ભારતમાં સાસરું, પાકિસ્તાનમાં પિયર, સરહદની આરપારનો આ સંસાર કેમ ચાલે છે?

ઇમેજ સ્રોત, Sarita Kumari
- લેેખક, દેવીના ગુપ્તા
- પદ, બીબીસી ન્યૂઝ
સિંધ પાકિસ્તાનના જૂના રાજપૂત રજવાડા ઉમરકોટમાં પોતાનું ઘર છોડીને નીકળેલાં એ વખતે 19 વર્ષનાં સરિતાએ વચ્ચે સિંધુ નદી આવી ત્યારે તેમાં સિક્કો નાખ્યો હતો અને નમન કરીને નદી પાર કરીને ભારત જવા માટે મંજૂરી માગી હતી.
એક નવા દેશમાં પરણીને, નવા દેશને હવે વતન બનાવવાના અને જીવનની એક નવી યાત્રાના આરંભે સરિતાએ નદીમાતાના આશીર્વાદ માગ્યા હતા.
1984માં રાજસ્થાનના ઘનેરાવ નામના ગામ પાસે સરહદ પાર કરીને સરિતાએ ભારતમાં પ્રવેશ કર્યો હતો અને ઠાકુર હિંમતસિંહ સાથે લગ્ન કર્યાં હતાં.
સરિતાકુમારીએ બીબીસીને કહ્યું, ''મારા પિતાએ મને આ રિવાજ શીખવેલો અને મેં પ્રેમથી તેને યાદ રાખીને નદીમાં સિક્કો નાખીને નદી પાર કરી હતી. રાજપૂત કન્યા પોતાના જ ગોત્ર અને પરિવારમાં લગ્ન કરી શકતી નથી.''
''પાકિસ્તાનમાં અમે માત્ર સોઢા રાજપૂતો બચ્યા છીએ એટલે મને નાનપણથી જ મનમાં હતું કે મારે ભારતમાંથી જ વરની પસંદગી કરવાની રહેશે. હું ભારત આવી ત્યારે 19 વર્ષની જ હતી.''
સરિતાકુમારીએ મને કહ્યું, ''મારાં લગ્ન લેવાયાં હતાં અને હું ભારત આવી ત્યારે પ્રથમ મારાં ભાવી સાસુએ મને જોઈ અને મારી કુંડળીને મેળવવામાં આવી. બાદમાં લગ્ન થયાં તે પછી જ મેં મારા પતિનું મોઢું જોયું હતું.''

'બનડીને કંઈ ન આવડે'

ઇમેજ સ્રોત, Sarita Kumari
સરિતાએ નવી સફરની શરૂઆત હિન્દી શીખવાની સાથે કરવાની હતી.
''આ તો રણમાં અંકાયેલી રેખા છે અને રાજસ્થાન અને સિંધ વચ્ચે સરહદ છે, પણ પ્રારંભમાં સાનુકૂળ થવામાં મુશ્કેલી નડી રહી હતી. રાજસ્થાનીમાં મને બધાં કહેતાં રહેતા 'બનડીને કુછ ના આવે' - કંઈ આવડતું નથી.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''હું અખબાર વાંચી શકું નહીં, બોર્ડ માર્યા હોય તે વાંચી શકું નહીં અને મૂંઝાતી રહેતી હતી. હિન્દી શીખતા મને વર્ષો લાગી ગયાં અને મારો દીકરો મોટો થતો ગયો તેની સાથે હું હિન્દી શીખતી રહી હતી. તેની સાથે રાજસ્થાની અને બાદમાં સંસ્કૃત પણ શીખી અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો.'
ભારતમાં તેમના સમાજમાં પણ પ્રારંભમાં તેની સામે પક્ષપાત થતો હતો તે સરિતાને યાદ છે. માત્ર ભાષા નહીં, પણ ખાણીપીણીમાં પણ ફેરફાર હતો અને તેને સ્વીકારવું પડ્યું હતું.

