ઈરાનનો ઇઝરાયલ પર હુમલો, કોણ જીત્યું અને કોણ હાર્યું?

ઈરાને ઇઝરાયલ તરફ છોડેલાં ડ્રોન્સ અને મિસાઇલ

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, મહમૂદ અલનાગર
    • પદ, બીબીસી ન્યૂઝ અરેબિક

"ઈરાનની તરફેણમાં ડ્રૉ." ઇઝરાયલ પરના ઈરાનના પ્રથમ હુમલાનું વર્ણન કેટલાક વિશ્લેષકોએ આ રીતે કર્યું હતું.

ઇઝરાયલના સૈન્યના જણાવ્યા અનુસાર, તહેરાને શનિવારે રાત્રે ઇઝરાયલ પર 300થી વધુ ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો હતો.

ઈરાની સૈન્યએ જાહેરાત કરી હતી કે "દમાસ્કસમાંના ઈરાની દૂતાવાસ પરના આક્રમણના જવાબમાં હુમલો કરવામાં આવ્યો હતો અને તેના તમામ ઉદ્દેશ હાંસલ કરવામાં આવ્યા છે."

સીરિયાની રાજધાની દમાસ્કસમાંના પોતાના વાણિજ્ય દૂતાવાસ પરના ઇઝરાયલના હુમલાના આકરા પ્રતિભાવની ધમકી ઈરાને પહેલી એપ્રિલે આપી હતી. તે હુમલામાં ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડના સાત સભ્યો અને સીરિયાના છ નાગરિકો માર્યા ગયા હતા.

ઈરાને શનિવારે સાંજે 300થી વધુ ડ્રોન અને મિસાઇલો ઇઝરાયલ પંર છોડ્યાં હતાં.

લાભ અને નુકસાન

ઈરાનનો ઈઝરાયલ પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાને ઇઝરાયલ પરના હુમલાને સફળ ગણાવ્યો હતો, પરંતુ ઈરાની સંશોધક અને લંડન સ્થિત સેન્ટર ફૉર આરબ-ઈરાનીયન સ્ટડીઝના ડિરેક્ટર અલી નૌરી ઝાહેદના જણાવ્યા અનુસાર, આક્રમણથી ઈરાનને કોઈ લાભ થયો નથી.

તેમના કહેવા મુજબ, આ હુમલો ઈરાની શાસનની નબળાઈ છતી કરે છે, કારણ કે ઈરાન ઇઝરાયલમાંના કોઈ સ્થળને નિશાન બનાવી શક્યું નથી.

આ હુમલાની ઈરાનમાં કેટલાક લોકોએ હાંસી ઉડાવી હતી.

ઝાહેદ માને છે કે ઈરાને "મનોવૈજ્ઞાનિક યુદ્ધ" ચાલુ રાખ્યું હોત તો તે ઘણું વધારે હાંસલ કરી શક્યું હોત.

બીજી તરફ, તેલ અવીવ યુનિવર્સિટીના મોશે દયાન સેન્ટર ખાતેના મિડલ ઈસ્ટ સ્ટડીઝના સંશોધક ડૉ. એરિક રુંડત્સ્કી જણાવે છે કે આ હુમલાથી ઇઝરાયલમાં ચિંતા પ્રસરી ગઈ હતી અને ઘણાને વધુ હુમલાનો ડર લાગે છે.

ઝાહેદના કહેવા મુજબ, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ હવે વધારે શક્તિશાળી લાગે છે. શનિવાર પહેલાં ઇઝરાયલની ભારે ટીકા થતી હતી, પરંતુ આ હુમલાએ અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશો સાથે પુનઃ મજબૂત સંબંધ સ્થાપવામાં મદદ કરી છે.

ઇઝરાયલી સંશોધકનું કહેવું છે કે આ હુમલાથી ઇઝરાયલને કેટલાક ફાયદા થઈ શકે છે, પરંતુ અન્ય રીતે તેને નુકસાન થયું છે.

તેઓ માને છે કે પ્રસ્તુત હુમલાએ મધ્ય પૂર્વના સત્તાનાં સમીકરણોને સમજવામાં ઇઝરાયલની નિષ્ફળતા અને તેની સરહદમાં ઈરાનને પ્રહાર કરતા અટકાવવામાં તેની અસમર્થતાને પ્રદર્શિત કરી છે.

અમેરિકાના પ્રમુખ જો બાઇડને હુમલા પછી ઇઝરાયલને ટેકો જાહેર કર્યો હતો.

અન્ય દેશોને ‘આલિંગન’

ઈરાને ઇઝરાયલ પર શા માટે હુમલો કર્યો

ઇમેજ સ્રોત, EPA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇઝરાયલી સંશોધક એરિક રુંડત્સ્કી પણ માને છે કે ઈરાનના હુમલાથી ઇઝરાયલને ફાયદો થયો છે.

તેમના કહેવા મુજબ, આ હુમલો એક રાજકીય વળાંક બની શકે તેમ છે, કારણ કે ઇઝરાયલને મહિનાઓ પછી પ્રથમ વખત પશ્ચિમી દેશોનો ટેકો ફરી સાંપડ્યો છે.

