉપરથી મળી આવશે તો તેઓ રેડિયો મારફત તેની જાણ કરશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

એક ભાઈની સ્મૃતિ

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, COURTESY OF INMACULADA SÁNCHEZ

એલી ઓર્ટિઝે સોરોરન રણમાં તેમના ભાઈ અને પિતરાઈ ભાઈની શોધ ચાર મહિના સુધી કરી હતી. તેમણે એરિઝોના બોર્ડર પેટ્રોલના કર્મચારીઓ અને ડેઝર્ટ એન્જલ્સની મદદ લીધી હતી. એ સમયે ડેઝર્ટ એન્જલ્સ ગુમ થયેલા માઇગ્રન્ટ્સની શોધ કરતી એકમાત્ર સંસ્થા હતી.

એલીને કોઈ મદદ મળી ન હતી, કારણ કે માઇગ્રન્ટ્સને કોયોટ દ્વારા ત્યજી દેવાયેલા લશ્કરી થાણામાં છોડી દેવાયા હતા. આખરે પરવાનગી મેળવી ત્યારે તેમને કલ્પના ન હતી કે અવશેષો મળવાથી કેટલી માઠી અસર થશે.

તેમણે કહ્યું હતું, “તેઓ ગરમીને કારણે મમી બની ગયા હતા. તેમાંથી ભયંકર ગંધ આવતી હતી. મારા ભાઈએ તેમના બૂટ ઉતારીને બાજુ પર મૂક્યાં હતાં. મને લાગે છે તેમના પગમાં ફોલ્લાઓને લીધે ગંભીર ઈજા થઈ હતી.”

એલીના જણાવ્યા મુજબ, એ અનુભવથી તેમને જોરદાર આઘાત લાગ્યો હતો.

બચાવકર્તા કહે છે, “પહેલી રાતે મને ઊંઘ આવી ન હતી. મારાથી કશું નહીં થાય એવો ભય ઘેરી વળ્યો હતો. તેથી મેં સોનોરન રણમાં ગુમ થયેલા માઇગ્રન્ટ્સને શોધવા માટે મારી જાતને સમર્પિત કરવાનો નિર્ણય કર્યો હતો.”

પત્ની મેરિસેલા સાથે મળીને એલીએ સપ્તાહાંત દરમિયાન લોકોને શોધવાનું શરૂ કર્યું હતું. તેમની 12 વર્ષની મોટી દીકરી તેની બે નાની બહેનોને ઘરે રહીને સંભાળતી હતી.

મેરિસેલાએ કહ્યું હતું, “એ બહુ જ મહત્ત્વપૂર્ણ પારિવારિક નિર્ણય હતો. મારી દીકરી અમારાથી નારાજ હતી, કારણ કે તેને એવું લાગતું હતું કે અમે તેની દરકાર નથી કરતા અને નાની બહેનોને સંભાળવાની જવાબદારી સોંપવા બદલ હું દોષી છું.”

પ્રથમ શોધ અભિયાન દરમિયાન એલી રણમાંથી પાછા આવ્યા ત્યારે તેમને પગમાં ફોલ્લા પડી ગયા હતા અને તેમાંથી લોહી નીકળતું હતું. એક તબક્કે તેમને એવું લાગ્યું હતું કે હિટ સ્ટ્રોકથી તેઓ બેહોશ થઈ જશે. તેમણે ખુદને તાકિદે ઉગારવા 911 પર ફોન કરવા અન્ય સ્વયંસેવકોને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, “ઘણા લોકો તરસ અને ગરમીને લીધે શા માટે મૃત્યુ પામે છે એ મને ત્યારે સમજાયું હતું. માઇગ્રન્ટ્સ ઊંઘવા માટે ઝાડીમાં જાય છે અને ફરી ક્યારેય જાગતા નથી.”

