ક્ષમા બિંદુ : વડોદરાની આ યુવતીએ જાત સાથે લગ્ન કરવાનું કારણ શું આપ્યું?
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, નવી દિલ્હી
વડોદરામાં રહેતી 24 વષીય ક્ષમા બિંદુએ ખુદની સાથે લગ્ન કરવાની જાહેરાત કરી અને ભારે વિરોધ થયો હતો. જોકે, વિરોધ વચ્ચે તેમણે નક્કી કરેલી તારીખ પહેલાં લગ્ન કરી લીધાં.
ક્ષમા બિંદુએ અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જોકે, તેમના ખુદની સાથે લગ્ન કરવાના નિર્ણયથી ઘણા લોકોએ તેમનો વિરોધ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Instagram/kshamachy
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, તેણીએ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા પોતાના ઘરે હિંદુ શાસ્ત્રોક્ત રીતે લગ્ન કર્યાં છે.
લગ્ન કર્યા બાદ તેમણે અખબારને જણાવ્યું, "નાનકડા પ્રસંગમાં માત્ર મારા દસ મિત્રો આમંત્રિત હતા. તેમની હાજરીમાં તમામ વિધિ થઈ હતી. મારે મંદિરમાં લગ્ન કરવાં હતાં પણ લોકો વિરોધ કરશે તેના ડરથી આ તમામ વિધિ ઘરમાં યોજવાનું નક્કી કર્યું હતું."
પોતાના ઘરની ચાર દીવાલોમાં લગ્ન કર્યું હોવા છતા તેમણે વિરોધ ન થાય તે માટે તકેદારીનાં તમામ પગલાં ભર્યાં હતાં.

'ખુદના માટે હંમેશાં હાજર રહેવાની પ્રતિબદ્ધતા'
ક્ષમા બિંદુના કહેવા પ્રમાણે, ખુદની સાથે લગ્ન કરીને તેઓ પોતાનું જીવન 'સૅલ્ફ લવ' માટે અર્પણ કરી રહ્યાં છે.
તેમણે કહ્યું, "સૅલ્ફ મૅરેજ એ ખુદના માટે હંમેશાં હાજર રહેવા માટેની પ્રતિબદ્ધતા છે. તે એક એવી જીવનશૈલી પસંદ કરવાની બાબત છે જે તમને સૌથી વધુ જીવંત, સુંદર અને અત્યંત ખુશ બનવામાં મદદ કરે."
તેઓ આગળ કહે છે, "આ થકી હું એ કહેવા માગું છું કે હું મારાં તમામ જુદાંજુદાં પાસાંને સ્વીકારું છું. ખાસ કરીને એ પાસાં કે જેને હું નકારતી અને ધિક્કારતી આવતી હતી. પછી તે શારીરિક, માનસિક અથવા ભાવનાત્મક કેમ ન હોય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"મારા માટે લગ્ન ખરેખર સ્વ-સ્વીકૃતિની ઊંડી પ્રક્રિયા છે. હું માત્ર એ કહેવાનો પ્રયાસ કરી રહી છું કે હું સંપૂર્ણપણે મારી જાતને સ્વીકારું છું. મારાં તમામ પાસાંને સ્વીકારું છું. ભલે ને તે સારા હોય કે ખરાબ."
ક્ષમા બિંદુ પ્રમાણે તેમનો પરિવાર આ લગ્નથી ખુશ છેય
તેમણે કહ્યું, "જ્યારે આ વિશે મારી માતા સાથે વાત થઈ તો તેમણે કહ્યું, 'તને હંમેશાં કંઈક નવું કરવાનું સૂઝે છે.' મુક્ત વિચારધારા ધરાવતાં મારા માતા-પિતાએ મારો પક્ષ લીધો અને હું જ્યાં સુધી ખુશ હોઉં ત્યાં સુધી મારા પડખે ઊભા રહેવાની ખાતરી આપી."

'ખુદને તો બધા પ્રેમ કરતા હોય છે, લગ્નની શું જરૂર?'