તેમના જણાવ્યા મુજબ, સંબંધમાં અભૂતપૂર્વ તણાવ પછી ઇઝરાયલ આ દેશોને, ખાસ કરીને અમેરિકાના ‘આશ્લેષ’માં ફરી આવે શકે છે.

તેનાથી વિપરીત ઈરાની સંશોધક અલી નૌરી ઝાહેદ માને છે કે તહેરાન રાજકીય સંદર્ભમાં આંતરિક અને બાહ્ય રીતે હારી ગયું છે. ઈરાને પાડોશી દેશોનું સમર્થન ગુમાવ્યું છે અને તેને એકેય દેશનો ટેકો નથી.

તેમણે નોંધ્યું હતું કે ઈરાનને અમેરિકા સાથે સીધા યુદ્ધમાં ખેંચવાના પ્રયાસ કેટલાક પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ઈરાન અને ઇઝરાયલ બંનેમાં આંતરિક દબાણ હોવાનો સ્વીકાર આ બંને સંશોધકો કરે છે.

ઇઝરાયલમાં મોટી ચિંતા હોવાનો નિર્દેશ કરતાં રુંડત્સ્કીએ જણાવે છે કે ગાઝામાંના બંધકોની મુક્તિ કરાવવામાં તાજેતરમાં કોઈ પ્રગતિ થઈ નથી ત્યારે યુદ્ધની સાથે આંતરિક રાજકીય મુદ્દાઓને કારણે ગુસ્સો પણ વધી રહ્યો છે.

ઝાહેદ એવું પણ માને છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માત્ર શેરીઓમાંથી જ નહીં, પરંતુ તેમની સરકારમાંની અગ્રણી વ્યક્તિઓ તરફથી પણ તીવ્ર દબાણનો સામનો કરી રહ્યા છે.

તેઓ કહે છે, "ઇઝરાયલ દ્વારા અલ-ક્વાડ્સ (ઈરાની સશસ્ત્ર દળ)ના સાત અગ્રણીઓની હત્યા પછી ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ તરફથી પણ દબાણ છે, કારણ કે ગાર્ડ્સ બદલો લેવાની માંગ કરી રહ્યા છે."

ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલે દમાસ્કસમાંના તેના દૂતાવાસ પર કરેલા આક્રમણના જવાબમાં હુમલો કરવામાં આવ્યો હતો.

‘મેસેજ વિથ ફાયર’

ઈરાન ઈઝરાયલ યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

લેબનોનના નિવૃત્ત જનરલ હિશામ જાબેર લશ્કરી તથા વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત અને બેરુતમાં મિડલ ઈસ્ટ સેન્ટર ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડિરેક્ટર પણ છે. તેમણે બીબીસી ન્યૂઝ અરેબિકને કહ્યું હતું, “હુમલા બાબતે આશ્ચર્યજનક બાબત એ છે કે તે આશ્ચર્યજનક ન હતો.”

આવું એટલા માટે છે કે બે સપ્તાહનું “મનોવૈજ્ઞાનિક યુદ્ધ” હવાઈ હુમલા ભણી દોરી ગયું હતું, જ્યારે ઇઝરાયલ “ગભરાયેલું” હતું, એમ તેમણે જણાવ્યું હતું.

તેમના કહેવા મુજબ, આ હુમલાને લીધે ઘણી સુવિધાઓમાં વિક્ષેપ સર્જાયો છે અને ઘણા ઇઝરાયલી નાગરિકોએ ઘર છોડવા પડ્યાં છે. તેથી માનસિક અને ભૌતિક નુકસાન થયું છે.

જાબેરે ઈરાનના ‘ઓપરેશન’ને ‘મેસેજ વિથ ફાયર’ ગણાવ્યું હતું, જે તેની ઇઝરાયલમાં અંદર સુધી પહોંચવાની અને ઇઝરાયલી હવાઈ સંરક્ષણની ક્ષમતા દર્શાવે છે.

તેઓ એવું માને છે કે આ હુમલાએ ઈરાનને રાજકીય રીતે ગુમાવેલી પ્રતિષ્ઠા (જેને ઈરાન ‘વ્યૂહાત્મક ધીરજની નીતિ ગણાવે છે’) પાછી મેળવવાની તક આપી છે, જ્યારે લશ્કરી અને વ્યૂહાત્મક રીતે પણ તેને ફાયદો થયો છે.

લેબનીઝ લશ્કરી નિષ્ણાત એવું પણ માને છે કે ઈરાને ઇઝરાયલી હવાઈ સંરક્ષણને ગૂંચવવા માટે મોટા પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. તે દર્શાવે છે કે ઇઝરાયલનું આયર્ન ડોમ માત્ર તમામ મિસાઈલોને જ અટકાવી શકતું નથી. તેને મધ્ય પૂર્વના થાણાઓ પર તૈનાત અમેરિકન તથા બ્રિટિશ દળોએ મદદ કરવી પડી હતી.

