Daughters Day : આખરે ગુજરાતને દીકરીઓ કેમ નથી ગમતી?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, જય મકવાણા અને અનન્યા દાસ
    • પદ, બીબીસી ગુજરાતી

"એનું નામ લક્ષ્મી (બદલાવેલું નામ). ગરીબ પરિવારની દીકરી અને એવા જ ગરીબ પરિવારની વહુ.

એના સાસરિયા પક્ષે પુત્રનો ભયાનક હદે મોહ. પરિવારને પુત્રની એટલી લાલસા કે લક્ષ્મીને જ્યારે પણ, જેટલી વખત પણ ગર્ભ રહ્યો, 'ક્યાંક પુત્રી ના જન્મી જાય' એવી આશંકાએ તેનું ગર્ભપરીક્ષણ કરાવ્યું.

તકદીર જાણે લક્ષ્મીના સંતાનની વેરી હોય એમ દર વખતે ગર્ભપરીક્ષણમાં પુત્રી હોવાનું સામે આવ્યું. અને દર વખતે પુત્રમોહમાં અંધ બનેલા પરિવારે લક્ષ્મીનો ગર્ભપાત કરાવી દીધો. એ પણ લક્ષ્મી પુત્ર ઇચ્છે છે કે પુત્રી એ જાણવાની દરકાર કર્યા વગર જ.

આટલું જ નહીં સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે લક્ષ્મી સાથે આવું એક વખત નહીં, બે વખત નહીં, ત્રણ વખત નહીં, નવ-નવ વખત થયું.

પુત્રમોહની લાલસામાં નવ-નવ વખત લક્ષ્મીનો ગર્ભપાત કરાવવામાં આવ્યો અને એની કિંમત લક્ષ્મીને ચૂકવવી પડી.

લક્ષ્મીએ નવ-નવ વખત પોતાનું સંતાન તો ગુમાવ્યું જ પણ, ગર્ભાશયના કૅન્સરે પણ તેને જકડી લીધી.

પરિવાર તો પહેલેથી જ ગરીબ એટલે લક્ષ્મીની યોગ્ય સારવાર પણ ન થઈ અને આખરે એ બિચારી પુત્રમોહની લાલસામાં અંધ બનેલા એ પરિવાર, એ સમાજ અને એ દુનિયાને છોડીને જતી રહી."

બીબીસી સાથેની વાતચીતમાં મહિલાઓ માટે કામ કરતી 'ઓળખ' સંસ્થા સાથે જોડાયેલાં ડૉ. અમી યાજ્ઞિકે ગુજરાતમાં ઘટી રહેલી બાળકીઓની સંખ્યા પાછળની પૂર્વભૂમિકા બાંધતો ઉપરોક્ત કિસ્સો જણાવ્યો હતો.

line

છોકરીઓની ઘટી રહેલી સંખ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • 'ચાઇલ્ડ સેક્સ રેશિયો'નો ચિંતાજનક દર
  • દર 1000 છોકરાઓ સામે માત્ર 845 જ છોકરીઓ
  • બાળકીઓનું પ્રમાણ ઘટવા પાછળનું મુખ્ય કારણ પુત્ર માટેની લાલસા

'બેટી બચાવો', 'બાલિકા સમૃદ્ધિ યોજના', 'કિશોરી શક્તિ યોજના', 'નારી ગૌરવ નીતિ'.

ગુજરાતમાં બાળકીઓને આવકારવા અને વધાવવા માટે સરકારે જે યોજનાઓ બનાવી છે એમાંની કેટલીક યોજનાઓનાં આ નામ છે.

યોજનાઓનો ઉદ્દેશ સ્પષ્ટ છે, પુત્રીઓ માટે સમાજનું વલણ બદલાય, બાળકીઓના જન્મનું પ્રમાણ જળવાય.

જોકે, હકીકત કંઈક અલગ જ છે. નીતિ આયોગે જ 'હેલ્થી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઇન્ડિયા' નામનો એક અહેવાલ પ્રગટ હતો, જે અનુસાર ગુજરાતમાં ચાઇલ્ડ સેક્સ રેશિયો ચિંતાજનક બન્યો છે.