પિયર જવું જ્યારે બને છે મુશ્કેલ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારત આવ્યાં પછી પાંચ વર્ષે ભારતની નાગરિકતા મેળવનારાં સરિતાકુમારી હાલમાં એક પુસ્તક લખી રહ્યાં છે.
ભારતમાં પરણવાં આવતી હિન્દુ પાકિસ્તાની કન્યાઓને ઘરસંસાર અને રીતરિવાજો વિશે માહિતી આપવા તેઓ આ પુસ્તક લખી રહ્યાં છે.
તેમના પતિ 2017થી ધનેરાવના 18મા ઠાકુરસાહેબ બન્યા છે. એ વિસ્તારમાં તેમનો પરિવાર એક હોટલ અને લૉજ ચલાવે છે.
તેમને એક વાતનો અફસોસ રહી ગયો છે કે પિતાનું મૃત્યુ થયું ત્યારે પાકિસ્તાન જઈ શક્યા નહોતાં.
તેઓ કહે છે, ''90ના દાયકામાં બંને દેશો વચ્ચે સ્થિતિ તંગ થઈ ગઈ હતી અને ત્રણ-ચાર વર્ષ સુધી હું પાકિસ્તાન જઈ શકી નહોતી. મારા પિતાના અવસાન વખતે પણ હું જઈ શકી નહીં. મારાં સંતાનોને જોવા માટે પણ મોસાળમાંથી કોઈ આવી શક્યું નહોતું. પાકિસ્તાનમાં મારા પરિવારમાં કોઈ મુશ્કેલી હોય, માંદગી હોય હું જઈ શકતી નહોતી.''
સરિતાકુમારી સોઢાનાં માતા અને ભાઈઓ આજે પણ પાકિસ્તાનના ઉમરકોટમાં વસવાટ કરે છે. તેમના વડવાઓએ મુઘલ સમ્રાટ હુમાયુને આશરો આપેલો.
તે વખતે અકબરનો જન્મ ત્યાં થયેલો. આજે પણ ઉમરકોટની ભવ્યતાની સાક્ષી પૂરતી અનેક ઇમારતો ત્યાં ઊભેલી છે.

પ્યાર, ઇંતેઝાર અને ફૈઝની શાયરી

ઇમેજ સ્રોત, Shazman Mansoor
નહીં નિગાહ મેં મંઝીલ, તો જુસ્તજુ હી સહી
નહીં વિસાલ મયસ્સર તો આરઝુ હી સહી
ઉર્દૂના જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝની આ શાયરી પ્રેમીઓના વિરહને સારી રીતે વ્યક્ત કરે છે - પ્રેમીને મળવાનું શક્ય બનતું નથી, પણ તેને મળવાની ઇચ્છા અને મળવાની આશા છે તે પણ અત્યારે કાફી છે.
આવી જ લાગણી 42 વર્ષનાં શઝમાન મનસૂર અનુભવી રહ્યાં છે, કેમ કે 2008માં ભારત આવવાં નીકળ્યાં હતાં પણ કરાચીમાં ઍરપૉર્ટ પર ભારત જતી ફ્લાઇટ રદ થઈ ગઈ હતી.
સ્પેશિયલ વિઝા પર વતનની મુલાકાતે ગયેલાં શઝમાન ભારત પરત આવવાં માટે નીકળ્યાં હતાં. તેમના પતિ મનસૂર ભારતમાં મુંબઈમાં તેમની રાહ જોઈ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Shaznam Mansoor
મનસૂર અલી કહે છે, ''ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી હતી અને તેના કારણે સીધી ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ તેના કારણે બહુ પીડા ભોગવવી પડી છે. અમે ટેન્શનમાં આવી ગયા હતા, કેમ કે શઝમાન સમયસર પરત ના ફરે તો તેના વિઝા રદ થઈ જાય.''
''ચાર દિવસ સુધી દોડધામ કરતાં રહ્યા અને આખરે શ્રીલંકાની ફ્લાઇટ કરાવી અને ત્યાંથી તે પરત આવી શકી.''
શઝમાન જેવી હજારો પાકિસ્તાની કન્યાઓ ભારતમાં લગ્ન કરીને ઠરીઠામ થઈ છે.
2005માં મનસૂર સાથે તેમનાં લગ્ન થયાં હતાં અને તેઓ ભારતમાં આવ્યાં હતાં. શઝમાને મને કહ્યું :
"મારા અબ્બાનું મૂળ શહેર બેંગલુરુ હતું. તેમના બાળપણમાં જ પરિવાર ભાગલા વખતે પાકિસ્તાન જતો રહ્યો હતો."
"બેંગલુરુની બાળપણની યાદો તેઓ ક્યારેય ભૂલ્યા નહોતા. તેની સાથે ફરી સંધાન થાય તે માટે જ તેઓ ઇચ્છતા હતા કે હું મનસૂર સાથે નિકાહ કરું એટલે હું તૈયાર થઈ ગઈ હતી."

