મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન : બ્રિટનના રાજવી પરિવારમાં કોણ-કોણ છે? રાજાની શું ભૂમિકા હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું બાલમોરલ કિલ્લામાં 96 વર્ષની વયે નિધન થયા બાદ કિંગ ચાર્લ્સ તૃતીય નવા રાજા બન્યા છે.
આ વર્ષે જ મહારાણીએ રાજગાદી ધારણ કર્યાની પ્લૅટિનમ જ્યુબિલી ઊજવી હતી, તેઓ સૌથી લાંબા સમય સુધી બ્રિટનનાં મહારાણી રહ્યાં હતાં.
હવે શું થશે?
મહારાણી એલિઝાબેથના નિધન બાદ તેમનું સિંહાસન તરત જ તેમના સૌથી મોટા પુત્ર ચાર્લ્સને મળ્યું છે. ચાર્લ્સ વેલ્સના પૂર્વ રાજકુમાર છે.
ચાર્લ્સને ઔપચારિક રીતે શનિવારે સેન્ટ જેમ્સ પૅલેસમાં રાજા જાહેર કરી દેવાયા છે, આ પ્રક્રિયા રાજ્યારોહણ પરિષદમાં હાથ ધરાઈ હતી.

રાજા શું કરે છે?

ઇમેજ સ્રોત, PA Media
રાજા યુકેના રાષ્ટ્રાધ્યક્ષ હોય છે.
જોકે, હાલમાં તેમની પાસે જે શક્તિઓ છે, તે નામમાત્ર અને ઔપચારિક હોય છે. આ સિવાય બ્રિટનના સિંહાસન પર બેસેલ વ્યક્તિ રાજકીય રીતે તટસ્થ હોય છે.
બ્રિટન સરકાર દ્વારા કેટલાક દૈનિક દસ્તાવેજ લાલ ચામડાના બૉક્સમાં તેમને મોકલાવાશે. આ દસ્તાવેજોમાં મહત્ત્વપૂર્ણ બેઠકો પહેલાંની માહિતી હોય છે અથવા તે રાજાના આધિકારિક હસ્તાક્ષર લેવા માટે હોય છે.
બ્રિટનનાં વડાં પ્રધાન દર અઠવાડિયે બકિંઘમ પૅલેસમાં રાજાને મળવા આવશે અને સરકાર દ્વારા કરાયેલાં કામોની જાણકારી આપશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મુલાકાતો સંપૂર્ણપણે અંગત હોય છે. તેમાં થતી ચર્ચાનો કોઈ સત્તાવાર રેકર્ડ પણ રાખવામાં આવતો નથી.
આ સિવાય રાજા પાસે સંસદીય મામલામાં પણ કેટલીક જવાબદારીઓ છે.
- સરકારની નિયુક્તિ : સામાન્ય ચૂંટણી જીતનારી પાર્ટીના નેતાને બકિંઘમ પૅલેસમાં બોલાવવામાં આવે છે અને સરકારની સ્થાપના માટે આમંત્રણ આપવામાં આવે છે. આ સિવાય રાજા સરકારનું તેના કાર્યકાળના અંતમાં આધિકારિક વિઘટન પણ કરી શકે છે.
- સરકારનું ગઠન અને રાજાનું સંબોધન : બ્રિટિશ સંસદની શરૂઆત રાજાના સંબોધનથી કરવાની પ્રથા છે. હાઉસ ઑફ લૉર્ડ્સના સિંહાસન પરથી આપવામાં આવતા ભાષણમાં સરકારની નીતિ શું હશે તેની જાણકારી આપવામાં આવી હોય છે.
- રૉયલ ઍસેન્ટ : જ્યારે બ્રિટનની સંસદમાં એક ખરડો પસાર કરવામાં આવે છે ત્યારે તેને કાયદો બનવા માટે આધિકારિકપણે રાજા દ્વારા મંજૂરીની આવશ્યક્તા હોય છે. 1708માં બ્રિટિશ સામ્રાજ્યમાં અંતિમ વખત રૉયલ ઍસેન્ટથી ઇનકાર કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, PA Media
આ સિવાય રાજાએ બ્રિટન આવેલા વિવિધ રાષ્ટ્રના વડાને મળવાનું રહેશે. તેઓ દેશમાં નિયુક્ત (અન્ય દેશોના) રાજદૂતો અથવા તો ઉચ્ચાયુક્તોને પણ મળે છે.
આ સિવાય રાજા દર નવેમ્બર માસમાં લંડનના સેનોટોફમાં યોજાતા વાર્ષિક સ્મરણોત્સવની અધ્યક્ષતા પણ કરે છે.
રાજા રાષ્ટ્રમંડળનાં રાષ્ટ્રોના પણ પ્રમુખ હોય છે. આ 56 સ્વતંત્ર દેશોનો એક સંઘ છે જે ક્યારેક બ્રિટિશ કૉલોની અંતર્ગત હતા. આ દેશોમાં અંદાજે 2.4 અબજ નાગરિકો રહે છે. તેમાંથી 14 દેશના રાજા રાષ્ટ્રાધ્યક્ષ છે.
2021માં બાર્બાડોસ દેશ ગણતંત્ર બન્યા બાદ તેના ઘણાં પાડોશી રાષ્ટ્રમંડળ રાષ્ટ્રોએ પણ ગણતંત્ર બનવાની માગ કરી છે.
હવે ઇંગ્લૅન્ડમાં ચલણ અને ડાકટિકિટો પરથી તસવીરો પણ બદલવામાં આવશે. સાથે જ બ્રિટિશ પાસપોર્ટ પર મહારાણીની જગ્યાએ રાજાનો ઉલ્લેખ હશે.
આ સિવાય ઇંગ્લૅન્ડનું રાષ્ટ્રગાન હવે 'ગૉડ સેવ ધ ક્વીન'ની જગ્યાએ 'ગૉડ સેવ ધ કિંગ' હશે.