સ્થળાંતરકર્તા છેલ્લે ક્યાં હતા તે લોકેશનની માહિતી મળે એ પછી એલી બોર્ડર પેટ્રોલિંગ અને સંબંધિત કોન્સ્યુલેટને તેની જાણ કરે છે. આ પ્રયાસોને લીધે તેમની સંસ્થા છેલ્લા 14 વર્ષમાં કમસેકમ 500 જીવંત માઇગ્રન્ટ્સને શોધી શકી છે.

રાઉલ ગુમ થયાની જાણ પણ એરિઝોના બોર્ડર પેટ્રોલને કરવામાં આવી હતી.

સ્વયંસેવકોને તેઓ જેને શોધી રહ્યા હોય તેનો મૃતદેહ મળે ત્યારે એલી તેમના સગાસંબંધીને જાણ કરે છે. એલી કહે છે, “મૃતકના પરિવારના સભ્યો વારંવાર અવશેષોના ફોટા માગે છે. હું કાયમ તેમને પૂછું છું કે એ જોવા માટે તમે તૈયાર છો?”

આટલાં વર્ષો પછી પણ શોધ અભિયાનની અસર તેમના મન પર થાય છે. “અમને કોઈ મૃતદેહ મળે ત્યારે મને ફરીથી મારા ભાઈની યાદ આવે છે.”

અમેરિકન સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, 1990 પછી સોનોરન રણમાં ઓછામાં ઓછા 3,600 લોકો મૃત્યુ પામ્યા છે.

એ શનિવારે એલી અને મેરિસેલા રેડિયો દ્વારા સ્વયંસેવકો સાથે સંકલન સાધવા માટે અને જરૂર પડ્યે મદદ કરવા વાનમાં રહ્યાં હતાં. બચાવકર્તાઓ રાઉલને શોધવા રણમાં ગયા એ પહેલાં તેમણે નારંગી અને નાળિયેરપાણીનું વિતરણ કર્યું હતું.

બીજા કોઈ પણ અભિયાનની માફક આ કામગીરી માટે પણ સ્વયંસેવકો એક વર્તુળમાં એકઠા થાય છે અને રણના જોખમ સામે તેમનું રક્ષણ કરવા અને તેઓ જે માઇગ્રન્ટ્સને શોધવા જઈ રહ્યા છે તેને શોધવામાં મદદ કરવા ભગવાનને પ્રાર્થના કરે છે.

અમે ચેપરિટો સાથે પ્રવાસ શરૂ કર્યો હતો અને સ્વયંસેવકો જેને માઇગ્રન્ટ્સ દ્વારા છોડવામાં આવેલાં નિશાન કહે છે તે ‘પુરાવા’ મળ્યા હતા. તેમાં કૅમોફ્લૅજ બૅકપૅક અને કાર્પેટ શૂઝનો સમાવેશ થાય છે. બોર્ડર પેટ્રોલના કર્મચારીઓને પગલાંનાં નિશાન ન મળે એટલા માટે માઇગ્રન્ટ્સ કાર્પેટ શૂઝ પહેરતા હોય છે.

કેટલીક જગ્યાએ પ્લાસ્ટિકની બૉટલો, લાઇટર, ધાબળા, કપડાં અને રમકડાંનો ઢગલો પડ્યો હતો. બૅકપૅકને હાથેથી સ્પર્શ કરતાં પહેલાં સ્વયંસેવકો તેને લાકડી વડે ઊંધા કરે છે, જેથી તેમાં સાપ કે વીંછી નથી તે જાણી શકાય.

આલ્બર્ટો ઓર્ટેગા નામના સ્વયંસેવકને જમીનમાં માઉન્ટન પ્યુમાની છાપ મળી આવી હતી. તેમણે ઉપર જોયું ત્યારે બ્લૅક બઝાર્ડ નામનું એક શિકારી પક્ષી જોવા મળ્યું હતું. એ પક્ષી જમીન પર પડેલા કોહવાયેલા મૃતદેહ શોધીને તેનું સડેલું માંસ ખાય છે.

