ઈરાને ઇઝરાયલ પર હુમલો શા માટે કર્યો?

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રફ્ફી બેર્ગ, ટોમ સ્પેન્ડર, જોનાથન બીલે
    • પદ, સંરક્ષણ સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

સીરિયાની રાજધાની દમાસ્કસમાંના પોતાના વાણિજ્ય દૂતાવાસ પરના ઘાતક હુમલાના બદલાની પ્રતિજ્ઞા લીધા પછી ઈરાને ઇઝરાયલ પર ડ્રૉન અને મિસાઈલો વડે હુમલો કર્યો હતો.

દૂતાવાસ પર પોતે હુમલો કર્યો હોવાનું ઇઝરાયલે કહ્યું નથી, પરંતુ આ હુમલા માટે તે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ઈરાને ઇઝરાયલ પર આ પહેલીવાર સીધો હુમલો કર્યો નથી.

ઇઝરાયલ અને ઈરાન એકમેકની સાથે વર્ષોથી છૂપું યુદ્ધ કરતા રહ્યા છે. હુમલાઓની જવાબદારી લીધા વિના બન્ને એકમેકની અસ્ક્યામતો પર હુમલા કરતા રહ્યા છે.

પેલેસ્ટિનિયન જૂથ હમાસ દ્વારા ગયા ઑક્ટોબરમાં ઇઝરાયલ પરના હુમલાને કારણે ગાઝામાં છેડાયેલા વર્તમાન યુદ્ધ પથી એવા હુમલાઓનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.

ઇઝરાયલ અને ઈરાન એકમેકના દુશ્મન શા માટે છે?

ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ સુધી બન્ને દેશો એકમેકના સાથી હતા. એ ક્રાંતિ પછી આવેલા શાસને ઇઝરાયલના વિરોધને પોતાના વિચારધારાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવ્યો છે.

ઈરાન ઇઝરાયલના અસ્તિત્વને સ્વીકૃતિ આપતું નથી અને તેને ખતમ કરી નાખવા ઇચ્છે છે.

દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનેઈએ પહેલાં ઇઝરાયલને એક એવું ‘કૅન્સર ટ્યૂમર’ ગણાવ્યું હતું, જેને “નિશ્ચિત રીતે ઉખાડી નાખવામાં આવશે અને નષ્ટ કરી નાખવામાં આવશે.”

ઇઝરાયલ માને છે કે ઈરાન તેના અસ્તિત્વ માટે ખતરો છે. તહેરાનની બયાનબાજી, ઇઝરાયલના વિનાશની પ્રતિજ્ઞા કરતાં પ્રોક્સી દળોનું નિર્માણ, હમાસ તથા લેબનીઝ શિયા આતંકવાદી જૂથ હિઝબુલ્લા સહિતના પેલેસ્ટિનિયન જૂથોને નાણાકીય તેમજ શસ્ત્ર સહાય અને ઈરાનનો ગુપ્ત અણુશસ્ત્ર કાર્યક્રમ તેના પુરાવા છે. જોકે, ઈરાન પોતે અણુબોમ્બ બનાવતું હોવાનો ઇનકાર કરે છે.

દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન વળતો પ્રહાર કરવા ઇચ્છતો હતો.

ઇઝરાયલ ઈરાન હમાસ ગાઝા

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનનું કહેવું છે કે ઇઝરાયલ દ્વારા શનિવારે રાત્રે દમાસ્કસમાંના ઈરાની વાણિજ્ય દૂતાવાસની ઇમારત પર કરાયેલો બૉમ્બમારો પહેલી એપ્રિલના હવાઈ હુમલાનો પ્રતિસાદ હતો. તેમાં ઈરાનના વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા હતા.

