ઇઝરાયલી હુમલા વચ્ચે બીબીસીના ગાઝા સંવાદદાતાએ પોતાના પરિવારને કઈ રીતે સુરક્ષિત રાખ્યો?

- લેેખક, અદનાન અલ-બુર્શ
- પદ, બીબીસી સંવાદદાતા
અદનાન અલ-બુર્શ લગભગ ત્રણ મહિના સુધી એક ટેન્ટમાં રહેતા, એક વખત ભોજન કરતા અને તેમનાં પત્ની તથા પાંચ બાળકોને સલામત રાખવાના પ્રયાસ કરવાની સાથે યુદ્ધનું રિપોર્ટિંગ પણ કરી રહ્યા છે.
યુદ્ધને કવર કરવા દરમિયાન બીબીસી અરબીના આ સંવાદદાતાએ જે ભયંકર પળોનો સામનો કર્યો હતો તે તેમણે અહીં વ્યક્ત કર્યો છે.
પોતે રિપોર્ટિંગ દરમિયાન જે ઘટનાઓનો સામનો કર્યો હતો તે બધાની વાત અદનાન અલ-બુર્શ અહીં કરે છે.
ચેતવણીઃ આ રિપોર્ટ સાથેના ફોટોગ્રાફ્સ તથા વિવરણ કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.

છેલ્લા છ મહિનામાંની સૌથી ખરાબ પળો પૈકીની એક અમારે રસ્તા પર ઊંઘવું પડ્યું તે હતી.
દક્ષિણ ગાઝાના ખાન યુનિસના રસ્તા પર કડકડતી ઠંડીમાં હું મારાં પત્ની તથા બાળકોના ચહેરા જોઈ રહ્યો હતો અને લાચારી અનુભવતો હતો.
મારા 19 વર્ષનાં જોડિયાં બાળકો ઝકિયા અને બતૂલ તેમની 14 વર્ષની બહેન યુમના સાથે ફૂટપાથ પર સૂતાં હતાં.
મારો આઠ વર્ષનો દીકરો મોહમ્મદ અને પાંચ વર્ષની સૌથી નાની દીકરી રઝાન તેની મમ્મી ઝૈનબ સાથે હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીના વડામથકની બહાર રોકાયાં ત્યારે આખી રાત ગોળીબારના અવાજ આવતા હતા અને માથા પર ડ્રોન ફરતા હતા.
અમે એક એપાર્ટમેન્ટ ભાડેથી લેવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ મકાનમાલિકે એ જ દિવસે કહી દીધું હતું કે ઇઝરાયલી સેનાએ આ ઇમારત પર બૉમ્બ ફેંકવાની ચેતવણી આપી છે.
હું એ વખતે કામ કરતો હતો, પરંતુ મારો પરિવાર અમારો સામાન લઈને ત્યાંથી નીકળી ગયો હતો.
પરિવાર સાથે રઝળપાટ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમે બધા રેડ ક્રેસન્ટના વડામથકે મળ્યા હતા, જ્યાં પહેલેથી જ વિસ્થાપિત લોકોની જબરી ભીડ એકઠી થઈ હતી.
મારો ભાઈ અને હું આખી રાત પૂઠાનાં ખોખાં પર બેસીને ચર્ચા કરતા રહ્યા કે અમારે શું કરવું જોઈએ.
મારો પરિવાર 13 ઑક્ટોબરે જબાલિયા શહેરમાંથી ઘરબાર અને પોતાનો મોટા ભાગનો સામાન છોડીને નીકળી ગયો હતો.
ઇઝરાયલી સેનાએ ઉત્તર ગાઝાના તમામ લોકોને ત્યાંથી નીકળીને દક્ષિણમાં ચાલ્યા જવા જણાવ્યું હતું, પરંતુ મારો પરિવાર તેના થોડા દિવસ પહેલાં જ ત્યાંથી નીકળી ગયો હતો.
અમે એ વિસ્તારમાંથી બૉમ્બમારામાંથી હેમખેમ બચી ગયા હતા, જ્યાં જવાનું અમને કહેવામાં આવ્યું હતું.