ઇમેજ સ્રોત, fizkes
ખુદની સાથે લગ્ન કરવાનો સૌપ્રથમ વિચાર આશરે 20 વર્ષ પહેલાં અમેરિકાની ખૂબ પ્રચલિત શો 'સૅક્સ ઍન્ડ ધ સિટી'ના એક પાત્ર કૅરી બ્રૅડશૉ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો પણ આ શો માત્ર કૉમેડી ડ્રામા હતો.
ત્યાર બાદથી ખુદની સાથે લગ્ન કરવાનાં સેંકડો અહેવાલો સામે આવ્યા છે. જેમાં મોટાભાગના કિસ્સામાં મહિલાઓએ જ ખુદ સાથે લગ્ન કર્યાં હતાં.
એક વિચિત્ર કિસ્સામાં 33 વર્ષીય બ્રાઝિલિયન મૉડલે ખુદની સાથે લગ્ન કર્યાનાં ત્રણ મહિનામાં જ છૂટાછેડા લઈ લીધા હતા.
જોકે, ભારતમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે. ક્ષમા બિંદુના આ લગ્નની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.
આ અંગે જ્યારે એક માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સાથે વાત કરી તો સોલોગામી વિશે જાણીને તેઓ ચોંકી ઊઠ્યા.
ચંદીગઢસ્થિત પીજીઆઈએમઈઆર હૉસ્પિટલમાં સાયકિયાટ્રી વિભાગનાં પ્રોફેસર અને પૂર્વ ડીન ડૉ. સવિતા મલ્હોત્રાએ કહ્યું, "મારા મતે આ એક વિચિત્ર બાબત છે."
તેઓ આગળ કહે છે, "બધા ખુદને પ્રેમ કરતા હોય છે. તમારે તેને રજૂ કરવા કંઇક અલગથી કરવું જરૂરી નથી. આ એક આંતરિક બાબત છે અને લગ્ન કરવા માટે બે લોકોએ એક થવા માટેની બાબત છે."

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
ક્ષમા બિંદુના લગ્નની વાત વહેતી થતાં સોશિયલ મીડિયા પર જાતભાતની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેમનાં વખાણ કરતાં કહી રહ્યા છે કે તેઓ અનેક લોકો માટે અવાજ બન્યા છે. જ્યારે કેટલાક લોકો સોલોગામીના વિચારને લઈને પોતાનો વિરોધાભાસી મત વ્યક્ત કરી રહ્યા છે.
ટ્વિટર પર એક મહિલાએ કહ્યું હતું કે જો તેમાં કોઈ બીજી વ્યક્તિ છે જ નહીં તો લગ્નની જરૂર શું? અન્ય એક મહિલાએ કહ્યું કે તેઓ (ક્ષમા બિંદુ) પોતાની પારિવારિક જવાબદારીઓથી દૂર ભાગવા માંગે છે.
કેટલાક લોકોએ સોલોગામીને "એક ઘૃણાસ્પદ વિચાર" ગણાવ્યો હતો અને તેને "ક્રૉનિક નાર્સિસિઝમ" કહ્યો હતો.
ક્ષમા બિંદુ ટીકાકારોને માત્ર એક વસ્તુ કહેવા માગે છે: "એ મારો નિર્ણય છે કે હું કોની સાથે લગ્ન કરું. ભલે એ કોઈ પુરુષ હોય, સ્ત્રી હોય કે હું ખુદ અને ખુદની સાથે લગ્ન કરીને હું સોલોગામીને નોર્મલ બનાવવા માગું છું. હું લોકોને કહેવા માગું છું કે તમે દુનિયામાં એકલા આવ્યા છો અને એકલા જવાના છો. તો તમારા ખુદ સિવાય બીજું કોણ તમને વધારે પ્રેમ કરશે? જો તમને કંઇક થશે તો તમારે જ ખુદને ઊભા કરવા પડશે."

ભાજપે કર્યો હતો વિરોધ
આ પહેલાં વડોદરા ભાજપનાં ઉપપ્રમુખ સુનીતા શુક્લે કહ્યું હતું, "એ છોકરી પોતાને પ્રેમ કરે, પોતે જાતે લગ્ન કરે અને પોતાનું જીવન સુખમય પસાર કરે એવી અમારી લાગણી છે. પણ એમણે જે નિર્ણય લીધો કે દેવોના દેવ મહાદેવના મંદિરે જઈને હું લગ્ન કરું તો મંદિરમાં લોકો આસ્થા સાથે જાય છે, સારી ધાર્મિક લાગણી સાથે જાય છે, માનતાઓ માનવા જતા હોય છે."
તેઓ ઉમેરે છે, "આ બહેનને મારી નમ્ર વિનંતી છે કે તમે લગ્ન કરો, સુખી થાઓ, લગ્નજીવન તમારું સફળ જાય પરંતુ હિંદુ મંદિર સિવાય તમે કોઈ પણ જગ્યાએ લગ્ન કરો."
વડોદરાનાં ડેપ્યુટી મેયર રહી ચૂકેલાં સુનીતા શુક્લનું કહ્યું હતું કે હું રાજકીય વ્યક્તિ તરીકે નહીં પરંતુ હિન્દુ વ્યક્તિ તરીકે વિરોધ કરી રહી છું. હિંદુ મંદિરમાં આવાં કૃત્યો થાય તો કાલ ઊઠીને મંદિરમાં અન્ય પણ ગેરવાજબી કૃત્યોની પરવાનગી મગાશે.
"મંદિરો ધાર્મિક ઉપયોગ માટે હોય છે. સામાજિક દૂષણો ફેલાવવા માટે નહીં."
(આ અહેવાલ સૌપ્રથમ 2022માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