ઈરાન હવાઈ હુમલા માટે ઇઝરાયલને દોષી ઠેરવે છે અને એ હુમલાને પોતાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન માને છે. ઇઝરાયલે પોતે આ હુમલો કર્યો હોવાનું કહ્યું નથી, પરંતુ આ કામ ઇઝરાયલનું જ હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

ઈરાનના ચુનંદા રિપબ્લિકન ગાર્ડ્સ (આઈઆરજીસી)ની વિદેશી શાખા ક્વૉડ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર બ્રિગેડિયર જનરલ મહમદ રઝા ઝાહેદી સહિતના 13 લોકો હુમલામાં માર્યા ગયા હતા. લેબનીઝ શિયા સશસ્ત્ર જૂથ હિઝબુલ્લાને શસ્ત્રસજ્જ કરવાના ઈરાની ઑપરેશનમાં ઝાહેદીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

વાણિજ્ય દૂતાવાસ પરનો હુમલો ઇઝરાયલ દ્વારા કરવામાં આવતા હવાઈ હુમલાઓની પૅટર્ન અનુસારનો હતો. તાજેતરના મહિનાઓમાં સીરિયામાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં આઈઆરજીસીના ઘણા વરિષ્ઠ કમાન્ડર્સ માર્યા ગયા છે.

આઈઆરજીસી અત્યંત ચોક્સાઈવાળી મિસાઇલ્સ સહિતનાં શસ્ત્રો અને સાધનો સીરિયા મારફત હિઝબુલ્લા સુધી પહોંચાડે છે. ઇઝરાયલ આવી ડિલિવરી રોકવાના પ્રયાસ કરી રહ્યું છે. તેમજ સીરિયામાં ઈરાનને તેની સૈન્ય હાજરી મજબૂત કરતાં રોકવા ઇચ્છે છે.

ઈરાનના સાથી કોણ કોણ છે?

ઇરાન હમાસ ગાઝા

ઈરાને મધ્ય પૂર્વમાં સાથી અને પ્રોક્સી દળોનું નેટવર્ક ઊભું કર્યું છે. તે આ પ્રદેશમાં અમેરિકા તથા ઇઝરાયલનાં હિતોને પડકારતી “પ્રતિકારની ધરી”નો હિસ્સો હોવાનું ઈરાન કહે છે. એ તેને વિવિધ રીતે ટેકો પણ આપે છે.

ઈરાનનો સૌથી મહત્ત્વપૂર્ણ સાથી સીરિયા છે. ઈરાને રશિયા સાથે મળીને બશર અલ-અસદની સીરિયન સરકારને દેશના લાંબા આંતર વિગ્રહમાંથી બચાવવામાં મદદ કરી હતી.

લેબનોનમાં હિઝબુલ્લાહ ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોમાં સૌથી શક્તિશાળી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારથી તે લગભગ રોજ સીમા પાર ફાયરિંગ કરે છે. સરહદની બંને બાજુના હજારો નાગરિકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે.

ઈરાક, સીરિયા અને જોર્ડનમાંના ઘણા અમેરિકન ઠેકાણાઓ પર રોકેટ હુમલા કરનાર ઈરાકમાંના ઘણા શિયા લડવૈયાઓને પણ ઈરાન સમર્થન આપે છે. જોર્ડનમાં એક સૈન્ય ચોકી પર પોતાના ત્રણ સૈનિકો માર્યા ગયા પછી અમેરિકાએ વળતો હુમલો કર્યો હતો.

યમનમાં ઈરાન હુથી ચળવળને ટેકો આપે છે. યમનમાં સૌથી વધુ વસ્તીવાળા વિસ્તારો પર હુથીનું નિયંત્રણ છે. ગાઝામાં હમાસના સમર્થનમાં હુથીઓએ ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રૉન હુમલા કર્યા છે તથા તેની નજીકનાં કોમર્શિયલ શિપિંગ પર હુમલો કર્યો છે. તેમાં ઓછામાં ઓછું એક જહાજ ડૂબી ગયું હતું. તેના જવાબમાં અમેરિકા અને બ્રિટને હુથીનાં ટાર્ગેટ્સ પર હુમલા કર્યા છે.

