અમેરિકાની યુનિવર્સિટીઓમાં ગાઝાના સમર્થનમાં દેખાવો કેમ થઈ રહ્યાં છે?

- લેેખક, બર્નડ ડેબુસમૈન જૂનિયર અને એલેક્જેન્ડ્રા ઓસ્ટાસિવિઝ
- પદ, બીબીસી સમાચાર, ન્યૂયૉર્ક
અમેરિકાની વિવિધ અગ્રગણ્ય યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ ગાઝાના યુદ્ધપીડિતોનાં સમર્થનમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘણી યુનિવર્સિટીઓમાં તો વિદ્યાર્થીઓની અટકાયત થવા, તેમને તેમના કોર્સમાંથી બરખાસ્ત કરવા જેવાં પગલાં લેવાયાં હોવા છતાં, આ વિરોધ પ્રદર્શનો બંધ નથી થઈ રહ્યાં.
કોલંબિયામાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન 100થી વધારે વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ યેલ અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં પણ ડઝનબંધ વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
કોલંબિયા યુનિવર્સિટીમાં મોટાપાયે અટકાયતો કરવા છતાં વિદ્યાર્થીઓ પોતાની માગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ગાઝાના સમર્થનમાં પ્રદર્શનો ચાલુ રાખશે તેવી જાહેરાત થઈ છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં શિસ્તભંગના પગલાંને કારણે કેટલાક લોકોને હઠાવવાની માંગ કરવામાં આવી હતી. આ કારણે કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કૅમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધીઓ દ્વારા યહૂદી વિરોધી ઉત્પીડનની ફરિયાદ કરી છે.
યુનિવર્સિટીના વહીવટી તંત્રે મંગળવારે કેટલાક પ્રદર્શનકારીઓને અડધી રાત સુધીમાં કૅમ્પસ ખાલી કરવાનો સમય આપ્યો હતો. આ સમયને હવે 48 કલાક વધારી દેવામાં આવ્યો. અધિકારીઓએ કહ્યું કે સમાધાન પર પહોંચવા માટે થયેલી વાટાઘાટોમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિની સૂચના આપી છે.
કોલંબિયા યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ડૉ. મિનોચે શફીકે પહેલાં ચેતવણી આપી હતી કે તેમનો કાર્યકાળ છ મેના દિવસે પૂરો થાય તે પહેલાં અને મહિનાના અંતે પદવીદાન સમારોહની પહેલાં ગાઝાના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનાં કેમ્પ ખાલી કરવા માટેના વિકલ્પો પર વિચાર કરવો જોઈએ.
કોલંબિયા યુનિવર્સિટીનું કૅમ્પસ મંગળવાર બપોર સુધી શાંત હતું. કારણ કે સેંકડો કાર્યકર્તાઓએ યુનિવર્સિટીની લૉનમાં તંબુ લગાડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુનિવર્સિટી કૅમ્પસના મોટા ભાગના વિસ્તારોમાં પેલેસ્ટાઇનના ડઝનથી વધારે ઝંડા અને સૂત્રોચ્ચાર સાથેનાં પોસ્ટરો નજરે ચડી રહ્યાં હતાં. "સાચા અમેરિકનો ગાઝાનું સમર્થન કરે છે" અને "ગાઝામાં કોઈ યુનિવર્સિટી બચી નથી" જેવાં સૂત્રોવાળાં પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં.
આ ઉપરાંત "ફ્રી પૅલેસ્ટાઇન"ના નારાઓ સતત કૅમ્પસમાં સંભળાઈ રહ્યા હતા.
આ કૅમ્પોમાં સ્વયંસેવકોએ જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું. આ ઉપરાંત સભાઓ આયોજિત કરી, જેમાં ગાઝાને લગતા વર્તમાન સમાચાર અને જાણકારીની આપ-લે કરી હતી.
અમેરિકાની કૅલિફોર્નિયા, યેલ, બર્કલે, ઍમર્સન અને મિશિગન જેવી અનેક નામી યુનિવર્સિટીઓમાં આ પ્રકારનાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.