આકાશમાં ગીધડાં ઊડતાં હોવાને કારણે સ્વયંસેવકોને દૂર પડેલા મૃતદેહ શોધવામાં મદદ મળે છે. ગાઢ ઝાડીમાંથી પસાર થતાં આલ્બર્ટોએ કહ્યું હતું, “મૃતદેહની ગંધ અસહ્ય હોય છે. માથું ભમી જાય છે.”

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, JOSÉ MARÍA RODERO / BBC NEWS WORLD

ઇમેજ કૅપ્શન, થોરની સાગારુઓ જાત જે માત્ર સોનોરન રણમાં જ ઊગે છે.

અમને અચાનક ઝાડીઓમાં વિખરાયેલાં હાડકાં જોવા મળ્યાં હતાં.

આલ્બર્ટોએ નીચા નમીને સૌથી મોટા હાડકાનું માપ લીધું હતું અને સેલ ફોનથી તેનો ફોટો પાડ્યો હતો. એ પછી તેમણે દરેક હાડકા માટે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યું હતું. સેલ ફોનમાં સિગ્નલ મળે ત્યારે આ હાડકાં માણસનાં છે કે પ્રાણીનાં તેની પુષ્ટિ કરવા તેઓ એ ફોટોગ્રાફ્સ પિમા કાઉન્ટીના તબીબી પરીક્ષકોને મોકલે છે.

એ પછી તેઓ કોઓર્ડિનેટ્સ લે છે અને ફોસ્ફોરેસન્ટ પીળી રિબન પત્થરો પર બાંધે છે તથા તેને હાડકાંની બાજુમાં મૂકે છે, જેથી તેને શોધવાનું અધિકારીઓ માટે સરળ બને.

અમે પથ્થરિયા માર્ગે આગળ વધી રહ્યા હતા ત્યારે ચેપરિટો પોકારતા હતા, “અમે રણના ગરુડ છીએ. અમે પાણી અને ખોરાક લાવીએ છીએ.”

આ પોકારથી રણમાં ખોવાઈ ગયેલા તથા તરસ્યા માઇગ્રન્ટ્સ જ સાવધ નથી થતા. છીંડાવાળી સરહદ પરથી ડ્રગ્ઝની દાણચોરી કરતા સંગઠિત અપરાધ ટોળકીના સભ્યો પણ સાવધ થઈ જાય છે.

એ વખતે અમને રેડિયો મારફત ચેતવણી મળી હતીઃ એક જીવંત માઇગ્રન્ટે ચેપરિટોનો અવાજ સાંભળ્યો હતો અને તેણે મદદ માગી હતી તથા બોર્ડર પેટ્રોલનો શરણે થવા માટે સંપર્ક કર્યો હતો.

એલી સાથે કારમાં રાહ જોઈ રહેલી મારિસેલાને બૂમ પાડીને તેણે કહ્યું હતું, “મારે પાણી પીવું છે. મને ખાવાનું જોઈએ છે.”

અમે વાહનમાં પાછા ફર્યા ત્યારે એ માણસ બેઠો હતો. અવકાશમાં તાકી રહ્યો હતો. તમે કેમ છો એવું મેં પૂછ્યું ત્યારે તેણે થોડી સેકન્ડ પછી એવી રીતે જવાબ આપ્યો હતો કે હું શું કહું છું એ તે સમજી શકતો ન હોય.

એલી બોર્ડર પેટ્રોલને મદદ માટે ફોન કરે અને તેને પાછો મેક્સિકો મોકલવામાં આવે એ વાત સાથે તે સહમત થયો હતો.

તેના કહેવા મુજબ, એ 42 વર્ષનો હતો. તેની પત્ની અને બે દીકરીઓ મેક્સિકોમાં તેની રાહ જોઈ રહ્યાં હતા. “એ ભયાનક છે. તેને ખબર હોત કે અહીં મોતનું જોખમ છે તો એ રણમાં ક્યારેય પ્રવેશ્યો ન હોત.”

