અમેરિકા પહોંચવા લોકો કેવું-કેવું કરે છે? એ મહિલાની કહાણી, જેણે અમેરિકા પહોંચવા ટ્રેનના છાપરે બાળકને જન્મ આપ્યો

મહિલા

ઇમેજ સ્રોત, COURTESY OF ALAN LÓPEZ, COORDINATOR OF THE AGUASCALIENTES MIGRANT HOUSE

    • લેેખક, વેલેન્ટિના ઓરોપેઝા કોલ્મેનારેસ
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

યોહાંડ્રી પાચેકો પેટમાં દુખાવા સાથે ટ્રેનમાં ચડ્યાં હતાં. સાડા આઠ માસના ગર્ભ સાથેનું પેટ ફૂલેલું હતું.

તેઓ ટ્રેનની સીટ પર બેસીને મેક્સિકોના મધ્યથી પૂર્વ છેડા સુધીના ઈરાપુઆટો અને માટામોરોસ વચ્ચેના લૅન્ડસ્કેપને નિહાળવા માટે પ્રવેશ્યાં ન હતાં. આ વિસ્તાર અમેરિકાની સરહદે આવેલો છે.

તેઓ ટ્રેનના ડબ્બાની બાજુની સીડી મારફત માલગાડીની છત પર ચડ્યાં હતાં. આ માલગાડી મેક્સિકન રેલ્વે સિસ્ટમની હતી, જે લા બેસ્ટિયા તરીકે ઓળખાતું જૂનું ટ્રેન નેટવર્ક છે.

વેનેઝુએલાનાં 23 વર્ષીય યોહાંડ્રી થાકી ગયાં હતાં. તેમણે તેમના પાર્ટનર હોઝે ગ્રેગોરિયો અને ચાર વર્ષના દીકરા ગેલ સાથે ઈરાપુઆટોમાં એક પુલ પર ટ્રેનના આગમનની પાંચ દિવસ સુધી રાહ જોઈ હતી.

અન્ય પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ટ્રેન એલ બોલિચેરો નામથી ઓળખાતી હતી, કારણ કે તેની છત પર ધાતુના નાના દડા રાખવામાં આવતા હતા અને યાત્રા દરમિયાન વિરામ માટે તેને કાર્ડબોર્ડ વડે ઢાંકી દેવામાં આવતા હતા.

યોહાંડ્રી અને તેમના બૉયફ્રેન્ડે પ્રવાસ માટે કાર્ડબોર્ડ એકઠાં કર્યાં હતાં અને કાર્યકર્તાઓ તથા લોકોએ પુલ પર જે ભોજનનું વિતરણ કર્યું હતું તે ખાધું હતું.

યોહાંડ્રીના ગર્ભમાં જે બાળક હતું તેનો જન્મ અમેરિકામાં થાય તે સુનિશ્ચિત કરવા યોહાંડ્રી, તેમના બૉયફ્રેન્ડ અને દીકરા ગેલે દોઢ મહિના સુધી એક ડઝન દેશોનો પ્રવાસ કર્યો હતો.

મેક્સિકોની મધ્યમાં એગ્વાસ્કેલિએન્ટસ ખાતેના પ્રવાસીઓ માટેના આશ્રયસ્થાનમાં વાત કરતાં યોહાંડ્રીએ કહ્યું હતું, "એક દોસ્તે મને ડરાવી દીધી હતી. તેણે કહેલું કે હું મેક્સિકોમાં બાળકને જન્મ આપીશ તો તેઓ મને ગ્વાટેમાલાની સીમા પર પાછી મોકલી આપશે અને તેઓ મારા સંતાનની નોંધ ગ્લાટેમાલાના નાગરિક તરીકે કરશે."

"પ્રસૂતિ માટે હૉસ્પિટલે જવાનો અને ત્યાંથી મને ઈમિગ્રેશન સત્તાવાળાઓ પાછી લાવશે તેનો મને ડર હતો."

ટ્રેન 25મી ઑગસ્ટે, શુક્રવારે મધરાતે ઈરાપુઆટો પહોંચી હતી. જે ડૉક્ટરે યોહાંડ્રીનું પ્રસૂતિ પૂર્વેનું ચેક-અપ કર્યું હતું તેના જણાવ્યા મુજબ, તેને પ્રસૂતિ થવામાં 12 દિવસ બાકી હતા.

