'ભાઈઓને જોતાં જ ઓળખી લીધા’, ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ પ્રથમ વખત કઈ રીતે મળ્યાં ભાઈબહેન?
- લેેખક, મોહમ્મદ ઝુબૈર ખાન
- પદ, બીબીસી ઉર્દૂ માટે, પાકિસ્તાનથી
"અમે ત્રણ ભાઈઓ છીએ. અમે જીવનભર એક બહેન માટે તરસતા રહ્યા છીએ. અમારાં માસી અને મામાની દીકરીઓને બહેન બનાવીને તેમની સાથે બહેનોના રિવાજ પૂરા કરતા હતા. નસીબે આટલા લાંબા સમય પછી બહેન સાથે મુલાકાત કરાવી છે. એટલા માટે હવે એ જ સારું છે કે બહેનને ઉતાવળે ભારતના વિઝા મળી જાય અને તે કેટલાક દિવસો માટે અમારી સાથે આવીને રહી શકે."

આ શબ્દો છે પંજાબના પટિયાલા જિલ્લાના શતરાના ગામમાં રહેતા ગુરમુખસિંહના.
ગુરમુખસિંહનાં બહેન મુમતાઝ પાકિસ્તાનના શેખુપુરા જિલ્લામાં રહે છે.
ભારતના ભાગલા દરમિયાન આ ભાઈ-બહેન છૂટા પડી ગયાં હતાં. અંદાજે બે વર્ષ પહેલાં તેમનો સંપર્ક થયો અને કેટલાંક અઠવાડિયાં પહેલાં તેમની મુલાકાત કરતારપુરમાં થઈ.
મુમતાઝબીબી કહે છે, "આપણા લોહીમાં ખૂબ સંમોહન હોય છે. હું એક નજરમાં જ મારા ભાઈઓને ઓળખી ગઈ હતી. હવે મારી એ જ ઇચ્છા છે કે કેટલાક દિવસો માટે હું તેમની સાથે રહેવા માટે જતી રહું અને કેટલાક દિવસો માટે તે મારી સાથે રહેવા માટે આવે."

