ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની લડાઈનો હજુ અંત કેમ નથી આવ્યો, યુદ્ધ કેટલું લાંબું ચાલી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ-ગાઝા યુદ્ધમાં યુદ્ધવિરામની વાટાઘાટો અટકી પડી છે ત્યારે કોઈ સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહેલા ઇઝરાયલ અને હમાસ કયા અવરોધોનો સામનો કરી રહ્યા છે?
તાજેતરની દરખાસ્ત અમેરિકાએ રજૂ કરી હતી અને સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ તેની વિગતની રૂપરેખા આપવા એપ્રિલની શરૂઆતમાં કૈરો ગયા હતા, પરંતુ ઇઝરાયલ અને હમાસ બન્નેને, છ સપ્તાહના "અસ્થાયી યુદ્ધવિરામ" સહિતની યોજના સામે વાંધો છે.
હમાસના લડવૈયાઓ ગાઝાની સરહદ પાર કરીને ઇઝરાયલમાં ઘૂસ્યા હતા. ઇઝરાયલના આંકડા અનુસાર, તેમણે લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી અને 253 લોકોને બંધક બનાવ્યા હતા. એ ઘટનાના છ મહિના પછી વાટાઘાટો આવી પડી છે.
એ પછી ગાઝામાં 33,000થી વધુ લોકો માર્યા ગયા હોવાનું હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય જણાવે છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના અંદાજ મુજબ, 17 લાખ પેલેસ્ટિનિયન લોકોએ તેમના ઘર છોડીને ભાગવું પડ્યું છે. તેમાં અડધોઅડધ બાળકો છે.
અમેરિકાના પ્રસ્તાવમાં ઇઝરાયલને ગાઝા પટ્ટીમાં બંધક 40 લોકોને છોડાવવાના બદલામાં 900 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની વિનંતી કરવામાં આવી હતી. તે 900માં આજીવન કેદની સજા ભોગવતા 100 કેદીઓનો સમાવેશ થાય છે.
ઉત્તરથી દક્ષિણ ગાઝા તરફના સાલાહ અલ-દિન રોડ પર ઇઝરાયલી દળોએ ચેકપૉઇન્ટ્સ બનાવ્યાં છે. તે ચેકપૉઇન્ટ્સ પરથી ઇઝરાયલી દળોને તબક્કાવાર પાછા ખેંચવાની વિનંતી પણ તેમાં કરવામાં આવી હતી. દક્ષિણમાંથી ઉત્તરમાંના પોતાના ઘરે પાછા ફરવા ઇચ્છતા પેલેસ્ટિનિયનો સામેની મુશ્કેલીમાં એ કારણે વધારો થયો છે.
ઇઝરાયલ અને હમાસે પ્રસ્તુત દરખાસ્ત બાબતે ઉઠાવેલા કેટલાક મહત્ત્વના મુદ્દાની વાત અહીં કરવામાં આવી છે.
હમાસે "અસ્થાયી" શબ્દ સામે વાંધો લીધો છે. તે યુદ્ધનો કાયમી અને અંતિમ ઉકેલ ઇચ્છે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હમાસના પૉલિટિકલ બ્યુરોના સભ્ય બાસેમ નઈમે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું, "અમે આ ક્ષેત્રમાં ઇઝરાયલની સતત હાજરીને, તે અમારા લોકો પર નવા હુમલાઓ શરૂ કરી શકે એટલા માટે સ્વીકારીશું નહીં."
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસની માગણીને "ભ્રમણાયુક્ત" ગણાવી હતી અને કહ્યું હતું કે ઇઝરાયલ "સંપૂર્ણ વિજય" પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં લડત ચાલુ રાખશે.
નેતન્યાહૂએ એમ પણ જણાવ્યું હતું કે ઇઝરાયલ દક્ષિણના શહેર રફાહમાં પ્રવેશ કરશે ત્યારે જ વિજય થશે. રફાહ હમાસનો છેલ્લો ગઢ છે. લગભગ 15 લાખ વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ ત્યાં આશરો લઈ રહ્યા છે.
જોકે, નેતન્યાહૂ રફાહ પરના વ્યાપક આક્રમણને મુલતવી રાખવાની વિચારણા કરી રહ્યા છે.
