અડધોઅડધ ભારતીય મૂળના લોકો ધરાવતા દેશ પર યુદ્ધનું જોખમ કેમ તોળાઈ રહ્યું છે?

મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા જવાન
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

આ મહિનાની શરૂઆતમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરોએ જનમત સંગ્રહ કરાવ્યો હતો.

આ પછી તેણે કહ્યું કે તેને પાડોશી દેશ ગુયાનાના ઍસેકિબો વિસ્તારને વેનેઝુએલામાં ભેળવી દેવાનો અધિકાર મળ્યો છે.

200 વર્ષ જૂના જમીન વિવાદમાં આ નવો વળાંક છે. એક બાજુ વેનેઝુએલા છે જે 3 કરોડની વસતી ધરાવતો વિશાળ દેશ છે અને બીજી બાજુ દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ કિનારે આવેલ ગુયાના છે. ગુયાનાની વસ્તી માત્ર આઠ લાખ છે.

ગુયાનાએ કહ્યું છે કે તે તેની ભૂમિની સુરક્ષા માટે દરેક સંભવ પગલાં લેશે.

તે જ સમયે વેનેઝુએલાના પાડોશી દેશો અને વિશ્વના અન્ય ઘણા દેશોએ પણ રાષ્ટ્રપતિ મદુરોને કોઈ આક્રમક પગલું ના ભરવા માટે કહ્યું છે. પરંતુ અત્યાર સુધી મદુરોએ આંતરરાષ્ટ્રીય સમુદાયની અપીલની અવગણના કરી છે.

ઍસેકિબો વિસ્તાર

ઍસેકિબો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍસેકિબો વિસ્તારનો એક ભાગ

ઍસેકિબો વિસ્તાર ગુયાનાના બે તૃત્યાંશ વિસ્તારમાં ફેલાયેલો છે. એટલે કે તેનું ક્ષેત્રફળ અમેરિકાના ફ્લોરિડા રાજ્ય બરાબર છે. પર્વતીય વર્ષાવનો ધરાવતા આ વિસ્તારની સીમા વેનેઝુએલા સાથે જોડાયેલી છે.

તેનાં મહત્ત્વ વિશે અમે ફિલ ગનસન સાથે વાત કરી. જેઓ ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપમાં વરિષ્ઠ વિશ્લેષક છે. અમે તેમની પાસે જાણવાનો પ્રયાસ કર્યો કે વેનેઝુએલાએ પહેલીવાર ક્યારે આ વિસ્તાર પર દાવો કરાયો?

તેઓ કહે છે, ''આ વિવાદ ઉપનિવેશકાળમાં શરૂ થયો હતો. જોકે આની કોઈ નોંધ નથી કે સ્પેનના ઉપનિવેશકોએ ઍસેકિબો વિસ્તાર પર કબજો કર્યો હોય. પણ તેમના નકશાઓમાં બતાવાયું હતું કે વેનેઝુએલાના નૌકાદળના પ્રમુખ ઍસેકિબો નદી સુધી પહોંચ્યા હતા. આના આધારે જ વેનેઝુએલાએ ઍસેકિબો વિસ્તાર પર દાવો કર્યો હતો.”

સૈદ્ધાંતિક રીતે તો આ વિવાદનું નિરાકરણ 1899માં આવી ગયું હતું. એ સમયે પેરિસમાં પાંચ આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશોએ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. ન્યાયાધીશોની આ પૅનલમાં બે બ્રિટનના, બે અમેરિકાના અને એક રશિયાના ન્યાયાધીશ હતા. તેમણે ઍસેકિબો વિસ્તારનું સ્વામિત્વ બ્રિટિશ ગુયાનાને સોંપી દીધું હતું. વેનેઝુએલાને કંઈ જ ના મળ્યું. તે સમયે વેનેઝુએલાએ કમને આ નિર્ણયને માની લીધો હતો.

