sex ratio : ગુજરાતનું એ ગામ જ્યાં લગ્ન માટે કન્યાઓ બીજાં રાજ્યોમાંથી લાવવી પડે છે

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા, મહેસાણાથી

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં પ્રવેશતાની સાથે જ બીબીસીની ટીમને કપડા વેચતા એક વેપારીની લારી જોવા મળી, બીજા કોઈ ગામના દૃશ્યથી જુદું આ લારી પાસેનું દૃશ્ય હતું.

સામાન્ય રીતે ગામડાંઓમાં મહિલાઓ લારી પર કપડા વેચતાં જોવા મળે, પરંતુ અહીં લારી પર કપડા વેચતા માત્ર પુરુષો જોવા મળ્યા.

લીંચ ગામમાં 20થી 30 વર્ષની વચ્ચેની વય ધરાવતા લગભગ યુવાનો કુંવારા છે, જેનું મુખ્ય કારણ કન્યાઓની અછત છે

ઇમેજ સ્રોત, Jay brahmbhatt

ઇમેજ કૅપ્શન, લીંચ ગામમાં 20થી 30 વર્ષની વચ્ચેની વય ધરાવતા લગભગ યુવાનો કુંવારા છે, જેનું મુખ્ય કારણ કન્યાઓની અછત છે

ગામમાં દરેક દુકાને પુરુષો જોવા મળ્યા. ગામમાં દૂધની ડેરીએ દૂધ ભરવા મહિલાઓ જતાં હોય છે પરંતુ અહીં દૂધ ભરવા માટે મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધારે દેખાતી હતી.

ઓછું મહિલા પ્રતિનિધિત્વ ધરાવતું આ ગામ ગુજરાતના અસમાન સેક્સ રેશિયોની સ્થિતિને રજૂ કરે છે. ગામના આગેવાનો પ્રમાણે, લીંચ ગામમાં દર 10 પુરુષ દીઠ માત્ર 7 સ્ત્રીનો અનુપાત છે.

ગામના પરિણીત પુરુષો અન્ય રાજ્ય કે શહેરમાંથી કન્યાઓને શોધી લાવ્યા છે. ઉત્તર ગુજરાતના કેન્દ્ર એવા મહેસાણાના આ લીંચ ગામમાં 20થી 30 વર્ષની વચ્ચેની વય ધરાવતા લગભગ યુવાનો કુંવારા છે, જેનું મુખ્ય કારણ કન્યાની અછત છે.

ગામમાં ઘણા યુવકો એવા પણ છે કે જેઓ 30 વર્ષની વય વટાવી ગયા છે અને કન્યા ન મળવાથી તેમનાં લગ્ન થઈ શક્યાં નથી.

જોકે સ્ત્રી-પુરુષનો અસમાન રેશિયો ધરાવતું લીંચ ગામ એકલું નથી. ઉત્તર ગુજરાતનાં મોટાં ભાગનાં ગામડાંમાં લગભગ આવી જ પરિસ્થિતિ છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે.

આમ તો એકંદરે આખા ગુજરાતની આવી જ પરિસ્થિતિ છે, પરંતુ અમુક ચોક્કસ સમાજના લોકો જ્યાં રહેતા હોય તેવા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે.

line

સેક્સ રેશિયોમાં ગુજરાત તળિયે

મહેસાણા

ઇમેજ સ્રોત, Jay brahmbhatt

તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા કેન્દ્ર સરકારનાં સિટીઝન રજિસ્ટ્રેશન સિસ્ટમના 2020ના આંકડા અનુસાર, સૌથી અસમાન સેક્સ રેશિયોમાં ગુજરાત રાજ્ય દેશમાં ત્રીજા ક્રમે આવે છે.

તમામ મોટાં રાજ્યોમાં સેક્સ રેશિયોની બાબતમાં ગુજરાત કરતાં સારી સ્થિતિ છે. ગુજરાત માત્ર દાદરાનગર હવેલી, દમણ અને દીવ તથા મણિપુર જેવાં નાનાં રાજ્યોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.