ટ્રેનની છતમાં બેસીને જતી વખતે જોહાદ્રી પાચેકો નાદુરસત હતાં

ઇમેજ સ્રોત, COURTESY OF ALAN LÓPEZ, COORDINATOR OF THE AGUASCALIENTES MIGRANT HOUSE

ઇમેજ કૅપ્શન, ટ્રેનની છતમાં બેસીને જતી વખતે જોહાદ્રી પાચેકો નાદુરસત હતાં
ગ્રે લાઇન

‘તમારા દેશમાં જાઓ’

યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવા માટે લોકો લા બૅસ્ટિયા ટ્રેનની છત પર મુસાફરી કરે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવા માટે લોકો લા બૅસ્ટિયા ટ્રેનની છત પર મુસાફરી કરે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યોહાંડ્રીનો ઉછેર લાસ એડજન્ટાસમાં થયો હતો, જે કારાકાસની દક્ષિણ-પશ્ચિમે આવેલો એક લોકપ્રિય પ્રદેશ છે. તેઓ 18 વર્ષનાં થયાં પછી તરત જ કોવિડ રોગચાળાના થોડા સમય પહેલાં પેરુમાં સ્થળાંતર કર્યું હતું. તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો ન હતો અને તેમની પાસે કામનો અનુભવ પણ ન હતો.

યોહાંડ્રીના કહેવા મુજબ, "હું મારી રીતે વિશ્વને જોવા ઇચ્છતી હતી. આપબળે બધું હાંસલ કરવા ઇચ્છતી હતી."

સંયુક્ત રાષ્ટ્રસંઘ રેફ્યુજી એજન્સી(યુએનએચઆરસી)ના જણાવ્યા અનુસાર, આર્થિક કટોકટી, જાહેર સેવાઓના અભાવ અને હિંસાને કારણે વેનેઝુએલામાંથી 2015થી 70 લાખ લોકોએ સ્થળાંતર કર્યું છે.

યોહાંડ્રીને પેરુમાં પગરખાંની દુકાનમાં ક્લાર્ક તરીકે પહેલી નોકરી મળી હતી. યોહાંડ્રીના કહેવા મુજબ, કેટલાક ગ્રાહકોએ તેમને કહેતા કે "તમે તમારા દેશમાં જાઓ. વેનેઝુએલાના લોકો અહીં ખોટા કામ કરવા આવે છે." યોહાંડ્રીએ કશું સાંભળ્યું ન હોવાનો ડોળ કર્યો હતો અને આઘા ખસી જતાં હતાં.

પગરખાંની દુકાનમાં થયેલા અપમાનને યાદ કરતાં યોહાંડ્રી કહે છે, "એવી કૉમેન્ટ્સની મારા પર કોઈ અસર થતી નથી. હું મારી જાત તથા મારા પરિવાર માટે સંઘર્ષ કરી રહી છું."

યોહાંડ્રીએ પેરુમાં પોતાના પ્રથમ સંતાન ગેલને જન્મ આપ્યો હતો.

જોકે, 2021ની મધ્યમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મોંઘવારી વધી હતી અને તેમનો પગાર મકાનના ભાડા તથા ભોજન ખર્ચ માટે અપૂરતો હતો.

યોહાંડ્રીના ખિસ્સામાં માત્ર 100 ડૉલર બાકી રહ્યા હતા. તેથી તેમણે લાસ એડજન્ટાસમાં પોતાના પરિવાર પાસે પાછા નહીં જવાનો નિર્ણય કર્યો હતો અને રસ્તે ચાલીને ચિલી સ્થળાંતર કર્યું હતું.

યોહાંડ્રીને સેન્ટિયાગોમાં એક નાનકડા દવાખાનામાં સફાઈ કામદાર તરીકે નોકરી મળી હતી. તેમણે વસ્ત્રોનો વેપાર કર્યો હતો અને બીયર બારમાં કામ પણ કર્યું હતું. આર્થિક સ્થિરતા હાંસલ કરી છે એવું લાગ્યું ત્યારે યોહાંડ્રીએ મોટું મકાન ભાડેથી લીધું હતું. યોહાંડ્રીને ભય હતો કે તેમને લાસ એડજન્ટાસ પાછા ફરવાની ફરજ પાડવામાં આવશે.