પણ પછી આ દેશના સત્તાધિશોને લાગ્યું કે આંતરરાષ્ટ્રીય ન્યાયાધીશોએ ભેગા મળીને તેને તેના અધિકારથી વંચિત કરી દીધો છે. તેની એ આશંકાને ત્યારે ટેકો મળી ગયો જ્યારે 1949માં એ અદાલતના એક અધિકારીએ તૈયાર કરેલી સમજૂતિનો મુસદ્દો સામે આવ્યો.

ફિલ ગનસને જણાવ્યું, “સમજૂતીના મુસદ્દામાં લખાયું હતું કે બ્રિટન અને રશિયાના ન્યાયાધીશોએ મળીને અમેરિકાના ન્યાયાધીશો સામે પ્રસ્તાવ મૂક્યો કે જો તેઓ તેને નહીં માને તો નિર્ણયને વધારે પ્રતિકૂળ બનાવી દેવાશે.”

આ વાત સામે આવ્યા પછી વેનેઝુએલાની શું પ્રતિક્રિયા હતી?

વેનેઝુએલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો તરફથી બનાવાયેલા નકશાનું દીવાલ બનાવેલું એક ચિત્ર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિલ ગનસન કહે છે, “વેનેઝુએલાએ આ નિર્ણયને પડકાર્યો અને સંયુક્ત રાષ્ટ્રમાં ધા નાખી. પણ એનાથી કંઈ ખાસ ફાયદો ના થયો. અંતે 1966માં જીનિવા સમજૂતી થઈ. આજે પણ રાષ્ટ્રપતિ મદુરોની દલીલ છે કે આ વિવાદનું સમાધાન એ જ અદાલતમાં થાય.”

તે સમયે ગુયાના આઝાદ થવા જઈ રહ્યું હતું, પરંતુ વેનેઝુએલા સાથે ઍસેકિબોના મુદ્દા પર કોઈ સમજૂતી નહોતી થઈ શકી. જ્યારે હ્યૂગો શાવેઝ 1999માં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બન્યા તો તેમણે આ મુદ્દાને માળિયે ચડાવી દીધો. મનાય છે કે તેમણે તેમના સહયોગી અને ક્યૂબાના નેતા ફિદેલ કાસ્ત્રોની સલાહને કારણે તેમણે આવું કર્યુ હતું.

ફિલ ગનસનનું કહેવું છે કે કાસ્ત્રોએ શાવેઝ સામે એ દલીલ મૂકી કે જો તે કેરેબિયન દેશો અને અન્ય દેશોનું સમર્થન ઇચ્છે છે તો તેમણે ઍસેકિબો પર પોતાના દાવાને જતો કરવો પડશે.

પણ મદુરોના વેનેઝુએલાની સત્તામાં આવ્યાનાં બે વર્ષ પછી 2015માં ગુયાનામાં ઍસેકિબોના તટ પાસે પાણીમાં તેલના મોટા ભંડારની શોધ થઈ. આનાથી સ્થિતિ બદલાઈ ગઈ. વેનેઝુએલા માટે ઍસેકિબોનું મહત્ત્વ વધી ગયું.

2018માં સંયુક્ત રાષ્ટ્રસંઘની ભલામણને કારણે આ મામલો ધ હૅગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પહોંચી ગયો પણ વેનેઝુએલાનું કહેવું છે કે આ મુદ્દો આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના અધિકારક્ષેત્રમાં નથી આવતો. આખરે વેનેઝુએલા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આ મામલાની સુનાવણી કરે તેનો વિરોધ કેમ કરી રહ્યું છે?

ફિલ ગનસનનો મત છે, “કદાચ એક કારણ એ છે કે વેનેઝુએલાને લાગે છે કે તેઓ આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેસ હારી જશે, પણ મને લાગે છે કે તેઓ આ મુદ્દાને જીવિત રાખવા માગે છે. જેથી તેના આધારે દેશના રાજકારણમાં રાષ્ટ્રવાદી ભાવનાઓને હવા આપી શકે. નિકોલસ મદુરોના વલણને જોતા તો એ જ લાગે છે.”

