ઇઝરાયલમાં વધી રહેલાં સંઘર્ષ અને જોખમ વચ્ચે પણ ભારતના યુવાનો કામ કરવા કેમ જવા માગે છે?

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, મજૂરી કરતા ધનરાજ
    • લેેખક, પ્રવીણ કુમાર
    • પદ, બારાબંકીથી બીબીસી માટે

ઈરાન અને ઇઝરાયલમાં વધતાં તણાવને જોતાં ભારત સરકારે શુક્રવારે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં ભારતીય નાગરિકોને આગળની સૂચના સુધી ઈરાન અને ઇઝરાયલનો પ્રવાસ નહીં કરવાની સલાહ અપાઈ છે.

ભારત સરકારે ઇઝરાયલનો પ્રવાસ કરવા માટે કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો પણ તકેદારીના ભાગરૂપે નાગરિકોને પ્રવાસ કરવાથી બચવાનું કહેવાયું છે.

સરકારની આ ઍડવાઇઝરી બાદ એ યુવાનોનું ભવિષ્ય અવઢવમાં છે, જેમને નોકરી માટે ઇઝરાયલ જવાનું હતું, કારણ કે હાલની સ્થિતિમાં તેમને પ્રવાસની પરવાનગી નથી અપાઈ રહી.

ઉત્તર પ્રદેશના જે યુવાનોને 15 એપ્રિલે ઇઝરાયલ જવાની ફ્લાઇટ લેવાની હતી, તેમને શનિવારે વૉટ્સએપથી મૅસેજ મળ્યો, જેમાં કહેવાયું હતું કે 'વિદેશ મંત્રાલયના નિર્દેશ અનુસાર ઇઝરાયલના કોઈ પ્રકારના પ્રવાસ પર હાલ પ્રતિબંધ લગાવી દેવાયો છે. આપ આગળની જાણકારી મળવા સુધી રાહ જુઓ'

એક બાજુ યુદ્ધની આશંકાનાં કારણે તેઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કે પ્રવાસ પહેલાં જ પ્રતિબંધ લગાવી દેવાયો છે, પણ બીજી બાજુ આવકની તક જતી કરવી પડી હોવાનું તેમને દુખ પણ છે.

'આગળ કૂવો પાછળ ખાઈ' જેવી સ્થિતિ

આ યુવાનોને એ જાણકારી પણ અપાઈ છે કે ટિકિટ અને વિઝા માટે લેવાયેલા તેમના રૂપિયા સુરક્ષિત છે. પણ આ યુવાનો અને તેમના પરિવારજનો સમક્ષ હવે અનિશ્ચિતતાની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. તેની સરખામણી 'આગળ કૂવો અને પાછળ ખાઈ' જેવી સ્થિતિ સાથે થઈ શકે છે.

બીબીસીએ શુક્રવારની ઍડવાઇઝરી આવતા પહેલાં ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના કેટલાક યુવાનો સાથે વાત કરી હતી, જે ઇઝરાયલ જવાની તૈયારી કરી રહ્યા છે. હવે આ યુવાનોને સરકારની નવી જાહેરાતની રાહ જોવી પડશે.

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના મુખ્ય મથકથી 20 કિલોમીટર દૂર જગદીશપુર ગામ છે. આ ગામના 20થી વધુ યુવાનોની ઇઝરાયલ જવા માટે પસંદગી થઈ છે.

આ યુવાનો પૈકીના એક છે અજિતસિંહ, જ્યારે અમે તેમને મળવા માટે જગદીશપુર પહોંચ્યા તો તેઓ નિર્માણાધિન મકાન માટે મજૂરી કરતા જોવા મળ્યા.

અજિત પોતાના ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લાં 15 વર્ષથી કડિયાકામ કરી રહ્યા છે, અને આ જ કામથી તેમનું ઘર ચાલે છે.

10 ધોરણ પાસ અજિત કહે છે કે "આ રીતનું કામ રોજ નથી મળતું. જેટલું કામ મળે તે અનુસાર મહિનામાં દસ હજાર રૂપિયા સુધી કમાઈ લઈએ છીએ. અને તેનાથી ઘરનો ખર્ચ પૂર્ણ નથી થતો."

ઇઝરાયલ જઈ રહેલા અજિતે ગયા વર્ષ સુધી ઇઝરાયલનું નામ પણ નહોંતું સાંભળ્યું. ઑક્ટોબર મહિનામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ પહેલીવાર તેમણે સમાચારોમાં ઇઝરાયલનું નામ સાંભળ્યું.