એ દિવસોને યાદ કરતાં યોહાંડ્રી કહે છે, "હું સાત મહિનાની ગર્ભવતી હતી ત્યારે મેં ચિલી છોડવાનો નિર્ણય કર્યો હતો. મારા પેટમાં બાળક હતું અને બન્ને હાથ તથા પગ વડે ઝાડ પકડીને ડેરિઅન નદી પાર કરવાની હતી."

"તે પ્રવાસના સૌથી મુશ્કેલ હિસ્સા પૈકીનો એક હતો. મારા પ્રથમ સંતાનને હાથમાં ઊંચકીને નદી પાર કરવાનું અશક્ય હતું."

ગ્રે લાઇન

‘બધાને તમારી પાસેથી ચોરી કરવી છે’

ડેરિયન ગેપ પાર કરતી વખતે ઘણી વખત લોકોને સશસ્ત્ર જૂથોનો સામનો કરવો પડે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડેરિયન ગેપ પાર કરતી વખતે ઘણી વખત લોકોને સશસ્ત્ર જૂથોનો સામનો કરવો પડે છે

યોહાંડ્રી અને તેમના બૉયફ્રેન્ડ પાસે પુત્ર ગેલ સાથે ચિલી, પેરુ, કોલંબિયા, પનામા, કોસ્ટારિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ, ગ્વાટેમાલા અને મેક્સિકો થઈને અમેરિકા સુધી પહોંચવા માટે 700 ડૉલર હતા.

તેમણે પ્રથમ તબક્કાનો ચિલીથી પનામાની સરહદે આવેલા કોલંબિયાના શહેર કપુરગાના તથા જટિલ જંગલ ડેરિયન ગૅપ સુધીનો પ્રવાસ બસમાં કર્યો હતો. ડેરિયન ગૅપમાં પ્રવેશ માટેના મુખ્ય પ્રવેશદ્વાર પૈકીનું આ એક છે.

ડેરિયન ગૅપ એક જટિલ જંગલ છે જેમાંથી 2023ના પહેલાં છ માસમાં લગભગ 2,49,000 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો, જે પનામાના સત્તાવાળાઓએ નોંધેલો પ્રવાસીઓનો સૌથી મોટો આંક છે.

ડેરિયન ગૅપ સુધીના પ્રવાસમાં ઘણાં બાળકોને તાવ, ઊલટી અને શરીર પર ફોડલીઓની તકલીફ થઈ હતી. તે જોઈને ગર્ભાવસ્થામાં જ પ્રવાસ કરવાના પોતાના નિર્ણયથી યોહાંડ્રી રાજી થયાં હતાં. મેક્સિકોમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે, એવું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.

યોહાંડ્રી કહે છે, "ડેરિઅનમાં તમે નદીનું પાણી પી શકો અને ઝાડની છાયામાં આશરો લઈ શકો, પરંતુ મેક્સિકોમાં અમારે રોજ પાંચથી છ કલાક સૂરજના તાપમાં ચાલવું પડતું હતું. બધા તમારી પાસેથી કશુંક ચોરવા ઇચ્છતા હોય છે, છેતરપિંડી કરવા ઇચ્છતા હોય છે."

"અમે બસ દ્વારા આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ દર વખતે અમને પકડી લેતી હતી, કારણ કે અમારી પાસે કાયદેસરના કાગળિયા ન હતા."

દોઢ મહિનાની મુસાફરી પછી, અલ બોલિયેરોમાં સવાર થઈ અને માટામોરોસ પહોંચવું એ અમેરિકામાં પ્રવેશવાના પ્રવાસનો છેલ્લો તબક્કો હતો.