વેનેઝુએલા આ મામલામાં આગામી પગલું શું લેશે તેનો આધાર એક વ્યક્તિ પર છે

રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો

નિકોલસ મદુરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિકોલસ મદુરોને

ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આધુનિક લેટિન અમેરિકન ઇતિહાસના પ્રોફેસર અલેહાંડ્રો વેલેસ્કા કહે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેઝે નિકોલસ મદુરોને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. પણ તેઓ જનતા વચ્ચે શાવેઝની જેમ લોકપ્રિય નહોતા.

તેઓ કહે છે, “મદુરો ઘણા નાના અંતરે ચૂંટણી જીત્યા હતા. સત્તામાં રહેવા માટે તેમણે લોકતાંત્રિક મૂલ્યોની બલી ચડાવી દીધી. વિરોધ પ્રદર્શનોને કચડી નાખ્યાં અને ખોટી ચૂંટણીઓ કરાવી.”

મદુરોની રાજકીય વિચારધારા શું છે?

આ સવાલ પર અલેહાંડ્રો વેલેસ્કા કહે છે, “તેઓ શાવેઝના ઉત્તરાધિકારી છે અને સમાજવાદી પાર્ટીના સભ્ય છે પણ તેમની નીતિઓમાં ઘણી વિસંગતતા અને વિરોધભાસ નજરે પડે છે.

આમ તો તે અમેરિકી સામ્રાજ્યવાદનો વિરોધ કરવાની વાત કરે છે પણ અન્ય જગ્યાઓ પર સામ્રાજ્યવાદનું સમર્થન કરતા ખચકાતા નથી.

એકબાજુ તે ડૉલર આધારિત અર્થવ્યવસ્થાનો વિરોધ કરે છે અને બીજી બાજુ તેમણે વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને ડૉલર પર આધારિત કરી દીધી છે.”

તેમના સત્તામાં આવ્યા પછી વેનેઝુએલાની અર્થવ્યવસ્થા કેવી રહી છે?

આ સવાલ પર અલેહાંડ્રો વેલેસ્કો મુજબ છેલ્લા 10 વર્ષમાં અર્થવ્યવસ્થા એટલી નબળી થઈ ગઈ છે જેટલી લેટિન અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય નહોતી થઈ. મોંઘવારી આકાશને આંબી રહી છે અને ફુગાવાનો દર બે હજાર ટકા પર પહોંચી ગયો છે.

વીજ ઉત્પાદન વ્યવસ્થા ઠપ્પ થવાના આરે છે. દરરોજ વીજકાપ હોય છે. ખાદ્યસામગ્રીથી લઈને દવાઓ સુધી બધું જ આયાત કરવું પડે છે. મોંઘવારીથી કંટાળીને છેલ્લાં 10 વર્ષોમાં 70 લાખથી વધારે લોકો દેશ છોડી ગયા છે.

અલેહાંડ્રો વેલેસ્કોનું કહેવું છે કે અર્થવ્યવસ્થાના પતનનું એક કારણ વેનેઝુએલાની તેલની નિકાસ પર વધારે પડતી નિર્ભરતા છે.

તેઓ કહે છે, “તેલ ઉદ્યોગના ગેરવહીવટને કારણે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં પણ ઘટાડો થયો છે. બીજું કારણ એ છે કે અમેરિકાએ વેનેઝુએલા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. ”

આ જ કારણ છે કે તેલના ભંડારની શોધ કર્યા પછી વેનેઝુએલાએ ફરીથી ઍસેકિબો પર પોતાનો દાવો આગળ ધપાવ્યો છે અને ઍસેકિબો અંગે દેશમાં જનમત યોજવામાં આવ્યો હતો.

જનમત સંગ્રહમાં જનતા સમક્ષ પાંચ પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા જેમાં તેમણે ‘હા કે ના’માં મત આપવાનો હતો.

લોકો સમક્ષ એવા પ્રશ્નો હતા કે શું ઍસેકિબો વિવાદ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે? બીજો પ્રશ્ન એ હતો કે શું ઍસેકિબોને વેનેઝુએલામાં નવા રાજ્ય તરીકે ભળી જવું જોઈએ? 95 ટકા લોકોએ તમામ પ્રશ્નોનો જવાબ ‘હા’માં આપ્યો.