કોલંબિયા યુનિવર્સિટીમાં દેખાવો કરતા વિદ્યાર્થીઓની શું માંગણીઓ છે?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગત સપ્તાહે કોલંબિયા ખાતે કોલંબિયા યુનિવર્સિટી અપાર્થાઇડ ડાયવેસ્ટ (સીયુએડી) નામના જૂથે યુનિવર્સિટીને ઇઝરાયેલના પેલેસ્ટાઇન પર કબજાને કારણે વ્યવસાયમાં નફાનો દાવો કરતી કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી નાણાંને સંપૂર્ણપણે અલગ કરવા હાકલ કરી છે.
યુનિવર્સિટીને સામાજિક નિસબત ધરાવતું રોકાણ અંગે સલાહ આપતી સમિતિએ આ વર્ષની શરૂઆતમાં આ માંગણીઓને નકારી કાઢી હતી. કમિટીએ કહ્યું હતું કે આ મુદ્દે કોલંબિયા સમુદાયમાં સર્વસંમતિનો અભાવ હતો.
સીયુએડીએ કોલમ્બિયા યુનિવર્સિટીને તેલ અવિવ યુનિવર્સિટી જેવી ઇઝરાયલી સંસ્થાઓ સાથે સંબંધ તોડવા માટે આહ્વાન કર્યું હતુ. આ ઉપરાંત સીયુએડીએ ગાઝામાં યુદ્ધ વિરામ, કૅમ્પસમાં પોલીસ વ્યવસ્થાની સમાપ્તિ અને ન્યૂયૉર્ક પોલીસ સાથે સંબંધ તોડવા માટે પણ આહ્વાન કર્યું હતું.
પેલેસ્ટાઇન વિદ્યાર્થી સંઘના સભ્ય અને સીયુએડીના આયોજક બેસિલે બીબીસીને જણાવ્યું કે અમને 100 ટકા વિશ્વાસ છે.
“યુનિવર્સિટીએ જે (ઇઝરાયલી) કંપનીઓમાં રોકાણ કર્યું છે, તેમાંથી રોકાણને પાછું ખેંચી લેવાનું એકદમ શક્ય છે. આ સંપૂર્ણપણે અનૈતિક છે અને તે સમાપ્ત થવું જોઈએ.”
પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓએ ગયા સપ્તાહે થયેલી અટકાયતને ધ્યાનમાં લઈને પોતાની માગણીઓમાં વધુ એક માગણી ઉમેરી છે. તેમણે કહ્યું કે જે પણ વિદ્યાર્થીઓ પર શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમને માફ કરવામાં આવે. આ ઉપરાંત કેટલાક લોકોને કૅમ્પસમાં પોતાનું ઘર અને ભોજન પણ નથી મળી રહ્યું. આ કારણે તેઓ રહેવા માટે અન્ય વિકલ્પો શોધવા મજબૂર છે.
અન્ય એક પ્રદર્શનકારી ઇરાલિસા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે કૅમ્પસમાં પાછાં ફર્યાં. તેમણે આ યુનિવર્સિટીમાંથી 2016માં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.
ઇરાલિસાએ કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ તેમના ગ્રૂપ સાથે કૅમ્પસમાં રહેવા તૈયાર છે.
તેમણે કહ્યું, “તેઓ જીદ્દી છે.”
શું કૅમ્પસમાં યહૂદીઓ માટે ભયનું વાતાવરણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આ પ્રદર્શનકારીઓ પર આરોપો લાગ્યા છે કે તેમણે યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સાથે ખરાબ વર્તણૂક કરી હતી. યુનિવર્સિટી આ ચિંતાઓને કારણે સેમેસ્ટરના અંત સુધી રિમોટ લર્નિંગનો માર્ગ અપનાવવા માટે મજબૂર બની છે.
હસીદિક ગ્રૂપ, ચબાડ, દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરવામા આવ્યો છે, જેમાં લોકો યહૂદી વિદ્યાર્થીઓને ગાળો આપતા નજરે પડે છે.
બીબીસીએ સ્વતંત્રરૂપે આ વીડિયોની પુષ્ટિ નથી કરી અને નિવેદન માટે ચબાડ અને કૅમ્પસનાં અન્ય યહૂદી સંગઠનોનો સંપર્ક કર્યો.