એ અહેવાલ અનુસાર ગુજરાતમાં દર 1000 છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ માત્ર 854 જ નોંધાયું.

અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, 'આ આંકડાઓ નિર્દેશ કરે છે કે કઈ રીતે 'સેક્સ-સિલેક્ટિવ અબોર્શન્સ' થકી છોકરીઓના જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે.

'નૅશનલ ફેમિલી હેલ્થ સર્વે'ના ગુજરાત અંગેના અહેવાલમાં જણાવાયું છે, 'ગુજરાતમાં પુત્ર માટેની પ્રબળ લાલસા જોવા મળે છે.'

'રાજ્યની કુલ વસતીના 15 ટકા પુરુષો અને 12 ટકા મહિલાઓ પુત્રીની સરખામણીએ પુત્ર ઇચ્છે છે. જ્યારે પુત્રની સરખામણીએ પુત્રીની ઇચ્છા રાખતા સ્ત્રીપુરુષો માત્ર 2-3 ટકા જ છે.'

અહેવાલ એવું પણ જણાવે છે કે, 'રાજ્યમાં વધુ બાળકો ઇચ્છતી મહિલાઓની ઇચ્છા તેમના પુત્રોની સંખ્યા પર આધાર રાખે છે.'

'દા.ત., બે બાળકો ધરાવતી મહિલાઓમાંથી બન્ને પુત્ર હોય એવી 92 ટકા મહિલાઓ અને સંતાનમાં માત્ર એક જ પુત્ર ધરાવતા 88 ટકા માતાપિતા વધુ સંતાન નથી ઇચ્છતાં. જ્યારે સંતાનમાં બન્ને પુત્રીઓ ધરાવતા માત્ર 54 ટકા માતાપિતા જ વધુ સંતાન નહોતાં ઇચ્છતાં.'

line

જાણો, તમારા જિલ્લામાં કેવું છે સ્ત્રી બાળજન્મનું પ્રમાણ?

line

છોકરીઓની સંખ્યા ઘટવા પાછળનાં કારણો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • બાળકીઓની સંખ્યા ઘટવા પાછળ સામાજિક અને આર્થિક કારણ જવાબદાર
  • આર્થિક વિકાસનો ભોગ બાળકીઓને બનવું પડ્યું
  • પુત્રીના લગ્ન વખતે થતો ખર્ચ અને દહેજ મોટી સમસ્યા
  • પિતૃસત્તાક પરિવારની ભાવના પુત્રીના જન્મ વિરુદ્ધ
  • સામાજિક રીતરિવાજ પણ પુત્રી પ્રોત્સાહનની વિરુદ્ધ

'તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ'માં ઍડવાન્સ સેન્ટર ફૉર વીમન્સ સ્ટડીઝ્ના ફેકલ્ટી પ્રોફેસર વિભૂતિ પટેલ ગુજરાતમાં ઘટી રહેલી બાળકીઓની સંખ્યાનાં કારણો બે વર્ગમાં વર્ગીકૃત કરે છે. સામાજિક અને આર્થિક.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "સમાજમાં જ્યાં જ્યાં પણ આર્થિક વિકાસ વધ્યો છે ત્યાં ત્યાં બાળકીઓને નુકસાન વેઠવું પડ્યું છે. બાળકીને ભણાવવી પડે અને એ માટે ખર્ચો કરવો પડે."

તેઓ આગળ ઉમેરે છે, "લોકોમાં એવી પણ માન્યતા હોય છે કે લગ્ન બાદ પુત્રી પારકા ઘરે જતી રહે છે તો એનાં પાછળ કરાયેલા ખર્ચાનું વળતર શું? વળી, પુત્રીના લગ્ન વખતે દહેજ આપવો પડે એ પણ ગરીબ લોકો માટે એક મોટી સમસ્યા છે."

પ્રોફેસર પટેલના મતે, ''આવી જ માનસિકતાએ 'બાળકીને ભણાવવી એટલે પડોશીના છોડના પાણી પાવું' જેવી કહેવતોને જન્મ આપ્યો. અર્થતંત્રમાં પુત્રીને સ્થાન નથી. પુત્રીનો જન્મ એટલે ભવિષ્યની ગરીબીનો સ્વીકાર કરવો, એવું પણ કેટલાય લોકોનું માનવું છે."