ભારતમાં સંસાર માંડવાની શરૂઆત શૉર્ટ વિઝાથી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જોકે ભારતમાં આવીને વસવાનો અર્થ એ કે બંને દેશો વચ્ચે તંગદિલી થાય ત્યારે આવનજાવન કરવાનું મુશ્કેલ બની જાય.
પાકિસ્તાની કન્યાઓનાં લગ્ન ભારતમાં થાય ત્યારે શૉર્ટ ટર્મ વિઝા પર અહીં આવે છે અને અહીં નિયમિત સ્થાનિક પોલીસ સ્ટેશને હાજરી પુરાવવી પડતી હોય છે.
પોલીસ પોતાની રીતે પણ તપાસ કરતી રહે. બાદમાં લૉન્ગ ટર્મ વિઝા માટે અને આગળ જતાં નાગરિકતા માટે અરજી કરવાની હોય છે.
ડેક્કન હેરલ્ડ અખબારના એક અહેવાલ અનુસાર 2011થી માર્ચ 2020 સુધીમાં માત્ર 4085 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા અપાઈ છે.
આ જ સમયગાળામાં 15,000 બાંગ્લાદેશીઓને નાગરિકતા અપાઈ હતી. આ નાગરિકતા આપવામાં આવી તેમાં મહિલા અને પુરુષો કેટલા અને કયા ધર્મના લોકોને અપાઈ તેની વિગતો ગૃહ મંત્રાલયે જાહેર કરી નથી.
શઝમાનને 2018માં ભારતની નાગરિકતા મળી - તે વખતે તેમણે છેલ્લી વાર પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

ઇમેજ સ્રોત, Shaznam Mansoor
હવે તેઓ ભારતીય છે અને હાલના રાજકીય માહોલને ધ્યાનમાં રાખીને શઝમાન મોટા ભાગે પોતાના પાકિસ્તાની મૂળ વિશે વાત કરતાં હોતાં નથી.
તેમણે મને કહ્યું, "મેં એવો નિયમ રાખ્યો છે કે કોઈ વ્યક્તિને પ્રથમવાર મળતી હોઉં તો હું પાકિસ્તાનની છું એવી વાત ના કરું. લોકો કંઈક એવું બોલી જાય તો મારી લાગણી દુભાઈ શકે છે."
"એક વાર હું દીકરી સાથે પાર્કમાં હતી અને જુદી રીતે દુપટ્ટો નાખ્યો હતો. એક મહિલાએ આવીને મને પૂછ્યું કે તમે ક્યાંના છો? મેં કહ્યું કે હું પાકિસ્તાનની છું પણ તેણે તરત કહ્યું કે 'પાકિસ્તાનીઓ ત્રાસવાદીઓ હોય છે'. મને બહુ આઘાત લાગ્યો."
"કોઈ પાકિસ્તાન તો ગયું નથી પણ એવી છાપ પડી ગઈ છે કે પાકિસ્તાનના લોકો ત્રાસવાદી હોય છે. મારા કુટુંબની લાગણી આવી રીતે દુભાય તેમ હું ઇચ્છતી નથી."
તેમના પતિ મનસૂર સામે આવી સ્થિતિ આવે ત્યારે તેઓ શાંતિ રાખવા માટેની ટેકનિક અપનાવતા હોય છે કે પછી રમૂજની રીતે આખી વાતને લઈ લેતા હોય છે.
મનસૂર કહે છે : "હું શાંત રહું અને મનોમન 1થી 20 સુધી ગણું, કેમ કે મને જલદી ગુસ્સો આવી જતો હોય છે. લોકો મને કહે કે તમારે પાકિસ્તાનની છોકરી સાથે લગ્ન નહોતા કરવા જોઈતા એવું કહે ત્યારે ગુસ્સો આવે."
"લોકો મને સીધું પૂછી લે ત્યારે કહું કે ભારતીય બંધારણ પ્રમાણે બધા જ ભારતીયો ભાઈ અને બહેનો છે, તેથી મેં પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કર્યાં. તેના કારણે ઘણા હસી પડે અને તે રીતે ટેન્શન હળવું થઈ જાય."

