પેટ્રોલ ડીઝલના ભાવ : કયા દેશમાં પેટ્રોલ સૌથી સસ્તું છે અને ક્યાં ભાવમાં આગ લાગી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સિસિલિયા બારિયા
- પદ, બીબીસી સંવાદદાતા

- હૉંગકૉંગમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ છે, અહીં પેટ્રોલ 2.98 ડૉલર પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે
- દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું છે કે નહીં તે ત્યાંના લોકોની ખરીદશક્તિ પર નિર્ભર છે
- ઉદાહરણ તરીકે, જો સ્વિટ્ઝર્લૅન્ડમાં પેટ્રોલના ભાવ એક નજરે 'ઘણા વધુ' લાગે છે પણ તે વાસ્તવમાં નથી. હકીકતમાં, સ્વિટ્ઝર્લૅન્ડમાં લોકોની સંપત્તિના સ્તરની તુલનામાં તે લાગે છે તેટલા વધારે નથી

યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વના ઘણા દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પરંતુ દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘું છે કે નહીં તે ત્યાંના લોકોની ખરીદશક્તિ પર નિર્ભર છે.
ઉદાહરણ તરીકે, જો સ્વિટ્ઝર્લૅન્ડમાં પેટ્રોલના ભાવ એક નજરે 'ઘણા વધુ' લાગે છે પણ તે વાસ્તવમાં નથી.
હકીકતમાં, સ્વિટ્ઝર્લૅન્ડમાં લોકોની સંપત્તિના સ્તરની તુલનામાં તે લાગે છે તેટલા વધારે નથી.
હૉંગકૉંગમાં પેટ્રોલના ભાવ સૌથી વધુ છે. અહીં પેટ્રોલ 2.98 ડૉલર પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
એક ગેલન પેટ્રોલની કિંમત 11.28 ડૉલર છે. પરંતુ 'ગેસોલિન એફોર્ડેબિલિટી રૅન્કિંગ' અનુસાર અહીંના લોકોના જીવનધોરણને ધ્યાનમાં લેતા અહીં પેટ્રોલ સૌથી મોંઘું નથી.
આ રૅન્કિંગ 'ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસ' દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એક એનર્જી ડેટા કલેક્શન અને એનાલિસિસ (વિશ્લેષણ) પ્રોજેક્ટ છે.

પેટ્રોલના ભાવ અને લોકોની આવકનું સ્તર

ઇમેજ સ્રોત, PA Media
'ગ્લોબલ પેટ્રોલ પ્રાઈસ' અને ગ્લોબલ ઇકૉનૉમી પ્રોજેક્ટના ડિરેક્ટર નેવેન વાલેવ કહે છે, "કતાર અને કુવૈત જેવા પેટ્રોલ નિકાસ કરતા દેશો સબસિડી આપીને પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ નીચા રાખે છે. પરંતુ અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવી વિકસિત અર્થવ્યવસ્થાઓમાં પેટ્રોલ મોંઘું છે પણ ત્યાં લોકોની આવક વધારે છે."
તેઓ કહે છે, "પરંતુ બીજી તરફ ઘણા ગરીબ દેશો છે. ત્યાં પેટ્રોલ બહુ મોંઘું નથી પણ ત્યાંના લોકોની આવકનું સ્તર ઘણું નીચું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ કારણ છે કે કતાર, કુવૈત, લક્ઝમબર્ગ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં લોકોને પેટ્રોલની કિંમત ખૂબ સસ્તી લાગે છે. બીજી તરફ મોઝામ્બિક, મેડાગાસ્કર, મલાવી, સિએરા લિયોન અને રવાન્ડામાં પેટ્રોલના ભાવ ખૂબ ઊંચા જણાય છે. આ વિવિધ દેશોમાં લોકોની આવકના સ્તરની અસર છે.
સમગ્ર વિશ્વમાં ઊર્જાનું સંકટ ઊભું થયું છે એવા સમયે પેટ્રોલના ભાવ ઘણા દેશો માટે માથાનો દુખાવો બની ગયા છે. મોટાભાગના દેશોએ તેમના નાગરિકોને સસ્તું પેટ્રોલ આપવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઊંચા ભાવે પેટ્રોલ ખરીદવું પડે છે.

મોંઘા પેટ્રોલથી મોંઘવારીની નવી લહેર

ઇમેજ સ્રોત, Getty Images
પેટ્રોલ, ડીઝલ અને ગૅસના ભાવને કારણે આંતરરાષ્ટ્રીય અર્થતંત્રમાં મોંઘવારીની નવી લહેર આવી છે. તેણે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. લોકોનું ઘરનું બજેટ બગડી ગયું છે. વધતા વ્યાજદર અને ઘટતા આર્થિક વિકાસને કારણે અશાંતિનું વાતાવરણ છે.
વાલેવે બીબીસી મુંડોને કહ્યું, "યુક્રેન યુદ્ધથી બળતણની વધતી કિંમતોમાં વધુ આગ લાગી છે. કોવિડ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રિકવરીને કારણે પણ પેટ્રોલની કિંમતો વધી રહી છે."
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલની કિંમતોમાં વધારાને કારણે સામાન્ય ગ્રાહકોને મોંઘું પેટ્રોલ ખરીદવું પડે છે. પરંતુ અલગ-અલગ દેશોમાં પરિસ્થિતિ જુદી-જુદી છે.
દેશ ક્રૂડ ઑઇલની આયાત કરે છે કે નિકાસ કરે છે તેના પર તે નિર્ભર કરે છે. પેટ્રોલની કિંમતો કોની પાસે કેટલી રિફાઇનિંગ ક્ષમતા છે તેના પર પણ આધાર રાખે છે. કિંમતો સરકારી સબસિડી જેવાં અન્ય પરિબળો પર પણ આધાર રાખે છે.
જો વિવિધ દેશોમાં લોકોની આવકના સ્તરના પાસાને અવગણવામાં આવે તો વેનેઝુએલા, લિબિયા, ઈરાન, અલ્જેરિયા અને કુવૈતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. જ્યારે હૉંગકૉંગ, આયર્લૅન્ડ, ઝિમ્બાબ્વે, નૉર્વે અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં ભાવ સૌથી વધુ છે.

આગામી ચિત્ર

આ વર્ષની શરૂઆતમાં વિશ્વમાં પેટ્રોલની સરેરાશ કિંમત 1.23 ડૉલર પ્રતિ લિટર હતી. પરંતુ ધીમે-ધીમે તેની કિંમતો વધી અને જૂન સુધીમાં તે ટોચ પર પહોંચી ગઈ. તે દરમિયાન આ કિંમતો વધીને 1.50 ડૉલર પ્રતિ લિટર થઈ ગઈ હતી.
જોકે આ સમયે તે 1.31 ડૉલર પ્રતિ લિટરના સ્તરે પહોંચી છે. આ કિંમત યુક્રેન યુદ્ધ પહેલાંની છે. ક્રૂડ ઑઇલના ભાવ પણ યુદ્ધ પહેલાંના સ્તરે પહોંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેનું કારણ સમગ્ર વિશ્વમાં આર્થિક ગતિવિધિઓમાં મંદી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













