ભારતના અનેક પ્રયાસો છતાં રૂપિયો કેમ વૈશ્વિક ચલણ નથી બની શકયો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આદર્શ રાઠોડ
- પદ, બીબીસી હિંદી માટે
અત્યાર સુધી અમેરિકન ડૉલરમાં ક્રૂડઑઇલ ખરીદતા ભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) પાસેથી કાચા તેલની ખરીદી રૂપિયામાં કરી છે.
ભારત ઘણા સમયથી રૂપિયાને વૈશ્વિક ચલણ બનાવાના પ્રયત્ન કરી રહ્યું છે અને એ માટે આ સોદો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જુલાઈમાં જ્યારે યુએઈ ગયા હતા, ત્યારે બંને દેશો વચ્ચે પોતપોતાના ચલણમાં વેપાર કરવાનો સમજૂતી થઈ હતી.
તે બાદ ભારતની ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલે યુએઈની અબુ ધાબી નૅશનલ ઑઇલ કંપની (એડનોક) પાસેથી દસ લાખ બેરલ ક્રૂડઑઇલ માટે ભારતીય રૂપિયામાં ચુકવણી કરી હતી.
ઊર્જાનો સૌથી વધુ વપરાશ કરતા દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે, પરંતુ તે પોતાના ઊર્જા વપરાશ પૈકી માત્ર 15 ટકા ઉત્પાદન જ જાતે કરે છે.
આવી સ્થિતિને કારણે આપણે ક્રૂડઑઇલ પર આધારિત રહેવું પડે છે. જેને ભારતમાં બનેલ રિફાઇનરીઓમાં પેટ્રોલ અને ડીઝલમાં જેવાં ઈંધણોમાં તબદીલ કરાય છે.
ભારત હાલમાં જેટલા પણ દેશો પાસેથી ક્રૂડઑઇલ ખરીદે છે, તેની ચુકવણી અમેરિકન ડૉલરમાં કરે છે.
આરબીઆઈએ 11 જુલાઈ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય રૂપિયાના ઉપયોગને વધારવા માટે આયાતકાર અને નિકાસકાર વચ્ચે રૂપિયામાં ચુકવણી કરવાની બાબતને મંજૂરી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ પ્રકારના પ્રયાસોની કોઈ ખાસ અસર જણાતી નથી.
ભારતના પેટ્રોલિયમ અને નૅચરલ ગેસ મંત્રાલયે તાજેતરમાં જ વિભાગ સંબંધિત સંસદની કમિટીને જણાવેલું કે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ક્રૂડઑઇલની આયાત માટે ભારતીય કંપનીઓએ રૂપિયામાં ચુકવણી નથી કરી.
મંત્રાલયનું કહેવું છે કે ઍડનૉક સહિતના ક્રૂડઑઇલના સપ્લાયર હજુ પણ ઑઇલને બદલે મળતા રૂપિયાને પોતાની પસંદગીના ચલણમાં ફેરવવા માટે લાગતા ખર્ચ અંગે ચિંતિત છે.
સંસદની કમિટીએ ગત અઠવાડિયે આ રિપોર્ટ સંસદમાં રજૂ કર્યો, જેમાં પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને સરકારી ઑઇલ કંપનીઓએ ક્રૂડઑઇલની સપ્લાઈ કરનારી કંપનીઓ સાથે ભારતીય રૂપિયામાં તેલ ખરીદવા માટે કોઈ કરાર કર્યો નથી.
રૂપિયો કેમ વૈશ્વિક ચલણ બની શકતો નથી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારત લાંબા સમયથી રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
આ વર્ષે જૂનમાં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં યોજાએલી બ્રિક્સ સમૂહના વિદેશમંત્રીઓની બેઠક પછી એક સંયુકત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં કહેવાયું હતું કે મંત્રીઓએ બ્રિક્સ દેશો અને કારોબારી સહયોગીઓ સાથે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થાનિક ચલણોને પ્રોત્સાહન આપવાના મહત્ત્વ પર ભાર આપ્યો હતો.
તે બાદ ભારતીય રિઝર્વ બૅન્કના એક વિભાગે પાંચ જુલાઈ 2023ના રોજ ભારતીય ચલણના આંતરરાષ્ટ્રીયકરણ માટે એક રોડમૅપ તૈયાર કર્યો હતો.
