ગાઝામાં અનાથ બાળકોની પીડાઃ ‘આ વખતની ઈદ પહેલાં જેવી નથી’

- લેેખક, અલા રાગી
- પદ, બીબીસી અરબી સેવા
"આ વખતની ઈદ અગાઉની ઈદ જેવી નથી. તેનું કારણ યુદ્ધ છે. અમે અમારો પરિવાર ગુમાવ્યો છે," રફાહમાં 11 વર્ષનાં લયાન કહે છે.
રમઝાનના અંતને ચિહ્નિત કરતા તહેવાર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીની તૈયારી મુસ્લિમો કરી રહ્યા છે. ગાઝાનાં બાળકો કહે છે કે તેમની પાસેથી ઈદનો આનંદ છીનવી લેવામાં આવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની બાળકો માટેની સંસ્થા યુનિસેફના જણાવ્યા અનુસાર, ગાઝા પટ્ટીમાં વિસ્થાપિત વસ્તીનાં એક ટકા બાળકો અનાથ છે અથવા તેમની સંભાળ માટે પુખ્ત વયની કોઈ વ્યક્તિ નથી. માતા-પિતામાંથી કોઈ એક અથવા બન્ને ગુમાવ્યાં હોય તેવાં બાળકો વિનાની કોઈ રાહત શિબિર નથી.
લયાનની બહેન સિવર 18 મહિનાથી હૉસ્પિટલમાં છે. પરિવારમાં આ બન્ને બાળકો જ બચ્યાં છે. તેમણે ગાઝા સિટીની અલ-અહલી હૉસ્પિટલમાં બૉમ્બ ધડાકાથી બચવા માટે આશરો લીધો હતો, પરંતુ ઑક્ટોબરમાં એ જ હૉસ્પિટલ પર મિસાઇલ હુમલો થયો ત્યારે લયાનના પરિવારના બાકીના સભ્યો માર્યા ગયા હતા.
એ રાતે લયાને તેના પરિવારના 35 સભ્યોને ગુમાવ્યા હતા. તેમાં તેમનાં માતા-પિતા અને પાંચ ભાઈ-બહેનનો સમાવેશ થતો હતો.
લયાન કહે છે, "અમારો પરિવાર હૉસ્પિટલે પહોંચ્યાને અડધો કલાક જ થયો હતો ત્યાં બે મિસાઇલ ત્રાટકી હતી. હું જાગી ગઈ હતી અને મારા પરિવારજનોના ટુકડા થઈ ગયા હતા."
ગાઝા શહેરમાંની ગીચ હૉસ્પિટલ પરના હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા. એ હુમલા માટે આતંકવાદી જૂથ પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ અને ઇઝરાયલ એકમેકને દોષી ઠેરવે છે.
લયાનને તેના કાકી અને મોટા પિતરાઈ ભાઈ અલીએ સધિયારો આપ્યો છે. એ અને તેની બહેન તેમની સાથે દક્ષિણ ગાઝાના રફાહના તંબુમાં આશરો લઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

યુદ્ધે બધું છીનવી લીધું તે પહેલાં લયાન તેમનાં માતા-પિતા સાથે ઈદમાં પહેરવા માટે નવાં વસ્ત્રો ખરીદતાં હતાં. ઈદ માટે તેઓ ‘મામોલ’ નામે ઓળખાતા કૂકીઝ બનાવતા હતા અને કૌટુંબિક મેળાવડાનો આનંદ માણતા હતા.
જોકે, આ વર્ષે એવો કોઈ મેળાવડો થશે નહીં. લયાન કહે છે,"આ ઈદ પર અમને મળવા કોઈ નહીં આવે."
યુદ્ધને કારણે હજારો લોકો બેરોજગાર થઈ ગયા છે અને પૈસાની તંગી હોવા છતાં 24 વર્ષનાં અલીએ આ બહેનો અને તેમના અન્ય પિતરાઈ ભાઈઓ માટે, પોતાને પોસાય તેવાં કપડાં તથા રમકડાં ખરીદવાનું નક્કી કર્યું છે. અલી તેની આ બે બહેનોની સારસંભાળ રાખી રહ્યો છે.
લયાનના પિતરાઈ ભાઈઓ તેમના પરિવારના 43 સભ્યો સાથે ગાઝા સિટીના ઝેતુન વિસ્તારમાં આવેલી એક ઇમારતમાં રહેતા હતા. બચી ગયેલા લોકોએ હવે દક્ષિણ ગાઝાના એક તંબુમાં આશરો લીધો છે.
લયાનની જેમ તેનો 14 વર્ષનો પિતરાઈ ભાઈ મહમૂદ પણ યુદ્ધમાં અનાથ બની ગયો છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે અલ-અહલી હૉસ્પિટલ પરના હુમલામાં તેમનાં માતા-પિતા અને મોટા ભાગનાં ભાઈ-બહેનોને ગુમાવ્યાં હતાં. હુમલો થયો ત્યારે મહમૂદ પરિવારજનો માટે પાણી લાવવા બહાર ગયા હતા.
મહમૂદ કહે છે, "હું પાછો આવ્યો ત્યારે બધાના મૃતદેહ જોયા હતા. જે જોયું તેનાથી હું ચોંકી ઊઠ્યો હતો."
યુદ્ધ પહેલાં મહમૂદનું સપનું બૉડી બિલ્ડિંગ ચૅમ્પિયન બનવાનું હતું અને તે ઇજિપ્તમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરતો હતો.
હવે તેમનું સપનું ગાઝા પટ્ટીની ઉત્તરે આવેલા ઘરે પાછા ફરવાનું અને માતા-પિતાની સ્મૃતિને આદરાંજલિ આપવાનું છે.
મહમૂદ કહે છે, "આ ઈદ આનંદવિહોણી હશે. અગાઉ અમે રસ્તાઓને રોશનીથી સજાવતા હતા, પરંતુ આજે અમે તંબુમાં સજાવટ તરીકે ફક્ત દોરડું લટકાવી શકીએ તેમ છીએ. "
પેલેસ્ટાઇનના સેન્ટ્રલ બ્યુરો ઑફ સ્ટેટેસ્ટિક્સના અહેવાલ મુજબ, ગાઝામાં 43,000થી વધુ બાળકો માતા-પિતા અથવા તે બે પૈકીનાં એક વગરનાં છે.
ચોક્કસ આંકડા મેળવવા મુશ્કેલ છે, પરંતુ યુનિસેફનો અંદાજ છે કે ગાઝા પટ્ટીમાં ઓછાંમાં ઓછાં 17,000 બાળકો એકલાં છે અથવા યુદ્ધ દરમિયાન તેમનાં માતા-પિતાથી વિખૂટાં પડી ગયાં છે.
સમૂહ ભોજન