ગુજરાતનો સેક્સ રેશિયો 909 છે. અર્થાત કે ગુજરાતમાં દર 1000 પુરુષદીઠ સ્ત્રીની સંખ્યા 909 છે.

હરિયાણા રાજ્યનો સેક્સ રેશિયો 916 છે, જ્યારે મધ્ય પ્રદેશનો સેક્સ રેશિયો 921 છે.

સૌથી સારો સેક્સ રેશિયો ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પ્રદેશ, લદ્દાખમાં 1104 અને અરુણાચલ પ્રદેશમાં 1011 નોંધાયો છે. મતલબ કે અરુણાચલ પ્રદેશ અને લદ્દાખમાં પુરુષ કરતાં સ્ત્રીનું પ્રમાણ વધુ છે.

ગુજરાતમાં લૈંગિક અસમાનતાની સમસ્યા આમ તો જૂની છે. 2019માં ગુજરાતનો સેક્સ રેશિયો 901 હતો, જ્યારે 2018માં 897 હતો.

'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાનનો કોઈ ખાસ ફાયદો થયો નથી, 2009માં રાજ્યનો સેક્સ રેશિયો 905 હતો અને 2020માં તે આંકડો 909નો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાનનો કોઈ ખાસ ફાયદો થયો નથી, 2009માં રાજ્યનો સેક્સ રેશિયો 905 હતો અને 2020માં તે આંકડો 909નો છે

એ રીતે જોઈએ તો, છેલ્લાં ત્રણ વર્ષોમાં લૈગિંક અસમાનતાની સ્થિતિમાં સુધારો આવ્યો છે. અલબત્ત, આ સુધારો સમસ્યાનો ઉકેલ લાવી શકે એટલો મોટો નથી.

પરંતુ એ પહેલાંના ત્રણ વર્ષની સ્થિતિ જોઈએ તો, 2005માં ગુજરાતમાં સ્ત્રી-પુરુષ પ્રમાણદર 846:1000 હતો, જેમાં 2006માં સુધારો થઈને 972 પહોંચ્યો હતો, પરંતુ તે પછીના વર્ષે 2007માં તે એકદમ નીચે ગયો હતો અને 879 નોંધાયો હતો.

આ સ્થિતિના પગલે, રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ તેમજ નરેન્દ્ર મોદીએ 'બેટી બચાવો બેટી પઢાઓ' જેવા અનેક જાગૃતિ અભિયાનો ચલાવ્યાં હતાં. જોકે તેનો કોઈ ખાસ ફાયદો હજી સુધી થયો નથી.

એ એના પરથી કહી શકાય એમ છે કે 2009માં રાજ્યનો સેક્સ રેશિયો 905 હતો અને 2020માં તે આંકડો 909નો છે.

આમ અનેક લોકો માને છે કે સરકારે રાજ્યનો સેક્સ રેશિયો સુધારવા માટે અલગ રીતે પ્રયાસો કરવા પડશે.

line

સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં આ સમસ્યા કેમ?

છેલ્લાં ત્રણ વર્ષોમાં લૈગિંક અસમાનતાની સ્થિતિમાં સુધારો આવ્યો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લાં ત્રણ વર્ષોમાં લૈગિંક અસમાનતાની સ્થિતિમાં સુધારો આવ્યો છે

ગુજરાતમાં જન્મ સમયે છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી હોવાની સમસ્યા નવી નથી.

રાજ્યમાં અમુક ચોક્કસ સમાજમાં આ અતિ વિકટ સમસ્યા છે, જેની સીધી અસર રાજ્યના સેક્સ રેશિયો પર વર્તાય છે.

લીંચ ગામનાં માજી સરપંચ અને સામાજિક કાર્યકર્તા અંજુ પટેલ સમસ્યા અંગે વાત કરતા કહે છે, "અમુક ગામમાં દીકરી જન્મે ત્યારે જલેબી અને દીકરો જન્મે ત્યારે લાડુનું વિતરણ કરીને જન્મની ઉજાણી કરવામાં આવતી હતી. આનો સાંકેતિક અર્થ એવો હતો કે દીકરી જન્મી તો હવે જલેબીના આકાર જેવી સમસ્યાઓ આવશે, અને તે મરે નહીં ત્યાં સુધી તેનું પાલન પોષણ કરવું પડશે."