સમાજમાં આજે પણ પુત્રને 'બુઢાપાની લાઠી' માનવામાં આવે છે. જેનાથી વિપરીત પુત્રીના લગ્ન વખતે આપવો પડતો દહેજ પણ ગરીબ લોકો માટે પુત્રના મોહને વધારવાનું કારણ બની જાય છે.

line

દહેજની સમસ્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • પટેલ અને રાજપૂત સમુદાયમાં દહેજની મોટી સમસ્યા
  • પુત્રીનાં માતાપિતા માટે દહેજ આર્થિક ફટકા સમાન
  • શૈક્ષણિક અને આર્થિક વિકાસે પણ દહેજને પ્રોત્સાહન આપ્યું
  • ઔદ્યોગિકીકરણ અને મુક્ત અર્થતંત્રે આર્થિક અસુરક્ષાની ભાવના વિકસાવી
  • આર્થિક અસુરક્ષાની ભાવનામાં દહેજે વધારો કર્યો
  • રાજપૂત અને પાટીદાર સમાજમાં બાળકીઓનું ઘટતું પ્રમાણ ચિંતાજનક
  • બન્ને સમાજમાં બાળકીઓની ગર્ભહત્યાનું મોટું પ્રમાણ

દહેજપ્રથાને કારણે ખાસ કરીને સમાજના આર્થિક રીતે નબળા વર્ગોમાં દીકરીનાં માતાપિતા પર મોટા પ્રમાણમાં આર્થિક બોજ આવી જતો હોય છે.

કેટલાય માબાપ વરપક્ષની આર્થિક માગણીઓ પૂરી કરવાના પ્રયાસોમાં સમગ્ર જીવનની બચત ગુમાવી દેતા હોય છે.

લગ્ન વખતે આપવું પડતું દહેજ એ સામાજિક રીતે પુત્રીનું મહત્ત્વ ઘટાડે છે.

માનવ સંઘર્ષને ઉજાગર કરતી વેબસાઇટ countercurrents.org પર માનસ દાસગુપ્તા લખે છે, 'ગુજરાતમાં પટેલ અને રાજપૂત સમુદાયમાં દહેજની મોટી સમસ્યા છે.'

આજ વેબસાઇટ સાથેની વાતચીતમાં 'અમદાવાદ વીમૅન્ઝ ઍક્શન ગ્રૂપ' સાથે જોડાયેલાં ઈલા પાઠક જણાવે છે, ''ગુજરાતમાં પરિણીત મહિલાઓના શંકાસ્પદ સંજોગોમાં થયેલા 'આપઘાત' એ બાબત તરફ નિર્દેશ કરે છે કે દર વખતે આવી ઘટનાઓ અકસ્માત નથી હોતી.''

શૈક્ષણિક અને આર્થિક વિકાસની આડઅસર રૂપે દહેજને પ્રાધાન્ય મળ્યું હોવાનું પણ પાઠકનું માનવું છે.

પ્રોફેસર પટેલ આ અંગે વાત કરતાં જણાવે છે, 'સમાજમાં પુત્રીના જન્મને આર્થિક અસુરક્ષાની દૃષ્ટિએ પણ જોવામાં આવે છે. ઔદ્યોગિકીકરણ અને મુક્ત અર્થતંત્રને કારણે આર્થિક અસુરક્ષાની ભાવના વધી છે, જેની અસર પણ પુત્રીની ઇચ્છા પર પડી રહી છે.'

અહીં એક રસપ્રદ બાબત એ પણ નોંધવી રહી કે દહેજ મામલે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઊલટી ગંગા વહે છે. અહીં વહુને બદલે વરના પરિવારે દહેજ ચૂકવવું પડે છે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રો. ગૌરાંગ જાનીએ કહ્યું, "ગુજરાતમાં જેઠવા અને પાટીદાર સમુદાયો દ્વારા દહેજ લેવાની એક લાંબી પરંપરા રહી છે."