એ ત્રણ દિવસથી ખોરાક અને પાણી વિના ટળવળતો હતો. તેણે શોર્ટીની બૂમ સાંભળી ત્યારે તે સંતાઈ ગયો હતો. “હું બહુ ડરતો હતો. તેઓ મને મદદ કરશે કે કેમ એ સમજવું મારા માટે મુશ્કેલ હતું. હવે હું મારા પરિવાર પાસે પાછો જવા માંગુ છું.”

‘અમને એક મૃતદેહ મળ્યો’

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, JOSÉ MARÍA RODERO / BBC NEWS WORLD

ઇમેજ કૅપ્શન, ઍલિ ઓર્ટિઝ

અમે સ્ટ્રીમના માર્ગે આગળ વધતા હતા ત્યારે અન્ય જૂથ ચાર કલાકથી વધુ સમયમાં સેરો પિકુડો પર ચડી ગયું હતું અને એ સ્થાને પહોંચ્યું હતું, જ્યાં રાઉલ છેલ્લે જીવંત જોવા મળ્યો હતો.

જોકે, સ્વંયસેવકોને તેનો કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યાં ઘણા મોટા ખડકો અને ગાઢ ઝાડીઓ હતી. આ જ ખડક પાસેથી રસ્તો અલગ થાય છે કે કેમ એ નક્કી કરવાનું તેમના માટે મુશ્કેલ હતું. બે સ્વયંસેવકોએ આગળ વધીને હાડકાં શોધી કાઢ્યાં હતાં.

અમને રેડિયો પર સાંભળવા મળ્યું, “થોભો દોસ્તો, અમને એક મૃતદેહ મળ્યો છે.”

તેનાથી કેટલાક મીટર દૂર તેમને સોલેડાડ એલિઝાબેથ અલવારાડો નામની મહિલાના ઓળખપત્ર સાથેનું પાકીટ અને એક ખોપરી મળી હતી. કાર્ડ પર સૅન્ટ્રલ મેક્સિકોના સાન લુઈસ પોટોસી રાજ્યમાંના ઘરનું સરનામું હતું.

રણના આટલા દૂરના વિસ્તારમાં સ્વયંસેવકો સોલેદાદ એલિઝાબેથને શોધતા નહોતા, પરંતુ તેનો મૃતદેહ મળી આવવાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

થોડા દિવસ પછી સ્વયંસેવકોને સાન લુઈસ પોટોસીના સ્ટેટ પર્સન્સ સર્ચ કમિશનના પૉર્ટલ પરથી સોલેદાદ વિશેની માહિતી મળી હતી.

તેમની ઊંચાઈ 1.55 મીટર હતી. તેમની વય 28 વર્ષ હતી. આંખોનો રંગ આછો ભૂરો અને વાળ લાંબા અને સીધા હતા. તેઓ છેલ્લા એક વર્ષ અને સાત મહિના પહેલાં, 2022ની 28 જાન્યુઆરીએ જોવા મળ્યાં હતાં. તેમનાં શરીર પર ત્રણ ટેટૂ હતાં. કાન વિંધાવેલા હતા.

એક પત્થર પર પગ

સાથી સ્વયંસેવકો મૃતદેહને ઘેરી વળ્યા હતા ત્યારે રોબર્ટો માર્ટિનેઝ નામના સ્વંયસેવક ખડકો પર ચડીને મૃતદેહનો વધુ સામાન શોધવાના પ્રયાસ કરતા હતા.

રોબર્ટોએ કહ્યું હતું, “કેટલાક મીટર દૂર મને એક ખડક પર પગ દેખાયા હતા અને હું નર્વસ થવા લાગ્યો હતો.”