તેઓ કહે છે, પારિવારિક મજબૂરીનાં કારણે જીવના જોખમે તેઓ ઇઝરાયલ જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું "મને એ વાતની ચિંતા નથી કે કયા દેશમાં જવુ પડી રહ્યું છે અને ત્યાં જોખમ હોઈ શકે છે."

ઠીકઠાક રૂપિયા કમાવવાને પરિવાર માટે વધુ જરૂરી જણાવતાં અજિત આગળ કહે છે, "અહીં જ્યારે એટલી રોજગારી નથી ત્યારે સરકાર તો બહાર જવાની વ્યવસ્થા કરશે જ!"

સરકારની તૈયારીઓથી સંતુષ્ટ છે પરિવાર

ભારત ઇઝરાયલ

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, પોતાના પરિવાર સાથે અજિત સિંહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાથે જ બેઠેલાં અજિતસિંહનાં પત્ની ફૂલાદેવીની આંખો વાતચીત દરમિયાન વારંવાર ભીની થઈ જાય છે. તેમનું ગળું પણ ભરાઈ આવે છે.

તેઓ કહે છે" મારું તો મન નથી કે એ જાય. મેં અનેકવાર તેમને ન જવા માટે કહ્યું પણ તેઓ માન્યા નહીં. હવે મેં માની લીધુ છે કે પરિવારના હિતમાં તેમનું જવું યોગ્ય રહેશે."

અજિત એકલા નથી. તેમના નાના ભાઈ ધનરાજ પણ પ્લાસ્ટરિંગના કામ માટે ઇઝરાયલ જઈ રહ્યા છે.

જોકે, ધનરાજ ઉત્તર પ્રદેશ સરકાર તરફથી કરાતી વ્યવસ્થાઓથી થોડા અસંતુષ્ટ દેખાયા.

તેમણે જણાવ્યું "અરજી કર્યાં બાદ કહેવાયું કે જવા માટે કોઈ રૂપિયા નહીં લાગે. પણ બાદમાં ટિકિટ અને વિઝા માટે 66,800 રૂપિયા જમા કરાવવા પડ્યા."

બન્નેના પિતા શારદાસિંહ યુદ્ધ વચ્ચે દીકરાઓનું ઇઝરાયલ જવું યોગ્ય નથી માનતા. પણ સરકાર દ્વારા કરાતી વ્યવસ્થાથી તેઓ સંતુષ્ટ છે.

તેઓ કહે છે, "અહીં તો રોજ કામ પણ નથી મળતું. બે દિવસ કામ મળે છે તો દસ દિવસ બેસવું પડે છે. ત્યાં કમસેકમ રોજે કામ તો મળી રહ્યું છે અને રૂપિયા પણ ઠીકઠાક મળી રહ્યા છે."

અજિત અને ધનરાજ, બન્ને પહેલા તો એ જણાવવા બચતા રહ્યા કે તેઓ પરસ્પર ભાઈ છે. કારણ કે તેમને ડર હતો કે એક ઘરમાંથી બે લોકોની પસંદગીની વાત બઘાને ખબર પડશે થશે તો બન્નેમાંથી કોઈ એકની પસંદગી ક્યાંક રદ ના થઈ જાય.

ઇઝરાયલને આટલા કામદારોની જરૂર કેમ છે?

ભારતના શ્રમિકો

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, મજૂરી કરી રહેલા અજિત અને ધનરાજ

ઇઝરાયલી અધિકારીએ એક રિપોર્ટમાં જણાવાયું છે કે ઇઝરાયલને ભારત અને ચીનના અંદાજે 70 હજાર કામદારોની જરૂર છે. કારણ કે ગાઝાયુદ્ધ શરૂ થયા બાદ ત્યાં નિર્માણક્ષેત્રમાં કામ કરનારા લોકોની ભારે અછત થઈ ગઈ છે.

એવું એટલે થયું કે ઇઝરાયલે ત્યાં કામ કરી રહેલા 80 હજાર પેલેસ્ટાઇનના લોકો પર દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે આ સૅક્ટરમાં પ્રાણ ફૂંકવા ઇઝરાયલને કામદારોની જરૂર પડી રહી છે.