જાબેર કહે છે, "ઇઝરાયલ લશ્કરી પ્રતિસાદ આપવા ઇચ્છે તો તેની મિસાઈલો ઈરાનની મેઈનલેન્ડ સુધી પહોંચી શકે, પરંતુ ઈરાનના અપેક્ષિત આકરા પ્રતિસાદને લીધે વધુ આગળ જઈ શકે નહીં."

તેઓ ઉમેરે છે, "ઇઝરાયલી વિમાનો ઈરાન પર ચોકસાઈભર્યો બૉમ્બમારો કરી શકે છે, પરંતુ એ માટે તેમણે આરબ દેશો પરથી ઉડ્ડયન કરવું પડે, જેની સામે ઈરાને ચેતવણી આપી છે, અથવા આ પ્રદેશમાંના અમેરિકન લશ્કરી થાણાઓનો ઉપયોગ કરવો પડે, જેની અમેરિકા મંજૂરી આપશે નહીં.”

"ઝરાયલે પહેલી એપ્રિલે સીરિયામાંના ઈરાનના દૂતાવાસ પર હુમલો કર્યો એ પછી તહેરાનમાં વિરોધ પ્રદર્શન થયું હતું.

પરિસ્થિતિમાં બદલાવ અને આત્મવિશ્વાસની પુનઃસ્થાપના

ઈરાન ઈઝરાયલ યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સ ખાતે ઇન્ટરનેશનલ રિલેશન્શના પ્રોફેસર ફવાઝ જર્જેસ એવી દલીલ કરે છે કે આ હુમલાથી ઈરાનની સરખામણીએ ઇઝરાયલને વધુ ફાયદો થયો છે.

પોતાની વાત સમજાવતાં તેઓ જણાવે છે કે ઈરાનના હુમલાથી ઇઝરાયલમાં ખાસ નુકસાન કે જાનહાનિ થઈ નથી અને હવે સમગ્ર પશ્ચિમ ઇઝરાયલને સમર્થન આપી રહ્યું છે. ઇઝરાયલને હથિયારો, ગુપ્તચર સહયોગ અને નાણાકીય સહાયના સંદર્ભમાં અમેરિકા પશ્ચિમમાંથી સમર્થન મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે.

જર્જેસના કહેવા મુજબ, અમેરિકાના પ્રમુખ જો બાઇડન જી-7 દેશોની બેઠક તાત્કાલિક યોજવાની માગણી કરીને ઇઝરાયલને પીડિત દેશ તરીકે રજૂ કરી રહ્યા છે.

જર્જેસ ઉમેરે છે, “ગાઝામાં આકાર પામતી આપત્તિજનક તથા જઘન્ય ઘટનાઓ પરથી કામચલાઉ રીતે ધ્યાન હટાવીને નેતન્યાહુ રાજકીય રીતે લાભ લેશે.”

જર્જેસના જણાવ્યા મુજબ, ગાઝામાંના “અત્યાચારો” પછી પશ્ચિમના દેશોએ ઇઝરાયલની જોરદાર ટીકા કરી છે ત્યારે ઈરાનના હુમલાથી નેતન્યાહુને પશ્ચિમ સાથેના અને ખાસ કરીને જો બાઇડન સાથેના સંબંધને પુનઃસ્થાપિત કરવામાં ફાયદો થશે.

જે આંતરરાષ્ટ્રીય દળોએ ઈરાની મિસાઇલો અને ડ્રોન્સને ઇઝરાયલ સુધી પહોંચતા અટકાવ્યા હતા તેમાં ઇઝરાયલની ઍન્ટી-મિસાઇલ સિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે.

જર્જેસ તેને ઇઝરાયલ માટે નુકસાન ગણે છે અને જણાવે છે કે તે વ્યૂહાત્મક નુકસાન છે તથા તેની નબળાઈ દર્શાવે છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઈરાન ઇઝરાયલનો મુકાબલો કરવાની તેની ઇચ્છા તેના લોકો, સાથીઓ અને દુશ્મનો સમક્ષ પ્રત્યક્ષ રીતે પ્રદર્શિત કરીને રાજકીય લાભ મેળવશે.

જર્જેસ માને છે કે ઇઝરાયલ તેના પશ્ચિમી સાથીઓ વિના એકલાહાથે પોતાનો બચાવ કરી શકતું નથી, તે ઈરાને સાબિત કર્યું છે, કારણ કે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જોર્ડને ઈરાનની ઘણી મિસાઈલો તોડી પાડી હતી.

તેઓ ઉમેરે છે કે ઇઝરાયલના ઈરાન પરના તાજેતરના વારંવારના હુમલાઓનો મુખ્ય ધ્યેય એ દર્શાવવાનો હતો કે ઈરાન નબળું છે અને તેનામાં મુકાબલો કરવાની હિંમત નથી. જોકે, ઈરાનના હુમલાએ આ દૃષ્ટિકોણને ખોટો સાબિત કર્યો છે.

બંને દેશે આગળ વધવાનું નક્કી કર્યું છે ત્યારે જર્જેસ કહે છે, "હવે આ પ્રદેશ તોફાનનું કેન્દ્ર બન્યો છે."

તેઓ ચેતવણી આપે છે કે આ પ્રદેશ રાજકીય, લશ્કરી અને આર્થિક રીતે ખતરામાં છે.