અલેહાંડ્રો વેલેસ્કોને એનાથી કોઈ આશ્ચર્ય નથી થયું. કારણ કે તેમના અનુસાર ઍસેકિબો પર દેશનો દાવો એક એવો મુદ્દો છે જે બાબતે દેશની બધી વિચારધારા એકજૂથ છે.

હવે જોવાનું એ છે કે ઍસેકિબો પર પોતાના દાવા માટે તે આગામી પગલું કયું લે છે અને ગુયાના અને આંતરરાષ્ટ્રીય સમુદાય તેના જવાબમાં શું કાર્યવાહી કરે છે.

ગુયાના અને વેનેઝુએલાના મિત્ર

ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો

લંડન સ્થિત ચૅટહૅમ હાઉસમાં વરિષ્ઠ શોધકર્તા ડૉક્ટર ક્રિસ્ટોફર સબાતિની કહે છે કે આઠ લાખની વસતીવાળા ગુયાનામાં 11 અબજ બૅરલ જેટલા જથ્થાના તેલની શોધ થઈ છે. આ તેલ ભંડારે ગુયાનાનું ભાગ્ય જ બદલી દીધું છે.

તેઓ કહે છે, “2020માં ગુયાનાની જીડીપીમાં 80 ટકાનો વધારો થયો. તે દુનિયાની સૌથી વધારે ઝડપથી આગળ વધતું અર્થતંત્ર છે. દેશની તિજોરીમાં પૈસા તો આવી જ રહ્યા છે પણ જનતા એ પણ વિચારી રહી છે કે તે ખર્ચ ક્યાં થશે?”

આ ધનનો ઉપયોગ ક્યાં થશે તેનો નિર્ણય ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલીએ કરવાનો છે. પણ હાલ તેમનું ધ્યાન વેનેઝુએલાના પડકાર સામે લડવામાં છે. તેઓ 2020માં વિવાદાસ્પદ ચૂંટણી પછી સત્તામાં આવ્યા હતા.

ક્રિસ્ટોફર સબાતિનીએ જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ મત પસાર થયા પછી ચૂંટણી થઈ. પણ શરૂઆતમાં તેમણે ચૂંટણી પરિણામોને સ્વીકારવાથી ઇન્કાર કરી દીધો હતો.

ચૂંટણીના કેટલાંક અઠવાડિયા પછી તેઓ સત્તા પરથી દૂર થયા, પરંતુ બે મુખ્ય રાજકીય દળો વચ્ચે મતભેદ યથાવત્ છે. જેને કારણે ગુયાનાના જાતિગત સમીકરણો પ્રભાવિત થાય છે.

સત્તારૂઢ પાર્ટીનો ઝુકાવ આફ્રિકન મૂળના લોકો તરફી છે જ્યારે અન્ય દળનો પ્રભાવ દક્ષિણ એશિયન મૂળના લોકો પર વધારે છે.

ગુયાનાના પ્રમુખ ઇરફાન અલી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડન સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુયાનાના પ્રમુખ ઇરફાન અલી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડન સાથે

ગુયાનાની જનતા ખાસ કરીને ઍસેકિબોના લોકો આ મુદ્દે એકજૂથ છે કે આ વિસ્તાર ગુયાનાનો ભાગ બનેલો રહે. કેટલાક અંદાજ પ્રમાણે ઍસેકિબોની વસતી એક બે લાખ વચ્ચે છે.

ગુયાનાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી હાલ તો વેનેઝુએલા સાથેના વિવાદમાં કૂટનીતિનો રસ્તો અપનાવી રહ્યા છે. તેમણે કેટલીક તેલ કંપનીઓને ગુયાનાના તેલ ભંડારોમાંથી તેલ કાઢવા બોલાવી છે.

