કૅથલિક ચર્ચમાં જ્ઞાતિવાદ : કાર્ડિનલના હોદ્દે દલિતની નિમણૂકમાં આટલો લાંબો સમય કેમ લાગ્યો?
- લેેખક, બેલ્લા સતીષ
- પદ, બીબીસી સંવાદદાતા
પુલા એન્થની નામના દલિતને હાલમાં જ કૅથલિક ચર્ચમાં કાર્ડિનલના હોદ્દા માટે પસંદ કરાયા છે. કૅથલિક ચર્ચમાં અનુસૂચિત જાતિમાં જન્મેલી કોઈ વ્યક્તિ પ્રથમ વાર કાર્ડિનલના હોદ્દા સુધી પહોંચી શકી છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/STJOSEPHSCATHEDRAL
ભારતમાં ખ્રિસ્તી વસતીની, ખાસ કરીને કૅથલિકની ગણતરી કરીએ તો તેમાં સૌથી વધુ સંખ્યા દલિતોની છે. સેંકડો વર્ષોથી દલિતો ખ્રિસ્તી ધર્મ અપનાવતા રહ્યા છે, પરંતુ શા માટે આટલા લાંબા સમય સુધી કોઈને કાર્ડિનલ ના બનાવાયા?
સવાલ એ છે કે દાયકાઓ પછી હવે છેક કેમ કોઈ દલિતને કાર્ડિનલ બનાવાયા અને તેની પાછળ શું વેટિકન સિટીની કોઈ વ્યૂહરચના છે ખરી?

કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, Getty Images
ખ્રિસ્તી ધર્મમાં પણ ઘણા ફાંટા પડ્યા છે. મુખ્ય બે પંથો છે - કૅથલિક અને પ્રૉટેસ્ટન્ટ. સંપ્રદાયો વચ્ચે માન્યતાઓ અંગે થોડો ફરક હોય છે, પણ મૂળભૂત રીતે વેટિકન સિટીના વડા પોપ છે અને તેમને કૅથલિક ગણવામાં આવે છે.
કૅથલિક ચર્ચનું માળખું ઘણું વિસ્તૃત હોય છે અને તેમાં સર્વોચ્ચ સ્થાને પોપથી શરૂ કરીને દરેક ચર્ચમાં પાદરી સુધીના હોદ્દા હોય છે. હજારો વર્ષોથી આ પ્રમાણે જ ચર્ચનું કામકાજ ચાલતું આવ્યું છે.
બીજી બાજુ પ્રૉટેસ્ટન્ટનાં પોતાનાં ચર્ચ હોય છે અને તેનું સંચાલન પોતાની રીતે કરે છે. ચર્ચમાં પૅસ્ટરની નિમણૂક અથવા કોઈ વિસ્તારમાં નવું ચર્ચ સ્થાપવા સહિતના નિર્ણયો પ્રૉટેસ્ટન્ટ પોતાની રીતે લે છે.
કોઈ પણ માણસ પ્રૉટેસ્ટન્ટ ચર્ચ બનાવી શકે અને પૅસ્ટર બની શકે. કૅથલિક ચર્ચની સ્થાપના એ રીતે થઈ શકે નહીં. ચર્ચની ઇમારતથી માંડીને ફાધર સુધીના હોદ્દાઓ પર ચોક્કસ દરજ્જાના હોદ્દાઓ સાથે નિમણૂકો થતી હોય છે.
બીજો અગત્યનો ફરક એ છે કે કૅથલિક ચર્ચમાં બ્રધર્સ, ફાધર્સ અને નન તરીકે જોડાય તેમણે અપરિણિત રહેવાનું હોય છે. બહુ કડક રીતે પસંદગી થતી હોય છે. શાળાના સ્તરેથી તાલીમ આપવાનું શરૂ થાય છે અને 12 વર્ષના અભ્યાસ પછી જ કૅથલિક ચર્ચમાં ફાધર કે પાદરી તરીકે કોઈની પસંદગી થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રૉટેસ્ટન્ટમાં ધાર્મિક તાલીમ ના લેનારી વ્યક્તિ પણ પેસ્ટર બની શકે છે. તેમાં અપરિણિત રહેવું પણ જરૂરી નથી. પ્રૉટેસ્ટન્ટમાં જેમને પેસ્ટર કહેવામાં આવે છે, તેમને કૅથલિક ચર્ચમાં બ્રધર અથવા ફાધર કહેવામાં આવે છે.
પ્રૉટેસ્ટન્ટમાં અનુયાયીઓ પોતાની આવકનો દસમો ભાગ દાનમાં આપે છે, જ્યારે કૅથલિકમાં દાનનું પ્રમાણ ઓછું હોય છે. આવક માટે કૅથલિક ચર્ચ પાસે સંપત્તિ હોય છે અને પાદરીને પગાર આપવામાં આવે છે.