ભારત સરકાર અને ઇઝરાયલ સરકાર વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત પ્લાસ્ટરિંગ વર્ક, સિરામિક ટાઇલિંગ બિલ્ડિંગ ફ્રેમવર્ક (સેટરિંગ કારપેંટર), આયરન વેલ્ડિંગના કુશળ કારીગર સ્ક્રીનિંગ બાદ ઇઝરાયલ મોકલવાના હતા.

ઇઝરાયલથી આવેલી ટીમે આ યુવાનોનું ટેસ્ટિંગ કર્યું છે. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં આ જ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ ટેસ્ટ થયા હતા.

દસ હજાર કામદાર ઇઝરાયલ જઈ રહ્યા છે.

મજૂરી

ઇમેજ સ્રોત, NAND KUMAR

લખનૌના અલીગંજ આઈટીઆઈના પ્રિન્સિપાલ રાજકુમાર યાદવ મુજબ, અંદાજે 14 હજાર યુવાનો સ્ક્રીનિંગમાં સામેલ થયા હતા. જેમાંથી 9,145 યુવાનની પસંદગી કરાઈ હતી.

આ પસંદગી પામેલા શ્રમિકોને નોકરી માટે નિયુક્તિપત્ર અપાઈ રહ્યા છે. પ્રથમ તબક્કામાં પ્રદેશના અલગઅલગ જિલ્લાના કુલ 2176 શ્રમિકોની ઇઝરાયલ મોકલવા માટે પસંદગી કરાઈ હતી.

ઉત્તર પ્રદેશ પહેલાં હરિયાણામાંથી પણ ગયા અઠવાડિયે 530 શ્રમિક ઇઝરાયલ પહોંચી ગયા હતા. શનિવારે સવારે બીબીસીના સહયોગી પત્રકાર સતસિંહે ઇઝરાયલ પહોંચી ચૂકેલા યુવાનો સાથે વાત કરી. જેમાં તેમણે જણાવ્યું કે 'તેઓ સુરક્ષિત છે, કામ શરૂ કરી દીધું છે અને ચિંતાની કોઈ વાત નથી.'

સતસિંહે હરિયાણાના સોનીપત જિલ્લાના યુવાન સરવીણ મોર સાથે ઝૂમ પર વાત કરી હતી.

તેમણે જણાવ્યું, "અહીં બધું સારું સારું છે, કામ મળી ગયું છે. ખાવા માટે પણ કંપનીએ રૂપિયા આપ્યા છે. હોટલ જેવો રૂમ છે. એક સેફ્ટી ટ્રેનિંગ પણ અપાઈ છે. કોઈ સમસ્યા થતાં જ બંકરની અંદર જવાની સલાહ અપાઈ છે."

આવી જ રીતે યમુનાનગરથી ઇઝરાયલ ગયેલા મહેશે જણાવ્યું કે, 'અમે અહીં બિલકુલ સુરક્ષિત છીએ' જોકે, હરિયાણાધી જે યુવાનો ઇઝરાયલ ગયા છે તેમના પરિવારજનો જરૂર ચિંતિત છે.

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાથી 238 શ્રમિકોની પસંદગી કરઈ હતી. જેમાંથી 187 યુવાનોને પ્રથમ તબક્કામાં જવાનું હતું. પણ હવે આ તમામને આગળની સૂચના સુધી રાહ જોવાનું કહેવાયું છે.

આ બધાની અલીગંજ આઈટીઆઈમાં સ્ક્રીનિંગ બાદ આરોગ્ય તપાસ અને પોલીસ વેરીફીકેશન બાદ પસંદગી કરાઈ હતી. જગદીશપુરના અન્ય એક યુવાન રંજિત સાથે અમારી મુલાકાત થઈ. રંજિતની પસંદગી આયરન વૅલ્ડિંગના કામ માટે થઈ છે.

સારા રૂપિયા મળવાની આશા

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, જગદીશપુરના રંજીતની પસંદગી પણ ઇઝરાયલ જવા માટે થઈ છે.

23 વર્ષના રંજિત ઇઝરાયલ જવા માટે ઘણા ઉત્સાહિત હતા. રંજિતની 15 એપ્રિલે ઇઝરાયલ જવા માટેની ફ્લાઇટ હતી. તેમના બધા જ જરૂરી દસ્તાવેજોની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.