ઈરાન દ્વારા ગયા રવિવારે કરવામાં આવેલા અભૂતપૂર્વ હુમલા પછી આ બન્યું છે. ઇઝરાયલ પર ઈરાન 300થી વધુ મિસાઇલો અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. સીરિયાની રાજધાની દમાસ્કસ પરના ઈરાનના વાણિજ્ય દૂતાવાસ પરના ઘાતક હુમલા પછી બદલાની પ્રતિજ્ઞા તહેરાને કરી હતી.
બંધકો બાબતે વાટાઘાટો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલ અને હમાસ બંને માટે ચિંતાનો મુખ્ય વિષય બંધકોની મુક્તિ તથા તેમની પસંદગી છે.
અમેરિકાના પ્રસ્તાવ મુજબ, હમાસે બાકીના 40 બંધકોને મુક્ત કરવા જોઈએ. તે અગાઉ સ્વીકાર્યા મુજબ, "જીવંત તથા મૃત" હોવાને બદલે "જીવંત" હોવા જોઈએ. તેમને ઇઝરાયલની જેલમાં બંધ 900 કેદીઓની મુક્તિના બદલામાં મુક્ત કરવામાં આવશે.
હમાસના સૂત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે "તે કરારમાંનો મુખ્ય મુદ્દો 'જીવંત' શબ્દ છે."
કેટલાક અહેવાલો સૂચવે છે કે શરત અનુસાર, 40 બંધકોની મુક્તિ જરૂરી છે, પરંતુ હમાસ પાસે 40 જીવંત બંધકો ન હોય તેવી શક્યતા છે. તે માનવતાવાદી કારણો પર આધારિત છે અને તેમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ધરાવતી મહિલાઓ, મહિલા સૈનિકો, 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષો તથા 50 વર્ષથી ઓછી વયના પુરુષોનો સમાવેશ થાય છે.
અમેરિકાએ સૂચવ્યું હતું કે તેમાં "પુરુષ સૈનિકો"નો કરી શકાય, પરંતુ હમાસે તેને નકારી કાઢ્યું હતું.
ઇઝરાયલના શાંતિ કાર્યકર્તા અને હમાસના ભૂતપૂર્વ બંધક વિષ્ટિકાર ગેરશોન બાસ્કિન કહે છે, "બંધક તરીકે સૈનિકોની કિંમત નાગરિકો કરતાં વધારે હોય છે." તેઓ માને છે કે સૈનિકોની મુક્તિ માટે હમાસ અલગથી વાટાઘાટની માગણી કરશે.
ઇઝરાયલી સત્તાવાળાઓના અંદાજ મુજબ, ગાઝા પટ્ટીમાં હજુ પણ 133 બંધકો છે. તેમાંથી 30 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
ઇઝઝરાયલે આજીવન કેદની સજા ભોગવતા 100 કેદીઓ સહિતના 900 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા જોઈએ, એવો પ્રસ્તાવ અમેરિકાએ મૂક્યો છે, પરંતુ સવાલ એ છે કે એમાંથી કોને મુક્ત કરવા તેનો નિર્ણય કોણ કરશે?
ઇઝરાયલના સ્વતંત્ર રાજકીય વિશ્લેષક એલી નિસાન કહે છે, "વિનિમયના સોદામાં પેલેસ્ટિનિયન કેદીઓનાં નામ નક્કી કરવાની છૂટ ઇઝરાયલ હમાસને આપી શકે નહીં."
"મારવાન બર્ઘોતી અને અહેમદ સઆદત જેવા આજીવન કેદની સજા ભોગવતા કેટલાક લોકોની મુક્તિની છૂટ હમાસને આપવામાં આવશે તો ઇઝરાયલના લોકો સખત ગુસ્સે થશે."
ગેરશોન બાસ્કિન, બર્ઘોટી અને સાદતને "પેલેસ્ટાઇન-ઇઝરાયલ સંઘર્ષના પ્રતીકો" તરીકે વર્ણવે છે. આ બન્નેએ અગાઉ "ઇઝરાયલ વિરોધી" ચળવળોનું નેતૃત્વ કર્યું હતું.