કાર્ડિનલનો હોદ્દો શું છે?

ઇમેજ સ્રોત, EPA
કૅથલિક ચર્ચમાં પાદરી બનવાની લાયકાત ધરાવતા ઘણા લોકો કામ કરતા હોય છે. તેમના વડે ચર્ચનું કામકાજ ચાલતું હોય છે.
તેમાંથી કોઈ એકની નિમણૂક પાદરી તરીકે કરવામાં આવે છે.
કેટલાક ચર્ચમાં એકથી વધુ પાદરી હોય તેમના ઉપરી તરીકે બિશપ પણ હોય છે. ઘણી વાર બે કે ત્રણ જિલ્લાનાં ચર્ચના પાદરીઓ પર એક બિશપની નિમણૂક થતી હોય છે.
સમગ્ર રાજ્ય કે પ્રાંતના બધા જ ચર્ચના વડા તરીકે આર્કબિશપ હોય છે.
આર્કબિશપથી પણ ઉપરનો હોદ્દો કાર્ડિનલનો ગણાય છે. કાર્ડિનલનની ઉપર પછી પોપ પ્રથમ સ્થાને હોય છે. આ રીતે પોપ પછી કાર્ડિનલનો હોદ્દો અગત્યનો ગણાય છે. દુનિયાભરના કાર્ડિનલ જ પોપની પસંદગી કરે છે.
આ રીતે કૅથલિક પંથમાં કાર્ડિનલનો હોદ્દો બીજા નંબરનો ગણાય છે અને પાટવીકુંવર જેવું તેમનું સ્થાન હોય છે.
વિશ્વભરમાં 229 કાર્ડિનલ છે, જેમાંથી ચાર ભારતમાં છે. આમાંથી બે કાર્ડિનલની નિમણૂક હાલમાં જ થઈ છે.

કૅથલિક ચર્ચમાં જ્ઞાતિવાદ

ઇમેજ સ્રોત, AFP
ભારતમાં અડધાથી વધુ ખ્રિસ્તીઓ દલિતો છે અને પ્રથમ વાર આ જ્ઞાતિમાંથી કોઈ કાર્ડિનલ બની શક્યું છે.
તેના કારણે જ કૅથલિક પંથમાં કેવી રીતે જ્ઞાતિવાદ ચાલે છે તેની ચર્ચા જાગી છે.
તેલુગુ કૅથલિકમાં રેડ્ડી અને કમ્મા જ્ઞાતિની બોલબાલા જાણીતી છે. તેથી જ એસસી સમુદાયમાંથી આવતી વ્યક્તિની કાર્ડિનલ તરીકે પસંદગી થઈ તેણે ચર્ચા જગાવી છે.
પ્રૉટેસ્ટન્ટ ચર્ચમાં આ રીતે ક્રમબદ્ધ હોદ્દાઓ નથી હોતા એટલે ત્યાં નિમણૂકોની બાબતમાં કોઈ ભેદભાદની ચર્ચા થતી નથી.
2011ની વસતી ગણતરી અનુસાર ભારતમાં 60 ટકા ખ્રિસ્તીઓ પ્રૉટેસ્ટન્ટ છે, 33 ટકા કૅથલિક છે અને બાકીના ખ્રિસ્તીઓ જુદા-જુદા પંથના છે.
આમાંના ઘણા ખ્રિસ્તીઓ એવા પણ છે, જેમના વડવાઓએ પોર્ટુગીઝ અને અંગ્રેજોના આગમન પહેલાંથી ધર્મ અંગીકાર કર્યો હતો.