દર મહિને મળનારા 1,37,250 રૂપિયાના પગાર અંગે જણાવતા રંજિતની આંખોમાં એક ચમક હતી. તેઓ કહે છે કે "મારા મનમાં ત્યાં જવાને લઈને કોઈ પણ પ્રકારનો ભય નથી. એક ડર ભાષા અંગે જરૂર હતો પણ પસંદગી વખતે જણાવાયું કે ત્યાં હિન્દી બોલનારા લોકો રહેશે. સૌથી મોટી વાત એ છે કે ત્યાં જે રૂપિયા મળશે તેનાથી ઘરવાળાનું જીવન સારું થશે."

જગદીશપુર ગામના વિજયકુમારની પસંદગી પણ રંજિતની જેમ આયરન વેલ્ડિંગના કામ માટે થઈ છે. વિજયકુમાર જરૂરી દસ્તાવેજોની સાથે ટિકિટ માટે 66,800 રૂપિયા જમા કરાવી ચૂક્યા છે. હવે તેઓ ત્યાં જવાના દિવસની રાહ જોઈ રહ્યા છે.

તેઓ કહે છે કે જવાની તારીખ ગમે ત્યારે નક્કી થઈ શકે છે. રાજ્યમાં બેરોજગારીની વાત કહેતાં વિજયકુમાર કહે છે કે "અહીં કામ કરનારા લોકો ઘણા વઘારે છે, કામ ઓછું છે. તેથી અહીં સ્પર્ધા ઘણી છે. જેના કારણે વ્યવસ્થિત મજૂરી નથી મળી શકતી. કમસેકમ ત્યાં રૂપિયા તો વ્યવસ્થિત મળી રહ્યા છે."

'ટિકિટના રૂપિયા પોતે આપવા પડ્યા'

ઇઝરાયલ

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, અજિતસિંહે ટિકિટ માટે રૂપિયા જમા કરાવ્યા

ટિકિટ માટે રૂપિયાની વ્યવસ્થા અંગે વિજય જણાવે છે કે "પહેલા રૂપિયા અંગે જાણકારી નહોતી. જ્યારે ખબર પડી કે ટિકિટ માટે રૂપિયા થશે તો મુશ્કેલી પડી. જેમતેમ જમીન ગીરવી મૂકીને રૂપિયાની વ્યવસ્થા કરી. ત્યાં સારા રૂપિયા મળશે તો ઘરની સ્થિતિ સુધરશે અને જ્યાં જમીન ગીરવી મૂકી એના રૂપિયા પણ ચૂકવી દઈશું."

હાલના સમયમાં વિજય યૂટ્યૂબ અને ઇન્ટરનેટનાં માધ્યમથી ઇઝરાયલ અંગે જાણકારી એકઠી કરી રહ્યા છે. પણ જ્યારથી સરકારની ઍડવાઇઝરી અંગે જાણવા મળ્યું છે ત્યારથી તેમની ચિંતા વધી ગઈ છે.

તેમણે જણાવ્યું, "જ્યાં સુધી ત્યાં જતા ના રહીએ, પગારમાં મળનારા રૂપિયા હાથમાં ના આવી જાય ત્યાં સુધી તો ચિંતા થશે જ. જાન્યુઆરી 2024, જ્યારથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી ત્યારથી ત્રણ મહિના વીતી ગયા છે અને કમાણી નથી થઈ. પહેલાં સ્ક્રીનિંગ માટે દોડધામ કરતા રહ્યા. ત્યારબાદ પેપર સહિતની વસ્તુઓ જમા કરાવવા માટે લખનૌ જવાઆવવાનું ચાલતું રહ્યું. ખબર નહીં વધુ કેટલા દિવસ રાહ જોવી પડશે."

વિજયકુમારના પિતાના મોટા ભાઈ રામપાલસિંહ જણાવે છે કે 'દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે એ વિશ્વાસ છે કે જે યુવાનો ઇઝરાયલ જઈ રહ્યા છે. તેમને ત્યાં કોઈ મુશ્કેલી નહીં પડે. કોઈ ખતરો નહીં આવે.'

દેશમાં બેરોજગારીની સ્થિતિ

ભારતમાં બેરોજગારી

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત સરકાર બનાવવાનના ઈરાદા સાથે ચૂંટણી મેદાનમાં છે. 2024ના પોતાના ચૂંટણી પ્રચારદરમિયાન તેમણે દર વર્ષે બે કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો. પણ નોકરીના સૅક્ટરમાં ભારતની સ્થિતિ એટલી સારી નથી.