તેઓ આગળ વધ્યા હતા અને લાલ ટી-શર્ટ તથા બ્લેક ટેનિસ શૂઝ પહેરેલો એક અન્ય મૃતદેહ શોધી કાઢ્યો હતો. રાઉલે પણ લાલ ટી-શર્ટ અને બ્લેક ટેનિસ શૂઝ પહેર્યાં હતાં.

“મેં મારા સાથીઓને કહ્યું હતું કે આપણે જેને શોધી રહ્યા હતા તેને મેં શોધી કાઢ્યો છે.”

એગ્વિલાસ ડેલ ડેર્સિટી સાથેની સ્વયંસેવક તરીકેની કામગીરી દરમિયાન રોબર્ટોએ ઘણા મૃતદેહ શોધી કાઢ્યા છે. “મને કાયમ આશ્ચર્ય થાય છે કે એક માણસ બીજા માણસ સાથે આવું કેવી રીતે કરી શકે? સરહદો અને રાજકારણને લીધે આપણે જીવ શા માટે ગુમાવવો પડે?”

સેરો પિકુડો પર ચડેલા એક પણ સ્વયંસેવકની સાથે લાશની બાજુમાં રાખવા માટે સફેદ રંગના લાકડાના ક્રૉસ પોતાની સાથે રાખ્યા ન હતા. એ માત્ર ચેપરિટો અને આલ્બર્ટોના જૂથ પાસે જ હતા.

“સૌથી ખરાબ હિસ્સાની વાત હવે”

અમેરિકા મેક્સિકો ઘૂસણખોરી

ઇમેજ સ્રોત, VALENTINA OROPEZA / BBC NEWS WORLD

ઇમેજ કૅપ્શન, સ્વયંસેવકો

રેડિયો પરનાં તારણો સાંભળ્યા ત્યારે મેં એલીને જણાવ્યું હતું કે રાઉલ જ્યાંથી મળી આવ્યો હતો એ સ્થળ સુધી પહોંચાડવામાં અમને મદદ કરો. તેમણે ચેતવણી આપી હતી કે એ ખતરનાક છે અને હું તમને જોખમમાં મૂકવા માગતો નથી.

જોકે, ચેપરિટો અને અન્ય સ્વયંસેવકોએ અમારી સાથે આવવાની તૈયારી દેખાડી હતી.

પાંચ કલાક ચાલ્યા પછી અમારી પાસે બહુ ઓછું પાણી બચ્યું હતું.

પર્વતની તળેટીમાંથી ચેપરિટોએ એ ખડક તરફ આંગળી ચીંધી હતી, જ્યાં રાઉલ છેલ્લે રોકાયો હતો. એ સ્થળે પીળું શર્ટ પહેરીને એક સ્વયંસેવક ઊભો હતો અને તે નાના ટપકા જેવો દેખાતો હતો.

અમે આગળ વધ્યા તેમ ચઢાણ આકરું બન્યું અને ઝાડીઓ કાંટાળી સુરંગમાં પરિવર્તિત થઈ. તેમાં કપડાં ભરાય તો ફાટી જાય.

બે કલાક સુધી ચડ્યા પછી બે સ્વયંસેવક દેખાયા હતા અને તેઓ થાકીને નીચે આવ્યા હતા. એ પૈકીના એકે ચેતવણી આપી હતી, “સૌથી ખરાબ હિસ્સો હવે આવી રહ્યો છે.”

તે ચેતવણીથી મને સમજાયું હતું કે હું ચઢવાનું ચાલુ રાખીશ તો જાતે પરત નહીં ફરી શકું. તરસ સાથે મેં સ્વયંસેવકો સાથે નીચે પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.

મેં મારા પાર્ટનર જોસને પૂછ્યું હતું કે તારે આગળ જવું છે? તેણે હા પાડી હતી. ચેપરિટોએ આવજો કહેતા કહ્યું હતું કે એ તેને સારી રીતે સંભાળી લેશે.

