હમાસના એ નેતા જેમના 'ત્રણ પુત્રો અને ચાર પૌત્રોને ઇઝરાયલે મારી નાખ્યા'

ઇમેજ સ્રોત, REUTERS
હમાસના રાજકીય નેતા ઇસ્માઇલ હાનિયાએ એ વાતની પુષ્ટિ કરી છે કે તેમના ત્રણ પુત્રો અને ચાર પૌત્રોનું ઇઝરાયલે ગાઝામાં કરેલી ઍરસ્ટ્રાઇકમાં મૃત્યુ થયું છે.
બીબીસી સંવાદદાતા વિકી વૉંગના એક અહેવાલમાં હમાસ સાથે જોડાયેલા મીડિયાએ કહ્યું છે કે જે કારમાં તેમના પુત્રો સવાર હતા તેના પર ગાઝાના અલ-શાતિ કૅમ્પ નજીક હુમલો કરવામાં આવ્યો હતો.
હાનિયાએ કહ્યું હતું કે આ ઘટનાને કારણે હમાસ દ્વારા સીઝફાયરને લક્ષ્યમાં રાખીને થઈ રહેલી વાટાઘાટ પર કોઈ અસર પડશે નહીં.
ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે હાનિયાના પુત્રો હમાસની મિલિટરી વિંગના સભ્યો હતા.
સમાચાર પ્રમાણે તેમના પુત્રો ઈદની રજાઓને મનાવવા માટે એક પારિવારિક સમારોહમાં જઈ રહ્યા હતા.
હાનિયાએ બ્રૉડકાસ્ટર અલ-જઝીરાને જણાવ્યું હતું કે તેમના ત્રણ પુત્રો હાઝેમ, આમિર અને મુહમ્મદનાં મૃત્યુ થયાં છે.
ત્યાર બાદ હમાસે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે તેમના ચાર પૌત્રો મોના, અમાલ, ખાલેદ અને રઝાનનાં નામ પણ જેમનાં મૃત્યુ થયાં તેમાં સામેલ છે. હમાસનું નિવેદન આ ઘટનાને ‘વિશ્વાસઘાતી અને કાયરતાપૂર્ણ’ કૃત્ય ગણાવે છે.

ઇમેજ સ્રોત, REUTERS
હાનિયા અનુસાર તેમણે આ સમાચાર ત્યારે સાંભળ્યા હતા કે જ્યારે ઘવાયેલા પેલેસ્ટિનિયન નાગરિકોની તેઓ દોહાની કતારી હૉસ્પિટલમાં મુલાકાત લઈ રહ્યા હતા. ત્યાં જ તેઓ હાલમાં રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે અલ-જઝીરાને કહ્યું હતું કે, “તેમણે એવા સમયે મારા પુત્રોને નિશાન બનાવ્યા છે કે જ્યારે યુદ્ધવિરામની વાતો છેલ્લા તબક્કામાં પહોંચી છે. જો તેમને એવો ભ્રમ હોય કે તેનાથી હમાસ ચલિત થઈ જશે તો એ ખોટું છે.”
હમાસની ટેલિગ્રામ ચેનલમાં આવેલી ટિપ્પણીઓ અનુસાર તેમણે આ ઘટનાને ‘તેમના પુત્રો અને પૌત્રોની શહીદી’ ગણાવતાં ભગવાનનો આભાર માન્યો હતો અને તેને ગર્વની લાગણી ગણાવી છે.
ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેમણે “મધ્ય ગાઝા પટ્ટીમાં તેમણે હમાસની સૈન્ય પાંખના ત્રણ કૅમ્પનો ખાતમો કર્યો છે.” તેમાં ઇસ્માઇલ હાનિયાના ત્રણ પુત્રોનો ઉલ્લેખ છે. પરંતુ આ નિવેદનમાં હાનિયાના પૌત્રોના મૃત્યુનો ઉલ્લેખ નથી.