વિખૂટાપડવાની અને ફરીથી મળવાની કહાણી

તેઓ કેવી રીતે વિખૂટાં પડ્યાં અને મળ્યાં? આ ભાઈ-બહેનોની મુલાકાતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ગુરમુખસિંહના 30 વર્ષીય ભત્રીજા સુખજિંદરસિંહે નિભાવી.
મિલનની આ કહાણી વિશે વાત કરતા સુખજિંદરસિંહે કહ્યું, "મેં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરા જિલ્લામાં આવેલા મારા ગામ સેખમ વિશે અમારા વડીલો પાસેથી ઘણું સાંભળ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમારા વડીલો એવું કહેતા કે તેમનું અસલી ગામ તો સેખમ જ છે. તો મારા માટે પણ સેખમ અસલી ગામ બની ગયું હતું."
સુખજિંદરસિંહ કહે છે, "હું વર્ષોથી પ્રયત્ન કરી રહ્યો હતો કે કોઈ રીતે સેખમ પહોંચી શકું. આના માટે અલગ-અલગ રીતો અપનાવતો હતો. કદાચ એના માટે મને એટલી નવરાશ મળી નહીં પણ કોરોના લૉકડાઉન દરમિયાન આ નવરાશ મળી ગઈ."
સુખજિંદરસિંહનું કહેવું છે, "સોશિયલ મીડિયા દ્વારા મેં શેખુપુરાના કેટલાક લોકોને શોધી નાખ્યા. આ પ્રકારે સોશિયલ મીડિયા પર પંજાબના વિંખૂટા પડેલા લોકોને મળાવવા માટે સક્રિય 'પંજાબી લહર પ્લેટફૉર્મ' સાથે વાતચીત થઈ, પરંતુ કંઈ થઈ રહ્યું નહોતું. જેમજેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો જુસ્સો વધતો ગયો"
સુખજિંદરસિંહ કહે છે કે તેના પછી તેમણે ગૂગલ મૅપ પર શેખુપુરા અને સેખમને સર્ચ કર્યાં. તેમનાં દાદીએ કહ્યું હતું કે સેખમની પાસે એક નહેર વહે છે. "હું ગૂગલ મૅપ પર આવા સ્થળની ઓળખ કરવામાં સફળ થઈ ગયો"
"ગામના નામને ગૂગલ મૅપ પર જોતાં જ મારાં બિમાર દાદીએ ઊભા થઈને કહ્યું કે આ મારું ગામ છે."
સુખજિંદરસિંહે કહ્યું કે તેના પછી મેં સોશિયલ મીડિયા પર સેખમ અને સેખમના લોકોને શોધવાનું શરૂ કર્યું. આ કામમાં સેખમના એક જનરલ સ્ટોર અબ્દુલ્લાનું સરનામું મળ્યું અને તેનો કૉન્ટેક્ટ નંબર મળી ગયો.
તેમણે કહ્યું, "હું આ નંબર પર વૉટ્સઍપ મેસેજ કરતો હતો પણ તેઓ જવાબ નહોતા આપતા. પછી મેં ફોન કર્યો પરંતુ કોઈ જવાબ આવ્યો નહીં, પણ મેં હઠ લીધી હતી. દર થોડા દિવસ પછી ફોન કરતો હતો કે કદાચ તે ફોન ઉઠાવી લે, પરંતુ મને લાગે છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને કારણે તેઓ ફોન ઉઠાવવા માગતા નહોતા."
સુખજિંદરસિંહ કહે છે, "પરંતુ એક દિવસ તે ફોન અબ્દુલ્લા જનરલ સ્ટોરના માલિકે તો ન ઉપાડ્યો, પરંતુ તેમની પાસે હાજર રાજા સિખો નામના એક યુવકે ઉઠાવ્યો. તે મારી સાથે વાત કરીને ખુબ ખુશ થયા અને આ રીતે અમારો કૉન્ટેક્ટ બની ગયો."
તેમણે કહ્યું, "રાજા સિખોને વધારે માહિતી ન હતી. પરંતુ તે તેમના વિસ્તારના મોટા ભાગના ઘરડા લોકોને જાણતા હતા. તેમણે મહેતાબ નામના એક વૃદ્ધ વ્યક્તિ સાથે મારો સંપર્ક કરાવ્યો હતો."
"ચોંકાવનારી વાત તો એ હતી કે જ્યારે મેં મેહતાબની સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે તે મારા દાદા પાલાસિંહને સારી રીતે જાણતા હતા."
સુખજિંદરસિંહ કહે છે, "જ્યારે તેમની સાથે વાતચીત શરૂ થઈ તો મેં તેમને કહ્યું કે પાલાસિંહનો પૌત્ર છું. તે પૂછવા લાગ્યા કે સેખમવાળા પાલાસિંહ, મેં હા કહ્યું અને એ સાથે જ જાણે માહોલ બદલાઈ ગયો. મહેતાબચાચા જોર જોરથી રડવા લાગ્યા, હું તેમના ડૂસકા સાંભળી રહ્યો હતો. તે રડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે પાલાસિંહ અને તેમના પિતા 'પાઘડીબદલ' ભાઈ હતા."
મહેતાબચાચા કહી રહ્યા હતા, "અમારો પરિવાર મુસ્લિમ છે અને પાલાસિંહ શીખ હતા. પરંતુ બંનેએ પાઘડી બદલીને એકબીજાને ભાઈ બનાવી દીધા હતા."
સુખજિંદરસિંહ કહે છે, "જ્યારે મેં તેમને કહ્યું કે મારા દાદા પાલાસિંહનું નિધન થઈ ગયું છે તો તે રડવા લાગ્યા. તે કેટલીક ઘટનાઓ વિશે જાણતા હતા, જ્યારે કેટલીક ઘટનાઓ વિશે ભૂલી ગયા હતા. પરંતુ મારા દાદા પાલાસિંહના નામને નહોતા ભૂલ્યા."
સુખજિંદરસિંહનું કહેવું છે, "અહીં યાદ રાખવાની વાત એ છે કે જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે સેખમમાં 30 શીખ અને 30 મુસ્લિમ પરિવાર રહેતા હતા, જેમાંથી 29 લાખ શીખ પરિવાર પાકિસ્તાન છોડીને આવ્યા હતા. એક પરિવારે ઇસ્લામધર્મ અંગીકાર કર્યો હતો."
તેમનું કહેવું હતું, "અહીંથી કહાણીમાં એક નવો વળાંક આવે છે. મહેતાબચાચાએ મારો સંપર્ક કમર હયાતના પરિવાર સાથે કરાવ્યો, જે ભાગલા પહેલાં ઇસ્લામ ધર્મ અપનાવી ચૂક્યા હતા અને આ પરિવારમાં એવા લોકો હાજર હતા જેમને વિભાજનની ઘટનાઓ વિશે ખ્યાલ હતો."
તેઓ કહે છે કે "તેમની સાથે વાત કર્યા પછી, મને એ ખ્યાલ આવ્યો કે જે ફોઈને મરેલી માનતાં હતાં તે જીવિત છે અને સારું જીવન ગુજારી રહ્યાં છે."

વિભાજન દરમિયાન દાદીની હત્યા

કમર હયાતે સુખજિંદરસિંહને વધારે મદદ કરી, આના પર આગળ ચર્ચા કરીશું. પહેલાં અમે એ જાણવાના પ્રયત્નો કર્યા કે પાલાસિંહની સાથે વિભાજન દરમિયાન શું થયું હતુ અને ભારતમાં તેમનું જીવન કેવી રીતે પસાર થયું.
સુખજિંદરસિંહ કહે છે, "જ્યારે ભાગલા પડ્યા તો તે સમયે મારા દાદા પાલાસિંહે પોતાના પરિવારની સાથે પાકિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ભારત તરફ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની ઉપર હુમલો થયો. જે જાણકારી મારા સુધી પહોંચી છે, તેના પ્રમાણે મારા દાદા પાલાસિંહ ત્યારે બે વર્ષની બાળકી અને આઠ વર્ષના બાળકના પિતા હતા."
તેમણે કહ્યું, "આ બાળકીને મારા દાદીએ પોતાના ખોળામાં રાખી હતી. જ્યારે ફાયરિંગ થયું તો દાદીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને કાફલામાં ભાગદોડ થઈ હતી. તે પછી દાદા કોઈ રીતે પોતાના દીકરાને લઈને ભારત પહોંચ્યા. ભારત પહોંચ્યા પછી તે દીકરાનું અવસાન થઈ ગયું હતું."
તેમના કહેવા પ્રમાણે પાલાસિંહનું નામ સેખમ ગામના અનેક લોકોને આજે પણ યાદ છે કારણ કે તે વિસ્તારના ખૂબ મોટા જમીનદાર હતા.
સુખજિંદરસિંહનું કહેવું છે, "ભાગલાના કેટલાક સમય પછી પાલાસિંહ પોતાની દીકરી અને પત્નીની શોધમાં પાકિસ્તાન ગયા હતા. કેટલાક દિવસ પાકિસ્તાનમાં રહ્યા પણ હતા."
સુખજિંદરસિંહે કહ્યું, "તેમના દાદાએ ભારત આવીને દિવંગત પત્નીની બહેન સાથે લગ્ન કરી લીધાં."
"મારી સાચી દાદી એ છે જેમનું ગત વર્ષે નિધન થઈ ગયું. તે જીવનભર પોતાની બહેનને યાદ કરતી રહી."
શેખપુરામાં રહેતા કમર હયાત કહે છે, "મારા પિતા અને કાકાએ મને ભાગલા સમયની વાતો કહી હતી. હું મારી દીકરીઓને પણ કહું છું, કારણ કે અમે એક જ કબીલાના છીએ. "
"ક્યારેક ક્યારેક મને એવી ઇચ્છા જરૂર થાય છે કે ભારતમાં મારા કબીલાના લોકો સાથે મારો સંપર્ક શક્ય બને."
સુખજિંદરસિંહ સંપર્ક કર્યા પછી જ્યારે પણ વાત કરતા તો કહેતા, "મારી ફોઈ વિશે કહો. પહેલાં તો હું ખુદ થોડો ડરેલો હતો પરંતુ પછી મેં તેમની મદદ કરવાનું વિચારી લીધું હતું. પાલાસિંહની કહાણી એટલે પણ યાદ હતી કે જાણીતી હતી, કારણ કે તે ખૂબ જ ધનિક વ્યક્તિ હતા."

ત્રીસ હજાર રૂપિયા અને સોનું બાંધેલું હતું

કમર હયાત તે ઘટનાઓની પુષ્ટિ કરે છે કે અને સુખજિંદરસિંહ પાલાસિંહ વિશે કહે છે. તેઓ કહે છે, "મારા પિતા અને કાકાએ મને આ ઘટનાઓ વિશે કહ્યું હતું."
"વિભાજન વખતે પ્રવાસ દરમિયાન પાલાસિંહનાં પત્નીએ કમરમાં 30 હજાર રૂપિયા અને મોટા પ્રમાણમાં સોનું બાંધેલાં હતાં. તેઓ તેને પોતાની સાથે લઈ જવા માગતાં હતાં. પૈસા અને સોનું લૂંટી લેવાયાં અને તેમની દીકરી પાકિસ્તાનમાં રહી ગઈ."
કમર હયાત કહે છે, "તેમની આ નાની દીકરીને આ વિસ્તારના જ એક મોટા જમીનદાર ચૌધરી મુબારકઅલીએ દત્તક લીધી હતી. તેમણે તેને પોતાની દીકરી ગણી. ત્યાં સુધી ચૌધરી મુબારકઅલીને કોઈ સંતાન નહોતું. આ દીકરીનું નામ તેમણે મુમતાઝબીબી રાખ્યું હતું, બાદમાં તેમને બીજાં બાળકો પણ થયાં."
કમર હયાત કહે છે, "સુખજિંદરસિંહનો સંપર્ક કર્યા પછી તેમને એ તમામ યાદ આવ્યું કે જેનાં સંભારણાં એમણે સાંભળ્યાં હતાં. "
"જ્યારે આ ઘટનાઓને એકબીજા સાથે જોડવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આ મુમતાઝબીબી જ સુખજિંદરસિંહનાં ફોઈ છે. તે પછી સુખજિંદરસિંહની દીકરીઓ સાથે વાતચીત થઈ જે શેખપુરાનાં મોટાં ગણાય છે."
"પહેલાં તો તેઓ એ માનવા તૈયાર નહોતાં પરંતુ બાદમાં તેમણે પોતાના પરિવાર પાસેથી માહિતી મેળવી, તો તમણે જ નહીં મુમતાઝબીબીએ પણ સ્વીકાર કર્યો કે તે એ જ બાળકી છે જે વિભાજન સમયે પોતાના પિતાથી વિખુટી પડી ગઈ હતી."
મુમતાઝબીબીના દીકરા શાહબાઝ અહમદ વર્ક કહે છે, "શરૂઆતમાં તો અમને વિશ્વાસ ન થયો કે આવું પણ થઈ શકે છે, પરંતુ સત્ય તો સત્ય હોય છે જેને નકારી શકાય નહીં. અમે પણ આ સત્યને સ્વીકારી લીધું છે અને જ્યારે અમારા મામા પાકિસ્તાન આવ્યા હતા ત્યારે મારાં માતાએ તેમને મળીને ખૂબ ભાવુક થઈ ગયાં હતાં."

પોતાનું લોહી તો પોતાનું હોય છે

મુમતાઝબીબી આ સમયે શેખુપુરામાં આનંદથી જિંદગી જીવી રહ્યાં છે. તેઓ કહે છે, "આપણું લોહી તો આપણું જ હોય છે. લોહી એકબીજાને જોઈને ઉત્સાહિત થાય છે."
સુખજિંદરસિંહે સંપર્ક કર્યો તે પહેલાં તેમને ખ્યાલ નહોતો કે તેઓ પાલાસિંહનાં દીકરી છે.
તેઓ કહે છે, "જ્યારે મને ખબર પડી તો મને વિશ્વાસ જ ન આવ્યો પરંતુ પછી મને ખ્યાલ આવ્યો કે આ સત્ય છે."
મુમતાઝબીબીની જેમ જ તેમના દીકરા શાહબાઝ અહમદ વર્કે પણ આ અંગે વાત કરવાનો ઇનકાર કર્યો કે તેમને સત્ય ક્યાંથી જાણવા મળ્યું. કોના કહેવાથી તેમને વિશ્વાસ થયો? માત્ર એટલું કહ્યું કે 'મને સત્ય જાણવા મળ્યું છે અને તેમાં કોઈ શક નથી.'
મુમતાઝબીબીનું કહેવું છે, "કરતારપુરમાં થયેલી મુલાકાત ભાવુક કરનારી હતી. તેમાં મારા ભાઈઓને આપવા માટે આંસુ જ હતાં જે મેં બહુ આપ્યાં હતાં. હવે કોઈ મને અને મારા ભાઈઓને જોશે તો તે તરત ઓળખી જશે કે અમે ભાઈ-બહેન છીએ."
"મારા દીકરાઓએ ભારતના વિઝા લેવા માટે અરજી તૈયાર કરી રાખી છે. મને આશા છે કે હું જલદી ભારત જઈશ અને પછી મારા ભાઈ પાકિસ્તાન આવશે જ્યાં તે પોતાના ગામ સેખમને પણ જોશે."
સુખજિંદસિહ કહે છે, "મેં વીડિયો કૉલ દ્વારા મારા દાદાનું ઘર જોયું હતું. તે કંઈક વધારે બદલાયું નથી. બહારથી, હાલ પણ તે એવું જ છે જેવું મારા દાદીએ મને કહ્યું હતું. લાકડાના મોટા મોટા દરવાજા અને ઊંચી દીવાલો અને તે તમામ વસ્તુઓ. "
તેઓ કહે છે, "બસ મારી ઇચ્છા છે કે પહેલાં મારાં ફોઈ ભારત આવે અને પછી અમે સેખમ જઈએ. સેખમની પાસે વહેતી નહેરના કિનારે થોડો વખત વિતાવીશું અને એ ઘરને જોઈશું જ્યાં મારા દાદીએ પોતાનું બાળપણ અને જવાની પસાર કરી હતી."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