અત્યારે કશું પણ સાચી રીતે વિચારવાનું બહુ મુશ્કેલ છે. મને ગુસ્સો આવે છે અને અપમાનની લાગણી પણ થાય છે.
હું મારા પરિવારને સલામતી કેમ આપી શકતો નથી, એ વિચારીને બહુ ગ્લાનિ અનુભવું છું. તે ભયાનક અનુભવ હતો.
આખરે મારો પરિવાર સેન્ટ્રલ ગાઝાના નુસૈરતના એપાર્ટમેન્ટમાં રહેવા ચાલ્યો હતો હતો, જ્યારે હું ખાન યુનિસની નાસિર હૉસ્પિટલના એક ટેન્ટમાં બીબીસીની ટીમ સાથે રહેતો હતો. થોડા-થોડા દિવસે પરિવારને મળવા જતો હતો.
વાતચીત કરવાનું અત્યંત મુશ્કેલ હતું, કારણ કે ઇન્ટરનેટ અને ફોન સિગ્નલ્સ ઘણી વાર કટ થઈ જતાં હતાં. એક વખત પાંચ દિવસ સુધી હું મારા પરિવાર વિશે કશું જાણી શક્યો ન હતો.
‘લાઈવ રિપોર્ટિંગ દરમિયાન રડી પડ્યો’

ઇમેજ સ્રોત, Getty Images
ખાન યુનિસમાં બીબીસીની ટીમમાં અમે સાત લોકો હતા. અમને એક ટંક જમવાનું મળતું હતું. અમારી પાસે બે ટંકનું ભોજન હોય તો પણ અમે તે કરતા ન હતા, કારણ કે ટૉઇલેટ માટે કોઈ જગ્યા ન હતી.
એ દરમિયાન મારા દોસ્ત અને અલ જઝીરાના બ્યુરો ચીફ વાએલ દાહદૂહે આ યુદ્ધની દિલ તોડતી કિંમત ચૂકવી હતી.
વાએલનો પરિવાર રહેતો હતો તે ઘરને ઇઝરાયલની મિસાઇલે નિશાન બનાવ્યું હતું. એ હુમલામાં તેમનાં પત્ની, એક યુવાન દીકરો, સાત વર્ષની દીકરી અને એક વર્ષનો પૌત્ર માર્યાં ગયાં હતાં.
ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે સામાન્ય લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે તેઓ શક્ય તેટલી સાવધાની રાખે છે. આ કિસ્સામાં “હમાસના ઉગ્રવાદીઓના બુનિયાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું હતું.”
મેં મારા એ દોસ્તનું ફૂટેજ જોયું હતું, જેમને હું 20 વર્ષથી જાણું છું. તેઓ સેન્ટ્રલ ગાઝામાં તેમનાં સંતાનોના કફનમાં વીંટળાયેલા મૃતદેહોને ગળે વળગાડી રહ્યા હતા. એ સમયે હું તેમની સાથે હોત તો સારું થાત.
એ સમાચાર આવ્યા ત્યારે મને દોસ્તો, સગાંસંબંધીઓ અને પાડોશીઓના મોતના સમાચાર સતત મળતા હતા.
હું એ દિવસે રિપોર્ટિંગ કરતો હતો અને લાઇવ સમાચાર આપતી વખતે રડી પડ્યો હતો. હું રાતે પથારીમાંથી બેઠો થઈ જતો હતો. મારા ગાલ આંસુથી ભીંજાઈ જતા હતા. વાએલની તસવીરોએ મને વિહવળ કરી મૂક્યો હતો.
મેં ગાઝામાં 15 વર્ષથી સંઘર્ષોને કવર કર્યા છે, પરંતુ આ યુદ્ધ અલગ છે. અભૂતપૂર્વ પ્રમાણમાં થયેલા હુમલાઓમાં લોકોને જંગી પ્રમાણમાં નુકસાન થયું છે.
સાતમી ઑક્ટોબરની સવારે સવા છ વાગ્યે હું જાગ્યો ત્યારે મારાં સંતાનો ચીસો પાડી રહ્યાં હતાં. હું અગાસી પર ગયો અને જોયું તો ઇઝરાયલ તરફથી ગાઝા પર રૉકેટમારો કરવામાં આવી રહ્યો હતો.
