ગર્ભપાત કાયદો: 'મને કસુવાવડ બદલ 30 વર્ષની સજા થઈ હતી', એ દેશ જ્યાં કસુવાવડનો સૌથી કઠોર કાયદો છે
અલ સાલ્વાડોરમાં વિશ્વના સૌથી કઠોર ગર્ભપાત વિરોધી કાયદાઓ અમલમાં છે.

આ દેશમાં લગભગ 180 મહિલાઓ સામે ગર્ભાવસ્થાની જટિલતાઓને લઈને કસુવાવડ થવા સામે કાર્યવાહી કરવામાં આવી છે અથવા તેમને જેલ હવાલે કરવામાં આવી છે. અહીં તેમાના કેટલાકની કરુણાંતિકાઓ આપવામાં આવી છે.
અલ સાલ્વાડોરની હૉસ્પિટલમાં જ્યારે કૅરેન ભાનમાં આવ્યાં, ત્યારે તેમણે જોયું કે તેમને બેડ પર હાથકડીથી બાંધી દેવામાં આવ્યાં હતાં અને તેમના પલંગની બાજુમાં પોલીસ અધિકારીઓ ઊભા હતા.
કૅરેન બીબીસીને કહે છે, "આજુબાજુ ઘણા બધા લોકો હતા અને તેઓનું કહેવું હતું કે મેં મારા બાળકને મારી નાખ્યું છે અને હવે 'મેં જે કર્યું તેની કિંમત ચૂકવવી પડશે'."
સગર્ભાવસ્થાની જટિલતાઓને પગલે કૅરેનને ઇમર્જન્સી સારવારની જરૂર હતી. પરંતુ 22 વર્ષીય કૅરેનને કસુવાવડ થઈ ગઈ અને તેમની પર ગર્ભપાતનો આરોપ લગાવવામાં આવ્યો.
કૅરેન એ સમયને યાદ કરતાં કહે છે, "શું થયું હતું તે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓએ કંઈ સાંભળ્યું નહીં."
કૅરેન ઉમેરે છે, "મારા પર ખટલો ચલાવવામાં આવ્યો અને મને સજા સંભળાવી દેવામાં આવી હતી."

કઠોર કાયદો

મધ્ય અમેરિકન દેશ અલ સાલ્વાડોરમાં વિશ્વના કઠોરતમ ગર્ભપાત વિરોધી કાયદા અમલમાં છે, જેમાં તમામ પ્રકારના ભ્રૂણ મૃત્યુ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પછી ભલે ગર્ભાવસ્થા માતાના જીવન માટે જોખમ ઊભું કરતી હોય અથવા બળાત્કાર અથવા વ્યભિચારને પરિણામે ગર્ભ રહ્યો હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હત્યાના આરોપમાં, કૅરેનને 30 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. તેઓ "લાસ 17" પૈકીના એક મહિલા તરીકે જાણીતા બન્યાં હતાં.
'લાસ 17' કસુવાવડ અથવા મૃત ગર્ભના જન્મ જેવી પ્રસૂતિવેળાની ઈમર્જન્સીમાં તેમના બાળકોને ગુમાવ્યા પછી જેલમાં બંધ મહિલાઓનું જૂથ હતું.
કૅરેને છ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવીને અન્ય ત્રણ મહિલાઓ સાથે ડિસેમ્બર 2021માં જેલમાંથી મુક્ત થયાં હતાં. તેમણે એક ઝુંબેશ ચલાવી જેને અભિનેતા અમેરિકા ફેરેરા અને મિલા જોવોવિચ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત હસ્તીઓનું સમર્થન મળ્યું હતું. જ્યારે કૅરેનને જેલની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારે તે બે વર્ષના બાળકની માતા હતી.
કૅરેનનો પુત્ર નવ વર્ષનો થયો ત્યાં સુધી તે તેમને ફરીથી જોઈ શક્યાં નહીં.
"તેઓએ મને કહ્યું કે મારે 30 વર્ષ જેલમાં વિતાવવા પડશે, ત્યારે શરૂઆતમાં મને લાગ્યું કે મારી દુનિયા તબાહ થઈ ગઈ છે. પરંતુ મેં મારા પુત્ર વિશે વિચાર્યું અને વિચાર્યું કે શું હું આ બધામાંથી બહાર આવીશ."
સમગ્ર લેટિન અમેરિકામાં પ્રો-ચોઇસ (પસંદગી તરફી) ઝુંબેશને ટેકો આપતા યુએસ સ્થિત હિમાયતી જૂથ વિમેન્સ ઇક્વાલિટી સેન્ટરનું કહેવું છે કે કૅરેન જેવા સંજોગોમાં છેલ્લા બે દાયકામાં દેશમાં ઓછામાં ઓછી 180 મહિલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અથવા જેલમાં ધકેલી દેવામાં આવી છે.