ભારતમાં બેરોજગારી ઓછી તો થઈ રહી છે. પણ તેનો દર હજી ઘણો ઊંચો છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ વર્ષ 2019 બાદ નિયમિત પગારવાળી નોકરીઓની ગતિમાં ઘટાડો આવી રહ્યો છે. જેનું કારણ આર્થિક મંદી અને કોરોનાને ગણાવાઈ રહ્યાં છે. આ રિપોર્ટ મુજબ મહામારી બાદ 15 ટકાથી વધુ સ્નાતક બેરોજગાર છે. એટલું જ નહીં એવા સ્નાતક જેમની ઉંમર 25 વર્ષથી ઓછી છે, તેમાં કુલ 42 ટકા લોકો બેરોજગાર છે.

રૂપિયા માટે જોખમ ખેડવા તૈયાર

ભારત ઇઝરાયલ કરાર

ઇમેજ સ્રોત, NAND KUAMR

ઇમેજ કૅપ્શન, પોતાના ઘરની સામે બેઠેલા મોહિત સિંહ

બારાબંકીના જ બિનોવા ગામના મોહિતસિંહ સ્નાતક છે અને હવે ઇઝરાયલ જવાની તૈયારીમાં જોડાઈ ગયા છે. મોહિતસિંહ પહેલાં અમેઠીમાં કૉન્ટ્રેક્ટ પર કામ કરતા હતા જ્યાં તેઓ મહિનાના 15-20 હજાર રૂપિયા કમાઈ લેતા હતા.

તેઓ જણાવે છે કે "મોંઘવારીના કારણે આટલા રૂપિયામાં કામ ચલાવવું મુશ્કેલ છે. એટલે જેમ ઇઝરાયલમાં નોકરી અંગે જાણવા મળ્યું તો અરજી કરી દીધી." ઇઝરાયલ જતા પહેલાં તેમણે અમને જણાવ્યું "પહેલાં તો ખબર જ નહોતી કે ઇઝરાયલ એક દેશ પણ છે. યુદ્ધ શરૂ થયા બાદ જ ઇઝરાયલ અંગે પહેલી વખત સાંભળ્યું."

જોકે, મોહિત હવે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી ઇઝરાયલ અંગે ઘણું બધું જાણી ચૂક્યા છે. તેઓ કહે છે કે સારા રૂપિયા કમાવવાની ઈચ્છા છે, એટલે ત્યાં જવા માટે કોઈ જ વાતનો ડર નથી લાગતો.

મોહિતે જણાવ્યું, "ઇઝરાયલમાં રોજીંદા વપરાશની કેટલીક વસ્તુઓ ભારતની સરખામણીમાં મોંઘી છે એટલે ખાવાપીવાના સામાનની સાથે તેઓ વાસણો પણ લઈ જઈ રહ્યા છે. આપણી સરકાર ઈચ્છે તો આવી નોકરીની વ્યવસ્થા અહીં જ કરી શકે છે. જેનાથી અમારા જેવા લોકોને રોજગારી માટે આટલે દૂર ના જવું પડે."

આ યુવાનોએ નોકરી માટે ઇઝરાયલ જેવા દેશમાં મોકલવા અંગે બારાબંકીના મદદનીશ શ્રમકમિશનર મયંકસિંહે કહ્યું,"આ યુવાનોની પસંદગી માટે આઈટીઆઈ અલીગંજમાં સ્ક્રીનિંગ થયું હતું. એ જ લોકોની અંતિમ પસંદગી કરાઈ છે."

યુદ્ધની સ્થિતિ વચ્ચે ઇઝરાયલ જતા શ્રમિકો અને તેમના પરિવારજનો વચ્ચે ડર અને ચિંતા દૂર કરવા માટે સરકાર તરફથી જે પ્રયાસ કરાયા તે અંગે મયંકસિંહે સ્પષ્ટ જણાવ્યું કે "શ્રમિકો અને તેમના પરિવારજનોની ચિંતાના સમાધાન માટે કોઈ પણ પ્રકારના કાઉન્સેલિંગની જવાબદારી અમારા પર નહોતી. જેને લઈને સરકારની ઇચ્છા અનુસાર શ્રમવિભાગને જે નિર્દેશ મળ્યા હતા તે મુજબ અમે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે."