આ સાથે જ તેઓ કૅરેબિયન દેશો, બ્રિટન અને ચીન પાસે પણ આ મામલામાં મદદ ઇચ્છે છે. તેમણે ચીનને પણ ઍસેકિબોમાંથી તેલ કાઢવા અને દેશનાં વિકાસના કેટલાય પ્રોજેક્ટમાં સામેલ કર્યુ છે. આ વાતથી વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મદુરો નારાજ છે. કારણ કે ચીન વેનેઝુએલાનો સહયોગી દેશ રહ્યો છે.

ચીન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય છે. હાલમાં જ ગુયાનાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે વેનેઝુએલા ગુયાના પર હુમલો કરી શકે છે. પરંતુ રશિયા પણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય છે અને વેનેઝુએલાનું સહયોગી છે.

ક્રિસ્ટોફર સબાતિની કહે છે, “રશિયાનો મામલો અલગ છે. રશિયાના વેનેઝુએલા સાથે કોઈ ઘનિષ્ઠ સંબંધ નથી, પણ વેનેઝુએલાના તેલ ઉદ્યોગમાં તેની મોટી ભાગીદારી છે. આ માટે રશિયાનાં આર્થિક અને રાજકીય હિતો વેનેઝુએલા સાથે જોડાયેલાં છે.”

વિવાદ પર દુનિયાની નજર

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ગુયાનાના રાષ્ટ્રપતિ (ડાબે) ઈરફાન અલીને મળ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો ગુયાનાના રાષ્ટ્રપતિ (ડાબે) ઇરફાન અલીને મળ્યા

ઑક્સફર્ડ યુનિવર્સિટીની બ્લાવાટનિક સ્કૂલ ઑફ ગવર્નમૅન્ટનાં પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિષ્ણાત ડૉ. ઍનેટ્ટા ઈડલર માને છે કે વેનેઝુએલાના પાડોશી દેશ બ્રાઝિલ સહિત ઘણા દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ લેટિન અમેરિકામાં સંઘર્ષ શરૂ થાય તેવું ઇચ્છતા નથી.

"બ્રાઝિલની સરહદ વેનેઝુએલા અને ગુયાનાને અડીને છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ વેનેઝુએલાને સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અપીલ કરી છે પરંતુ ઉત્તર સરહદ પર પોતાની સેના પણ તૈનાત કરી છે.”

તેઓ કહે છે, “કૅરેબિયન દેશોના સંગઠન કૅરિકોમ અને રાષ્ટ્રમંડળના સભ્ય દેશોના સંગઠને પણ વક્તવ્ય જારી કરી આંતરરાષ્ટ્રીય ન્યાયાલયે ડિસેમ્બરમાં જારી કરેલી અપીલને દોહરાવી છે. જેમાં કહેવાયું હતું કે અદાલતનો નિર્ણય આવે એ પહેલાં વેનેઝુએલા કોઈ કાર્યવાહી ના કરે. છતાં વેનેઝુએલાએ થોડા જ દિવસોમાં જનમતસંગ્રહ કરાવી લીધો.”

ડૉ. ઍનેટા ઇડલરનો મત છે કે આ વિવાદને ઉકેલવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ પાસે વધારે આશા ના રાખી શકાય.

ડૉ. ઇડલર કહે છે, "આનું કારણ એ છે કે એકબાજુ અમેરિકા અને યૂકે છે જે કેટલીક હદે ગુયાનાની તરફેણમાં છે. તો બીજી બાજુ ચીન અને રશિયા છે જે વેનેઝુએલાના નજીકના સહયોગીઓ છે.

આનો અર્થ એ છે કે સુરક્ષા પરિષદમાં આવો પ્રસ્તાવ પસાર થવો મુશ્કેલ છે જેના પર પાંચેય સ્થાયી સભ્યો દેશ એકમત હોય."

જોકે આંતરરાષ્ટ્રીય દબાણની અસર મદુરો પર ખાસ નથી પડી. જો મદુરો ગુયાના પર હુમલો કરી દે તો શું થાય?

