ઇઝરાયલ અને ઈરાન : એક સમયના સાથીમિત્ર દુશ્મન કેવી રીતે બની ગયા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુઇલેર્મો ડી. ઑલ્મો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
વર્ષ 1948માં ઇઝરાયલની સ્થાપના થઈ. એ સમયે તુર્કી બાદ ઈરાન, ઇઝરાયલને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો.
એ સમયગાળામાં ઇઝરાયલ અને ઈરાનના સંબંધો મૈત્રીપૂર્ણ હતા. પણ પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને બંને એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા.
તારીખ 13 જૂનના રોજ ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઇઝરાયલે ઈરાનનાં ઘણાં સૈન્ય અને પરમાણુ ઠેકાણાંને ટાર્ગેટ કર્યાં હતાં જેમાં તહેરાન, નતાન્ઝ અને ઇસ્ફહાન સામેલ છે.
ઇઝરાયલે આ અભિયાનને 'ઑપરેશન રાઇઝિંગ લાયન' નામ આપ્યું હતું. જવાબી હુમલામાં ઈરાને પણ ઇઝરાયલનાં શહેરો પર ડ્રોન અને બૅલેસ્ટિક મિસાઇલો છોડી હતી.
અત્યારે બંને તરફથી હુમલાઓ ચાલુ છે અને હાલના સંજોગોમાં અટકે એવા કોઈ અણસાર નથી, ત્યારે આ રિપોર્ટમાં એ સમજીએ કે આખરે એક સમયના દોસ્ત ઇઝરાયલ અને ઈરાન દુશ્મન કેવી રીતે બની ગયા?
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે દુશ્મનાવટ કેવી રીતે શરૂ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
હકીકતમાં ઇસ્લામિક આયતુલ્લાહ ખામેનેઈની કથિત ક્રાંતિએ ઈરાનની સત્તા કબજે કરી એ પહેલાં 1979 સુધી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સુમેળભર્યા સંબંધો હતા.
1948માં ઈરાને પેલેસ્ટાઇનના ભાગ કરીને નવા ઇઝરાયલ નામના રાષ્ટ્રની રચના કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ તેનાથી વિરુદ્ધ ઇજિપ્ત પછી ઇઝરાયલને માન્યતા આપનાર ઈરાન બીજો ઇસ્લામિક દેશ બન્યો હતો.
એ સમયે ઈરાનમાં પહલવી રાજવંશના શાહનું શાસન હતું અને ઈરાન રાજાશાહી ધરાવતો દેશ હતો. મધ્ય-પૂર્વના દેશોમાં તે અમેરિકાનો મુખ્ય સહયોગી દેશ ગણાતો હતો. એટલા માટે જ ઇઝરાયલની પ્રથમ સરકારના વડા ડૅવિડ બેન ગુરિઅને ઈરાન સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલ જો એ સમયે ઈરાન સાથે મિત્રતા કરી લેત તો આરબ દેશો આ નવા યહૂદી દેશની રચનાને નકારી શકે નહીં અને તેને માન્યતા આપવા પ્રેરાય.
પરંતુ વર્ષ 1979માં રુહોલ્લાહ ખામેનેઈની ક્રાંતિએ ઈરાનના શાહનું શાસન ઉખાડી ફેંક્યું અને ઇસ્લામિક પ્રજાસત્તાકની સ્થાપનાની જાહેરાત કરી. આ નવા શાસકે પોતાને દબાયેલા, કચડાયેલા લોકોના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યા હતા અને પોતાના શાસનની ઓળખ અમેરિકા અને તેના સાથી ઇઝરાયલના સામ્રાજ્યવાદના વિરોધી તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આયતુલ્લાહના નવા શાસને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તેના નાગરિકોના પાસપૉર્ટની માન્યતાને પણ નકારી દીધી. તહેરાનમાં આવેલા ઇઝરાયલી દૂતાવાસને પણ બંધ કરીને પેલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનાઇઝેશનને સોંપવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે પછી પેલેસ્ટાઇન સ્ટેટ અને ઇઝરાયલી સરકાર વચ્ચે લડાઈ થઈ હતી.
બંને દેશ વચ્ચે દુશ્મની વધતી ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે જાણવા માટે બીબીસી મુંડોએ ઇન્ટરનૅશનલ ક્રાઇસિસ ગ્રૂપ સેન્ટરમાં ઈરાન પ્રોગ્રામના નિદેશક અલી વાયેઝ સાથે વાત કરી હતી.
'ઈરાન પ્રોગ્રામ ઍટ ધી ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ગ્રૂપ'ના ડાયરેક્ટર અલી વાયેઝ બીબીસીને જણાવે છે કે, "ઇઝરાયલ સાથે વેર એ નવા ઈરાની શાસનનો પાયો હતો, કારણ કે તેના ઘણા નેતાઓએ લેબનોન અને અન્ય સ્થળોએ પેલેસ્ટેનિયનો સાથે ગોરીલા યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેથી તેમને પેલેસ્ટિનિયનો પ્રત્યે વિશેષ સહાનુભૂતિ હતી."