રાઉલનો મૃતદેહ પડ્યો હતો ત્યાં પહોંચવામાં અમને બીજા બે કલાક લાગ્યા હતા. અમે તેની નજીક પહોંચવાના હતા ત્યાં જ ચેપરિટોના પગના સ્નાયુ ખેંચાવા લાગ્યા હતા અને જોસ તેમની મદદ કરવા લાગ્યો હતો.

ચેપરિટોએ જોસને કહ્યું હતું, “આપણે જેટલું ચડી શકીએ એટલું ચડીએ.”

“શું જોવા મળશે એની ખબર છે?”

વાદળ ગરજ્યાં ત્યારે એક સ્વયંસેવકે કહ્યું હતું કે ચિંતાનું કોઈ કારણ નથી. રણમાં છેલ્લા ત્રણ મહિનાથી વરસાદ પડ્યો નથી. તેથી ચેપરિટો અને જોસ નીચે આવશે ત્યારે ઢોળાવ ચોક્કસ સુકાઈ જશે.

રાઉલના મૃતદેહની આજુબાજુની લાલ ટેપને જોઈ ત્યારે ચેપરિટોએ પાછળ જોઈને જોસને સવાલ કર્યો હતો, “તમે માનસિક રીતે તૈયાર છો? શું જોવા મળશે એ ખબર છે?”

અમે બે મોટા ગ્રે ખડકોની વચ્ચેથી આગળ વધ્યા ત્યારે ચેપરિટોના બૅકપૅકમાં સફેદ ક્રૉસ લટકતો હતો.

હવામાં સડેલા માંસની ગંધ આવતી હતી. લાલ રિબનની નજીક પહોંચ્યા ત્યારે માખીઓનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.

જોસે એ મૃતદેહ જોવાની હિંમત એકઠી કરી. એ પીઠ પર પડ્યો હતો. મસ્તક એક બાજુ વળેલું હતું. બાજુમાં બેકપેક અને પાણીનું કાળું ગેલન પડ્યું હતું.

રાઉલ છાંયડો શોધવાની અને રણની મુશ્કેલીઓથી ખુદને બચાવવાની શક્તિ ગુમાવી બેઠો હોય એવું દૃશ્ય હતું.

શોર્ટીએ તેના બૅકપૅકમાંથી સફેદ ક્રૉસ, ક્રુસીફિક્સ અને પવિત્ર જળની બૉટલ બહાર કાઢી હતી. બૅગ બાજુમાં મૂકીને માથા પરથી ટોપી ઉતારી નાખી હતી.

તેમણે ક્રૉસને મૃતદેહ નજીકની જમીનમાં ખોડી દીધો હતો અને જોરદાર પવન ફૂંકાવા છતાં તે સીધો રહે એ સુનિશ્ચિત કરવા આજુબાજુ અનેક પથ્થરો મૂકી દીધા હતા.

ક્રૉસ પર ક્રુસીફિક્સ મૂકીને તેઓ ઘૂંટણિયે પડ્યા હતા. તેઓ થાકી ગયા હતા. જેની શોધ કરવામાં આવી રહી હતી તેનું નામ યાદ કરાવવા તેમણે કહ્યું હતું.

રૉબર્ટોએ બૂમ પાડીને કહ્યું હતું, “રાઉલ.” રાઉલનો મૃતદેહ રૉબર્ટોએ જ શોધી કાઢ્યો હતો.

એ પછી તેમણે પ્રાર્થના શરૂ કરી હતીઃ

“વર્જિન મેરી...

હોલી ફાધર, અમે રાઉલ તમને સોંપીએ છીએ.

દુર્ભાગ્યે ખુશી તેના નસીબમાં ન હતી.

હોલી ફાધર, તેનો તમારા પવિત્ર ધામમાં સ્વીકાર કરવા અમે પ્રાર્થના કરીએ છીએ.

પ્રભુ, કદાચ તે પાપી હતો.