ગ્રે લાઇન

કાર્ડબોર્ડ પર ચેતવણી

જોસ ગ્રેગોરિઓએ કાર્ડબોર્ડમાં સંદેશ લખીને ટ્રેન ડ્રાઇવરને માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો

ઇમેજ સ્રોત, SOCIAL NETWORKS

ઇમેજ કૅપ્શન, જોસ ગ્રેગોરિઓએ કાર્ડબોર્ડમાં સંદેશ લખીને ટ્રેન ડ્રાઇવરને માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો

યોહાંડ્રી અને હોઝે ગ્રેગોરિઓએ કાર્ડબોર્ડને ટ્રેનની છત પર મૂક્યાં હતાં અને તેની વચ્ચે ગેલને સુવડાવી દીધો હતો.

રાતે બે વાગ્યે યોહાંડ્રી પેટમાં થતી પીડાને કારણે જાગી ગયાં હતાં. પ્રસૂતિને હજુ 12 દિવસ બાકી હતા.

યોહાંડ્રી પહેલા સંતાનને જન્મ આપવાનાં હતાં ત્યારે તેમને પ્રસૂતિ પૂર્વેની પીડા સાથે પીઠમાં દુખાવો પણ થતો હતો. આ વખતે માત્ર પેટમાં પીડા થતી હતી. તેથી તેમણે એવું ધાર્યું કે તે ટ્રેનમાં આકરો પ્રવાસ કરવાના થાકનું પરિણામ છે.

જોકે, પેટમાંનું દબાણ વધ્યું હતું અને સમયાંતરે તેની તીવ્રતા વધતી જતી હતી. યોહાંડ્રીએ તેમના પાર્ટનરને તાત્કાલિક મદદ માટે ફોન કરવા જણાવ્યું હતું. હવે તેમની મિયાનું આગમન થવાનું હતું.

હોઝે ગ્રેગોરિયોએ તેઓ સૂવા માટે ઉપયોગ કરતા હતા તે કાર્ડબોર્ડ પૈકીનું એક સવારે પાંચ વાગ્યે હાથમાં લીધું અને તેના પર લખ્યુઃં “એક બાળકનો જન્મ થવામાં છે. આ વાતની જાણ ટ્રેનના ડ્રાઇવરને તત્કાળ કરવી છે." તેમણે તે કાર્ડબોર્ડ સાથી પ્રવાસીઓના હવાલે કર્યું અને તે ટ્રેનચાલક સુધી પહોંચાડવા જણાવ્યું.

ગ્રે લાઇન

‘મારી પ્રિયા, સજ્જ થઈ જાઓ’

યોહાંડ્રીને ટ્રેનમાં કલાકો સુધી પ્રસવની પીડા સહન કરવી પડી હતી

ઇમેજ સ્રોત, SOCIAL NETWORKS

ઇમેજ કૅપ્શન, યોહાંડ્રીને ટ્રેનમાં કલાકો સુધી પ્રસવની પીડા સહન કરવી પડી હતી

બાળકને જન્મ આપી રહેલી મહિલાને કોઈ મદદ કરી શકે એટલા માટે કેટલાક લોકો બૂમો પાડી રહ્યા હતા ત્યારે યોહાંડ્રી અને હોઝે ગ્રેગોરિઓએ એક માણસને ટ્રેનના પ્રથમ ડબ્બાની છત પરથી પોતાના તરફ આવતો નિહાળ્યો.

એ માણસ વેનેઝુએલાનો પેરામેડિક હતો. એ પણ અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતો હતો. તેણે મોબાઇલ ફોન મારફત પોતાની પત્નીનો સંપર્ક કર્યો જેઓ નર્સ હતાં અને યોહાંડ્રીને પ્રસૂતિ દરમિયાન કેવી રીતે મદદ કરવી તેનું માર્ગદર્શન આપવાની હતી.

યોહાંડ્રીને યાદ છે કે એ નર્સ પોતાના પતિને ફોનના લાઉડસ્પિકર પર કહેતાં હતાં, "મારી પ્રિયા, સજ્જ થઈ જાઓ. આલ્કોહોલ તૈયાર રાખો."

પેરામેડિકના અંદાજ મુજબ, પહેલાં દર ત્રણ મિનિટે પીડા થતી હતી. પછી દર બે મિનિટે. તેને અટકાવવામાં અસમર્થ યોહાંડ્રી ઊલટી કરવા લાગ્યાં હતાં. તેઓ તેમની દીકરી મિયાને ટ્રેનની ગંદી, તપતી છત પર જન્મ આપવા ઇચ્છતાં ન હતાં.