આ સવાલ પર ડૉ. ઇડલર કહે છે, "સૈન્યક્ષમતાની બાબતમાં બંને દેશોની કોઈ સરખામણી કરી ના શકાય. વેનેઝુએલા પાસે આશરે સાડા ત્રણ લાખ સૈનિકો અને ભારે હથિયારો છે.

જ્યારે ગુયાના પાસે માત્ર ચાર હજાર સૈનિક છે. પણ વેનેઝુએલા જો હુમલો કરે છે તો અમેરિકાની પ્રતિક્રિયા શું હશે? કારણ કે 2015માં અમેરિકાની કંપની ઍક્સોનમોબિલે ઍસેકિબો વિસ્તારમાં તેલ ભંડારોની શોધ કરી હતી."

ડૉ. ઇડલરે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાના પ્રવક્તાએ પહેલીવાર જ વર્તમાન સ્થિતિને ચિંતાજનક ગણાવી છે.

અમેરિકાના નૌકાદળના દક્ષિણ કમાન્ડે ગુયાનામાં હવાઈ નિરીક્ષણ માટે ઉડાણ ભરવાનું શરૂ કરી દીધું છે. જોકે તેમનું કહેવું છે કે અમેરિકા અને ગુયાના વચ્ચે સુરક્ષા સંબંધો હેઠળ આ એક સર્વસામાન્ય કાર્યવાહી છે. પણ આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

જો અમેરિકા ગુયાનાના સમર્થનમાં હસ્તક્ષેપ કરે છે તો વેનેઝુએલાના સહયોગી દેશ રશિયા અને ચીનની પ્રતિક્રિયા શું હશે?

ડૉ. ઇડલર મુજબ આવું થયું તો શીતયુદ્ધ જેવી સ્થિતિ બની જશે. એ દરમ્યાન પણ લેટિન અમેરિકા સંઘર્ષનું કેન્દ્ર બનાવાના આરે હતું.

મૂળ પ્રશ્ન પર પાછા ફરીએ તો શું વેનેઝુએલા પાડોશી દેશ પર હુમલો કરવાનો છે? ત્યાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.

થોડાં અઠવાડિયાં પહેલાં સુધી લોકો વિચારી રહ્યા હતા કે જનમત યોજીને મદુરો સંતુષ્ટ થશે. પરંતુ તે પછી તેણે વેનેઝુએલાની સરકારી તેલ કંપનીને ઍસેકિબો ફિલ્ડમાંથી તેલ કાઢવા માટે લાઇસન્સ આપવાનો નિર્દેશ આપ્યો છે.

તેમણે ઍસેકિબોને વેનેઝુએલામાં એક નવા રાજ્ય તરીકે દર્શાવતો નકશો બહાર પાડ્યો. તેમણે જાહેરાત કરી કે ઍસેકિબો પ્રદેશના રહેવાસીઓને વેનેઝુએલાનાં ઓળખકાર્ડ આપવામાં આવશે.

જો તેઓ ગુયાના પર હુમલો કરશે તો તેમને મોટા પાયે આંતરરાષ્ટ્રીય પ્રતિકારનો સામનો કરવો પડશે.

થોડા દિવસો અગાઉ બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગુયાનાના રાષ્ટ્રપતિ અલીએ કહ્યું હતું કે જો ગુયાનાને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના મિત્ર દેશો તેની ચૂપચાપ બેસી રહેશે નહીં.

ગુયાનાના સાથી દેશ અમેરિકાની સેના આ વિસ્તારમાં પહેલેથી જ હાજર છે. એવી આશા છે કે આ અઠવાડિયે સેન્ટ વિન્સેન્ટમાં રાષ્ટ્રપતિ મદુરો અને પ્રમુખ અલી વચ્ચેની વાતચીત પરિસ્થિતિને શાંત કરવામાં મદદ કરશે.

પરંતુ છેલ્લાં 10 વર્ષમાં આપણે જે જોયું છે તે એ છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ મદુરો આગળ શું પગલું લેશે તેની આગાહી કરવી મુશ્કેલ છે.

બીબીસી
બીબીસી