લીંચ ગામનાં માજી સરપંચ અને સામાજિક કાર્યકર્તા અંજુ પટેલ

ઇમેજ સ્રોત, Jay brahmbhatt

ઇમેજ કૅપ્શન, લીંચ ગામનાં માજી સરપંચ અને સામાજિક કાર્યકર્તા અંજુ પટેલ

"દીકરો જન્મે અને તેનાં લગ્ન કરી નાખવામાં આવે એટલે માતા-પિતા છૂટાં. આ માન્યતા હજુ પણ ઘણા પરિવારોમાં ઘર કરીને બેઠી છે, જેને કારણે લોકો દીકરીને જન્મ આપતા અચકાય છે."

જોકે રાજ્ય સરકારે સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા માટે પ્રિ-કૉન્સેપ્શન ઍન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ (PCPNDT) ઍક્ટ, 1994 પસાર કર્યો છે, પરંતુ વાસ્તવિક સ્તરે તેનો બહુ ફાયદો થયો હોય તેવું પ્રથમ નજરે દેખાતું નથી. ગુજરાતનાં શહેરો તેમજ ગામડાંઓની આ જૂની સમસ્યા રહી છે.

અંજુ પટેલ કહે છે, "આજે પણ અનેક કુટુંબો એવાં છે, જેમને દીકરીનાં લગ્નમાં સોનાની ભેટસોગાદો આપવી પડે છે, જેનું માતા-પિતા પર ભારણ આવે છે. ઘણા પરિવારો તેને દહેજ નહીં પરંતુ રાજીખુશીની ભેટ કહે છે."

line

કેટલી વિકરાળ છે આ સમસ્યા?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સેક્સ રેશિયોની આ સમસ્યા વિકરાળ છે, અને જો તેનું જલદીથી નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં તે વધુ વિકરાળ બની જશે તેવું અનુમાન છે.

અમદાવાદસ્થિત મહિલાઓ માટે કામ કરતી સંસ્થા 'ચેતના'ના ડિરેક્ટર પલ્લવી પટેલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે જો આ સમસ્યા પર પૂરતું ધ્યાન આપીને યોગ્ય પગલાં ન લીધાં તો આવનારા દિવસોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘણી ઘટી જશે.

બીબીસીની ટીમે લીંચ ગામમાં અંબાલાલ પટેલની મુલાકાત લીધી હતી. અંબાલાલનાં લગ્ન 25 વર્ષ પહેલાં ગુજરાત મહારાષ્ટ્ર સરહદના એક ગામની યુવતી સાથે થયાં હતાં. તેમનું કહેવું છે કે તેમના ગામ, વિસ્તાર કે સમાજમાં તેમને કન્યા ન મળતા તેમણે બીજા વિસ્તારમાં લગ્ન કરવા જવું પડ્યું હતું.

અંબાલાલ કહે છે, "મારા મોટા ભાઈનાં લગ્ન માટે પણ અમારે સાટાપ્રથાનો આશરો લેવો પડ્યો હતો. મારી બહેનનાં લગ્ન ભાભીના પિયરના પરિવારમાં કરવા પડ્યાં હતાં. અમારે એક જ બહેન હોવાથી મારાં લગ્ન માટે અમારે કન્યા શોધવા અન્યત્ર જવું પડ્યું."