હમાસ ઇઝરાયલમાં ઘૂસ્યું છે, હુમલામાં 1,200 લોકોનાં મોત થયાં છે અને 250 ઇઝરાયલીઓને બંધક બનાવવામાં આવ્યા છે, એવી ખબર પડી ત્યારે અમને અંદાજ આવી ગયો હતો કે તેનો જવાબ અભૂતપૂર્વ હશે.
હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગાઝામાં અત્યાર સુધીમાં 34,000 લોકો મૃત્યુ પામ્યાં છે અને યુદ્ધ ચાલુ છે. લોકોના જીવ પર હજુ પણ જોખમ તોળાઈ રહ્યું છે.
યુદ્ધ શરૂ થયાને બે દિવસ થયા હતા ત્યારે હું જબાલિયાની માર્કેટમાં ગયો હતો, જેથી જરૂરી સામાન ખરીદીને સ્ટૉક કરી શકાય. ત્યાં લોકોની ભીડ હતી અને બધા આ હેતુસર જ ખરીદી કરતા હતા.
હું ત્યાંથી નીકળ્યો તેની દસ મિનિટ પછી જ તે વિસ્તારમાં જોરદાર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. આખો વિસ્તાર બરબાદ થઈ ગયો હતો. તેમાં જીવનજરૂરી ચીજોની મોટી દુકાનો પણ નાશ પામી હતી.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યુ હતું કે એ બૉમ્બમારામાં 72 લોકો માર્યા ગયા હતા અને આ ઘટનાની યુદ્ધ અપરાધની માફક તપાસ થવી જોઈએ.
ઇઝરાયલી સૈન્યે એ ઘટના સંબંધી બીબીસીના સવાલોનો અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી.
‘મારું ઘર સંપૂર્ણ બરબાદ થઈ ગયું’

સમગ્ર યુદ્ધ દરમિયાન ઇઝરાયલ એવું જ કહેતું રહ્યું છે કે અમે હમાસનાં સ્થળોને નિશાન બનાવી રહ્યા છીએ અને તેનું કહેવું છે કે હમાસના અડ્ડાઓ છે ત્યાં સામાન્ય લોકો રહે છે.
“સૈન્ય સ્થળો પરના હુમલા આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રાસંગિક જોગવાઈ મુજબના છે,” એવું પણ કહેવામાં આવ્યું હતું.
યુદ્ધ પહેલાં જબાલિયા એક સુંદર, શાંત શહેર હતું. મારો જન્મ ત્યાં જ થયો હતો અને હું મારા પરિવાર સાથે પ્રેમ તથા ભવિષ્યની યોજનાઓ સાથેનું સરળ, સંતુષ્ટ જીવન જીવતો હતો.
એ શહેરની પૂર્વમાં મારાં ખેતર હતાં, જ્યાં મેં મારા હાથેથી ઓલિવ, લીંબુ અને સંતરાંનાં ઝાડ વાવ્યાં હતાં. એ બહુ શાંત જગ્યા હતી. સાંજે કામ પછી મને ત્યાં ચા પીવાનું બહુ ગમતું હતું.
જે દિવસે અમે ખાન યુનિસ જવા ઉત્તર ગાઝા છોડવાનો નિર્ણય કર્યો ત્યારે મેં મારું ઘર અને બીબીસીની ઑફિસને ગાઝા સિટીમાં પાછળ છોડી દીધી હતી. મને ખબર હતી કે એ મારા જીવનની બહુ મહત્ત્વપૂર્ણ પળ સાબિત થવાની છે.
એક મોટરકારમાં 10થી વધુ લોકોને ઠૂંસીને ભરવામાં આવ્યા હતા. હું અને મારો પરિવાર સામાનથી લદાયેલા અન્ય હજારો લોકોની સાથે, કેટલાક પગપાળા તથા કેટલાંક વાહનોમાં, દક્ષિણ હિસ્સા તરફ નીકળી પડ્યા હતા.
