ડૉલરની મજબૂતાઈ ભારત સહિત વિશ્વના અર્થતંત્ર માટે કેટલી ઘાતક છે?
ડૉલર સામે વિશ્વના મુખ્ય ચલણની નબળી પડી રહેલી સ્થિતિએ દુનિયાભરના દેશોની આર્થિક સમસ્યાઓમાં વધારો કર્યો છે.
આ સમસ્યા ડૉલરના મજબૂત થવાના એકમાત્ર કારણે નથી સર્જાઈ, પરંતુ અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ ઘણા દેશોની અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, અત્યારે વૈશ્વિક અર્થતંત્ર સામે જે પડકારો ઊભા થયા છે તેનું કારણ ડૉલર કે યુએસમાં વ્યાજદરમાં વધારો નથી. પરંતુ એ પણ હકીકત છે કે તેમણે આગમાં ઘી હોમવા જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે.
યુક્રેન-રશિયા યુદ્ધના કારણે સર્જાયેલા અનિશ્ચિતતાના વાતાવરણ અને વિશ્વભરમાં જે રીતે રોજબરોજની જરૂરિયાતોની માગ રેકૉર્ડ સ્તરે છે તેના પરથી આ પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ડૉલરના વધતા મૂલ્યને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં આર્થિક ગતિવિધિઓમાં સુસ્તી આવી છે અને મંદી ઘેરી બની છે.
મેક્સિકોમાં અર્થશાસ્ત્ર અને ફાઇનાન્સના પ્રોફેસર એડવર્ડો કાર્બાજાલ કહે છે, "ડૉલર મજબૂત થવાથી વૃદ્ધિને અસર થઈ રહી છે, કારણ કે મોંઘવારીએ માઝા મૂકી છે અને મોંઘવારી શિખર પર છે ત્યારે આ ઊંચા ફુગાવામાં ઊંચા વ્યાજદરો પડ્યા ઉપર પાટું સમાન છે."
પ્રોફેસર એડવર્ડોના અભિપ્રાય અનુસાર, "ડૉલરની મજબૂતાઈએ માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોનને મોંઘી કરી દીધી છે."
આ સ્થિતિનો અર્થ એવો થાય છે કે જ્યારે દેશ, કંપની અને જન સામાન્ય માટે વ્યાજે નાણાં લેવાનું વધુ મોંઘું બને ત્યારે આર્થિક પ્રવૃત્તિ ધીમી પડી જાય છે અને પહેલાંથી જ સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું વધુ મુશ્કેલ બની જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધું નાજુક સંતુલન પર આધારિત હોય છે એટલે અર્થતંત્રના સ્ટિયરિંગને જરા સરખું આડાઅવળું કરવાથી સિસ્ટમના અન્ય ભાગોને અસર થઈ શકે છે.

આયાત વધુ મોંઘી થશે

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય સલાહકાર કંપની એસ ઍન્ડ પી ગ્લોબલ રેટિંગ્સના વરિષ્ઠ અર્થશાસ્ત્રી એલિજાહ ઓલિવેરોસ-રોઝેન સમજાવે છે, "ડૉલરની મજબૂતાઈની બીજી અસર આયાત કરવામાં આવતી ચીજવસ્તુઓની કિંમત પર પડે છે. તેનાથી આયાતી ચીજવસ્તુઓ વધુ મોંઘી બને છે અને ફુગાવો વધે છે."
તેઓ ઉમેરે છે, "બીજી બાજુ જે દેશોએ તેમના દેવાં ડૉલરમાં ચૂકવવાના હોય છે, તેમના માટે આ ચુકવણી મોંઘી બની જશે. આનાથી એવા દેશો પર નાણાકીય દબાણ વધશે કે જેમની પાસે ખર્ચ કરવા માટે નાણાંનો અભાવ છે."
સરકારોને કોરોના મહામારીને કારણે ઓછા નાણાકીય બજેટ સાથે અર્થતંત્રને પાટા પર લાવવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
તેમની પાસે સામાજિક કાર્યક્રમો માટે બજેટનો અભાવ હશે. ઘણા દેશોમાં ઘણા લોકોને આવી મદદની જરૂર છે. એવા દેશો પણ છે જે ફુગાવાના ઊંચા દરનો સામનો કરી શકશે નહીં.
આખરે ડૉલરની મજબૂતાઈને કારણે લોકો ઓછા ખર્ચ કરશે અને અમેરિકા બહાર રોકાણમાં પણ ઘટાડો થશે. આનાથી વિશ્વભરના નાણાકીય બજારોમાં અસ્થિરતા વધુ ઘેરી બનશે. આવી સ્થિતિમાં આવનારા મહિનામાં દુનિયાભરના દેશોની અર્થવ્યવસ્થા માટે સ્થિતિ બહુ સારી જણાતી નથી.

ડૉલર વધુ કેટલો મજબૂત થશે?

ઇમેજ સ્રોત, Getty Images
બ્લૂમબર્ગ ડૉલર સ્પૉટ ઇન્ડેક્સ અનુસાર, ગયા વર્ષે વિશ્વના દસ સૌથી પાવરફુલ ચલણ સામે ડૉલર 12 ટકા વધ્યો હતો. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં ડૉલરના મૂલ્યમાં માત્ર સાત ટકાનો જ વધારો થયો છે.
ડૉલરના ઉપયોગ અને પ્રભાવને માપવા માટે બ્લૂમબર્ગ ડૉલર સ્પોટ ઇન્ડેક્સનો જ ઉપયોગ થાય છે.
અમેરિકાની સેન્ટ્રલ બૅન્ક યુએસ ફેડરલ રિઝર્વે ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી તેની સાથે આ બધું થયું છે. આ વધારો એ રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે કે વધુ કમાનાર પાસેથી વધુ ટૅક્સ વસૂલવામાં આવશે.
બજારનો અંદાજ છે કે ઓછામાં ઓછું વર્તમાન વર્ષમાં તો અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાનું વલણ ચાલુ રહેશે જ. બીજી તરફ આર્થિક અનિશ્ચિતતાના વાતાવરણ વચ્ચે રોકાણકારો તેમની મૂડીને સુરક્ષિત રાખવા માટે ડૉલર ખરીદી રહ્યા છે.
વિશ્વની અન્ય ઉન્નત અર્થવ્યવસ્થાઓ માટે ભારે પડકારની સ્થિતિ ઊભી થઈ છે. યુરો, સ્વિસ ફ્રેંક અને પાઉન્ડ સ્ટર્લિંગ જેવાં ચલણ તાજેતરના સમયમાં નબળાં પડ્યાં છે.

વિકાસશીલ અર્થતંત્રો માટે કેવડા મોટા પડકારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
લેટિન અમેરિકાથી લઈને ભારત જેવા વિકાસશીલ અર્થવ્યવસ્થા ધરાવતા દેશો સાથે પણ આવું જ કંઈક થઈ રહ્યું છે.
તેઓએ તેમના ચલણનું અવમૂલ્યન થતું અટકાવવા માટે વ્યાજદરો વધારવા પડશે. ભારતે પણ રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે.
આર્જેન્ટિના, ચિલી અને કોલંબિયા જેવા દેશોમાં 2021થી અત્યાર સુધીમાં તેમના ચલણની ખરીદશક્તિમાં 27% ઘટાડો થયો છે. જોકે, બ્રાઝિલ વધુ સારી સ્થિતિમાં છે. આ જ સમયગાળામાં તેનું ચલણ 3.7% મજબૂત થયું છે.
નિષ્ણાતો કહે છે કે જો મોંઘવારી પર અંકુશ મેળવવામાં સફળતા મળે તો જ આ બગડતી સ્થિતિને સંભાળી શકાય. આવી સ્થિતિમાં વ્યાજદરમાં વધારો કરવાનો ક્રમ ચાલુ રહેશે.
જો આમ થશે તો વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને પાટા પર પાછા આવવામાં ઘણો સમય લાગશે.

મૂડી બહાર જતી રહે છે ત્યારે...

ઇમેજ સ્રોત, Getty Images
આવું સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. એટલે અર્થશાસ્ત્રીઓ કહે છે કે આપણે મોંઘવારીને કારણે મંદીનો સામનો કરી રહ્યા છીએ અથવા આપણે તે સ્થાને પહોંચી ગયા છીએ. આનો અર્થ એ થયો કે આપણે ઊંચી મોંઘવારી સાથે નીચા વિકાસની સ્થિતિનો સામનો કરવો પડશે.
આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું અનુમાન છે કે યુરોપ અને અમેરિકા મંદીના વમળમાં ફસાઈ શકે છે અને ચીન પણ મંદીની ઝપેટમાં આવી શકે છે અને લોન લેવી મોંઘી થતી રહેશે.
યુએસમાં ઊંચા દરને કારણે રોકાણકારો માટે આ બજાર વધુ આકર્ષક બની ગયું છે. આ રોકાણકારો તેમના નાણાં ઉભરતી અર્થવ્યવસ્થામાં મૂકીને તેમની મૂડી જોખમમાં મૂકવા માગતા નથી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