આ પ્રકારની નોકરીની વ્યવસ્થા ઉત્તર પ્રદેશ અને દેશની અંદર પણ થઈ શકે છે. એ સવાલના જવાબમાં મયંકસિંહ કોઈ જ જવાબ નથી આપતા અને આ લોકોને ઇઝરાયલ મોકલવાની તૈયારીઓ અંગે જણાવવા લાગે છે.

આ સમગ્ર મુદ્દાની સામાજિક અને આર્થિક દૃષ્ટીએ વ્યાખ્યા કરતા વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠી જણાવે છે કે "ખેતીઆધારિત રાજ્યોમાં આ વિકરાળ સમસ્યા છે. રોજગારીનાં સાધન નથી. એવામાં યુવાનો શું કરે? તેમની પાસે મહાનગરોમાં ગાર્ડ બનવા સિવાય કયો વિકલ્પછે? ઇઝરાયલનો વિકલ્પ આમ તો આકર્ષક છે."

ભારત-ઇઝરાયલ વચ્ચે કરાર

ભારત અને ઇઝરાયલ વચ્ચે થયેલા કરાર અંતર્ગત 15 સભ્યની ઇઝરાયલની ટીમ ભારત પાસેથી પ્લાસ્ટરિંગ વર્ક, સેરેમિક ટાઇલિંગ, બિલ્ડિંગ ફ્રેમ વર્ક અને આયરન વેલ્ડિંગના કુશળ શ્રમિકોની પસંદગી કરી રહી છે.

બન્ને દેશ વચ્ચે થયેલા કરારના માધ્યમથી ભારતથી શ્રમિકોને ઇઝરાયલ મોકલાઈ રહ્યા છે, જે ત્યાંના નિર્માણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં યોગદાન આપશે.

ભારતથી ઇઝરાયલ જઈ રહેલાં શ્રમિકોને પાંચ વર્ષના વિઝા અપાઈ રહ્યા છે. પસંદગી પામેલા ઇઝરાયલના શ્રમિકોને ઓછામાં ઓછું એક વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી કામ કરવાની તક મળશે. વર્ષમાં એક મહિનાની રજા મળશે. જેમાં શ્રમિક પોતાના દેશમાં પાછા આવી શકે છે. વચ્ચે જરુર પડે તો પણ શ્રમિક પોતાના દેશમાં પાછા આવી શકે છે.

શું શરતો રહેશે?

ઇઝરાયલમાં ભારતના કામદાર

ઇમેજ સ્રોત, NAND KUMAR

ઇમેજ કૅપ્શન, જગદીશપુરના વિજયકુમારની પસંદગી પણ ઇઝરાયલ જવા માટે થઈ છે

બારાબંકીના મદદનીશ શ્રમકમિશનર મયંકસિંહ જણાવે છે, "કોઈ પણ શ્રમિકને જબરદસ્તીથી નથી મોકલાઈ રહ્યા. બધા જ યુવાનો પોતાની મરજીથી નોકરી મેળવવા જઈ રહ્યા છે. તેમને મોકલવામાં રાજ્ય સરકાર સંપૂર્ણ મદદ કરી રહી છે."

જોકે, આ યુવાનોને આગળની જાણકારી ન આવે ત્યાં સુધી ઇઝરાયલ મોકલવા પર પ્રતિબંધ લાગી ગયો છે. જે અંગે મયંકસિંહને શનિવાર સુધી કોઈ સત્તાવાર જાણકારી નહોતી મળી.

આ શ્રમિકોને મહિને ઇઝરાયલમાં ભારતીય ચલણમાં 1,37,250 રૂપિયા વેતન મળશે. ઓવર ટાઇમ કરનારાને પણ મહિને મળતું વેતન 1,37,250 રૂપિયાથી વધારે હોઈ શકે છે. ઇઝરાયલમાં રોજગારી આપતી કંપની તરફથી કર્મચારીઓના રહેવા માટે નિઃશૂલ્ક રૂમો ઉપલબ્ધ કરાવાશે, પણ જમવા માટે શ્રમિકોએ જાતે જ ખર્ચ કરવો પડશે.

આ શ્રમિકોને 'રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ' તરફથી વીમાનો લાભ મળશે. જેમાં પ્રત્યેક શ્રમિક માટે દસ લાખ રૂપિયાનો સ્વાસ્થ્યવિમો સામેલ છે.