ઈરાન હમાસ સહિતના પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથોને શસ્ત્રો તથા તાલીમ આપે છે. તેમણે ગત સાતમી ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેને કારણે ગાઝામાં યુદ્ધ શરૂ થયું હતું અને ઈરાન તથા તેના વતી લડતાં જૂથો અને વ્યાપક મધ્ય પૂર્વમાં ઇઝરાયલના સાથીઓ વચ્ચેના સંઘર્ષને વેગ મળ્યો છે. જોકે, સાતમી ઑક્ટોબરના હુમલામાં પોતાની કોઈ પણ ભૂમિકાનો હોવાનો ઈરાન ઇનકાર કરે છે.

ઈરાન અને ઇઝરાયલની લશ્કરી ક્ષમતાની સરખામણી

ઈરાન ઇઝરાયલ લશ્કર

ઇમેજ સ્રોત, Reuters

ઈરાન ભૌગૌલિક રીતે ઇઝરાયલ કરતાં ઘણું મોટું છે અને તેની કુલ વસ્તી લગભગ નવ કરોડ લોકોની છે, જે ઈઝરાયલ કરતાં લગભગ દસ ગણી વધારે છે. જોકે, વધારે વસ્તીથી ઈરાનની લશ્કરી તાકાત વધતી નથી.

ઈરાને મિસાઈલ્સ અને ડ્રૉન્સમાં જંગી રોકાણ કર્યું છે. તેની પાસે પોતાનું વિશાળ શસ્ત્રાગાર છે અને એ તેના વતી લડતા હુથીઓ અને હિઝબુલ્લાને નોંધપાત્ર પ્રમાણમાં શસ્ત્રો પણ પૂરાં પાડે છે.

ઈરાન પાસે આધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમ અને ફાઇટર જેટ્સ નથી. યુક્રેનમાં યુદ્ધ લડવા માટે તહેરાન મોસ્કોને લશ્કરી ટેકો આપી રહ્યું છે અને તેના બદલામાં રશિયા ઈરાનને સહકાર આપતું હોવાનું માનવામાં આવે છે. ઈરાને રશિયાને શાહેદ ઍટેક ડ્રૉન્સ આપ્યાં હતાં અને રશિયા હવે જાતે જ તે શસ્ત્રોનું નિર્માણ કરવા ઇચ્છે છે.

ઈરાનથી વિપરીત ઇઝરાયલ પાસે વિશ્વનું સૌથી અદ્યતન ઍરફોર્સ છે. આઈઆઈએસએસ મિલિટરી બૅલેન્સના એક અહેવાલ અનુસાર, ઇઝરાયલ પાસે ઓછામાં ઓછી 14 જેટ્સ સ્ક્વૉડ્રન છે. તેમાં એફ-15, એફ-16 અને નવીનતમ એફ-35 સ્ટીલ્થ જેટ્સનો સમાવેશ થાય છે.

ઇઝરાયલને દુશ્મન દેશમાં અંદર ઘૂસીને હુમલા કરવાનો અનુભવ છે.

ઈરાન અને ઇઝરાયલ પાસે અણુશસ્ત્રો છે?

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Reuters

ઇઝરાયલ પાસે તેના પોતાનાં અણુશસ્ત્રો હોવાનું માનવામાં આવે છે, પરંતુ ઇરાદાપૂર્વકની અસ્પષ્ટતાની નીતિ તેણે જાળવી રાખી છે.

ઈરાન પાસે અણુશસ્ત્રો નથી અને સિવિલ ન્યુક્લિયર પ્રોગ્રામનો ઉપયોગ પોતે અણુશસ્ત્ર સજ્જ દેશ બનવા માટે કરી રહ્યું હોવાનો ઇનકાર પણ કરે છે.