વારસો

ઇમેજ સ્રોત, PA Media
રાજવી પરિવારમાં ઉત્તરાધિકારના નિયમો અનુસાર નક્કી થાય છે કે જો મોનાર્ક (રાજગાદી ધરાવતાં રાજા કે રાણી)નું મૃત્યુ થાય અથવા જો તેઓ પદત્યાગ કરી દે તો શાહી પરિવારમાંથી કોને ગાદી મળશે. નિયમો અનુસાર તેમના સૌથી મોટા સંતાનને પદ પ્રાપ્ત થાય છે.
તેથી મહારાણી એલિઝાબેથના મૃત્યુ બાદ તેમનો વારસો તેમના સૌથી મોટા પુત્ર ચાર્લ્સને મળ્યો છે. તેમનાં પત્ની કૅમિલા હવે ક્વીન કૉન્સૉર્ટ તરીકે ઓળખાશે.
વર્ષ 2013માં રાજવી ઉત્તરાધિકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે અનુસાર જો ઉત્તરાધિકારીની હોડમાં સૌથી મોટાં પુત્રી હોય તો નાનો ભાઈને ઉત્તરાધિકારીની હોડમાં અગ્રતા મળી શકશે નહીં.
કિંગ ચાર્લ્સ તૃતીયના ઉત્તરાધિકારી તેમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ વિલિયમ હશે. હાલમાં તેમની પાસે પ્રિન્સ ઑફ વેલ્સની પદવી છે.
પ્રિન્સ વિલિયમના સૌથી મોટા પુત્ર પ્રિન્સ જ્યોર્જ ઉત્તરાધિકારની હોડમાં બીજા સ્થાન પર છે. રાજકુમારી શાર્લોટ ત્રીજા સ્થાને છે.

રાજ્યાભિષેક કેવી રીતે કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, PA Media
રાજાને આધિકારિક રીતે રાજ્યાભિષેક કરીને તાજ પહેરાવવામાં આવે છે. આ કાર્યક્રમ અગાઉના રાજાના મૃત્યુના શોકની સમાપ્તિ બાદ આયોજિત કરવામાં આવે છે.
એલિઝાબેથ દ્વિતીય તેમના પિતા કિંગ જ્યોર્જ ષષ્ઠમના મૃત્યુ બાદ છ ફેબ્રુઆરી 1952ના રોજ મહારાણી બન્યાં પરંતુ તેમનો રાજ્યાભિષેક 2 જૂન 1953ના રોજ થયો હતો.
મહારાણી એલિઝાબેથના રાજ્યાભિષેકનું ટેલિવિઝન પર સીધું પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે વખતે બે કરોડથી વધુ લોકોએ લાઇવ પ્રસારણ જોયું હતું.
છેલ્લાં 900 વર્ષથી વેસ્ટમિન્સ્ટર એબેમાં બ્રિટિશ રાજાઓનો રાજ્યાભિષેક થતો આવે છે.
વિલિયમ ધ કૉન્કરરને પહેલી વખત અહીં તાજ પહેરાવવામાં આવ્યો હતો. કિંગ ચાર્લ્સ 40મા રાજા હશે.

રાજ્યાભિષેક એ એંજ્લિકન ધાર્મિક સર્વિસ હોય છે, જે કૅંટરબરીના આર્કબિશપ દ્વારા કરવામાં આવે છે.
આ દરમિયાન રાજાનો પવિત્ર તેલથી અભિષેક કરવામાં આવે છે. બાદમાં તેમને રાજાશાહીના પ્રતીક ઑર્બ અને રાજદંડ આપવામાં આવે છે.
અંતમાં આર્કબિશપ રાજાઓના શિરે તાજ પહેરાવે છે. આ તાજ સંપૂર્ણપણે સોનાનો બનેલો છે અને 1661થી ઉપયોગમાં લેવાય છે.
આ તાજનું બ્રિટિશ સામ્રાજ્યમાં અમૂલ્ય સ્થાન છે. આ તાજ દરેક રાજ્યાભિષેક સમારોહમાં મુખ્ય આકર્ષણ હોય છે.
આ તાજને ટાવર ઑફ લંડનમાં રાખવામાં આવે છે અને માત્ર રાજ્યાભિષેક દરમિયાન જ રાજાને પહેરાવવામાં આવે છે.
રાજ્યાભિષેક એ રાજ્યનો અવસર હોવાથી સરકાર તેનો ખર્ચ ઉપાડે છે અને મહેમાનોની યાદી પણ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે.

રાજવી પરિવારમાં અન્ય કોણ-કોણ?