પરંતુ વાયેઝ માને છે કે, "નવું ઈરાન પોતાને એક 'પૅન-ઇસ્લામિક પાવર' તરીકે રજૂ કરવા માગતું હતું અને ઇઝરાયલ સામે પેલેસ્ટાઈનને ઊભું કરવા માગતું હતું. આ મુદ્દાને આરબ મુસ્લિમ દેશોએ છોડી દીધો હતો."
જેથી કરીને ખામેનેઈએ પેલેસ્ટાઇનના દાવાને જાણે કે પોતાનો દાવો હોય એ રીતે રજૂ કરવાનું શરૂ કર્યું અને પેલેસ્ટાઇન સમર્થિત વિરોધપ્રદર્શનો ઈરાનના તહેરાનમાં સામાન્ય બની ગયાં.
વાયેઝ સમજાવે છે કે, "બીજી તરફ ઇઝરાયલમાં ઈરાન પ્રત્યેનો વેરભાવ 1990ના દાયકા સુધી એટલો વધ્યો ન હતો, કારણ કે ઈરાન પહેલાં તો સદ્દામ હુસૈન શાસિત ઇરાક આ ક્ષેત્ર માટે મોટું જોખમ ગણાતું હતું."
'ઈરાન કૉન્ટ્રા' તરીકે ઇતિહાસમાં અંકિત થયેલા સ્કેન્ડલ કે જેના થકી અમેરિકાએ ઈરાનને શસ્ત્રો ઉપલબ્ધ કરાવ્યાં હતાં અને ઈરાને તેનો ઉપયોગ ઇરાક સામેના યુદ્ધમાં કર્યો હતો તેમાં પણ ઇઝરાયલી સરકારે મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું. તેના પરથી અંદાજ લગાવી શકાય કે ઇરાક તેના માટે કેટલું મોટું જોખમ હતું.
જોકે, સમય જતાં જ ઇઝરાયલ ઈરાનને પોતાનું મુખ્ય દુશ્મન ગણવા લાગ્યું અને બંને વચ્ચેનું શાબ્દિક યુદ્ધ એ વાસ્તવિક યુદ્ધ બનવા લાગ્યું.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું ‘આભાસી યુદ્ધ’

ઇમેજ સ્રોત, Getty Images
વાયેઝ જણાવે છે કે ઈરાનને એક મોટી ક્ષેત્રીય શક્તિ સાઉદી અરેબિયાનો પણ સામનો કરવો પડ્યો છે. ઈરાન મુખ્ય રૂપે ફારસી અને શિયા છે. જ્યારે આરબજગત સુન્ની છે. ઈરાનની સરકારને એવું લાગ્યું કે એના શત્રુઓ એક દિવસ એના પર હુમલો કરી દેશે. એમને રોકવા માટે એણે વ્યૂહરચના પર કામ શરૂ કર્યું.
આમ, ઈરાન સાથે સંલગ્ન સંગઠનોનું નેટવર્ક વિસ્તર્યું અને તેનાં હિતોને અનુકૂળ હોય એવાં અભિયાનો પણ હાથ ધર્યાં. આ જૂથોમાં લેબનોનનું હિઝબુલ્લાહ નેટવર્ક સામેલ હતું, જેને અમેરિકા અને બ્રિટને 'આતંકી જૂથ' તરીકે ચિહ્નિત કર્યું હતું. આજે પણ કથિત ઈરાની સંઘર્ષનાં પદચિહ્નો લેબનોન, સીરિયા, ઇરાક અને યમન થઈને જાય છે. એ બાદ ઇઝરાયલ પણ હાથ પર હાથ ધરીને બેસી ન રહ્યું અને તેણે પણ ઈરાન અને તેના સાથીદેશો સાથે તીવ્ર સંઘર્ષ ચાલુ રાખ્યો.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની આ લડાઈઓ આભાસી યુદ્ધ ગણાવાઈ, કારણ કે બંને દેશોએ મોટા ભાગે છદ્મ રીતે એકબીજા પર હુમલાઓ ચાલુ રાખ્યા અને ક્યાંય અધિકૃત રીતે બંને દેશોની સરકારો તેમાં સંલગ્ન હતી તેવું ન જોવા મળ્યું.
ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ઇઝરાયલની નજર

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1992માં ઈરાન સાથે સારા સંબંધો ધરાવતા ઇસ્લામિક જેહાદ ગ્રૂપે બ્યૂનોસ ઍરિસમાં આવેલા ઇઝરાયલી દૂતાવાસને ફૂંકી માર્યું હતું, જેમાં 29 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અગાઉ હિઝબુલ્લાહના નેતા અબ્બાસ અલ-મુસાવીની પણ હત્યા કરી દેવામાં આવી હતી, જેનો આરોપ પણ ઇઝરાયલી ઇન્ટેલિજન્સ સર્વિસિઝ પર મૂકવામાં આવ્યો હતો.