પાદરી તરીકે નિમણૂક માટે જ્ઞાતિના આધારે પ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images
યુરોપનો સામ્રાજ્યવાદ ભારત પહોંચ્યો તે પહેલાં જ કૅથલિક પંથનું આગમન થઈ ગયું હતું. કેરળ અને તામિલનાડુમાં બહુ પ્રાચીન સમયથી ખ્રિસ્તી ધર્મ આવ્યો હતો. તે વખતે ઘણી મુખ્ય જ્ઞાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો.
તેલુગુ બ્રાહ્મણ, કમ્મા, રેડ્ડી, તામિલનાડુના વન્નિયાર, કેરળના નાયર વગેરે જેવી સવર્ણ ગણાતી જ્ઞાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો.
ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી થઈ ગયા પછીય તેમનામાંથી જ્ઞાતિવાદ ગયો નહીં. ચર્ચમાં પણ એ જ જ્ઞાતિ પરંપરા દાખલ થઈ ગઈ. સવર્ણ જ્ઞાતિનો માણસ જ મોટા ભાગે કૅથલિક પાદરી તરીકે પસંદ થતો હતો. ધીમે ધીમે પોતાની જ્ઞાતિનો માણસ પાદરી બને તે માટે આગ્રહ વધતો ગયો. જે ચર્ચમાં જે જ્ઞાતિના વટલાયેલા લોકોની સંખ્યા વધારે હોય તેમાંથી જ કોઈને પાદરી બનાવવાની માગણી થતી રહી હતી.
ચર્ચમાં પછાત ગણાતી જ્ઞાતિઓના અનુયાયીઓ હોય, પણ પાદરી તરીકે ઊપલી જ્ઞાતિનો માણસ પસંદ થાય. તેમાં કોઈ સમસ્યા થતી નહીં, પણ કોઈ વાર પાદરી તરીકે નિમ્ન જ્ઞાતિમાંથી કોઈ આવી જાય ત્યારે કેટલીક જગ્યાએ ગણગણાટ થતો હતો. પાદરીથી આગળ બિશપ અને ઊંચા હોદ્દા પર નિમણૂકો માટે પણ જ્ઞાતિવાદ ચાલતો રહ્યો છે.
''2002-03માં વિજયવાડાના બિશપ મરામપુડી જોજી હૈદરાબાદમાં આર્કબિશપ બન્યા. તેમની આગળના વિજયવાડાના બિશપ રેડ્ડી જ્ઞાતિના તુમ્મા જોસેફ રેડ્ડી હતા. તેમના અવસાનથી જોજીને તે સ્થાન મળ્યું હતું. જોજી હવે આર્કબિશપ બન્યા ત્યાર બાદ તેમની જગ્યાએ બિશપ તરીકે તનામ મારેડ્ડી રેડ્ડી આવવાના હતા. પરંતુ તે ધારણાથી વિરુદ્ધ વિજયવાડાના બિશપ તરીકે કમ્મા જ્ઞાતિના કડપ્પાના મલ્લાવરાપુ પ્રકાશ નિમાયા.''
''તેના કારણે વિજયવાડાના કૅથલિક ખ્રિસ્તીઓમાં ચર્ચા જાગી હતી. નાલગોંડા, ગુન્ટુર અને ખમ્મમના ચર્ચમાં વધારે સંખ્યા રેડ્ડીઓની છે. તેના કારણે બિશપ કમ્મામાંથી બન્યા એટલે બંને જ્ઞાતિઓ વચ્ચે ખેંચતાણ ચાલી હતી.''
''હાલના સમયમાં એસસી સમુદાયના પાદરીઓની સંખ્યા વધી છે, પણ ભાગ્યે જ કોઈ એસસી પાદરીમાંથી બિશપ કે આર્કબિશપ બનતા હોય છે. મરામપુડી જોજી બિશપ બન્યા ત્યારે પણ ઉપલી જ્ઞાતિના ખ્રિસ્તીઓને અણગમો હતો.''
''જોકે તેમની નિમણૂક વેટિકનથી થઈ હતી એટલે તેમને સ્વીકારી લેવા પડે તેમ હતા."
આ રીતે દલિત મરામપુડી જોજી પ્રથમ વાર આર્કબિશપના હોદ્દા સુધી પહોંચ્યા હતા. આર્કબિશપ તરીકે સમગ્ર રાજ્યનાં ચર્ચોના તેઓ વડા બન્યા હતા.
2000ની સાલમાં તેઓ બિશપ બન્યા હતા. તેમની પહેલાં 1977માં બિશપના સ્થાને પ્રથમ વાર જ્હોન નામના દલિત પાદરી પહોંચ્યા હતા.