આ ઘટનાએ ન્યૂયૉર્કના રિપબ્લિકન સંસદ સભ્ય ઍલિસ સ્ટેફનિક જેવા કેટલાક અમેરિકાના સંસદસભ્યોનું પણ ધ્યાન આકર્ષિત કર્યું છે.
ઍલિસ સ્ટેફનિકે ચેતવણી આપી હતી કે આ પ્રકારની ભીડ અસ્વીકાર્ય છે. તેને કારણે યહૂદી વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે ભયનું વાતાવરણ બની રહ્યું છે.
કોલમ્બિયા સાથે જોડાયેલા એક રબ્બીએ યહૂદી વિદ્યાર્થીઓને એક સંદેશો પાઠવ્યો હતો. તેમણે પોતાના સંદેશમાં ચેતવણી આપતા કહ્યું કે હાલની પરિસ્થિતિમાં જ્યાં સુધી કોઈ ધરખમ સુધારો ન થાય ત્યાં સુધી ઘરે જતા રહો.

જોકે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ યહૂદી વિરોધી ભાવનાઓ વિશેની ચિંતાઓને ઓછું મહત્ત્વ આપ્યું હતું.
તેમણે કેટલીક વાતચીત દરમિયાન તર્ક આપ્યો કે યહૂદી વિદ્યાર્થીઓના ઉત્પીડનની ઘટનાઓ ભાગ્યે જ બની હતી. જોકે, અમારી માંગણીઓનો વિરોધ કરનાર લોકોએ તેમને હોય તેના કરતાં ગંભીર ગણાવી રહ્યાં છે.
કોલમ્બિયાની સિસ્ટર કૉલેજનાં વિદ્યાર્થિની 21 વર્ષીય સોફ અસ્કાનાસે કહ્યું કે એ વાત ખોટી છે કે કૅમ્પસમાં તેમનાં જેવાં યહૂદી વિદ્યાર્થીઓ માટે અસુરક્ષિત થઈ ગયા છે.
“અસુવિધાજનક હોવું અને અસુરક્ષિત અનુભવ કરવો એ બન્ને અલગ-અલગ બાબત છે.”
તેમણે કહ્યું, “તમને જ્યારે ઢસડીને લઈ જવામાં આવે અને તમારી અટકાયત કરવામાં આવે. તમારા કાંડા પર દિવસો સુધી લાલ નિશાન રહે અને મારા એક મિત્રની જેમ તમને જેલમાં નાખી દેવામાં આવે ત્યારે ભયની લાગણીનો અનુભવ થાય છે.”
અસ્કાનાસે ઉમેર્યું, “હું એવા વ્યક્તિઓ પ્રત્યે મારી સદ્ભાવના વ્યક્ત કરું છું જે લોકો કેટલાંક નિવેદનોને કારણે અસહજતા અનુભવે છે. જોકે, હું અહીં તેમને યાદ કરાવવા માંગુ છું કે આપણે એક એવી યૂનિવર્સિટીમાં છીએ જે અભિવ્યક્તિની સ્વતંત્રતા, ખુલ્લા સંવાદ, અને નિવેદનોને મહત્ત્વ આપે છે.”
સાહિત્યના પ્રોફેસર અને હોલોકૉસ્ટ અભ્યાસના વિશેષજ્ઞ મૈરિએન હિર્શે કહ્યું, “કોલમ્બિયા યુનિવર્સિટીમાં ચોક્કસપણે યહૂદી વિરોધી ભાવનાની ઘટનાઓ થઈ હતી. પરંતુ મને બીક છે કે આ ઘટનાને સુરક્ષાનો દાવો કરીને તેનો દુરુપયોગ કરવામાં આવશે.”
