ગુજરાત : 'આ તારી મા છે કહીને મારી પાસે ન લાવતા' આમ કહીને બાળકીની કસ્ટડી પિતાને સોંપનાર માતાની કહાણી
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"જતિન(નામ બદલેલ છે) કાલે ઊઠીને 'આ તારી મા છે' કહીને બાળકીને મારી પાસે લઈને ના આવે તેવી શરતે બાળકી જતિનને આપવામાં આવે તો મને વાંધો નથી "
આ જુબાની કલોલ ટાઉનની કોર્ટ સમક્ષ એક માતાએ આપી હતી.

આ કિસ્સો ગુજરાતના કલોલનો છે જ્યાં મામા-ફોઈનાં દીકરા અને દીકરી એટલે ભાઈ-બહેન થતાં એક યુવક-યુવતીને પ્રેમ થયો પછી આ પ્રેમમાં સંમતિથી શારીરિક સંબધ બંધાયો અને તેનાથી એક દીકરીનો જન્મ થયો હતો.
દીકરીનાં માતા સમાજના ડરથી આ દીકરીની સાથે કોઈપણ પ્રકારનો સંબધ રાખવા માગતાં ન હતાં.
જ્યારે બાળકીના જૈવિક પિતા સહિત ત્રણ ઉપર એવો આરોપ મૂકાયો હતો કે, તેઓએ બે દિવસની બાળકીને અસુરક્ષિત જગ્યાએ ત્યજી દેવાની કોશિશ કરી હતી.
કલોલની ટાઉન કોર્ટના ઍડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દીપા ઠાકરે 28 એપ્રિલના રોજ ચુકાદો આપતા સાત વર્ષની દીકરીનો કબજો તેના જૈવિક પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.
'કાલે ઊઠીને દીકરી સાથે કોઈ સંબંધ મારી સામે આવવો ન જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, કોર્ટે એ બાબતની ગંભીર નોંધ લેતા કહ્યું હતું કે, "જ્યારે કોર્ટ દ્વારા માતાને પૂછવામાં આવ્યું કે, દીકરી કોઈને પણ આપવામાં આવે તમને કોઈ વાંધો છે? તેના જવાબમાં માતાએ જણાવ્યું હતું કે 'ના' પરંતુ એ દીકરીનો કોઈપણ સંબધ કાલે ઊઠીને મારી સાથે રહેવો જોઈએ નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જવાબથી કોર્ટે નોંધ્યું હતું કે, "માતા બાળકી સાથે કોઈપણ પ્રકારની સાહજિક લાગણી નહીં ધરાવતા હોવાનું ફલિત થાય છે."
કેસનો ઘટનાક્રમ જોઈએ તો, 5 ઑક્ટોબર 2015ના રોજ સવારે સાડા નવ વાગ્યાના સુમારે ત્રણ વ્યક્તિ અર્જુનપુરા બસસ્ટૅન્ડ પર બે દીવસની નવજાત બાળકીને અસુરક્ષિત જગ્યાએ ત્યજી દેવાની કોશિશ કરી હતી.
ગામલોકોએ ત્રણેયને પકડીને પોલીસને જાણ કરી હતી. આ ત્રણેય આરોપીઓ પૈકી એક બાળકીના જૈવિક પિતા જતિન હતા. અન્ય બે પૈકી જતિનનાં માતા અને બહેન હતાં.
ત્રણેય સામે આઈપીસીની કલમ 317 અને 114 હેઠળ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બે દિવસની બાળકીને ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં ત્રણ દિવસની સારવાર આપવામાં આવી હતી.
બાળકી સ્વસ્થ થતાં તેને અમદાવાદમાં એક શિશુગૃહમાં મોકલી દેવામાં આવી હતી. હાલમાં તે અમદાવાદમાં જ એક અનાથાશ્રમમાં ઉછરી રહી છે.
અનાથાશ્રમમાં બાળકીનાં માતા એકવાર પણ ન ગયાં

ઇમેજ સ્રોત, Getty Images
આ સમગ્ર કેસ છ વર્ષ, બે મહિના અને 18 દિવસ ચાલ્યો હતો. જેમાં છ જુબાની અને 17 દસ્તાવેજી પુરાવાના અભ્યાસના આધારે કલોલ કોર્ટે દ્વારા તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. સાથે બાળકીનો કબજો તેના જૈવિક પિતાને સોંપવાનો આદેશ કર્યો હતો.
બાળકીની માતાએ કોર્ટમાં આ પ્રમાણે જુબાની આપી હતી, "મને કોઈ પૂછે કે દીકરી કોની છે? તો તેનો જવાબ આપવામાં મને શરમ આવે. મારા અને જતિનના સંબધના પરિણામે દીકરી જન્મી છે અને અમે બંને સંબંધમાં મામા-ફોઈનાં સંતાનો હોવાથી અમારી બદનામી થશે એ વાતથી અમે ડરી ગયાં હતાં."
આગળ માતાની જુબાની છે કે, "એ વાત ખરી છે કે, સમાજની બીક ન હોત તો અમે બંને જણાએ જે તે વખતે દીકરીને અમારી પાસે રાખી લીધી હોત."
"એ વાત પણ ખરી છે કે આજે મારે મારી દીકરીને મારી પાસે રાખવી નથી. તેનું કારણ એ છે કે, મને સમાજની બીક લાગે છે."
"મને કોઈ પૂછે કે આ બાળકી કોની છે? તો તેનો જવાબ આપવામાં મને શરમ અને સંકોચ થાય. એટલે બાળકી રાખવી નથી."
બાળકીનાં માતાની જુબાનીની નોંધ સાથેના ઑર્ડરમાં લખવામાં આવ્યું છે કે, "મહિલા અને બાળકીનાં માતા હોવા છતાં એમને જ બાળકીના ભવિષ્યની ચિંતા કર્યા વગર ઉપરોક્ત તમામ સ્વીકૃતિ આપેલ છે."
"આ સ્વીકૃતિથી એ હકીકત પણ સ્પષ્ટ થાય છે કે, આરોપીઓ જે તે વખતે સમાજમાં બદનામીથી ડરી ગયેલ હતા. આરોપીઓનો હેતુ બાળકીને ત્યજી દેવાનો હતો તેવી હકીકત રેકર્ડ પર ફલિત થતી નથી."
બાળકીએ કોર્ટમાં પિતાને ઓળખ્યા, માતાને નહીં