વીડિયો કૅપ્શન, દક્ષિણ કોરિયાના વૃદ્ધોની એકલતા અને બીમારી દૂર કરવાનો નવો પ્રયોગ
line

ગર્ભપાત : વધી રહેલું સામાજિક દૂષણ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • પાટીદાર સમાજમાં બાળકીની હત્યાનું ચિંતાજનક પ્રમાણ?
  • પ્રિકન્સેપ્શન અને પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ ઍક્ટનો બિનઅસરકારક અમલ
  • આર્થિક વિકાસે ગર્ભપાતને સરળ બનાવ્યો
  • ગર્ભપાતની ટૅક્નૉલૉજી હાથવગી બની

પ્રોફેસર જાની જણાવે છે, 'ગુજરાતમાં પાટીદાર સમુદાયમાં નવજાત છોકરીઓની હત્યા અને ગર્ભહત્યાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.

વળી, પ્રિકન્સૅપ્શન અને પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક ટૅકનિક્સ (પીસીપીડીટી) ઍક્ટના બિનઅસરકારક અમલીકરણના કારણે, ગુજરાતમાં સેક્સના રેશિયોમાં દીકરીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.'

બાળકીની ગર્ભમાં જ હત્યા કરી દેવાની આ પરંપરા પાછળ દહેજનો રિવાજ પણ ઘણે અંશે જવાબદાર છે.

વિભૂતિ પટેલ કહે છે, ''આર્થિક વિકાસ અને ટૅકનૉલૉજીની ઉપલ્બધીએ ગર્ભપાત પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. વધી રહેલી ટૅક્નૉલૉજીને કારણે ગર્ભપાતને હાથવગો બન્યો છે, જેનો ભોગ બાળકીઓને બનવું પડ્યું છે.''

તેઓ ઉમેરે છે, ''આજે અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો મોબાઇલ જેટલાં સરળ અને સસ્તા થઈ ગયા છે અને ગાડીમાં બેઠા બેઠા પણ ગર્ભપરીક્ષણ કરવું શક્ય બન્યું છે. વળી ગર્ભપાત કરતા તબીબો પણ આર્થિક લાલચ રોકી શકતા નથી. બજારની જે સંસ્કૃતિ વિકસી છે તે પણ આ માટે કારણભૂત છે.''

ગુજરાતમાં ખાસ કરીને સરહદ વિસ્તારોમાં આ મોટા પાયે ગર્ભપાતની પ્રવૃત્તિ ધમધમતી હોવાના કેટલાય મીડિયા રિપોર્ટ્સ છે.

સરહદી વિસ્તારોમાં આવેલાં દવાખાનાંઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાંથી મોટા પ્રમાણમાં લોકો ગર્ભપરીક્ષણ માટે આવતા હોય છે.

વર્ષની શરૂઆતમાં મહીસાગર જિલ્લામાં રાજસ્થાન પોલીસ પાડેલા દરોડા અને તેમાં ઝડપાયેલા ડૉક્ટરો આ વાતની સાક્ષી પૂરે છે.

એક દવાખાનામાં પોતાની પત્નીનું ગર્ભપરીક્ષણ કરવાનાર એક શખ્સે નામ ના આપવાની શરતે બીબીસીના પ્રતિનિધિ દક્ષેશ શાહ સામે આ વાત સ્વીકારી હતી.

વ્યક્તિએ કહ્યું, "મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી હૉસ્પિટલમાં મારા પત્નીનું ગર્ભપરીક્ષણ કરાવ્યું હતું. ડૉક્ટરે રૂ. 5000માં ગર્ભમાં પુત્ર હોવાની વાત જણાવી હતી. જો પુત્રી હોત તો રૂ. 10,000માં ગર્ભપાત કરવાની 'ઑફર' પણ અમને અપાઈ હતી."

વીડિયો કૅપ્શન, ખાડીના દેશોના શ્રીમંતો અહીં દુલહન લેવા આવે છે પણ તેમનું શોષણ કરવામાં આવે છે
line

સામાજિક પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • સામાજિક મુદ્દે જાગૃતિ આવી રહી છે
  • પાટીદાર સમાજમાં અનેક સરાહનીય પ્રયાસો હાથ ધરાયા

ગુજરાતમાં બાળકીઓનાં જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તેને કારણે કેટલીય સમસ્યાઓ સર્જાઈ રહી છે.