તેઓ વધુમાં કહે છે કે, "અમારા ગામમાં કે વિસ્તારમાં પરિસ્થિતિ હજુ જેમની તેમ છે. છોકરીઓની ઘટ ચોક્કસ છે, અને હજી આગળ વધવાની છે, કારણ કે દરેક પરિવારમાં છોકરા વધારે છે અને છોકરી ઓછી છે."

line

25 વર્ષ જૂની સમસ્યા આજે પણ યથાવત્

શિલ્પાબહેન તેમના પરિવાર સાથે

ઇમેજ સ્રોત, Jay brahmbhatt

ઇમેજ કૅપ્શન, શિલ્પાબહેન તેમના પરિવાર સાથે

અંબાલાલ પટેલનાં લગ્ન 25 વર્ષ પહેલાં કન્યાની અછત વચ્ચે થયાં હતાં. તે જ પ્રકારે પ્રીતેશ પટેલનાં લગ્ન પણ હજુ 6 મહિના પહેલાં જ થયાં છે. પ્રીતેશનાં માતા શીલ્પાબહેન પટેલે પોતાના દીકરા માટે પોતાના ગામ, વિસ્તાર કે સમાજમાથી જ વહુ શોધવાના ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેમને સફળતા ન મળી.

આખરે રાજસ્થાનના આદિવાસી વિસ્તારમાં નજર દોડાવવી પડી અને ત્યાંથી તેઓ પોતાના દીકરા માટે કન્યા શોધી લાવ્યા.

શિલ્પા પટેલ કહે છે, "હજી મારો બીજો દીકરો પણ બાકી છે. પહેલા દીકરાનાં લગ્નમા જ આટલી તકલીફ અને ખર્ચ થયો, તો હવે બીજા દીકરાનાં લગ્ન કેવી રીતે કરીશ? દીકરાનાં લગ્નમાં સામેવાળા પક્ષનો તમામ ખર્ચ અમારે ઉપાડવાનો હોય છે."

શિલ્પાબહેન અને તેમના પતિ ખેતમજૂરી કરે છે. પ્રીતેશ ફૅબ્રિકેશનનુ કામ કરે છે અને શિલ્પાબહેનનો બીજો દીકરો પણ છૂટક મજૂરી કરે છે, તેની ઉંમર આશરે 27 વર્ષની છે.

line

આ સમસ્યાઓનું સમાધાન શું છે?

"કન્યા ભ્રૃણ હત્યા આ સમસ્યાના મુળમાં છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા જેમની તેમ આપણી વચ્ચે જ રહેવાની છે"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, "કન્યા ભ્રૃણ હત્યા આ સમસ્યાના મુળમાં છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા જેમની તેમ આપણી વચ્ચે જ રહેવાની છે"

પલ્લવી પટેલ આ સમસ્યાના ઉકેલ અંગે વાત કરતા કહે છે, "જ્યાં સુધી સમાજમાં પુત્ર-પુત્રીનો ભેદ દૂર નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. દીકરીને સમાન હક્ક, સમાન દરજ્જો નહીં આપવામાં આવે અને 'દીકરી બોજ છે' વાળી માન્યતાઓ દૂર નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે."

તેઓ ઉમેરે છે, "આ માટે સરકારે લૈંગિક સમાનતા પર વધારે કામ કરવાની જરૂર છે."

વીડિયો કૅપ્શન, ગુજરાતના સેક્સ રેશ્યોની સમસ્યા ક્યારે ઉકેલાશે? – GUJARAT NI VAAT

સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક મથુર સવાણી જ્ઞાતિબાહ્ય લગ્નો માટે વર્ષોથી કામ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, અમારી સંસ્થા 'સમસ્ત પાટીદાર સમાજ'ના નેજા હેઠળ અમે સેંકડો યુવાનોનાં લગ્ન કરાવ્યાં છે, પરપ્રાંતની કન્યાઓ સાથે ગુજરાતના યુવકોનાં લગ્ન કરાવ્યાં છે. અમે આવાં 300 જેટલાં લગ્ન કરાવ્યાં છે કે જેમાં છોકરો ગુજરાતનો હોય અને છોકરી બીજા રાજ્યની હોય.

તેઓ કહે છે કે કન્યા ભ્રૃણહત્યા આ સમસ્યાના મૂળમાં છે અને જ્યાં સુધી તેનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા જેમની તેમ આપણી વચ્ચે જ રહેવાની છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન