ગાઝામાં અડધાંથી વધારે જળકેન્દ્રોને નુકસાન પહોંચ્યું કે બરબાદ થઈ ગયાં : બીબીસી વેરિફાઈ

- લેેખક, કેલીન ડેવલિન, મરિયમ અહમદ અને ડેનિયલ પાલુમ્બો
- પદ, બીબીસી વેરિફાઈ
બીબીસી વેરિફાઈને સેટેલાઇટ થકી મળેલી જાણકારીની તપાસ બાદ જાણવા મળ્યું છે કે હમાસ સામે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીની શરૂઆતથી ગાઝામાં સેંકડોની સંખ્યામાં પાણી અને શૌચાલય સંબંધિત સુવિધાકેન્દ્રોને નુકસાન પહોંચ્યું છે કે પછી તે બરબાદ થઈ ગયાં છે.
જરૂરી ચીજોની આપૂર્તિ કરવા માટે ઉપયોગી ડૅપોના સમારકારનું કામ ગંભીર રીતે ખોરંભે ચડ્યું છે. સહાયતા એજન્સીઓનું કહેવું છે કે સ્વચ્છ જળની તંગી અને વગર ટ્રિટમૅન્ટે છોડવામાં આવતું ગટરનું પાણી સામાન્ય લોકોના આરોગ્ય માટે જોખમ ઊભું કરી રહ્યું છે.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે(આઈડીએફ) બીબીસીને કહ્યું કે હમાસ નાગરિક સુવિધાઓનાં કેન્દ્રોનો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે.
માનવાધિકારો માટે કામ કરતા વકીલોનું કહેવું છે કે યુદ્ધના નિયમો અંતર્ગત એ વાતના પુરાવા નહોતા કે અતિમહત્ત્વપૂર્ણ બુનિયાદી ઢાંચાનો સૈન્ય માટે ઉપયોગ થતો હોય. તેમનું એવું પણ માનવું છે કે એ ઇઝરાયલની જવાબદારી છે કે તે સંબંધિત બાબતોની સુરક્ષા કરે. જોકે, એવું થયું નથી અને ત્યાં બરબાદી થઈ છે.
ગાઝામાં સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા હંમેશથી ઘણી સીમિત રહી છે. ગાઝામાં પાણીની આપૂર્તિ વ્યાપક રીતે ભૂજળ સ્રોતો અને ખારા પાણીને સ્વચ્છ બનાવતાં જળસંયંત્રો પર નિર્ભર છે.

ઇમેજ સ્રોત, Getty Images
અમારા વિશ્લેષણમાં આ બાબત સામે આવી છે કે સાત ઑક્ટોબરે થયેલા હમાસના હુમલા બાદ ગાઝા પર ઇઝરાયલી જવાબી કાર્યવાહીમાં ત્યાં કામ કરી રહેલાં મહત્ત્વપૂર્ણ જળસંયંત્રો પૈકીનાં અડધાથી વધુને કાં તો નુકસાન પહોંચ્યું છે કે કાં તો પછી તે નષ્ટ થઈ ગયાં છે.
અમને એ પણ ખબર પડી કે ગટરનું પાણીનું શુદ્ધિકરણ કરતાં છ સંયંત્રોમાં ચારને નુકસાન પહોંચ્યું છે કાં પછી તે બરબાદ થઈ ગયાં છે.
આ સુએજ ટ્રીટમૅન્ટ સંયંત્રો ગંદા પાણીને એકત્ર કરવા અને બીમારીને રોકવા માટે મહત્ત્વનાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સહાયતા એજન્સીએ જણાવ્યું કે ઇંધણ અ અન્ય બીજી ચીજવસ્તુઓની આપૂર્તિની અછતને કારણે બાકી અન્ય બે સુએજ ટ્રીટમૅન્ટ પ્લાન્ટ પણ કામ કરતા બંધ થઈ ગયા છે.
આ સુએજ ટ્રીટમૅન્ટ પ્લાન્ટ એ 600 પાણી અને સ્વચ્છતાસુવિધા કેન્દ્રો પૈકીનાં એક હતાં, જેમનું અમે વિશ્લેષણ કર્યું. આ યાદી અમે ગાઝાની 'કૉસ્ટલ મ્યૂનિસિપાલિટીઝ વૉટર યુટિલિટી'(સીએમડબલ્યુ) એજન્સીએ પૂરી પાડી હતી.
ગાઝાના દક્ષિણમાં આવેલા ખાન યૂનિસની એક સેટેલાઇટ તસવીરમાં પાણીની બે મોટી સ્ટોરેજ ટૅન્ક ક્ષતિગ્રસ્ત અવસ્થામાં જોઈ શકાય છે.

સહાયતા એજન્સી ‘મેડેસિંસ સેન્સ ફ્રંટિયરેસ યુકે’નાં કાર્યકારી નિદેશક ડૉક્ટર નાતાલી રૉબર્ટ્સ કહે છે, “જળ અને સ્વચ્છતા સુવિધાકેન્દ્રોની બરબાદીને કારણે સામાન્ય લોકોના આરોગ્ય માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે.”
તેઓ વધુમાં ઉમેરે છે, “ઝાડાની બીમારીના કિસ્સા મોટા પ્રમાણમાં વધ્યા છે.”
આ સહાયતા એજન્સીના જણાવ્યા પ્રમાણે, ગંભીર મામલામાં આ બીમારીને કારણે બાળકોનાં મૃત્યુ પણ થઈ રહ્યાં છે. ગંદા પાણીને કારણે હિપેટાઇસીસ એ નામની બીમારી વધી છે જે ગર્ભવતી મહિલાઓ માટે વધારે જોખમકારક છે. ડૉક્ટર નાતાલી રૉબર્ટ્સ કહે છે, “આ લોકોનો જીવ લે છે.”
ડૉક્ટર રૉબર્ટ્સ કહે છે કે રફાહમાં આ બીમારી વધે છે અને ત્યાં કૉલેરા ફાટી નીકળવાનું જોખમ પણ વધ્યું છે.
સાત ઑક્ટોબર બાદ ગાઝામાં ઇમારતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા પ્રમાણે અત્યારસુધી ગાઝામાં 69 હજાર ઘરો તબાહ થઈ ચૂક્યાં છે અને 2.90 લાખ ઘરોને નુકસાન પહોંચ્યું છે.
અમે જે સહાયતાકર્મીઓ સાથે વાતચીત કરી, તેમણે જણાવ્યું કે સામાન્ય લોકોના ઘરમાં પાણીની આપૂર્તિ થઈ રહી હોય એ બાબતની શક્યતા ઘણી ઓછી છે.
બીબીસી સેટેલાઇટ વિશ્લેષણ

બીબીસીએ સંયુક્ત રાષ્ટ્ર તથા હ્યુમન રાઇટ્સ વૉચને પૂછ્યું કે સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરવાની કઈ રીત સટીક છે.
તમામ સ્થાન માટે અમે હાલની તસવીરો જમા કરી અને તેની તુલના સાત ઑક્ટોબર પહેલાંની તસવીરો સાથે કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ અમે આંશિક રીતે પડી ગયેલી કે ક્ષતિગ્રસ્ત થયેલી જગ્યાની તસવીરોનું તુલનાત્મક અધ્યયન શરૂ કરી દીધું.
બીબીસી વેરિફાઇએ તબાહ અને ક્ષતિગ્રસ્ત સ્થાનોમાં ભેદ નથી કર્યો. પાણીની આપૂર્તિ કરનારાં તમામ સ્થાનોની સટીક જાણકારી વગર અમે એ કહી શકતા નહોતા કે તે તબાહ થયાં છે કે માત્ર ક્ષતિગ્રસ્ત થયાં છે.
ગાઝાના કુવાઓ હકીકતમાં અંડરગ્રાઉન્ડ બૉરવેલ હોય છે જે એક ઇલેક્ટ્રીક પંપ દ્વારા ચાલે છે. જમીનની બહાર તેમનો એક નાનો કંટ્રોલરૂમ હોય છે. આ કંટ્રોલરૂમ એટલો નાનો હોય છે કે તેને જોવો પણ આસાન નથી. તેથી અમે કુવાઓની નજીક આવેલી ઇમારતોનું વિશ્લેષણ કરીને ક્ષતિની તપાસ કરવાની કોશિશ કરી.
બીબીસીએ શું જોયું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ કુલ 603 જગ્યાઓનું વિશ્લેષણ કર્યું જ્યાંથી જળની આપૂર્તિ કરવામાં આવતી હતી. અમે જોયું કે સાત ઑક્ટોબરથી આ સ્થળોને 53 ટકા જેટલું નુકસાન થયું છે. 43 જગ્યાઓ એવા વિસ્તારમાં હતી, જ્યાં આસપાસ ઘણું નુકસાન થયું છે જ્યાં સોલાર પૅનલ હઠાવી દેવામાં આવ્યા છે. પરંતુ અમે એ ચોક્કસ નહીં કહી શકીયે કે ત્યાં પાણીની આપૂર્તિના સ્થાનને ક્ષતિ પહોંચી છે કે નહીં. તેથી આ સ્થાનોને અમે પોતાના વિશ્લેષણમાં સ્થાન નથી આપ્યું.
તાજેતરની તસવીરો માર્ચ અને એપ્રિલ મહિનાની છે. અમે એપ્રિલથી તેની તપાસ કરી રહ્યા છે.
ક્ષતિગ્રસ્ત કે બરબાદ થઈ ગયેલી મહત્તમ ઇમારતો ઉત્તર ગાઝા કે દક્ષિણના ખાન યુનિસની આસપાસની છે. બૂરેજની વેસ્ટ વૉટર ફેસિલિટીમાં સોલાર પૅનલ સાવ બરબાદ થઈ ગઈ છે. સુએજ ટ્રીટમૅન્ટ પ્લાન્ટ પર લીલ બાઝી ગઈ છે.
સેટેલાઇટ તસવીરોથી પૂર્ણ નુકસાનનો અંદાજો લગાવી શકાતો નથી. તેથી સંભવ છે કે અમારા વિશ્લેષકોએ કેટલાક પ્રભાવિત વિસ્તારોને દર્શાવ્યા ના પણ હોય.
કેટલીક જગ્યાએ ઇંધણની કમીને કારણે હજુ કામ શરૂ નથી થઈ શક્યું. ઉદાહરણ તરીકે ડેર અલ-બહાલમાં યૂનિસેફનો ડિસેલિનેશન પ્લાન્ટ(સમુદ્રના જળને શુદ્ધ બનાવવાનું સંયંત્ર)
યૂનિસેફે જણાવ્યું છે કે આ પ્લાન્ટ થકી હવે માત્ર 30 ટકા પાણી જ મળી શકે છે.

ગાઝાના મહદંશે નાગરિકો હવે પોતાનાં ઘરોથી દૂર તંબૂઓમાં બનેલી વસ્તીમાં રહે છે. શહેરમાં ગટરનું એકત્ર થતું પાણી મોટી સમસ્યા પેદા કરે છે.
પેલેસ્ટાઇનના 'સેન્ટર ફૉર હ્યુમન રાઇટ્સ'ના મહમદ અતાલ્લાહ કહે છે, “સુએઝનું પાણી કાઢવા માટે પંપ છે તે કામ નથી કરી રહ્યા. ગલીઓમાં ગંદકી વધી રહી છે.”
મહત્ત્વપૂર્ણ ડેપોને નુકસાન

ઇમેજ સ્રોત, Getty Images
સંઘર્ષને કારણે પાણીના બુનિયાદી ઢાંચાનું સમારકામ કરવું મુશ્કેલ છે. પરંતુ એક મુખ્ય વૅરહાઉસ પર હુમલાને કારણે પરિસ્થિતિ વધારે બગડી છે.
અલ-મવાસીમાં સ્થિત આ ઇમારત પર 21 જાન્યુઆરીના રોજ મિસાઇલથી હુમલો થયો હતો. જેમાં ચાર લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે કે 20 લોકો ઘાયલ થયા હતા.
સીએમડબલ્યુયૂના મંથર શૉબલાકે બીબીસીને જણાવ્યું કે ઇમારતનો યૂનિસેફ તથા તેની સંસ્થા માટે એક વૅરહાઉસ તરીકે ઉપયોગ થતો હતો ને ગાઝા માટે તે પાણીનો મહત્ત્વપૂર્ણ સ્રોત હતી.
તેની બરબાદીને કારણે સંસ્થા માટે પાઇપલાઇનને રિપેર કરવાનું મુશ્કેલ બન્યું છે.

આઈડીએફ(ઇઝરાયલી સેના)નું કહેવું છે કે, “તેણે વૅરહાઉસને નિશાન નહોતું બનાવ્યું પરંતુ તેની નજીક હમાસના આતંકવાદીઓ હતા અને સંભવ છે કે તેના પર હુમલો કરતી વખતે તેને નુકસાન થયું હોઈ શકે.”
બીબીસીએ આઈડીએફે તબાહ કરેલા પાંચ પાણીનાં ઠેકાણાં બાબતે જણાવ્યું. એક કેસમાં સેનાએ કહ્યું કે ત્યાં કોઈ હવાઇ હુમલો નહોતો થયો. બાકી ચાર મામલે સેનાનું કહેવું છે કે તેના નિશાન પર હમાસના લડવૈયાઓ જ હતા.
સેનાએ કહ્યું, “હમાસ આ નાગરિક ઠેકાણા પર પોતાના હથિયાર અને ગોળા-બારૂદ રાખે છે. તેની અંદર હમાસને પોષણ આપતાં બુનિયાદી બાંધકામો છે. ત્યાંથી તે હુમલો કરે છે. સેના આવી જગ્યાને શોધીને તેને તબાહ કરી રહી છે. આવી કેટલીક જગ્યાઓ પાણીની આપૂર્તિ સાથે જોડાયેલી છે.”
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનાં પૂર્વ સલાહકાર લીલા સદાતે બીબીસીને જણાવ્યું કે જ્યાં સુધી પૂરતા પુરાવાઓ ન હોય ત્યાં સુધી સામાન્ય નાગરિકોને સુવિધા આપનારી જગ્યાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
તેમનું કહેવું છે કે યુદ્ધની કાર્યવાહીઓની વૈધતાની જાણકારી લગાવવા માટે તમામ ઘટનાઓની પૅટર્ન સમજવી જરૂરી છે. લીલા કહે છે, “તમે માત્ર અલગ-અલગ હુમલાઓ પર જ નજર નહીં રાખી શકો. ઇઝરાયલી સેનાએ પાણીની પાઇપો, ટાંકીઓ, જળાશયો અને અન્ય બુનિયાદી ઢાંચાને નિશાન બનાવ્યાં છે.”
તેઓ કહે છે, “વગર ઇચ્છાએ ગાઝાની અડધાથી વધારે પાણીની વ્યવસ્થાને તબાહ કરવી બહુ મુશ્કેલ કામ છે. જે પ્રકારની પૅટર્ન દેખાય છે તે સિવિલ વિસ્તારો પર અંધાધુંધ હુમલાઓ કરવા કે તેને નુકસાન પહોંચાડવાનું કામ હતું. આ માત્ર ભૂલો નહોતી.”
બીબીસીની તપાસ પર ઇન્ટરનેશનલ ક્રિમિનલ અને માનવાધિકાર મામલોનાં વકીલ સારા એલિઝાબેથ ડિલે કહ્યું, “ન તો આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન થઈ રહ્યું છે ન માણસોને તેની પરવા છે. અમે ગાઝાની બરબાદીને સ્પષ્ટ જોઈ શકીએ છીએ.”
(ઇરવાન રિવૉલ્ટ, જોશુઆ ચીથમ, બેનેડિક્ટ ગાર્મન અને દીના ઈઆસાની રિપોર્ટીંગ સાથે)