તેમને આલ્કોહોલ, કાતર અને એક ધાબળો મળ્યા, જેથી નવજાત બાળકના શરીરને કાર્ડબોર્ડનો સ્પર્શ ન થાય. પોતાની પુત્રીનો જન્મ મેક્સિકોમાં ટ્રેનની છત પર જ થશે, એવું જાણીને યોહાંડ્રીએ આત્મસમર્પણ કર્યું.

પેરામેડિકે યોહાંડ્રીને પાછળથી પકડી રાખવા અને બાળક નીચે આવે તે માટે પેટ પર હળવેથી દબાણ કરવા હોઝે ગ્રેગોરિયાનો કહ્યું.

ગ્રે લાઇન

‘એ આ ટ્રેનમાં નહીં આવે’

લા બૅસ્ટિયા ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો અને ક્યારેક તો દિવસો સુધી રાહ જોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લા બૅસ્ટિયા ટ્રેનમાં બેસવા માટે લોકો કલાકો અને ક્યારેક તો દિવસો સુધી રાહ જોય છે

સવારે સાત વાગ્યે એજન્ડા માઈગ્રન્ટે એસોસિએશનના કાર્યકર અને વકીલ પાઓલા નાડિન કોર્ટેસને એ પોસ્ટરનો ફોટો જોવા મળ્યો હતો, જેમાં હોઝે ગ્રેગોરિયોએ મદદની યાચના કરી હતી.

વકીલ પાઓલાએ તે જૂથને ઇરાપુઆટો સ્ટેશનથી 222 કિલોમીટર ઉત્તરે આવેલા સાન ફ્રાન્સિસ્કો ડી રોમો મ્યુનિસિપાલિટીમાંના ફેરોમેક્સ કંપનીની યાર્ડમાં ખસેડવા સિવિલ પ્રોટેક્શનને જણાવ્યું હતું.

વકીલ પાઓલા કહે છે, "અમારો વિચાર તાકીદની મદદ મેળવવાનો અને યોહાંડ્રીને બચાવવાનો હતો, કારણ કે તેઓ મને વીડિયો મોકલી રહ્યા હતા અને યોહાંડ્રીની હાલત બહુ ખરાબ હતી."

ટ્રેન કંપનીએ વકીલ પાઓલાનો સંપર્ક ટ્રેનના ચાલક સાથે કરાવી આપ્યો હતો.

વકીલ પાઓલા કહે છે, "મેં તેને એક ફોટો મોકલ્યો હતો, જેથી તે ટ્રેનનો નંબર જોઈ શકે. પછી ચાલકે મને કહ્યું હતું કે યોહાંડ્રી અમારી ટ્રેનમાં નહીં, પરંતુ અમારી આગળ જઈ રહેલી ટ્રેનમાં છે."

એ ચાલકે તેના સાથી ટ્રેનચાલકનો સંપર્ક કર્યો હતો અને તેઓ અગુઆસકેલિએન્ટેસ શહેરમાં દસ મિનિટ માટે ટ્રેન રોકવા સંમત થયા હતા.

વકીલ પાઓલા કહે છે, "માત્ર 10 મિનિટ જ ટ્રેન થોભશે. એ 10 મિનિટમાં યોહાંડ્રીને ટ્રેનમાંથી ઉતારવામાં નહીં આવે તો ટ્રેન ચાલુ થઈ જશે, એવું ચાલકે મને સ્પષ્ટ જણાવ્યું હતું."

અગુઆસકેલિન્ટેસ શહેરથી લગભગ 108 કિલોમીટર દૂર લૉસ એરેલાનોસ કૉમ્યુનિટી ખાતે ટ્રેન રોકવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર ઇમરજન્સી ટીમ 10 મિનિટમાં ત્યાં પહોંચી શકી ન હતી.

અડધા કલાક પછી યોહાંડ્રીને લાગ્યું કે તે હવે પીડા સહન નહીં કરે શકે. એ વખતે ટ્રેન થંભી ગઈ હતી.