ઈરાની પરમાણુ કાર્યક્રમ અટકાવવો અને આયતુલ્લાહ પાસે પરમાણુ શસ્ત્રો ન આવે એ ઇઝરાયલની કાયમી પ્રાથમિકતા રહી છે.
ઇઝરાયલ ઈરાનની એ વાતને માનતું નથી કે આ પરમાણુ કાર્યક્રમો પાછળ માત્ર નાગરિક સંબંધિત હેતુ જ રહેલો છે. તેણે અમેરિકા સાથે મળીને બનાવેલા સ્ટક્સનેટ કમ્પ્યુટર વાઇરસની મદદથી વર્ષ 2000માં ઈરાનના પરમાણુ કાર્યક્રમને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આ વાત સર્વવિદિત છે.
ઈરાન પણ એવો દાવો કરે છે કે તેના પરમાણુ કાર્યક્રમો સાથે સંકળાયેલા મુખ્ય વૈજ્ઞાનિકો પર હુમલાઓ પાછળ ઇઝરાયલી જાસૂસી તંત્રની સંડોવણી છે.
વર્ષ 2020માં ઈરાનના આ પરમાણુ કાર્યક્રમના સૌથી જવાબદાર અને મહત્ત્વના વ્યક્તિ મોહસેન ફખરીઝાદેહની હત્યા થઈ ગઈ હતી. જોકે, ઇઝરાયલની સરકારે ઈરાનિયન વૈજ્ઞાનિકોની હત્યા પાછળ પોતાની સંડોવણી હોવાની વાત ક્યારેય સ્વીકારી નથી.
ઇઝરાયલ અને તેના પશ્ચિમી મિત્રદેશો સાથે મળીને ઈરાન પર આરોપ લગાવે છે કે તે ડ્રોન અને રૉકેટના હુમલાઓ ઇઝરાયલી ધરતી પર ભૂતકાળમાં પણ કરતું રહ્યું છે. તેણે અનેક સાયબર હુમલાઓ પણ કર્યા છે.
આ ઉગ્ર દુશ્મનાવટ પાછળ કેટલેક અંશે વર્ષ 2011માં ફાટી નીકળેલું સીરિયાનું ગૃહયુદ્ધ પણ જવાબદાર છે. પશ્ચિમી દેશોનાં જાસૂસી તંત્રો અનુસાર ઈરાને સીરિયામાં બશર-અલ-અસદ વિરુદ્ધ થઈ રહેલા વિરોધને દબાવવા માટે તેને હથિયારો અને સલાહકારો આપ્યાં હતાં, જેના કારણે ઇઝરાયલ પણ સતર્ક થઈ ગયું હતું.
ઇઝરાયલ માનતું હતું કે પડોશી દેશ સીરિયા એ મુખ્ય દેશ છે જેના મારફત ઈરાન એ લેબનોનના હિઝબુલ્લાહ સુધી શસ્ત્રો પહોંચાડે છે.
યુએસ ઇન્ટેલિજન્સ પોર્ટલ સ્ટ્રેટફોર અનુસાર અલગ-અલગ સમયે ઇઝરાયલ અને ઈરાને સીરિયામાં પગલાં ભર્યાં હતાં અને એકબીજાને મોટો હુમલો કે આક્રમણ કરતા રોક્યા હતા.
આ 'આભાસી યુદ્ધ' 2021માં અખાતી દેશોમાં વિસ્તર્યું. એ વર્ષે ઇઝરાયલે ઈરાન પર ઓમાનના અખાતમાં તેનાં જહાજો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો. તો બીજી તરફ ઈરાને ઇઝરાયલ પર રાતા સમુદ્રમાં ચાલતા તેનાં જહાજો પર હુમલાનો આરોપ મૂક્યો હતો.
તાજેતરના હુમલાઓની શરૂઆત થઈ ત્યારે ઇઝરાયલના વડા પ્રધાને કહ્યું કે આ હુમલાઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સંબંધિત કેન્દ્રોને નિશાન બનાવીને કરાઈ રહ્યા છે.
નેતન્યાહૂએ આગળ કહ્યું, "જો ઈરાનને રોકવામાં ન આવ્યું તો બહુ ઓછા સમયમાં એ પરમાણુ હથિયાર બનાવી શકે છે. એક વર્ષમાં અથવા તો આનાથી પણ પહેલા. આ ઇઝરાયલના અસ્તિત્વ માટે પ્રત્યક્ષ રીતે એક ગંભીર ખતરો છે''
હાલ બંને દેશો એકબીજા પર સતત હુમલાઓ કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