અમે દક્ષિણ ગાઝામાં જઈ રહ્યા હતા ત્યારે રસ્તાની બન્ને બાજુ બૉમ્બમારો થયો હતો. અમારે પ્રવાસ અટકાવવો પડ્યો હતો.
રસ્તામાં મારાં સંતાનો મને પૂછતાં હતાઃ “આપણે ક્યાં જઈ રહ્યાં છીએ? આવતી કાલે પાછાં ફરીશું?”
ઘર છોડતી વખતે મારું ફોટો આલબમ સાથે લઈ શક્યો હોત તો સારું થાત. તેમાં મારા બાળપણના, મારાં માતા-પિતા, પત્ની સાથેના ફોટોગ્રાફ્સ ઉપરાંત એ મારી સગાઈ વખતના ફોટોગ્રાફ્સ પણ હતા. મારા પિતાનાં પુસ્તકો સાથે લઈ શક્યો હોત તો સારું થાત.
મારા પિતા અરબીના શિક્ષક હતા. તેમના મૃત્યુ પછી તેમનાં પુસ્તકો મેં સાચવી રાખ્યાં હતાં.
સમય જતાં મને એક પાડોશી પાસેથી ખબર પડી હતી કે મારા ઘરનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. મારે ખેતરને સળગાવી નાખવામાં આવ્યાં છે.
અત્યાર સુધીમાં 100 પત્રકારોના મૃત્યુ, મોટા ભાગના પેલેસ્ટાઈનના

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ તરફની એ ભયાનક યાત્રા અને રેડ ક્રેસન્ટના વડામથક બહાર પસાર કરેલી રાત પછી મેં ઘણા સપ્તાહ સુધી ખાન યુનિસમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. મારો પરિવાર ત્યારે પણ નુસીરાતમાં હતો અને તેમનાથી અલગ થવાને લીધે મારા પર ભાવનાત્મક રીતે માઠી અસર થઈ હતી.
હું ઘણા દિવસો સુધી લાગણી સામે ઝૂઝતો રહ્યો હતો. પછી સમાચાર આવ્યા હતા કે ઇઝરાયલી સેના આગળ વધી રહી છે અને તેનો સ્પષ્ટ ઉદ્દેશ દક્ષિણને સેન્ટ્રલ તથા ઉત્તર ગાઝાથી અલગ કરવાનો હતો.
મારા પરિવાર માર્યો જશે અને અમે એકમેકને ફરી ક્યારેય મળી શકીશું નહીં એ વિચારથી હું ભયભીત થઈ ગયો હતો.
મને પહેલી વાર લાગ્યું હતું કે હું હારી ગયો છું. મને યાદ નથી એ કયો દિવસ હતો. મેં કામ રોક્યું અને પરિવાર પાસે જવા વિચાર્યું. મરીશું તો બધા સાથે મરીશું.
આખરે 11 ડિસેમ્બરે એક સહકર્મી સાથે હું નુસીરત જવા નીકળી પડ્યો હતો. હું ત્યાં પહોંચ્યો ત્યારે મારાં સંતાનો મને ભેટવાં દોડ્યાં. મારા દીકરા રઝાને મારું ગળું કસીને પકડી લીધું.
અમે પરિવાર સાથે કોઈક રીતે રફાહ પહોંચ્યા. બીબીસીની ટીમ પણ રફાહ પહોંચી ગઈ હતી અને અમે ત્યાંથી કામ કરવાનું ચાલુ રાખ્યું.
ડિસેમ્બરના અંતે મેં રિપોર્ટ આપ્યો હતો કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (આઈડીએફ) ગાઝામાં અધિકારીઓને લગભગ 80 મૃતદેહ સોંપ્યા હતા.
આઈડીએફે જણાવ્યુ હતું કે મૃતદેહોને ઇઝરાયલ લઈ જવાયા હતા, જેથી તેમાં કોઈ ઇઝરાયલી બંધક છે કે કેમ તેની તપાસ થઈ શકે.
રફાહમાં એક મોટી ટ્રક કબ્રસ્તાનમાં ઘૂસી હતી. કન્ટેનર ખોલવામાં આવ્યું ત્યારે ચારે તરફ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
એપ્રન અને માસ્ક પહેરેલા લોકોએ બ્લ્યુ પ્લાસ્ટિકમાં લપેટાયેલા મૃતદેહોને રેતાળ જમીનમાં એક સામૂહિક કબરમાં દફનાવ્યા હતા.