'લૉર્ડમાં શ્રદ્ધા રાખ્યા પછીય જ્ઞાતિ પીછો છોડતી નથી'

ચર્ચમાં હોદ્દા પર નિમણૂકો માટે જ નહીં, અન્ય રીતે પણ જ્ઞાતિના ભેદભાવ ચાલે છે.
વિજયવાડાના એક કૅથલિક ખ્રિસ્તીએ બીબીસીને જણાવ્યું કે ''આજેય કેટલાક કૅથલિક ચર્ચમાં પ્રથમ હરોળમાં સવર્ણ જ્ઞાતિના લોકો જ બેસે છે. પાદરી દ્વારા પ્રાર્થનામાં પણ તેમને અગ્રતા આપવામાં આવે છે. ખ્રિસ્તી માટે પાદરી બનવું એ બહુ મોટી વાત છે. ગામડાના ચર્ચમાં આજેય આ રીત ચાલે છે." જોકે આવું ખરેખર થતી હોવાની વાતને બીબીસી અનુમોદન આપતું નથી.
તામિલનાડુના કૅથલિક ચર્ચોમાં પણ જ્ઞાતિના ભેદભાવ સ્પષ્ટ દેખાઈ આવતા હોય છે. વેલંકાન્નીના જાણીતા ચર્ચની નજીક જ આવેલા કબ્રસ્તાનમાં માત્ર અમુક જ્ઞાતિના ખ્રિસ્તીઓને જ દફનાવવામા આવે છે.
ત્રિચીમાં આવેલા કૅથલિક ચર્ચમાં વાન્ની લોકોના કબ્રસ્તાન અને દલિતોના કબ્રસ્તાન વચ્ચે દીવાલ છે. બીબીસીએ દસ વર્ષ પહેલાં અહેવાલ આપ્યો હતો કે અહીં દલિતોને કૉફિન વાપરવાનો અધિકાર અપાયો નહોતો.
હૈદરાબાદ વાયએમસીએના પ્રમુખ જેકર ડેનિયલ કહે છે, ''હજીય ચર્ચોમાં જ્ઞાતિવાદ ચાલે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. શહેરોમાં ઓછું જોવા મળે છે, પણ ગામડાના ચર્ચમાં દેખાય આવે છે. આ ભેદભાવે હવે જુદું સ્વરૂપ લીધું છે. ચર્ચમાં સાથે જ બેસવામાં અને સાથે ભોજન લેવામાં વાંધો નથી. પરંતુ લગ્નસંબંધની વાત આવે ત્યારે પૂછી લેવામાં આવે છે કે તમારી જ્ઞાતિ કઈ છે. સૌ કોઈને સમાન ગણનારા લોર્ડમાં વિશ્વાસ મૂક્યો તે પછીય જ્ઞાતિમાંથી છુટકારો મળ્યો નથી. માત્ર કૅથલિક ચર્ચની વાત નથી, પ્રૉટેસ્ટન્ટ અને બધા પંથમાં જ્ઞાતિવાદ છે.''
કૅથલિક ચર્ચમાં કેટલીક વગદાર જ્ઞાતિઓ જ પોતાના માણસોને હોદ્દા પર બેસાડે છે.
આંધ્ર પ્રદેશમાં કૅથલિકોમાં મલા અને મધ્યા વધારે છે અને તે પછી રેડ્ડી, કમ્મા અને પદ્મશાળીની સંખ્યા આવે છે. પરંતુ પાદરીના સ્થાને અમુક જ જ્ઞાતિને સ્થાન મળે છે.
ઇન્ડિયા મૅટર્સ નામની વેબસાઇટના જણાવ્યા અનુસાર ભારતમાં કૅથલિક ખ્રિસ્તીઓમાં 65 ટકા દલિતો છે, પણ પાદરીના સ્થાને માંડ પાંચ ટકા દલિતો છે.
1960ના દાયકાથી જ દલિતોને થોડી સંખ્યામાં પાદરી બનવાનું મળ્યું છે.
19મી સદીના પ્રારંભે દરિયાકાંઠાના દલિતો ખ્રિસ્તીઓ બન્યા તેમાંથી થોડા લોકો અંગ્રેજી કોન્વેન્ટ અભ્યાસ કરતા થયા હતા. આંધ્રમાં દલિતો 1960ના દાયકામાં પાદરીઓ બન્યા તેઓ હવે વેટિકન સુધી સ્થાન પામી શક્યા છે.