વકીલ પાઓલાએ સિવિલ પ્રોટેક્શન તથા ફાયર ફાઇટર્સની મદદથી યોહાંડ્રીને ટ્રેન પરથી ઉતારવા માટે ફેરોમેક્સ પાસેથી પરવાનગી મેળવી હતી. તેમણે કહ્યું હતું, "ટ્રેનના વેગન બહુ ઊંચા છે. તેથી યોહાંડ્રીને તેના પરથી ઉતારવા વધારે કાળજીપૂર્વક કામ કરવું પડશે."

યોહાંડ્રીને ઍમ્બ્યુલન્સ મારફત અગુઆસકેલિએન્ટેસની પેબેલોન ડી આર્ટેગા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં

ઇમેજ સ્રોત, SOCIAL NETWORKS

ઇમેજ કૅપ્શન, યોહાંડ્રીને ઍમ્બ્યુલન્સ મારફત અગુઆસકેલિએન્ટેસની પેબેલોન ડી આર્ટેગા જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં

લાઇફગાર્ડ, ફાયર ફાઇટર્સ અને રેલ્વે કંપનીના એક ડૉક્ટર આવી પહોંચ્યા. તેઓ ટ્રેનની છત પર ચડ્યા. તેમણે યોહાંડ્રીને એક સ્ટ્રેચર પર સુવડાવીને બાંધી દીધાં. અનેક સ્થળાંતરકર્તાઓએ યોહાંડ્રી સાથેના સ્ટ્રેચરને સીડી મારફત નીચે ઉતારવામાં મદદ કરી. તે એ જ સીડી હતી, જેની મારફત યોહાંડ્રી ટ્રેનની છત પર ચડ્યાં હતાં.

વકીલ પાઓલાને જણાવ્યા મુજબ, સેન્ટ્રલ રૂટ તરીકે ઓળખાતો ઈરાપુઆટોથી ટોરેન સુધીનો વિભાગ મેક્સિકો પાર કરીને અમેરિકા સુધી પહોંચવા ઇચ્છતા પ્રવાસીઓથી ભર્યોભર્યો હોય છે.

તેમણે કહ્યું હતું, "ગલ્ફ રૂટને કારણે આ વર્ષે તેમાં મોટો વધારો થયો છે. ગલ્ફ રૂટ ટ્રેનનો સૌથી ટૂંકો માર્ગ છે અને સૌથી વધુ ગરીબ હોય તેવા લોકો તેનો ઉપયોગ કરે છે. તેમાં ગુનાખોરીનું પ્રમાણ પણ બહુ મોટું છે."

ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં લઈને ફેરોમેક્સ કંપનીએ 19 સપ્ટેમ્બરે 60 ટ્રેન સસ્પેન્ડ કરી હતી, જેથી પ્રવાસ દરમિયાન તેમના ઘાયલ થવાની કે મૃત્યુ પામવાની ઘટનાને નિવારી શકાય.

યોહાંડ્રીને ઍમ્બ્યુલન્સ મારફત અગુઆસકેલિએન્ટેસની પેબેલોન ડી આર્ટેગા જનરલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે યોહાંડ્રીના ગર્ભાશયનું મુખ પાંચ સેન્ટિમીટર પહોળું થઈ ગયું હતું. તેઓ પ્રસૂતિના છેલ્લા તબક્કામાં હતાં.

શુક્રવાર, 25 ઑગસ્ટ, 2023ના રોજ બપોરે મિયાનો જન્મ કોઈ મુશ્કેલી વિના થયો હતો.

વકીલ પાઓલા તથા નેશનલ ઈમિગ્રેશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેક્સિકોના અધિકારીઓએ યોહાંડ્રીની મુલાકાત લીધી હતી અને તેની પુત્રીને મેક્સિકોનું નાગરિકત્વ આપવામાં આવશે તેમજ પરિવાર મેક્સિકોમાં કાયદેસર રહી શકશે, તેની ખાતરી આપી હતી.

યોહાંડ્રી કહે છે, "મારી દીકરી અને પરિવાર હેમખેમ છે એટલે હું અત્યંત આભારી છું. અમે મેક્સિકોમાં રહી શકીએ તેમ છીએ, પરંતુ અમેરિકા પહોંચવાની ઇચ્છા મેં ત્યાગી નથી."

રેડ લાઇન
રેડ લાઇન