ઈદનો પરંપરાગત અર્થ કૌટુંબિક મેળાવડો અને આ પ્રસંગ માટે ખાસ બનાવવામાં આવતું ભોજન હોય છે, પરંતુ આ વખતે આવું કશું નથી તથા યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે બાળકો માટે માત્ર તેની સ્મૃતિ જ છે.
ઈદ વખતે ગાઝાના લોકોના ભોજન થાળમાં સુમાકિયા તથા ફાસીખ નામની માંસ-મચ્છીની વાનગીઓ સહિતની ઘણી વાનગીઓ હોય છે. તેમ છતાં ઈદની કૂકીઝ આ પ્રસંગની મુખ્ય મિઠાઈ હોય છે.
દક્ષિણના શહેર રફાહમાં વિસ્થાપિતોના શિબિરમાં મજદ નાસર નામના એક પેલેસ્ટિનિયન પુરુષ તથા તેના પરિવારના તંબુમાં લગભગ 10 મહિલાઓ ઈદની કૂકીઝ બનાવવા એકઠી થઈ છે.
વીસ વર્ષના મજદ ઉત્તરથી વિસ્થાપિત થયો હતો. તેમણે "શિબિરમાંના બાળકો તથા તેમના પરિવારો ઈદનો સ્વાદ માણી શકે એટલા માટે" પહેલ કરી છે અને નજીકના તંબુઓમાં રહેતા પાડોશીઓને સાથે ભોજન બનાવવા આમંત્રણ આપ્યું છે. મજદ કહે છે, "મામોલ બનાવવા માટેની સામગ્રી અગાઉનાં વર્ષો કરતાં આ વખતે ત્રણથી ચાર ગણી મોંઘી છે."
રાહત શિબિરમાં રહેતા લગભગ 60 પરિવારોને યુવકો વર્તુળાકાર કેકનું વિતરણ કરે છે.
સમગ્ર ગાઝા પટ્ટીમાં લગભગ 17 લાખ વિસ્થાપિત લોકો અત્યંત કઠોર પરિસ્થિતિમાં રહે છે. ખોરાક અને પાણીની અછત હોવાથી તેમણે સહાય પર આધાર રાખવો પડે છે.
બાળકોને રાહત આપવા સર્કસ

પરિસ્થિતિ વિકટ હોવા છતાં અહમદ મુશ્તાહા અને તેમની ટીમને તેમના સર્કસ મારફત શક્ય તેટલાં વધુ અનાથ બાળકોને થોડો આનંદ કરાવવાની આશા છે. આ સર્કસ ઈદ દરમિયાન ઉત્તર ગાઝામાં વિસ્થાપિત લોકોની શિબિરની મુલાકાતે આવવાનું છે.
આ વિસ્તારમાં આશરે ત્રણ લાખ લોકો દુષ્કાળના ભયનો સામનો કરી રહ્યા છે.
સર્કસના સ્થાપક મુશ્તાહા કહે છે, "અમે બાળકોના ચહેરા પર આનંદ લાવવા ઇચ્છીએ છીએ, જેથી તેઓ ઈદની ઉજવણી કરી શકે."
સર્કસની સ્થાપના 2011માં કરવામાં આવી હતી અને તે ગાઝા સિટીમાં કાર્યરત હતું. યુદ્ધ દરમિયાન બૉમ્બમારો કરવામાં આવ્યો તે પહેલાં સુધી મુશ્તાહા બાળકોને સર્કસની કલા શીખવતા હતા.
યુદ્ધ પહેલાં મુશ્તાહા અને તેમના 10 કળાકારોની ટીમ બાળકો તથા અનાથો માટેનાં ઉદ્યાનોમાં કાર્યક્રમ કરતી હતી.
હવે તેઓ શિબિરો અને યુદ્ધના અવશેષોના પશ્ચાદભૂમાં પર્ફોર્મ કરે છે. તેમાં એક્રોબેટિક્સ અને જાદુગરીથી માંડીને જોકર દ્વારા રમૂજી સ્કેચ બનાવવાનો સમાવેશ થાય છે. તેનાથી બાળકો ખડખડાટ હસે છે.
મુશ્તાહા કહે છે, "અમે સતત મોટા જોખમોનો સામનો કરીએ છીએ. ઘણી વખત અમારો ચમત્કારિક બચાવ થયો હતો અને અમે ઘાયલ થયા હતા, પરંતુ બાળકો યુદ્ધની મુશ્કેલીઓને ભૂલી શકે એટલા માટે તેમને મનોવૈજ્ઞાનિક સહારો મળી રહે તેનું અમે ધ્યાન રાખીએ છીએ."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