જોકે, આ પ્રકારની યોજનાને કોઈ મોટી સફળતા મળતી હોય તેવું લાગતું નથી.
જાણીતા ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજા આના માટે ભારતીય ચલણ સંપૂર્ણપણે "કન્વર્ટિબલ કરન્સી" ન હોવાની વાતને મુખ્ય કારણ માને છે.
અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) અનુસાર કોઈ પણ ચલણને ત્યારે જ કન્વર્ટિબલ કરન્સી કહી શકાય જ્યારે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તે ચલણને એક નિશ્ચિત દરે અન્ય કોઈ પણ આંતરરાષ્ટ્રીય રિઝર્વ ચલણ સાથે બદલાવી શકે.
રિઝર્વ ચલણ એટલે એવું ચલણ જે આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે અને જેને દેશોની કેન્દ્રીય બૅન્કો પોતાના વિદેશી ચલણ ભંડારના સ્વરૂપે રાખી શકે.
નરેન્દ્ર તનેજાએ કહ્યું, "સંપૂર્ણપણે કન્વર્ટિબલ કરન્સી ન હોવાને કારણે તમે જ્યારે રૂપિયા લઈને વિદેશ જાઓ અને તેને ત્યાના ચલણમાં બદલવા માગો, તો તે શક્ય નથી. જોકે, તમારી પાસે ડૉલર, પાઉંડ, યુરો કે યેન હોય તો વિદેશી ચલણમાં વિનિમય કરતી કોઈ પણ બૅન્ક તેને બદલી આપશે."
તેમણે ઉમેર્યું કે ઑઇલની ખરીદીના કિસ્સમાં પણ આવું જ થઈ રહ્યું છે. "મોટા ભાગના ઑઇલ સપ્લાયર ડૉલરમાં ચુકવણી ઇચ્છે છે અને જો તે આ પેમેન્ટ રૂપિયામાં લેશે તો તેમને આ રકમનો ભારતમાં જ ઉપયોગ કરવો પડે."
ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ કહ્યું, "તેઓ ભારતથી વસ્તુઓ ખરીદીને આયાત કરી શકે છે અથવા તો રોકાણ કે ટ્રેડિંગ કરી શકે છે. જોકે, ઑઇલ સપ્લાય કરતી કંપનીઓ કહે છે કે અમે માત્ર ઑઇલનો વેપાર કરીએ છીએ. જેથી અમે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં જ પેમેન્ટ સ્વીકારશું."
આ ઉપરાંત ઑઇલ કંપનીઓએ રૂપિયાને અન્ય કોઈ પણ ચલણમાં બદલવા માટે પણ ફી ચૂકવવી પડશે.
સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટમાં પેટ્રોલિયમ મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશને જણાવ્યું કે તેને ઑઇલ ખરીદવા માટે વધારે રકમ આપવી પડે છે, કેમ કે ક્રૂડઑઇલનો પુરવઠો પૂરો પાડનાર કંપનીઓ લેવડદેવડની પ્રક્રિયામાં થતો ખર્ચ પણ તેમની પાસેથી વસૂલે છે.
આ રિપોર્ટમાં કહેવાયું છે કે આરબીઆઈએ ગત વર્ષે ભારતના કારોબારી સહયોગી દેશોમાં રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપી હતી.
આ ઍકાઉન્ટને વોસ્ટ્રો ખાતું કહે છે, જેમાં ભારતીય બૅન્ક વિદેશી બૅન્કો માટે રૂપિયા રાખે છે.
આ વ્યવસ્થાને અનુરૂપ ભારતીય આયાતકારો રૂપિયામાં પેમેન્ટ કરી શકે છે, જેને સંબંધિત દેશની બૅન્કોના ખાસ વોસ્ટ્રો ખાતામાં જમા કરવામા આવે છે.
મંત્રાલયે કહ્યું છે કે ક્રૂડઑઇલની ખરીદી માટે ચુકવણી ભારતીય રૂપિયમાં કરી શકાય છે, પરંતુ એ વાત સપ્લાયર ઉપર આધારિત છે કે તે આ બાબતે બનાવેલ નિયમોનું પાલન કરે છે કે નહીં.
તનેજા કહે છે કે રૂપિયો સારું અને સ્થિર ચલણ છે, પરંતુ જ્યાં સુધી તેને સંપૂર્ણપણે કન્વર્ટિબલ કરન્સી નહીં બનાવાય ત્યાં સુધી આ સમસ્યા કાયમ રહેશે.
ચીનના ચલણ યુઆનમાં વેપાર કેમ વધ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ચીનનું ચલણ યુઆન સંપૂર્ણપણે કન્વર્ટિબલ કરન્સી નથી, પરંતુ તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ચીન માત્ર પોતાના ચલણમાં ઑઇલ જ નથી ખરીદતું, પરંતુ ઘણા દેશો સાથે વેપાર પણ કરે છે.
નરેન્દ્ર તનેજાએ જણાવ્યું કે કેટલીક વખત ભારતની ઑઇલ આયાત કરનાર કંપનીઓ પણ રશિયાથી ઑઇલ ખરીદવા માટે દુબઈની બૅન્કો થકી યુઆનમાં ચુકવણી કરી છે.
તનેજા કહે છે કે ઘણા દેશોને ચીન સાથે પોતાનો વેપાર યુઆનમાં કરવામાં કોઈ સમસ્યા નથી થતી, કારણ કે તેમનો દ્વિપક્ષીય વેપાર ખૂબ જ મોટો છે.
જાણીતા અર્થશાસ્ત્રી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના ભૂતપૂર્વ પ્રોફેસર અરુણકુમારે કહ્યું, "ચીન મોટા પાયે સસ્તા સામાનનું ઉત્પાદન કરે છે અને ઘણા દેશોમાં તેની નિકાસ કરે છે. ભારત પણ અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેમ કે મોબાઇલના સ્પેરપાર્ટ, દવા બનાવવાનો કાચો માલ અને ઇલેક્ટ્રિક સાધનો ચીનથી આયાત કરે છે."
તનેજાએ ઉમેર્યું કે એવો કોઈ દેશ નથી જે ચીનની સાથે વેપાર ન કરતો હોય, તેથી જ્યારે આ દેશો ઑઇલ કે બીજી કોઈ પણ વસ્તુ માટે ચીન પાસેથી યુઆનમાં પેમેન્ટ સ્વીકાર્યા બાદ ચીનથી વસ્તુઓની આયાત માટે યુઆનમાં ચુકવણી કરે છે.
આ રીતે યુઆન એવું ચલણ બની ગયું કે જે સંપૂર્ણપણે કન્વર્ટિબલ કરન્સી ન હોવા છતાં ઘણા દેશોમાં સ્વીકાર્ય છે.
રશિયા ઉપર રૂપિયો બોજો કેમ બન્યો?

ઇમેજ સ્રોત, Getty Images
વાણિજ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે આ વર્ષે ઑગસ્ટમાં જણાવ્યું કે ભારતે પોતાના પાડોશી દેશ નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભુતાન, ઈરાન, અને સહયોગી દેશ રશિયા સાથે રૂપિયામાં વેપાર શરૂ કર્યો છે.
જોકે, રશિયાએ ભૂતકાળમાં ભારત સાથે રૂપિયામાં વેપાર કરવાની વાતચીત અટકાવી દીધી હતી.
રશિયાના વિદેશમંત્રી સરગેઈ લાવરૉફ જ્યારે આ વર્ષે મે મહિનામાં શાંઘાઈ સહયોગ સંગઠનના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ગોવા આવ્યા હતા, ત્યારે તેમને જણાવેલું કે ભારતીય બૅન્કોમાં રશિયાના અબજો રૂપિયા પડ્યા છે, પરંતુ અમે તેનો ઉપયોગ નથી કરી શકતા.
આ વિશે તનેજાએ કહ્યું, “રશિયાના આ રૂપિયા ભારતીય બૅન્કોમાં છે. રશિયા પાસે હવે એક વિકલ્પ છે કે ભારતની કોઈ પણ કંપની કે બૅન્કમાં રોકાણ કરે. જોકે, રશિયાનુ કહેવું છે કે આ રકમ ખૂબ જ વધારે છે.”
ભારતના રાજદૂત પવન કપૂરે રશિયા-ઇન્ડિયા બિઝનેસ ડાયલૉગ ફોરમમાં કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચે 2022માં કારોબાર 27 અબજ ડૉલર પહોંચી ગયો હતો, પરંતુ તેમાં ભારતની નિકાસ માત્ર બે અબજ ડૉલર જ હતી.
કપૂરે ઉમેર્યું કે આયાત અને નિકાસની બાબતે સંતુલન હોવું જોઈએ. હાલની પરિસ્થિતિ એવી છે કે રશિયા ભારતથી થતી આયાતની સરખામણીએ 14 ગણી વધારે નિકાસ કરે છે.
જો રશિયા અને ભારત વચ્ચેનો કારોબાર બરાબર હોત તો આ સમસ્યા ન ઊભી થઈ હોત. યુએઈ પાસેથી રૂપિયામાં ઑઇલની ખરીદી આ વાતનું એક ઉદાહરણ છે.
નરેન્દ્ર તનેજાએ કહ્યું, "યુએઈમાં કામ કરતા ભારતીયો ત્યાંથી ડૉલરમાં રકમ મોકલે છે. યુએઈ સાથે ભારતના ઘનિષ્ઠ કારોબારી સંબંધ છે અને ઘણા દેશો સાથે ભારતનો વેપાર અને બિલિંગ યુએઈ થકી થાય છે."
"ઉદાહારણ રૂપે ભારતનો પાકિસ્તાન સાથે સીધો વેપાર નહિવત્ છે, તેમ છતાં પણ પાંચ અબજ ડૉલરનો ભારતીય સામાન યુએઈ થઈને પાકિસ્તાન પહોંચે છે. આ કિસ્સામાં આપણે યુએઈ સાથે રૂપિયામાં વેપાર કરીએ તો યુએઈને તેને કન્વર્ટ કરવામાં કોઈ તકલીફ પડતી નથી."
નિકાસને મજબૂત બનાવવી

ઇમેજ સ્રોત, Getty Images
રૂપિયાની સ્વીકાર્યતા વિશ્વમાં વધે તેના માટે શું કરવું જોઈએ?
આ સવાલનો જવાબ આપતા અર્થશાસ્ત્રી અરુણકુમાર કહે છે કે જ્યાં સુધી ભારતનો નિકાસ મજબૂત નહીં થાય ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રૂપિયાને કન્વર્ટિબલ કરન્સી તરીકે સ્વીકૃતિ નહીં મળે.
તેમણે ઉમેર્યું, "આપણું કારોબારી દેવું ખૂબ જ વધારે છે. આપણી પાસે અત્યારે 600 અબજ ડૉલર જેટલો વિદેશી ચલણનો ભંડાર છે, પરંતુ હકીકતમાં તે ઉધાર છે. આ એફડીઆઈ, પોર્ટફોલિયો ઇન્વૅસ્ટમેન્ટ અને ભારતીય કંપનીઓ તરફથી ઉધાર રૂપે લેવામાં આવ્યા છે. આ કમાણી નથી."
ચીનનું ઉદાહરણ આપતા કુમાર કહે છે કે ભારતથી ઊલટું ચીને 30 ખર્વ ડૉલરના વિદેશી ચલણની કમાણી કરી છે અને આ રકમ ચીને ફરી ચૂકવવાની નથી.
તેમણે ઉમેર્યું, "આપણું દેવું જો આપણે વિદેશી ચલણમા ચૂકવશું, તો ભંડારમા ઘટાડો થશે. રૂપિયાની સ્વીકૃતિ આપણે ત્યારે જ વધારી શકીએ જ્યારે આપણે વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ પર મજબૂત પકડ બનાવી શકીએ."
કુમારે જણાવ્યું "આપણે માત્ર કાચો માલ નિકાસ કરીએ છીએ. જ્યારે આપણી પાસે આયાત કરતાં નિકાસ વધારે હશે ત્યારે જ આપણે રૂપિયાને કન્વર્ટિબલ કરન્સી બનાવી શકીએ, પરંતુ તેના માટે નવી નવી ટેકનૉલૉજીની શોધ અને તેના વિકાસ પર કામ કરવું અત્યંત જરૂરી છે."