એવું દૃશ્ય મેં અગાઉ ક્યારેય જોયું ન હતું. એ કેટલું ભયાનક હતું તેનું વર્ણન હું કરી શકું તેમ નથી.
જાન્યુઆરીમાં હું રફાહની એક હૉસ્પિટલમાંથી રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે અનેક મૃતદેહો લાવવામાં આવ્યા હતા. તેમાં વાએલના સૌથી મોટા પુત્ર હમઝાનો મૃતદેહ પણ હતો, જે પત્રકાર તરીકે અલ જઝીરા માટે કામ કરતો હતો.
પરંતુ વાએલને તેની માહિતી કોણ આપે? તેની સાથે પહેલાં જ એટલું ખરાબ થઈ ચૂક્યું હતું કે તેને આ જણાવવું મુશ્કેલ લાગતું હતું.
મારા એક સહકર્મીએ વાએલને ફોન કરીને જણાવ્યું, જેથી આ સમાચાર તેને મળી શકે.
હમઝા અને તેમનો વીડિયોગ્રાફર મુસ્તફા તુરાયા એક ઇઝરાયલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. એ હુમલો તેમની કાર પર કરવામાં આવ્યો હતો. એ વખતે તેઓ તે વિસ્તારમાં થયેલા હુમલાનું રિપોર્ટિંગ કરતા હતા.
ઇઝરાયલી સૈન્યનો આરોપ છે કે તેઓ “ગાઝાસ્થિત આતંકવાદી સંગઠનોના સભ્ય” હતા. પરિવાર અને અલ જઝીરા એ દાવાને ખોટો ગણાવીને ફગાવી દે છે.
આઈડીએફનું કહેવું છે કે બન્ને “આઈડીએફના સૈનિકો માટે મોટું જોખમ સર્જતા” ડ્રોન ઑપરેટ કરી રહ્યા હતા, પરંતુ વૉશિંગ્ટન પોસ્ટની તપાસમાં “એવો કોઈ સંકેત મળ્યો ન હતો કે એ બન્નેમાંથી કોઈ પણ એ દિવસે પત્રકાર સિવાયનું બીજું કોઈ કામ કરતું હતું.”
રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સના જણાવ્યા અનુસાર, સાતમી ઑક્ટોબરથી અત્યાર સુધીમાં ગાઝામાં 100થી વધુ પત્રકારો માર્યા ગયા છે. તેમાંથી મોટા ભાગના પેલેસ્ટાઇની છે.
“મને ભોજન ઝેર જેવું લાગે છે”

ઇમેજ સ્રોત, ADNAN EL-BURSH
આઈડીએફનું કહેવું છે કે “અમે જાણીજોઈને એકેય પત્રકારને નિશાન બનાવ્યો નથી. સામાન્ય લોકોમાં પત્રકારો પણ સામેલ હોય તો ઓછામાં ઓછું જોખમ સર્જાય તેવા તમામ પ્રયાસ અમે કરીએ છીએ.”
આખરે સમાચાર મળ્યા કે બીબીસીની ટીમના પરિવારોને ગાઝા છોડવાની મંજૂરી મળી ગઈ છે. ચાર સપ્તાહ પછી અમે ઇજિપ્તના અધિકારીઓની સહાયથી રફાહ ક્રૉસિંગમાંથી બહાર નીકળી શક્યા હતા.
હું આ લખી રહ્યો છું ત્યારે કતારમાં બેઠો છું, પણ મને ખબર છે કે જબાલિયામાં લોકો ઘાસ કાપી રહ્યા હશે અને પોતાનાં પ્રાણીઓ માટે કોઈ રીતે ચારો પીસતા હશે.
અહીં હું એક સ્વચ્છ હોટલમાં ભોજન કરી રહ્યો છું. હું ભોજન કરી શકતો નથી. જમવાનું ઝેર હોય તેવું લાગે છે.