ઇમેજ સ્રોત, Getty Images
કોર્ટ ઑર્ડરમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે, " બાળકીના પિતાની શરૂઆતથી જ બાળકીનો કબજો તેમને સોંપવાની માગણી છે. આ અનુસંધાને ઓઢવ શિશુગૃહ બાળકીના પિતાની બાળકીની મુલાકાતની મંજૂરી ન આપતા હોવાથી તેમણે ફરિયાદ કરી હતી."
"જેને માન્ય રાખવામાં આવી હતી. બાળકીને અદાલતમાં હાજર રાખવા માટે નોટિસ આપવામાં આવી હતી. જે અનુસંધાને સાત સપ્ટેમ્બર 20121ના રોજ બાળકીને કોર્ટમાં હાજર રાખવામાં આવી હતી."
"દરમિયાન બાળકીની પૂછપરછ કરતા એ હકીકત સામે આવી હતી કે પાછલાં વર્ષો દરમિયાન બાળકીનાં માતા એકપણ વખત બાળકીને મળવાં ગયાં નથી. જેથી બાળકી તેનાં માતાને ઓળખી બતાવતી નથી."
કોર્ટના આદેશમાં નોંધવામાં આવ્યું છે કે, "માતા બાળકનો કબજો લેવા માગે છે કે કેમ તેવું પૂછતાં તેઓ સ્પષ્ટ ના પાડે છે. બાળકીના પિતાને કસ્ટડી આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી તેવું જણાવે છે."
"તદુપરાંત ભારપૂર્વક એવું પણ કહે છે કે, ભવિષ્યમાં પણ તેમની બાળકીની માતા તરીકે ઓળખાણ કાઢીને હેરાન પરેશાન ન કરવામાં આવે તેવી શરતે બાળકીના પિતાને કસ્ટડી આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી."
બાળકીનાં માતાનો જવાબ આશ્ચર્ય પમાડે તેવો છે અને તેથી પણ વધુ દુઃખ ઉપજાવે તેવો છે."
બીબીસી દ્વારા આ કેસના વકીલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે કેસ સંદર્ભે કોઈપણ ટિપ્પણી કરવા અસમર્થતા બતાવી હતી.
"આપણા સમાજમાં કુંવારી માતા શબ્દ છે પરંતુ કુંવારા પિતા શબ્દ નથી"

ઇમેજ સ્રોત, Getty Images
આ કરુણાજનક અને આશ્ચર્યજનક ઘટના પાછળના સામાજિક સંદર્ભો અંગે વાત કરતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે, "આપણે ત્યાં ગ્રામ્ય વિસ્તારમાં નાના સમાજના વર્તુળમાં જીવન જીવવાનું છે."
"આ સમાજમાં કુંવારી માતાનું લેબલ લાગી જાય તો મહિલાએ લોકોના ટોણા સહન કરવા પડે છે. આપણે ત્યાં સમાજમાં લગ્નનું વર્તુળ 30થી 50 કિલોમિટરમાં હોય છે."
"લોકો એકબીજાને ઓળખતા હોય છે ત્યારે કોઈ યુવતી કુંવારી માતા બને તો તેને સમાજમાં સ્વીકારવામાં આવતી નથી."
" સમાજની આ માન્યતાને કારણે મહિલા એકલી પડી જતી હોય છે. સમાજમાં રહેવા માગતી કોઈપણ યુવતી સમાજના ડરથી આ કિસ્સાની મહિલા જેવું વલણ અપનાવે તે સ્વાભાવિક છે. "
તેઓ ઉમેરે છે, "આપણા પુરુષ પ્રધાન સમાજમાં કુંવારી માતા શબ્દ છે પરંતુ કુંવારા પિતા જેવો શબ્દ નથી."
"જેથી જો કોઈ મહિલાથી ભૂલ થાય તો સમાજ તેને આજીવન આ લેબલથી જ ઓળખે છે. જેથી મહિલાનું આ વલણ સ્વાભાવિક છે."
"કુંવારી માતાને સમાજ ઘૃણાની દ્રષ્ટિએ જુએ છે. જ્યારે પિતા કુંવારા હોય અને બાળકની કસ્ટડી લીધી હોય તો તેને સમાજ ઘૃણાની દ્રષ્ટિએ જોતો નથી."