ઇમેજ સ્રોત, PA Media
- પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ : કિંગ ચાર્લ્સ અને તેમનાં(ચાર્લ્સ) પ્રથમ પત્ની ડાયના, વેલ્સનાં રાજકુમારીના સૌથી મોટા પુત્ર વિલિયમ. પ્રિન્સ વિલિયમનાં પત્નીનું નામ કૅથરિન,(હવે પ્રિન્સેસ ઑફ વેલ્સ) છે. તેમનાં ત્રણ સંતાનો છે: પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ શાર્લૉટ અને પ્રિન્સ લુઈસ.
- ધ પ્રિન્સેસ રૉયલ : પ્રિન્સેસ એનને આ નામથી ઓળખવામાં આવે છે. મહારાણી એલિઝાબેથનાં તેઓ બીજાં સંતાન છે. તેમણે વાઇસ એડમિરલ ટિમથી લૉરેન્સ સાથે લગ્ન કર્યાં છે. તેમના પ્રથમ પતિ કૅપ્ટન માર્ક ફિલિપ્સથી તેમને બે સંતાનો છે. પીટર ફિલિપ્સ અને ઝારા ટિંડલ.
- ધ અર્લ ઑફ વેસેક્સ : પ્રિન્સ એડવર્ડ મહારાણી એલિઝાબેથના સૌથી નાના પુત્ર છે. તેમને અર્લ ઑફ વેસેક્સ નામથી ઓળખવામાં આવે છે. તેમનાં લગ્ન સોફી રાઇસ-જોન્સ સાથે થયાં હતાં. તેમનાં બે બાળકો લુઈસ અને જેમ્સ માઉન્ટબેટન-વિંડસર છે.
- ડ્યૂક ઑફ યોર્ક : પ્રિન્સ એન્ડ્ર્યુને આ નામથી ઓળખવામાં આવે છે. તેઓ મહારાણી એલિઝાબેથના બીજા પુત્ર છે. તેમનાં પૂર્વ પત્ની સારા ફર્ગ્યુસન, ડચેસ ઑફ યોર્ક સાથે તેમને બે પુત્રીઓ રાજકુમારી બિઍટ્રિસ અને રાજકુમારી યુજિન છે.
- ડ્યૂક ઑફ સસૅક્સ : પ્રિન્સ હેરી પાસે આ ખિતાબ છે. તેઓ પ્રિન્સ વિલિયમના નાના ભાઈ છે. તેમણે ડચેસ ઑફ સસૅક્સ મેઘન મર્કલ સાથે લગ્ન કર્યાં છે. તેમને બે બાળકો છે, આર્ચી અને લિલિબેટ. 2020માં તેમણે પોતાનાં પદોને છોડીને અમેરિકામાં વસવાનો નિર્ણય લીધો હતો.
રાજવી પરિવારના સભ્યો ક્યાં રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
કિંગ ચાર્લ્સ અને ધ ક્વીન કૉન્સૉર્ટ હવે બકિંઘમ પૅલેસમાં રહે તેવી શક્યતા છે.
તેઓ પહેલાં લંડનમાં ક્લૅરેન્સ હાઉસ અને ગ્લૂસ્ટરશાયરના હાઈગ્રોવમાં રહેતાં હતાં.
પ્રિન્સ વિલિયમ પ્રિન્સ ઑફ વેલ્સ અને કૅથરિન પ્રિન્સેસ ઑફ વેલ્સ હાલમાં જ કૅન્સિંગ્ટન પૅલેસમાંથી ઍડિલેડ કૉટેજ ચાલ્યાં ગયાં. આ જગ્યા વિંડસર એસ્ટેટ વિસ્તારમાં સ્થિત છે.
પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સ શાર્લૉટ અને પ્રિન્સ લુઈસ લૅમ્બબ્રૂક સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ સ્કૂલ બર્કશાયરમાં અસ્કોટ પાસે છે.
પ્રિન્સ હેરી અને મેઘન મર્કલ કૅલિફોર્નિયામાં રહે છે.

રાજવી પરિવાર કેટલું લોકપ્રિય છે.
મહારાણી એલિઝાબેથની પ્લૅટિનમ જ્યુબિલી કાર્યક્રમ દરમિયાન YouGov દ્વારા કરવામાં આવેલા એક સરવેમાં 62 ટકા લોકોએ મત વ્યક્ત કર્યો કે રાજવી પરિવારને યથાવત્ રાખવો જોઈએ. જ્યારે 22 ટકા લોકોનું માનવું હતું કે દેશના વડાને સરકારી રીતે નિયુક્ત કરવા જોઈએ.
આવું અન્ય બે 2021 ઇપ્સોસ મોરી સર્વેક્ષણોમાં પણ જોવા મળ્યું હતું. પાંચમાંથી એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે રાજવી પરિવારને ખતમ કરવો એ બ્રિટન માટે સારું રહેશે.
YouGovના એક સર્વેક્ષણથી એ પણ જાણવા મળે છે કે છેલ્લા એક દાયકામાં બ્રિટિશ રાજવી પરિવારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. 2012માં આ ટકાવારી 75 ટકા હતી, જે 2022માં 62 ટકાએ પહોંચી છે.
જોકે, વરિષ્ઠ નાગરિકો બ્રિટિશ રાજવી પરિવારના પક્ષમાં હોય છે અને યુવા તેનાથી વિપરીત હોય છે. 2011માં 18થી 24 વર્ષની વયના 59 ટકા યુવાનોએ કહ્યું કે રાજવી પરિવાર રહેવો જોઈએ. જ્યારે 2022માં આમ માનનારા યુવાનોની ટકાવારી 33 ટકા રહી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