એન્થની બન્યા કાર્ડિનલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કાર્ડિનલ પદ પહોંચી શકેલા પુલા એન્થની બીજી પેઢીના ખ્રિસ્તી છે અને તેમને કૅથલિક ચર્ચનો લાભ મળ્યો છે.
નંદયાલ નજીક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલા પુલાને વિદેશથી આવેલા કૅથલિક પાદરીના હાથ નીચે ભણવા મળ્યું હતું અને તેમની પ્રતિભાનો પરિચય થયો હતો.
એન્થનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ''નેધરલૅન્ડ્સના પાદરીઓએ મારી પ્રતિભાને પારખીને મને ઉનાળામાં ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. તે પાદરીઓએ મારી ખૂબ સંભાળ લીધી અને નવમા ધોરણથી આગળ અભ્યાસ માટે ખર્ચની પણ વ્યવસ્થા કરી આપી હતી."
વિદેશથી આવેલા પાદરી બૂનના આસિસ્ટન્ટ તરીકે ઍન્થનીના પિતા કામ કરતા હતા. તે વખતે તેલુગુભાષી પાદરીઓની સંખ્યા ઓછી હતી એટલે વિદેશથી પાદરી તરીકે મોકલવામાં આવતા હતા.
રાયલસીમા વિસ્તારમાં ઘણા વિદેશી પાદરીઓ હતા. ચર્ચ તરફથી ઍન્થનીને કૂર્નુલની સેન્ટ મેરી એપોસ્ટૉલિક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે વખતે સાતમા ધોરણનો અભ્યાસ છોડીને ઍન્થની કામે લાગી જવા માગતા હતા.
તેના બદલે આગળ અભ્યાસ કરી શક્યા અને આ શાળામાંથી બહાર નીકળીને એસટીબીસી કૉલેજમાં દાખલ થયા હતા. તેમના પરિવારનાં છ ભાઈબહેનોમાંથી તેઓ એક માત્ર કૉલેજ સુધીનું ભણી શક્યા હતા.
ઍન્થની કહે છે, ''મિશનરી સંસ્થામાં મને પુત્ર તરીકે સાચવીને મને અભ્યાસ કરાવાયો. તેના કારણે જ મને થયું કે મારે ધર્મનો અભ્યાસ કરીને ધર્મશિક્ષક બનવું જોઈએ અને બીજાને મદદરૂપ થવું જોઈએ."

'જ્ઞાતિવાદ દુષણ છે... પણ કંઈ થઈ શકે તેમ નથી'

ઇમેજ સ્રોત, FACEBOOK/STJOSEPHSCATHEDRAL
કડપ્પા, નૂજેડુ, કુર્નુલ અને બેંગલુરુમાં કામ કર્યા પછી ઍન્થની હૈદરાબાદમાં આર્કબિશપ તરીકે કામ કરી રહ્યા છે.
કૅથલિક ચર્ચમાં દલિતો અમુક જગ્યાએ પાદરીઓ બનવા લાગ્યા તેવા સમયમાં ઍન્થનીનો ઉછેર થયો હતો. જોકે આ સંખ્યા નાની હતી.
ધીમે-ધીમે આ મામલો જાહેર ચર્ચાનો વિષય બન્યો. તામિલનાડુ અને પુડુચેરીમાં બિનદલિત વ્યક્તિને કડ્ડલોરમાં આર્કબિશપ તરીકે મુકાયા ત્યારે ઉહાપોહ થયો હતો. દલિત ક્રિશ્ચિયન મૂવમૅન્ટ તરફથી દલિત પાદરીઓનો મામલો ઉઠાવવામાં આવ્યો હોય. પેસ્ટર બનનારી વ્યક્તિની જ્ઞાતિની ચર્ચા થાય તેવું પણ હવે બનવા લાગ્યું હતું.
પુલા ઍન્થની સ્વીકારે છે કે કૅથલિક ચર્ચોમાં જ્ઞાતિવાદની અસર પડે છે. તેઓ કહે છે, "મોટાં શહેરોમાં નહીં, પણ નાનાં શહેર અને ગામડાંમાં ચાલે છે. તેમાંથી કોઈ આરો નથી. કમનસીબીની વાત છે, પણ ચલાવી લીધા સિવાય છૂટકો નથી. આમાં કંઈ થઈ શકે તેમ નથી."
''વિદેશથી આવેલા મિશનરીઓએ શરૂઆતમાં જ્ઞાતિઓ પર ધ્યાન આપ્યું નહોતું. પરંતુ ઉપલા વર્ગના લોકો પહેલેથી જ ભણેલા હતા એટલે ચર્ચમાં પણ આગળ રહ્યા.''
''ચર્ચમાં મોટા પાયે એમ પરિવર્તન નહીં આવી જાય. તે માટે વર્ષો લાગશે. કૅથલિક ચર્ચ અત્યારે બધી જ્ઞાતિઓને સમાન તક અને જવાબદારી આપે છે. અમે શિક્ષણ અને સશક્તિકરણ પર પણ ધ્યાન આપી રહ્યા છીએ".
ઍન્થની કહે છે કે દરેક જ્ઞાતિમાંથી પાદરી બનવા માગે છે. "બધી જ જ્ઞાતિઓ તેમનો અધિકાર માગી રહી છે. તે લોકો પોતાની જ્ઞાતિમાંથી કોઈને ચર્ચમાં આગેવાન તરીકે જોવા માગે છે.''
''અમે પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ કોઈ જગ્યાએ થોડો અસંતોષ હશે. અમે ચર્ચમાં દરેક રીતે સમાનતા માટે પ્રયત્નો કરીએ છીએ.''
''અમે દરેકને તેની રૂચિ પ્રમાણે તક આપીએ છીએ. બે કે ત્રણ સંતાનો હોય ત્યારે દરેકને કેવી રીતે સાચવવું?''