તેમણે તર્ક આપ્યો કે આ ઘટનાઓને કારણે શૈક્ષણિક સ્વતંત્રતા અને આલોચના પર અસર કરી શકે છે. કૅમ્પસમાં શસ્ત્રો સાથે પોલીસની હાજરી ભયનું વાતાવરણ ઊભું કરે છે. આ યુનિવર્સિટીનો ઉદ્દેશ તેવો નથી.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂર્યૉકના મેયર ઍરિક ઍડમ્સ અને મુખ્ય પોલીસ અધિકારીઓએ મંગળવારે યોજાયેલી એક પત્રકાર વાર્તામાં કોલમ્બિયા અને ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં થઈ રહેલા દેખાવો માટે બહારના પ્રદર્શનકારીઓ માથે દોષનો ટોપલો ઢોળ્યો હતો. તેમણે કહ્યું કે આ આંદોલનોને અમારા શહેરમાં હિંસા કરવાના એક મોકા તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યાં છે.
ડૉ. શરીફે બહારથી આવેલા પ્રદર્શનકારીઓને વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે દોષી ઠેરવ્યા અને કહ્યું કે આ લોકો એક મોટી પરેશાનીનું કારણ બની શકે છે.
કોલમ્બિયા યુનિવર્સિટીની બહાર પણ પ્રદર્શનો જોવા મળ્યાં, જેમાં મંગળવારે ડઝનેક પ્રદર્શનકારીઓએ ભાગ લીધો.
વિદ્યાર્થીઓ આયોજકોએ પોતાને બહાર થઈ રહેલા દેખાવોથી અલગ કરી દીધા છે. પછી ભલે તેમના ઇરાદાઓ સાથે તેઓ સહમત હોય.
બેસિલે કહ્યું, “તે પ્રદર્શનો સ્વયંભુ હતાં. તેઓ સમજે છે કે આ કૅમ્પસનું સૈન્યીકરણ કરવામાં આવી રહ્યું હતું. કૅમ્પસની બહાર તેમને પ્રદર્શન કરીને એકતા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.”
વિરોધ પ્રદર્શનમાં સામેલ ન થનાર કેટલાક વિદ્યાર્થીઓએ ડૉ. શફીક પર આરોપ લગાવતા કહ્યું, “તેમણે છેલ્લા અઠવાડીયામાં વિરોધ પ્રદર્શનનાં સ્થળોને ખાલી કરાવવા માટે પોલીસ બોલાવી હતી. આ જ કારણે કૅમ્પસમાં ભય અને તણાવનું વાતાવરણ હતું.”
યુનિવર્સિટીના એક વિદ્યાર્થી જેકબે કહ્યું, “તેઓ આગમા ઘી રેડી રહ્યાં હતાં. તેમણે પોલીસ બોલાવી ત્યારથી બધુ જ નષ્ટ થઈ ગયું. તંબૂઓની સંખ્યા હવે પહેલાં કરતાં ત્રણ ગણી વધી ગઈ છે.”
તેમણે કહ્યું, “યુનિવર્સિટીના વહીવટીતંત્રે તેમની માંગણીઓ સાંભળવા માટે તેમની સાથે થોડુ કામ કરવાની જરૂર હતી. હું ચોક્કસપણે સમજું છું કે મારા કેટલાક યહૂદી મિત્રો કૅમ્પસમાં અસહજતાનો અનુભવ કરી રહ્યાં છે. બોલવાની સ્વતંત્રતા અને તેમના સમ્માન વચ્ચે સંતુલન બનાવવાની જરૂર છે. જે લોકો ભયની લાગણી અનુભવે છે, તેમની વાતનું પણ સમ્માન થવું જોઈએ.”
કેટલાક પ્રદર્શનકારી નેતાઓએ પત્રકારોને કહ્યું કે તેમણે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે વાતચીત અને ચર્ચા કરી છે. જોકે, તેમણે આ વિશે વધારે વાતચીત કરવાનો ઇન્કાર કર્યો છે.
બેસિલે કહ્યું, “દબાણ હવે મોટા પાયે છે. વિદ્યાર્થીઓ હવે પેલેસ્ટાઇનના લોકો માટે જીવન, કારકિર્દી, અને શિક્ષા સહિત પોતાનું શરીર દાવ પર લગાવવા માટે તૈયાર છે.”
“અમે આગળ વધવા અને લડત લડવા માટે એકસાથે છીએ.”