'અમે કૅનેડિયન બનવા માગીએ છીએ'

ઇમેજ સ્રોત, Zoya Mir
મીર ઇરફાન હુસૈન નઝફી દુબઈમાં હતા ત્યારે 'હાશ્મી સુરમો' ક્યાં મળે તેની શોધ કરી રહ્યા હતા.
તેમને ખબર પડી કે એક પાકિસ્તાની સ્ટોરમાં મળતો હતો. મિત્ર માટે આ સુરમો લેવા પાકિસ્તાનની દુકાને તેઓ ગયા ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે સ્ટોરમાંથી તેમને ભાવી બેગમ પણ મળી જશે.
ઝોયા ફાતિમા રિઝવીને મીરના વાળ અને તીણો નાક-નકશો પસંદ પડી ગયાં. આખરે 2012માં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે ઝોયા માટે તે બહુ મોટો નિર્ણય હતો.
ઝોયા કહે છે, "મેં સાંભળ્યું હતું કે પાકિસ્તાની કન્યા નિકાહ કરીને ભારતમાં જાય ત્યારે ત્યાં બહુ મુશ્કેલી પડે છે. પ્રવાસ માટે પણ સરકારી મંજૂરીઓ લેવી પડે."
"હું તેનાથી ચિંતિત હતી એટલે મેં કહ્યું કે આપણે બીજા જ કોઈ દેશમાં, દુબઈ કે કૅનેડામાં રહીએ."
જોકે આવી સ્થિતિમાંય બંને દેશો વચ્ચેની દુશ્મનાવટને કારણે તેમણે લોકોના પક્ષપાતનો સામનો કરવો પડે છે.
મીર ઇરફાને મને જણાવ્યું, "મારો એક સારામાં સારો મિત્ર નિકાહમાં ના આવ્યો, કેમ કે તેને લાગ્યું કે હું ભારતને દગો આપી રહ્યો છું."
"મારાં કેટલાંક સગાંઓએ પાકિસ્તાની સગાંઓ સાથે તસવીરો પણ ના પડાવી, કેમ કે તેમના મનમાં ઇતિહાસની કડવાશ રહી ગઈ છે."
આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની વાત આવે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ થઈ જતી હોય છે.
મીર ઇફરાને મને જણાવ્યું, "હું કાયમ ભારતને સમર્થન આપું, જ્યારે ઝોયા પાકિસ્તાનને ટેકો આપે."
બંને હવે કૅનેડામાં વસી ગયાં છે. મીર ઇરફાન ઇચ્છે છે કે આ રીતે તેમની બંને દીકરી માતાપિતાનાં મૂળ સાથે જોડાયેલી રહી શકે.
તેઓ કહે છે, 'વિઝાની સમસ્યાને કારણે અમે બંને સાથે ભારત કે પાકિસ્તાન પ્રવાસ કરી શકતા નથી. હું મારી દીકરીઓ સાથે એક પરિવાર તરીકે ભારત અને પાકિસ્તાન બંનેનો પ્રવાસ કરવા માગું છું. આશા છે કે તે ઇચ્છા ઝડપથી પૂરી થાય.'
કૅનેડામાં રહીને આ દંપતી ભારત અને પાકિસ્તાનની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ આશા ફળીભૂત થશે કે કેમ તે બાબતમાં વક્રતા રહેલી છે એમ દંપતીને લાગે છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