'મારા પુત્રને ઘડીક હાથમાં પણ લેવા ન દીધો'

આવી 180 મહિલાઓ પૈકી એક સિન્થિયા છે. તેમને 2009માં અચાનક કસુવાવડ થઈ અને તેના નવજાત પુત્રનું ઘરે જ મૃત્યુ થયું. સિન્થિયા ગંભીર હત્યાના આરોપ હેઠળ જેલમાં હતાં. તેમને 2019માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યાં હતાં.
સિન્થિયાએ બીબીસીને જણાવ્યું કે ઍમ્બ્યુલન્સને બદલે પોલીસ તેમને ઇમર્જન્સીમાં લઈ ગઈ. કૅરેનની જેમ હૉસ્પિટલમાં જ્યારે સિન્થિયા ભાનમાં આવ્યાં, ત્યારે તેઓ હાથકડીથી બંધાયેલાં હતાં.
તેમને ઘરે લઈ જવાં, સંબંધીઓ સાથે વાત કરવાં અથવા તો મૃત શિશુનું શરીર જોવાની તક આપ્યા વિના તેમના પર ખટલો ચલાવવા હૉસ્પિટલમાંથી સીધા પોલીસ સ્ટેશન સેલમાં લઈ જવામાં આવ્યાં હતાં. તે સમયે સિન્થિયાની ઉંમર માત્ર 20 વર્ષ હતી.
સિન્થિયા યાદ કરતા કહે છે, "હું મારા પુત્રને ઘડીક મારા હાથમાં લેવા માગતી હતી, પરંતુ મને મંજૂરી આપવામાં આવી ન હતી. તેઓએ મને તેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાની પણ પરવાનગી આપી ન હતી."
સિન્થિયા કહે છે કે તેમને જેલમાં બહિષ્કૃત કરવામાં આવ્યાં હતાં અને તેના 'ગુના' ને કારણે અન્ય કેદીઓ દ્વારા તેના પર શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો.
કૅરેન કહે છે કે તેમને પણ કોર્ટમાં આવા જ અનુભવો થયા હતા. પરંતુ જેલમાં તેઓ વધુ નસીબદાર હતાં, કારણ કે તેમને ગર્ભપાતના આરોપો હેઠળ જેલમાં આવેલી અન્ય મહિલાઓ સાથે જ રાખવામાં આવ્યાં હતાં.
તે યાદ કરતા કહે છે, "અમે આવી કુલ 10 મહિલાઓ હતી અને કેટલીક મહિલાઓએ અન્ય કેદીઓ દ્વારા અત્યાચાર સહન કર્યો હતો."
"પરંતુ પછી અમે એકબીજાને ટેકો આપવા માટે એક મજબૂત સંગઠન બનાવ્યું."

ભારે પ્રતાડના

કેદના તમામ કેસો અનૈચ્છિક સગર્ભાવસ્થા સમાપ્તિ (ગર્ભપાત) ના હતા તે ચકાસવું શક્ય નહોતું, પરંતુ ઝુંબેશ ચલાવનારાઓ કહે છે કે વર્તમાન કાયદાના પરિણામે જે મહિલાઓએ ગર્ભપાત નથી કરાવ્યો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે.
અલ સાલ્વાડોરમાં મહિલા અધિકાર સંસ્થાઓ ઉમેરે છે કે આ મુદ્દો જેમની પાસે ખાનગી આરોગ્યસંભાળ માટે આર્થિક સંસાધનો નથી તેવી કૅરેન અને સિન્થિયા જેવી મહિલાઓને ભારે માત્રામાં અસર કરે છે.
જાણીતા સાલ્વાડોરિયન પ્રો-ચોઇસ ઍક્ટિવિસ્ટ મોરેના હેરેરા સમજાવે છે, "અલ સાલ્વાડોરમાં ગરીબ મહિલાઓની કાયદા દ્વારા સૌથી વધુ શોષણ થાય છે જે તેમને કલંકિત કરે છે અને ઘણાંને ખાનગીમાં ગર્ભપાત માટે પણ પ્રેરિત કરે છે."
"આપણે જેલમાં બંધ તે મહિલાઓને મુક્ત કરવાની જરૂર છે, સાથે સાથે આપણે તેમની ઉપરના અત્યાચારનો અંત લાવવાની પણ જરૂર છે."
કાર્યકર્તાઓ અને અસરગ્રસ્ત મહિલાઓના જણાવ્યા અનુસાર, ગરીબ મહિલાઓ માટે કાનૂની સહાયનો પણ અભાવ છે.
સિન્થિયાનો આક્ષેપ છે કે તેમના ટ્રાયલ સમયે તેમને કોર્ટમાં બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેઓ એ પણ કહે છે કે તેઓ નિર્ધારિત દિવસે જેલમાં રાહ જોતાં રહ્યાં પરંતુ નિયુક્ત સરકારી વકીલ આવ્યા ન હતા કે ન તો તેમને કેસની માહિતી આપવામાં આવી હતી.
તેમને પોતાના પરના ચોક્કસ આરોપોની પણ ખબર ન હતી.
સિન્થિયા યાદ કરતાં કહે છે, "કોર્ટમાં જ મને જાણવા મળ્યું કે મારા પર કઠોર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે."
બીબીસીએ સાલ્વાડોરિયન સત્તાવાળાઓને આ દાવાઓ પર ટિપ્પણી કરવા કહ્યું હતું, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.
યુએસ સ્થિત એનજીઓ સેન્ટર ફૉર રિપ્રોડક્શન રાઇટ્સ દ્વારા સંકલિત ડેટાબેઝ મુજબ, અલ સાલ્વાડોર એ સાત લેટિન અમેરિકન દેશોમાંનો એક છે જે ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે.
હોન્ડુરાસ, જમૈકા, નિકારાગુઆ, હૈતી, ડોમિનિકન રિપબ્લિકન અને સુરીનામ લેટિન અમેરિકાના છ અન્ય દેશો છે જ્યાં ગર્ભપાત પર પૂર્ણ પ્રતિબંધ છે. વિશ્વભરમાં, ગર્ભપાત પર સંપૂર્ણ પ્રતિબંધવાળા દેશોની સંખ્યા 24 છે.

નબળી 'ગ્રીન વેવ' મૂવમેન્ટ

તાજેતરનાં વર્ષોમાં, ઘણાં લેટિન અમેરિકન રાષ્ટ્રોએ (મેક્સિકો, આર્જેન્ટિના અને કોલંબિયા સહિત) વધુ ઉદાર ગર્ભપાત કાયદો અપનાવ્યો છે. આ સુધારો ગ્રીન વેવ તરીકે ઓળખાતી મૂવમૅન્ટના ભારે દબાણને પગલે થયો છે.
મોરેના હેરેરા કહે છે, "તાજેતરનાં વર્ષોમાં વધુ ગતિશીલતા જોવા મળી છે, પરંતુ ગ્રીન વેવ મૂવમૅન્ટ અલ સાલ્વાડોરમાં અન્ય લેટિન અમેરિકન દેશોની સરખામણીએ નબળી રહી છે."
અલ સાલ્વાડોરે બંધારણીય સુધારણા પૅકેજના ભાગ રૂપે તબીબી રીતે જરૂરી ગર્ભપાતને કાયદેસર બનાવવાનું વિચાર્યું છે, પરંતુ રાષ્ટ્રપતિ નાયીબ બુકેલે દ્વારા ગયા સપ્ટેમ્બરમાં એક નિર્ણય સાથે આ યોજનાઓ નિષ્ફળ બનાવવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ બુકેલે અગાઉ તેમના 2018ના રાષ્ટ્રપતિ અભિયાન દરમિયાન ગર્ભપાત કાયદામાં આવા ફેરફારોનો બચાવ કર્યો હતો, જોકે તેમણે કહ્યું હતું કે તેઓ કસુવાવડનો ભોગ બનેલી મહિલાઓને અપરાધી બનાવવાની વિરુદ્ધ છે.
જોકે મતદાન પરથી એવું સૂચિત થાય છે કે મોટા ભાગના સાલ્વાડોરવાસીઓ અગમ્ય ગર્ભાવસ્થાના કિસ્સામાં અથવા જ્યારે માતાના સ્વાસ્થ્ય માટે જોખમ હોય ત્યારે ગર્ભપાતને કાયદેસર બનાવવાને સમર્થન આપશે, જ્યારે રૂઢિચુસ્ત રાજનેતા અને ધાર્મિક નેતાઓ મજબૂત પ્રતિકાર કરે છે.

'આ વિષચક્ર છે, જેનો કોઈ અંત નથી'

બુકેલના યુ-ટર્નના પરિણામે, કસુવાવડનો ભોગ બનેલી મહિલાઓ આજે પણ અલ સાલ્વાડોરમાં કેદ થઈ શકે છે. ગયા મહિને જ, કસુવાવડનો ભોગ બનેલી એક મહિલા, જેની ઓળખ ફક્ત "એસ્મે" તરીકે થઈ હતી, તેમને 30 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
સિન્થિયા કહે છે, "મારા જેવી મહિલાઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આ વિષચક્ર છે, જેનો કોઈ અંત નથી."
મુક્ત થયા પછી, સિન્થિયાને તેના ગુનાહિત રેકૉર્ડને કારણે નોકરી શોધવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો, જોકે એનજીઓ તરફથી મળેલી ગ્રાન્ટની મદદથી તે કપડાં વેચીને જીવનનિર્વાહ કરે છે.
2020માં, તેમણે એક બાળકી માર્સેલા એલિઝાબેથને જન્મ આપ્યો હતો.
સિન્થિયા કહે છે, "જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે હું ગભરાઈ ગઈ હતી, એ ડરથી કે જો કોઈ સમસ્યા સર્જાશે તો મારે ફરીથી આ બધામાંથી પસાર થવું પડશે."
"પરંતુ તે સ્વસ્થ અને કોઈપણ સમસ્યા વિના જન્મી હતી. તે મારું ખુશ નસીબ છે."
કૅરેન કહે છે કે તેમનો હજુ પણ સમાજમાં શંકાની નજરે જોવામાં આવે છે પરંતુ તેમણે સમગ્ર ધ્યાન જેલમાં શરૂ કરેલો માધ્યમિક શાળાનો અભ્યાસ પૂરો કરવા અને તેના પુત્ર સાથે પુનઃજોડાણ કરવાના પ્રયત્નો પર કેન્દ્રિત કર્યું છે.
કૅરેનને ડર હતો કે આટલા લાંબા સમયથી અલગ રહેવાના કારણે પુત્ર તેમને નકારી દેશે, પરંતુ તેઓ ઘરે પરત ફર્યાં ત્યારે તેમનો પ્રેમાળ પુત્ર તેમની રાહ જોતો હતો. હવે કૅરેન પુત્રની જરૂરિયાતો સંતોષવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે.
જોકે, તેઓ હજુ પણ જેલમાં બંધ મહિલાઓ અથવા પોતાના જેવા અનુભવોમાંથી પસાર થવા માટે જેલમાં જઈ શકે તેવી મહિલાઓને લઈને ચિંતાતુર છે.
કૅરેન માટે, પોતાની કથની કહેવી એ તે મહિલાઓને મદદ કરવાનો એક માર્ગ છે.
કૅરેન કહે છે, "એવી બાબતો છે જે મને હજી પણ દુઃખ પહોંચાડે છે અને તે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. પરંતુ તેમના વિશે વાત કરવાથી અન્ય કેસોને બનતા અટકાવવામાં મદદ મળી શકે છે અને હજુ પણ જેલના સળિયા પાછળ છે તેવા મારા સાથીઓને પણ મદદ મળે છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