પેલેસ્ટિનિયન ફતાહ ચળવળના ભૂતપૂર્વ નેતા બર્ઘોતીને 2004માં આજીવન કારાવાસ ઉપરાંત 40 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઇઝરાયલી સત્તાવાળાઓએ તેમના પર અલ-અક્સા શહીદ બ્રિગેડની સ્થાપનાનો આરોપ મૂક્યો હતો. તે આરોપ બર્ઘોતીએ નકારી કાઢ્યો હતો. આ બ્રિગેડે વેસ્ટ બૅન્ક અને ગાઝામાં ઇઝરાયલી સૈનિકો તથા વસાહતીઓ પર અસંખ્ય હુમલાઓ કર્યા હતા તેમજ ઇઝરાયલમાં નાગરિકોને નિશાન બનાવીને આત્મઘા બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા.
પૉપ્યુલર ફ્રન્ટ ફૉર ધ લિબરેશન ઑફ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ મહામંત્રી અહેમદ સઆદત 2001માં ઇઝરાયલના પર્યટન પ્રધાન રેહાવમ ઝીવીની હત્યાનો આદેશ આપવા બદલ 30 વર્ષની જેલ સજા ભોગવી રહ્યા છે. તેમના વકીલે આ આક્ષેપ નકારી કાઢ્યો હતો.
ગેરશોન બાસ્કિને જણાવ્યું હતું કે આ બન્ને જાહેર જીવનમાં પાછા ફરે તો તેનાથી ઇઝરાયલી સૈનિકો વિરુદ્ધની લડાઈ ચાલુ રાખવાની પ્રેરણા પેલેસ્ટિનિયનોને મળી શકે છે.
ઉત્તર તરફ પાછા ફરવાની વાત

ઇમેજ સ્રોત, Getty Images
હાલ દક્ષિણમાં રહેતા વિસ્થાપિત પેલેસ્ટિનિયનોને ઉત્તરમાંના તેમના ઘરે પાછા ફરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ અમેરિકાએ મૂક્યો છે, પરંતુ પેલેસ્ટિનિયન પરિવારોને "બિનશરતી" પાછા ફરવાની મંજૂરી આપવામાં આવે તેવો હમાસનો આગ્રહ છે, પરંતુ ઇઝરાયલ ઇચ્છે છે તે શરતી હોવું જોઈએ.
ગેરશોન બાસ્કિન કહે છે, "ઉત્તર તરફ પાછા ફરતા દરેક પેલેસ્ટિનિયનની, તેઓ હમાસના દળો સાથે જોડાયેલા નથી તેની ખાતરી કરવા અને હમાસના લડવૈયાઓ તેમના ઉત્તરમાંના લશ્કરી થાણાઓ પર પાછા ન ફરે તે સુનિશ્ચિત કરવા માટે ઇઝરાયલી સત્તાવાળાઓ દ્વારા સંપૂર્ણ તપાસ થવી જોઈએ."
જોકે, હમાસ આ "ચકાસણી"ને હજારો પેલેસ્ટિનિયનોની "કારણ વગર ધરપકડ" કરવાની ઇઝરાયલની નવી રીત ગણવામાં આવે છે, એવું હમાસના એક વરિષ્ઠ અધિકારી નઈમે જણાવ્યું હતું.
‘દબાણ’

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ અને હમાસ વચ્ચે મતભેદ છે, પરંતુ બંને પક્ષો જોરદાર દબાણનો સામનો કરી રહ્યા છે. એ દબાણને લીધે બંને પક્ષો આગામી સપ્તાહોમાં સમજૂતી સુધી પહોંચશે તેવી આશા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને યુદ્ધવિરામનો સ્વીકાર કરવાની જાહેર વિનંતી નેતન્યાહૂને કરી છે, જ્યારે અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્ટની બ્લિંકને હમાસને "ગંભીર ઑફર" માટે સંમત થવા વિનંતી કરી છે.
પોતાનું પ્રતિનિધિ મંડળ કૈરો ખાતેની વાટાઘાટોમાંથી પાછું ફર્યું પછી હમાસે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ "ચળવળના નેતૃત્વ સાથે પરામર્શ માટે, વાટાઘાટો તથા પ્રયાસો ચાલુ રાખીને" પરત ફર્યા છે.
ઇઝરાયલના ભૂતપૂર્વ બંધક વિષ્ટિકાર ગેરશોન બાસ્કિને ઉમેર્યું હતું, "નેતન્યાહૂ ભલે પસંદ ન હોય, પરંતુ અમેરિકાનું દબાણ અને ઇઝરાયલી બંધકોના પરિવારોનું આંતરિક દબાણ નેતન્યાહૂને વર્તમાન સોદો સ્વીકારવાની ફરજ પાડી શકે છે."