લોકોમાં ધીમેધીમે આ વાત સમજાઈ રહી છે અને આ દિશામાં પ્રયાસો પણ શરૂ કરાયા છે.

પાટીદાર સમાજમાં છોકરીઓનું પ્રમાણ ચિંતાજનક હદે ઘટી ગયું છે. ત્યારે સમાજમાં બાળકીઓ પ્રત્યેનો અભિગમ બદલવા માટે સામાજિક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.

વર્ષ 2015માં પાટીદાર સમાજની 5000 દીકરીઓને રૂપિયા 2 લાખના બૉન્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. જેથી સમાજમાં પુત્રીજન્મને પ્રોત્સાહન મળે. સમાજ દ્વારા આવા કેટલાય કાર્યક્રમ હાથ ધરાયા છે.

સુરતમાં પાટીદાર આગેવાન લવજી ડાલિયાએ પુત્રી જન્મને પ્રોત્સાહન આપવા પાટદાર સમાજમાં જન્મેલી બીજી પુત્રીને રૂપિયા 200 કરોડના 'સુકન્યા બૉન્ડ' એનાયત કર્યા હતા.

આવી જ રીતે રાજપૂત સમાજ દ્વારા પણ પહેલ હાથ ધરાઈ રહી છે.

line

સરકારી પ્રયાસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • સરકાર દ્વારા પુત્રી જન્મને લઈને અનેક યોજનાઓ

ગત વર્ષે 8 માર્ચ, 2018ના દિવસે ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી અને એ દિવસે જન્મેલી પ્રત્યેક છોકરીઓને સરકાર દ્વારા ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા પુત્રીજન્મને પ્રોત્સાહન મળે એ માટે હાથ ધરાયેલી કેટલીક યોજનાઓના ભાગરૂપે આ પ્રયાસ કરાયો હતો.

ગુજરાત સરકારની વેબસાઇટમાં જણાવાયું છે, 'જાતીય સમાનતાનો સિદ્ધાંત મહિલાઓને સમાન હક્ક આપવાની તરફેણ કરે છે. બંધારણે મહિલાઓને સમાન હકો મળી રહે તે માટે મહિલાઓની તરફેણમાં સકારાત્મક ભેદભાવ કરવાની રાજ્યને સત્તા આપી છે.'

વેબસાઇટ પર દાવો પણ કરાયો છે કે 'મહિલા અને બાળવિકાસ વિભાગ મહિલાઓ માટે જાતીય સમાનતા ઊભી કરવાની મહત્ત્વની જવાબદારી નિભાવે છે.'

વેબસાઇટનો એવો પણ દાવો છે કે સ્ત્રી-પુરુષના પ્રમાણમાં રહેલી અસમાનતાને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 'જૅન્ડર ઇક્વાલિટી પૉલિસી (GEP)' બનાવાઈ છે. સરકાર દ્વારા સ્ત્રી-પુરુષ વચ્ચેનું જાતીય પ્રમાણ દૂર કરવા માટે કેટલીય યોજનાઓ હાથ ધરી છે. જેમ કે,

કુંવરબા મામેરું યોજના : આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકોને પુત્રીનાં લગ્‍ન માટે આર્થિક મદદ આપવામાં આવે છે.

સરસ્‍વતી સાધના યોજના : આ યોજનામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની વિદ્યાર્થિનીઓને સાઇકલ, હૉસ્ટેલ અને ભોજનની સુવિધા આપવામાં આવે છે.

સ્‍વંયસિદ્ધા યોજના : ગ્રામીણ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં ભેળવવા, આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થાય છે. આ અભિયાન અતંર્ગત 20 જિલ્લામાં 1,760 ગામડાંઓમાં 43,200 મહિલાઓ સહભાગી બની છે. 2,700થી વધુ સહયોગી તેમને મદદ કરી રહ્યા છે.