પ્રભુ, તે પરિવારની પ્રગતિ ઇચ્છતો હતો.

જોકે, આ હાંસલ કરી શક્યો નહીં.”

પછી તેમણે પવિત્ર જળની બૉટલ હાથમાં લઈને પાણી ક્રૉસ તથા મૃતદેહ પર છાંટ્યું હતું અને પ્રાર્થના પૂર્ણ કરી હતી.

ઘૂંટણિયે પડેલા ચેપરિટો થોડીવાર મૌન રહ્યા હતા, પરંતુ આંખમાં આવતા આંસુને ખાળી શક્યા નહોતા. આગળ માથું ઝૂકાવીને તેમણે એક ક્ષણ માટે ચહેરો ઢાંકી દીધો હતો. પછી આંખો ખોલી અને આંસુ લૂછી નાખ્યા હતા.

ઊંડો શ્વાસ લીધા પછી મૃતદેહને જોવાનું ટાળતા હોય તેમ ખુલ્લી જગ્યા તરફ તેમણે નજર કરી હતી.

હેલિકૉપ્ટર દ્વારા બચાવ માટે પિમા કાઉન્ટીના સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્ટ્સ સાથેનું એક હેલિકૉપ્ટર મૃતદેહને લઈ જવા માટે પર્વત પર આવી પહોંચ્યું હતું.

તેમણે સ્વયંસેવકોને કહ્યું, “તમારો ખૂબ ખૂબ આભાર. તમે બહુ સરસ કામ કર્યું.”

એ વરસાદ શરૂ થયો.

હું, ચેપરિટો તથા જોસના પર્વત પરથી, નવ કલાક ચાલ્યા પછી, નીચે આવવાની રાહ જોઈ રહી હતી ત્યારે મૃતદેહોને હેલિકૉપ્ટરમાં લાવવામાં આવ્યા હતા અને એક વેનમાં લઈ જવામાં આવ્યા હતા.

પિમા કાઉન્ટી સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમના એક અધિકારીએ મને સમજાવ્યું હતું કે પર્વત એક અંતરિયાળ વિસ્તાર છે અને અમેરિકા જવાના માર્ગમાં ભૂલા પડી જતા માઇગ્રન્ટ્સ ત્યાંથી પસાર થતા હોય છે.

આપણે અસાધારણ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. તેઓ મહિનામાં સરેરાશ એક જ મૃતદેહ શોધી શકે છે. ડેઝર્ટ ઈગલ્સને લીધે તેઓ માત્ર બે મૃતદેહ લાવવામાં સફળ થયા હતા.

એલીએ કહ્યું હતું, અવશેષો આટલા ઝડપથી પ્રાપ્ત કરવાનું તેમના માટે અસાધારણ બાબત છે. ઘણા માઇગ્રન્ટ્સ સેરો પિકુડો પર્વત પર દેખાય છે, પરંતુ બીજી બાજુ, પર્વતની પશ્ચિમે.

અભિયાનના અંતે તારણોથી સંતુષ્ટ ચેપરિટોએ આવજો કહેતા પહેલાં જણાવ્યું હતું કે તેઓ ડેઝર્ટ ઈગલ્સનાં નવા પ્રકરણ માટે ટૅક્સાસ જવાના છે.

સાન એન્ટોનિયો એકાટાપેકના પહાડોમાં રાઉલના પરિવારને આશા છે કે એરિઝોનામાંનું મેક્સિકોનું કોન્સ્યુલેટ રાઉલના અવશેષો પરત લાવવાના વચનનું પાલન કરશે.

ઈન્માક્યુલાડાએ ડૂસકાં ભરતાં કહ્યું હતું, “મારા ભાઈને શોધવામાં મદદ કરવા બદલ અમે તમામ સ્વયંસેવકોના આભારી છીએ. હવે સૌથી મહત્ત્વનું કામ મારાં માતા તેના પુત્રને દફનાવે એ છે.”