શું એન્થનીને કાર્ડિનલ બનાવવા પાછળ વ્યૂહરચના છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/STJOSEPHSCATHEDRAL
પોપ ફ્રાન્સિસના આગમન પછી વિશ્વભરમાં વંચિત કહેવાતા સમુદાયના ખ્રિસ્તીઓને ચર્ચમાં સારું સ્થાન આપવા માટેની કોશિશ થઈ રહી છે.
2020માં પ્રથમ વાર અમેરિકામાં અશ્વેતને (આફ્રિકન અમેરિકનને) કાર્ડિનલ બનાવાયા હતા. પોપ ફ્રાન્સિસે વૉશિંગ્ટનના આર્કબિશપ વિલ્ટન ગ્રેગરીને કાર્ડિનલ બનાવ્યા હતા.
ભારતમાં પણ લાંબા સમયથી દલિતમાંથી કોઈ કાર્ડિનલ બને તેવી ઇચ્છા વ્યક્ત થતી હતી. દલિતમાંથી કોઈને તક મળે તે પહેલાં આદિવાસીમાંથી ઘણા વખત પહેલાં કાર્ડિનલ બન્યા હતા.
2003માં ઝારખંડમાં રાંચીના આર્કબિશપ તેલેસ્પોર બી. ટોપ્પાને તે વખતના પોપ જ્હોન પોલે કાર્ડિનલ બનાવ્યા હતા. તે પછી બે દાયકા બાદ દલિતમાંથી કોઈને કાર્ડિનલ બનવાની તક મળી છે.
ફાધર વિલ્ફ્રેડ ફેલિક્સે 2014માં જીવનધારા સામયિકમાં લખ્યું હતું કે બધા વર્ગોમાંથી કાર્ડિનલ બનવા જોઈએ. કૅથલિકમાં એવો અસંતોષ રહ્યો છે કે નિમ્મ અને પછાત જ્ઞાતિના ખ્રિસ્તીઓને આગળ વધવાની તક મળતી હતી.
પોપે હવે આ રીતે નિમણૂક કરી તેના કારણે ભારતમાં દલિત ખ્રિસ્તીઓની નૈતિક તાકાત વધશે એમ કૅથલિક ખ્રિસ્તીઓને લાગે છે.
યુનિયન ઑફ કૅથલિક એશિયન ન્યૂઝ વેબસાઇટે લખ્યું છે કે "દલિત કાર્ડિનલ નીમીને પોપ ફ્રાન્સિસ દલિતોના ચૅમ્પિયન બન્યા છે. ભારતના ખ્રિસ્તીઓમાં બહુમતી ધરાવતા દલિતોમાં તેનાથી સારી છાપ પડી છે. તેના કારણે દલિતો અને દલિત ખ્રિસ્તીઓના અધિકાર માટે લડવામાં ચર્ચને નૈતિક બળ મળશે."
"400 વર્ષ પહેલાં મિશનરીઓએ ભેદભાવને નાબુદ કરવા માટે કોશિશ કરી હતી, પણ તેમાં સફળ થયા નહોતા તેને હવે આ નિમણૂકથી બળ મળશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