યુદ્વવિરામ માટેના આંતરરાષ્ટ્રીય દબાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સીઆઇએના હેડ વિલિયમ બર્ન્સને તાજેતરમાં થનારી વાતચીત માટે ઇજિપ્તના કૈરોમાં મોકલ્યા છે.
છેલ્લા પ્રસ્તાવમાં હમાસે બંધક બનાવાયેલા 40 ઇઝરાયલીઓને 900 પેલેસ્ટિનિયન લોકોને ઇઝરાયલની જેલોમાંથી મુક્ત કરાવવાના બદલામાં છોડી મુકાશે તેવી શરત રાખી હતી.
ઇસ્માઇલ હાનિયા કોણ છે?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇસ્માઇલ હાનિયા હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ અને 10મી પેલેસ્ટાઇન સરકારના વડા પ્રધાન હતા. તેમનું ઉપનામ અબુ-અલ-અબ્દ છે. તેમનો જન્મ પેલેસ્ટાઇન શરણાર્થી શિબિરમાં થયો હતો.
તેઓ 2006થી પેલેસ્ટાઇનના વડા પ્રધાનના રૂપમાં કામ કરી રહ્યા હતા. 2017થી તેમના બદલે યાહ્યા સિનવારે આ જવાબદારી સંભાળી હતી.
ઇઝરાયલે તેમને 1989માં ત્રણ વર્ષ માટે કેદ કરી લીધા હતા. ત્યાર બાદ તેમને હમાસના ઘણા નેતાઓ સાથે માર્જ-અલ-જુહૂર નિર્વાસિત કરી દેવામાં આવ્યા હતા. આ ઇઝરાયલ અને લેબનન વચ્ચે એક નૉ-મેન્સ લૅન્ડ છે. અહીં તેઓ એક વર્ષ સુધી રહ્યા હતા.
નિર્વાસન પૂરું થયા પછી તેઓ ગાઝા પરત ગયા. તેમણે 1997માં હમાસના આંદોલનના આધ્યાત્મિક નેતા શેખ અહમદ યાસીનના કાર્યાલયના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. તેનાથી તેમનું કદ વધી ગયું.
હમાસે 16 ફેબ્રુઆરી, 2006ના રોજ તેમને પેલેસ્ટાઇનના વડા પ્રધાન નામાંકિત કર્યા હતા. તેમને એ જ વર્ષે 20 ફેબ્રઆરીએ નિયુક્ત પણ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ જ પેલેસ્ટાઇન ઑથૉરિટીના પ્રમુખ મહમૂદ અબ્બાસે તેમને તેમના પદ પરથી હઠાવી દીધા.
ઇઝ-અલ-દીન અલ-કાસમ બ્રિગેડે ગાઝા પટ્ટી પર કબજો કરી લીધો હોવાને કારણે તેમને હઠાવવામાં આવ્યા હોવાનું મનાય છે.
હાનિયાએ પોતાનું સસ્પેન્શન ગેરબંધારણીય ગણાવતા તેને નકારી દીધું હતું. તેમનું કહેવું હતું કે તેમની સરકાર પોતાનાં કર્તવ્યોનું પાલન ચાલુ રાખશે અને પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે પોતાની જવાબદારીઓને છોડશે નહીં.
હાનિયાને 6 મે, 2017ના રોજ હમાસના પૉલિટિકલ બ્યૂરોના પ્રમુખ પસંદ કરાયા હતા. અમેરિકાના વિદેશ વિભાગે 2018માં હાનિયાને આતંકવાદી જાહેર કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
અહીં ઉલ્લેખનીય છે કે હમાસે 7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 1200 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 250થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલ કહે છે કે તેના 130 નાગરિકો હજુ ગાઝામાં બંધક છે અને ઓછામાં ઓછા 34 લોકોનાં મૃત્યુ થયાં છે.
તો બીજી તરફ હમાસ સંચાલિત સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 33 હજારથી વધુ નાગરિકોનાં ઇઝરાયલે વળતા પ્રહાર તરીકે કરેલી ઍરસ્ટ્રાઇક અને હુમલાઓમાં મૃત્યુ થયાં છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