વૈશ્વિક ન્યુક્લિયર વૉચડૉગને ઈરાનમાંની ભૂગર્ભ ફોર્ડો સાઇટ પરથી ગયા વર્ષે 83.7 ટકાની શુદ્ધતા ધરાવતા યુરેનિયમના કણો મળ્યા હતા. ઈરાને જણાવ્યું હતું કે સંવર્ધનના સ્તરમાં “એહેતુક વધઘટ”ને લીધે એવું થયું હશે.

ઈરાન વૈશ્વિક શક્તિઓના 2015ના પરમાણુ કરારનું ઉલ્લંઘન કરીને 60 ટકા શુદ્ધતા સાથેનું યુરેનિયમ છેલ્લાં બે કરતાં વધારે વર્ષથી ખુલ્લેઆમ બનાવી રહ્યું છે.

જોકે, અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એ કરારમાંથી નીકળી જવાનો નિર્ણય 2018માં કર્યો અને ઈરાન પર આકરા પ્રતિબંધો લાદ્યા પછી આ કરાર તૂટી પડવાની અણી પર છે. ઇઝરાયલે તે કરારનો પહેલાં જ વિરોધ કર્યો હતો.

ઈરાન હુમલા દ્વારા શું સંદેશ મોકલી રહ્યું છે?

મિસાઇલ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતાં કહ્યું હતું, “આપણે તેમને બ્લોક કર્યા છે, અટકાવ્યા છે. આપણે સાથી મળીને જીતીશું.”

જોકે, લેબનોનમાંના બ્રિટનના ભૂતપૂર્વ રાજદૂત અને બ્રિટનના અનેક વડા પ્રધાનોના વિદેશ નીતિ સલાહકાર તરીકે કામ કરી ચૂકેલા ટોમ ફ્લેચરે જણાવ્યું હતું કે ઈરાનનનો હુમલો “તેની ક્ષમતા અને પહોંચનો ચિંતાજનક સંકેત” છે.

તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન અને ઇઝરાયલ બંને દેશ “ઘરઆંગણે દબાણ હેઠળ છે, આંતરરાષ્ટ્રીય ટીકાનો સામનો કરી રહ્યા છે અને આગ સાથે રમવા તૈયાર છે.”

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે ઈરાનનો અભૂતપૂર્વ હુમલો સાવચેતીપૂર્વકની યોજના સાથેનો છે.

તેઓ લેબનોનમાં રાજદૂત તરીકે કામ કરતા હતા ત્યારે નિહાળેલા હુમલાની સરખામણી કરતાં તેમણે કહ્યું હતું, “ઈરાને આ હુમલાઓ અગાઉથી ટેલિગ્રાફ કર્યા હતા, જેથી તેને અટકાવવાનું સરળ બન્યું હતું.” તેમના કહેવા મુજબ, તેમાં “ઇરાદો ક્ષમતા પ્રદર્શિત કરવાનો હતો, યુદ્ધ આગળ વધારવાનો નહીં.”

ઈરાને હિઝબુલ્લા મારફત હુમલો કરાવવાને બદલે સીધો જવાબ આપવાનું પસંદ કર્યું તે “સકારાત્મક બાબત” હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. લેબનીઝ સશસ્ત્ર જૂથોને સરહદ પરથી પાછળ ધકેલવા માટે પોતાના સૈન્યને સંઘર્ષનો વિસ્તાર કરવાની હાકલ કેટલાક ઇઝરાયલીઓએ કરી છે.

ચૅથમ હાઉસ થિંક ટૅન્કનાં સનમ વકીલે જણાવ્યું હતું કે હુમલો ઈરાનના દૃષ્ટિકોણથી સફળ રહ્યો હતો અને તહેરાને ઇઝરાયલના દુઃસાહસનો જવાબ આપ્યો છે.

તેમણે બીબીસીને કહ્યું હતું, “ઈરાને ઇઝરાયલના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું હોય તેવી આ પહેલી ઘટના છે.”

તેમણે ઉમેર્યું હતું, “હુમલો ચોકસાઈપૂર્વકનો હતો અને વધુ કોઈ નુકસાન કર્યા વિના લશ્કરી ઠેકાણાંઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.”