કિશોરી શક્‍તિ યોજના : કિશોરીઓને સ્‍વવિકાસની તક પૂરી પાડી, કુપોષણમાંથી બહાર કાઢી, જાતીયતાના કારણે ભોગવવી પડતી તકલીફોમાંથી મુક્‍તિ અપાવવાનો ઉદ્દેશ સાથે આ યોજના ધરવામાં આવી છે.

કિશોરીઓ વાંચતાં-લખતાં શીખે અને સ્‍વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે તે માટે તેમને સુસજ્જ કરવાનો પ્રયાસ આ યોજના કરે છે. આ ઉપરાંત કિશોરીઓને ઘર-શિષ્ટાચાર તેમ જ વ્‍યાવસાયિક તાલીમ આપી આરોગ્‍ય, સ્‍વચ્‍છતા, પોષણ, કુટુંબ કલ્‍યાણ અને બાળકોની સારસંભાળ જેવા મુદ્દે તેમને માર્ગદર્શન આપવાનો પ્રયાસ પણ આ યોજનાના ભાગરૂપે કરાય છે.

બાલિકા સમૃદ્ધિ યોજના : આ યોજનાનો ઉદ્દેશ દીકરી અને તેની માતા પ્રત્‍યે કુટુંબનો અને સમાજનો દૃષ્ટિકોણ બદલવાનો છે. યોજના અંતર્ગત 15 ઑગસ્‍ટ, વર્ષ 1997 પછી જન્‍મેલી બાળકીના કુટુંબને 500 રૂપિયા સહાય કરવામાં આવે છે.

આ ઉપરાંત જ્યારે કન્‍યા શિક્ષણ મેળવતી થાય ત્‍યારે તેના ખાતામાં ત્રણસો રૂપિયા જમા થાય છે. એટલું જ નહીં, આ યોજના હેઠળ કન્‍યાને 1,000 રૂપિયાની સ્‍કૉલરશિપ પણ આપવામાં આવે છે.

નારીગૌરવ નીતિ : રાજ્ય સરકારના વહીવટી તંત્રના વિવિધ વિભાગોમાં મહિલાઓનું ગૌરવ જળવાય તે હેતુથી આ નીતિ ઘડવામાં આવી છે. આ નીતિ જાહેર અને ખાનગી- એમ બંને ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવી છે.

જાતીય સમાનતાનાં વિવિધ પાસાંના અભ્‍યાસ માટે વિવિધ કાર્યજૂથ રચવામાં આવ્‍યાં છે. આ કાર્ય જૂથો વચ્‍ચે સતત વિચારોનું આદાનપ્રદાન થતું રહે છે.

બેટી બચાવો: વર્ષ 2005માં વિશ્વ મહિલા દિવસે 'બેટી બચાવ ઝુંબેશ'નો પ્રારંભ કરવામાં આવ્યો. યોજના અંતર્ગત બાળ લિંગદરમાં થતા ઘટાડાને રોકી, તેમાં વૃદ્ધિ લાવવા માટેનો પ્રયાસ થયો.

વીડિયો કૅપ્શન, સિએરા લિઓનની સેક્સ વર્કર્સની કહાણી, માત્ર 34 રૂપિયા મેળવવા કરે છે દેહવેપાર
line

આખરે ઉકેલ શો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ બાબતે સામાજિક અને સરકારી સ્તરે કેટલાય પ્રયાસો કરાઈ રહ્યા છે. પણ શું આ સમસ્યાનો ઉકેલ આટલાથી આવી જાય એમ છે.

જાની આ સંદર્ભમાં કહે છે, "ફક્ત પ્રતીકાત્મક કામગીરી સમાજમાં જાતીય સમાનતા અને સંવેદનશીલતા નહીં લાવી શકે."

મહિલાઓ માટે કામ કરતી સંસ્થા 'ચેતના'ના પ્રોજેક્ટ કૉ-ઑર્ડિનેટર સ્મિતા વાજપેયી જણાવે છેઃ

"આ મામલે સ્ત્રી અને પુરુષ એમ બન્ને પ્રત્યે સર્વાંગી જાગૃતિની જરૂર છે. બાળકીને ગર્ભમાં હત્યા કરવી એ માનવ હત્યા જેવો જ ગુનો છે એ સમજવું જરૂરી છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો