રાજસ્થાન : ત્રણ સગી બહેનો અને એમનાં બાળકો એકસાથે કઈ રીતે ખતમ થઈ ગયાં?
- લેેખક, મોહરસિંહ મીણા
- પદ, જયપુરથી બીબીસી હિન્દી માટે
ખેતરમાં સર્જિકલ ગ્લોવ્ઝ અને માસ્ક વિખરાયેલા પડ્યા છે. એની નજીકમાં જ ખેતરની શેઢે એક ઊંડો કૂવો છે. કૂવાની બહારની જમીન ભીની છે, લાગે છે કે થોડા સમય પહેલા જ કૂવામાંથી પાણી કાઢીને જમીન પર છાંટવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
29મી મેના રોજ બપોરે 1.30 વાગ્યાની આસપાસ અમે અહીં પહોંચ્યા તેની થોડી મિનિટો પહેલાં જ આ કૂવામાંથી નવજાત શિશુનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
આ એ જ કૂવો છે જ્યાંથી ત્રણ સગી બહેનો ( 27, 23 અને 20વર્ષની ઉંમર ) અને 28 મેના સવારે તેમના એક ચાર વર્ષના તથા 25 દિવસનાં બે નવજાત બાળકોના મૃતદેહ બહાર બહાર કાઢવામા આવ્યા હતા.
મૃતક ત્રણ બહેનો પૈકી બે બહેનો પણ સાત અને નવ માસની ગર્ભવતી હતી. આ મૃતદેહો ત્રણ દિવસ સુધી કૂવામાં પડી રહ્યા હતા.
આત્મહત્યા એ એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો તમે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
જયપુર-અજમેર હાઇવે પર, જયપુરથી લગભગ 65 કિમી દૂર, દૂદૂ ફ્લાયઓવરથી થોડાક મીટર આગળ મીણાઓનો મહોલ્લો છે.
આ મહોલ્લામાં બે ગલી આગળ જતાં આ મૃતક યુવતીઓનું સાસરું છે. સાસરિયાના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર એક ખેતરમાં એ કૂવો છે, જ્યાં એકસાથે સાત જીવના મૃત્યુ થયાં છે.

વૉટ્સઍપ સ્ટેટસ સેટ કરીને લાપતા
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
જયપુર-અજમેર હાઈવે પર દૂદૂથી પાંચ કિલોમીટર દૂર છપ્યા ગામમાં ત્રણ બહેનોનું પિયર છે. ગમગીન વાતાવરણમાં પરિવારના સભ્યો અસ્થિવિસર્જન માટે હરિદ્વાર જવાની તૈયારી કરી રહ્યા હતા.
ઘરબહાર રાખેલી શોકસભામાં મૃતક યુવતીઓ અને બાળકની તસવીરની બાજુમાં બેઠેલા મૃતકના ભાઈ છિતરમલ મીણા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "25 મેના રોજ બપોરે માસાજીએ જોયું કે નાની બહેને વૉટ્સઍપ સ્ટેટસ મૂક્યું હતું કે 'જીવવા કરતાં મરી જવું સારું છે. પરિવાર અમારી ચિંતા ન કરે.' સ્ટેટસ જોઈને તેમના સાસરે દુદુ ગયા તો ત્યાં બહેનો નહોતી."
શોકસભામાં હાજર મૃતક યુવતીઓના ભાઈ બનવારી મીણા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "બપોરે 2:30 વાગ્યાની આસપાસ માસાજીનો ફોન આવ્યો કે બહેનોએ આવું વૉટ્સઍપ સ્ટેટસ કેમ મૂક્યું? અમે તરત જ દૂદૂ ગયા, પરંતુ તેના સાસરિમાંથી કોઈએ બહેનો ક્યાં છે તે વિશે કંઈ ન કહ્યું. અમે સંબંધીઓને ફોન કર્યો અને ઘણી શોધ કરી પણ બહેનો ન મળી."
તેમણે કહ્યું, "પછી અમે પોલીસને ફરિયાદ કરી અને પોલીસે પણ ઘણી શોધખોળ કરી પરંતુ ક્યાંયથી કોઈ માહિતી મળી ન હતી. પોલીસે અને અમે ત્રણ દિવસ સુધી શોધખોળ કરી પરંતુ ક્યાંય બહેનો ન મળી. એ બાદ 28 મેના રોજ સવારે દસ વાગ્યાની આસપાસ શોધખોળ દરમિયાન તમામના મૃતદેહો એક કૂવામાંથી મળી આવ્યા હતા."
જયપુર ગ્રામ્ય પોલીસઅધિક્ષક (એસપી) મનીષ અગ્રવાલે બીબીસીને જણાવ્યું કે, "25 મેના રોજ સાસરિયા પક્ષ તરફથી ગુમ થવાની ફરિયાદ મળી હતી. 26 મેના રોજ મહિલાના પિતાએ આઈપીસીની કલમ 498A હેઠળ કેસ દાખલ કર્યો હતો. 28 મેના રોજ મૃતદેહ મળી આવ્યા બાદ કલમ 304 પણ ઉમેરવામાં આવી છે."
શું પોલીસ વૉટ્સઍપ સ્ટેટસને મૃતકનું અંતિમ નિવેદન (સુસાઈડ નોટ) માની રહી છે?
બીબીસીના આ સવાલ પર દૂદૂ પોલીસઅધિકારી ચેતન રામ કહે છે, "વૉટ્સઍપ પર સ્ટેટસ સેટ કરવાનો મામલો સામે આવી રહ્યો છે. એસએફએલની ટીમ આમાં તપાસ કરી રહી છે, સત્ય શું છે તે એસએફએલના રિપોર્ટ પરથી બહાર આવશે."

સાસરિયા પક્ષની ધરપકડ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
દૂદૂના ડેપ્યુટી એસપી અશોક રાઠોડે જણાવ્યું હતું કે, "આ કેસમાં ત્રણેય મહિલાઓના પતિ, સાસુ અને જેઠાણીની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાંથી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ લેવામાં આવ્યા છે. એફઆઈઆરમાં પાંચેય આરોપીઓનાં નામ છે. "
દૂદૂના મીણા મહોલ્લામાં મૃતક મહિલાના સાસરિયાઓમાં સન્નાટો વ્યાપેલો છે.
ઘરમાં પ્રવેશતાં જ ત્રણ વૃદ્ધ મહિલાઓ બેઠી હતી. આ વૃદ્ધ મહિલાઓ ધરપકડ કરાયેલા પુરુષોનાં નાની નાનકી, માસી સંતરા અને ફુઈ બદામ મીણા છે.
બીબીસી સાથેની વાતચીતમાં સંતરા મીણા કહે છે, "બાળકના જન્મનો કાર્યક્રમ હતો, તેથી મહેમાનો ભેગા થઈ રહ્યા હતા. કોઈ લડાઈ-ઝઘડો થયો નહોતો, મને ખબર નથી કે આવું કેમ કરવામાં આવ્યું?"
સંતરા મીણાએ એમ પણ કહ્યું કે, "બધા પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતા. નાની અહીં બેઠી હતી અને તે ચૂપચાપ નીકળી ગઈ. ઘણી શોધ કરી પણ ક્યાંય ન મળી."
સંતરા કહે છે, "પોલીસ પહેલા બે છોકરા જગદીશ અને મુકેશને લઈ ગઈ. પછી બીજા દિવસે મોટા દીકરા નરસી અને તેમની સાસુને લઈ ગઈ."
મૃતકના સંબંધીઓ દ્વારા દહેજ અને મારપીટના આરોપો અંગે સંતરા મીણા કહે છે, "ખોટા આરોપો છે. અહીં દીકરીઓને ભણાવી રહ્યા હતા, બધો ખર્ચો આપતા હતા, પરીક્ષા આપવા જતી હતી. મોટી અને નાની તો સાચી હતી, પરંતુ વચલી જ બંનેને સાથે લઈ ગઈ. અગાઉ પણ દહેજનો કેસ કરાવ્યો હતો, ત્યારે એક લાખ રૂપિયા આપીને કેસ પાછો ખેંચાવ્યો હતો."
જોકે, મૃતક મહિલાના સાસરિયા (ઘર)ના એક પાડોશીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, "ત્રણેય બહેનો ઘણું ભણેલી હતી. આ છોકરાઓ દારૂ પીને તેમની સાથે માર-પીટ કરતા હતા, ક્યારેક ઝઘડા અને ચીસો સંભળાતી હતી. પરંતુ, કોઈ વચ્ચે પડતું નહોતું."
પાડોશી આ ઘટનાથી ઘણા પરેશાન જણાતા હતા. દુઃખી મનથી તેઓ કહે છે, "કોઈ ખુશીથી આપઘાત નથી કરતું, બહુ દુ:ખી થઈને સાત જીવ ખતમ થઈ ગયા."

સામૂહિક આત્મહત્યા પર સવાલ

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
ત્રણ સુશિક્ષિત સગી બહેનો આખરે આત્મહત્યા કેવી રીતે કરી શકે?
27 વર્ષનાં કાલુ મીણા પોતાના ચાર વર્ષ અને 25 દિવસના જીવનો અંત કેવી રીતે લાવી શકે? કેવી રીતે મમતા અને કમલેશ પોતાના ગર્ભમાં રહેલા સાત અને નવ મહિનાનાં બાળકોને આમ મારી શકે?
પિયર પક્ષ અને આજુબાજુના લોકો પણ સમજી શકતા નથી કે બધાએ એકમત થઈને એકસાથે સાત જીવનો અંત લાવવાનો નિર્ણય કેવી રીતે લીધો હશે?
મૃતક મહિલાઓના ભાઈ છિતરમલ મીણા ગંભીર આરોપ લગાવતાં કહે છે કે, "25 મેના રોજ બહેનો ઘરેથી ગઈ એ દિવસે તેમના ઘરે 5-6 મહેમાન આવ્યા હતા. અમને એમના ઉપર શક છે. ક્યાંક મારીને કુવામાં તો નહીં નાખી દીધા હોયને?"
તેઓ કહે છે, "કેવી રીતે બધાનું મન એકસાથે આત્મહત્યા કરવા માટે રાજી થઈ ગયું? કોઈ એકને તો લાગ્યું હશેને કે આત્મહત્યા નથી કરવી. અમને વિશ્વાસ નથી આવતો. અમે પોલીસને પણ આ વાત કહી છે."
જ્યારે બીબીસીએ દૂદૂ પોલીસ સ્ટેશનમાં દૂદૂના ડેપ્યુટી એસપી અશોક રાઠોડ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, "તેમના ઘરે મહેમાનો આવ્યા હતા. કાલુ મીણાને ઘેર બાળકનો જન્મ થયો હતો, જેમનું નામકરણ 26 મેના રોજ થવાનું હતું. આ ઘટના 25 મેના રોજ ઘટી હતી. અમે તપાસ કરી રહ્યા છીએ."
આ મહિલાઓને શાળામાં ભણાવનાર તેમના શિક્ષક બજરંગલાલ બીબીસીને કહે છે, "આ છોકરીઓ બહુ હોશિયાર હતી. મમતા થોડા દિવસ પહેલા જ અલવરમાં પોલીસ કૉન્સ્ટેબલની ભરતીની પરીક્ષા આપીને આવી હતી. આટલી ભણેલીગણેલી છોકરીઓ એકમત થઈને આત્મહત્યાનું પગલું ભરી શકે એ સમજની બહાર છે."
મૃતકના ભાઈ બનવારી મીણાનો આરોપ છે કે, "સાસરીવાળા બહેનોને મારતા હતા. તેમની જેઠાણી પણ તેમને ટોણાં મારતી હતી. બહેનો ખૂબ જ પરેશાન હતી, તેઓએ ઘણી વખત અમને કહ્યું પણ હતું."

એક ચિતા પર અંતિમ સંસ્કાર

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
28 મેના રોજ સવારે કૂવામાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દરમિયાન ત્યાં હાજર સામાજિક કાર્યકર સોનુરામ મીણાએ બીબીસીને કહ્યું, "એસડીઆરએફની ટીમે કૂવામાંથી મૃતદેહોને બહાર કાઢ્યા. ત્રણ દિવસ સુધી કૂવામાં પડી રહેવાથી મૃતદેહો સડી ગયેલી હાલતમાં હતા."
તેમણે ઉમેર્યું, "મેડીકલ બોર્ડ દ્વારા તમામ મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગર્ભવતી મહિલાના પેટમાંથી બાળકને કાઢવામાં આવ્યું હતું."
પોસ્ટમૉર્ટમ પછી સંબંધીઓ મૃતદેહ લઈ ગયા અને પિયરમાં જ એક ચિતા પર બધાના અંતિમસંસ્કાર કર્યા હતા.
28 મેના રોજ મૃતદેહ મળ્યા બાદ 29 મેના રોજ બપોરે કૂવામાંથી વધુ એક નવજાતનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ અંગે દૂદૂના ડેપ્યુટી એસપી અશોક રાઠોડે જણાવ્યું હતું કે, "કદાચ આ બાળક નીચે પથ્થરોમાં દટાઈ ગયું હશે. એ ઉપર આવ્યા પછી ખબર પડી. મૃતકના પિયર પક્ષને જાણ કર્યા બાદ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે."

બાળવિવાહ બાદ પણ સ્નાતક

ઇમેજ સ્રોત, MOHAR SINGH MEENA/BBC
દૂદૂમાં જયપુર-અજમેર હાઈવેની એક તરફ મૃતક મહિલાઓનું પિયર છે અને બીજી તરફ સાસરિયું છે. બંને વચ્ચે લગભગ સાત કિલોમીટરનું અંતર છે.
વર્ષ 2005માં નાની ઉંમરે ત્રણ બહેનો કાલુ દેવી, મમતા અને કમલેશનાં લગ્ન મીણાના મહોલ્લામાં રહેતા ભંવર મીણાના પુત્રો નરસી, જગદીશ અને મુકેશ સાથે થયાં હતાં.
ભંવર મીણા ઘણાં વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે.
મૃતક બહેનોના ભાઈ છિતરમલ મીણાએ જણાવ્યું હતું કે, "બે બહેનો સ્નાતક હતી. તેઓ શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતી, લગ્ન પછી પણ અભ્યાસ ચાલુ રાખ્યો હતો."
મૃતક બહેનોને શાળામાં ભણાવતા શિક્ષક બજરંગ લાલ કહે છે, "ત્રણેય બહેનો પહેલાંથી જ ભણવામાં હોશિયાર હતી. બાળલગ્ન હોવા છતાં, તેઓએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને સરકારી કૉલેજમાંથી સ્નાતક થઈ. કમલેશ ગ્રૅજ્યુએટ હતી, મમતા સૅન્ટ્રલ યુનિવર્સિટીમાંથી એમ.એ. કરી રહી હતી. તે સરકારી નોકરીની તૈયારી પણ કરી રહી હતી અને તેને ચોક્કસ નોકરી મળી પણ જાત."
બજરંગલાલ કહે છે, "આ બહેનોના પતિઓએ શાળાનું શિક્ષણ પણ પૂરું કર્યું નથી. ત્રણમાંથી કોઈએ સાતમા કે આઠમાથી વધુ અભ્યાસ કર્યો નથી."
બાળલગ્ન નિવારણ માટે ઘણાં વર્ષોથી કામ કરી રહેલાં ડૉક્ટર કૃતિ ભારતી આ ઘટના અંગે કહે છે, "દીકરીઓને ઊડવા માટે પાંખો તો આપવામાં આવે છે પરંતુ તેમના પગ બાળલગ્નની બેડીથી બાંધી દેવામાં આવે છે. જો યોગ્ય સમયે તેમને બાળલગ્નના બંધનથી મુક્ત કરવામાં આવી હોત તો કદાચ તે અને તેમનાં બાળકો અને ગર્ભના જીવ બચી ગયા હોત."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












