કથિત દહેજને લીધે વહુનું મોત અને ભયાનક બદલાની કહાણી

અંશુ અને અંકિતા કેસરવાનીના લગ્ન 2023માં થયા હતા

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, અંશુ અને અંકિતા કેસરવાનીનાં લગ્ન 2023માં થયાં હતાં
    • લેેખક, ગીતા પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા, પ્રયાગરાજ

પ્રયાગરાજમાં એક એવી ભયાનક ઘટના બની, જેના કારણે બે પરિવારો બરબાદ થઈ ગયા. આ કારણે ત્રણ લોકોનાં મોત થયાં અને સાત લોકો જેલમાં ગયા.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં 18 માર્ચના રોજ એક એવી ઘટના બની, જેના કારણે શહેરના બે મધ્યમ વર્ગીય વિસ્તારોના રહેવાસીને હચમચાવી દીધા હતા.

(ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે)

શિવાની કેસરવાનીએ કહ્યું, “જ્યારે 60-70 લોકો અમારી ઘરે આવ્યા ત્યારે રાતે લગભગ 11 વાગ્યા હતા. આ લોકોએ અમને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું.”

શિવાનીએ કહ્યું કે આ હુમલાખોરોમાં મારા ભાઈ અંશુની પત્ની અંશિકાના પરિવારના લોકો અને સંબંધીઓ પણ સામેલ હતાં.

આ ઘટનાના એક કલાક પહેલાં અંશિકાનો મૃતદેહ તેમની સાસરીના ઘરમાં લટકતો મળ્યો હતો.

શિવાની અને પોલીસનું કહેવું છે કે અંશિકાનું મૃત્યુ આત્મહત્યાને કારણે થયું હતું. જોકે, અંશિકાના પરિવાર અને પાડોશીઓનો આરોપ છે કે અંશિકાને દહેજને કારણે મારી નાખવામાં આવી હતી.

(આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે)

જો તમે પણ આવા તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પાસેથી મદદ લઈ શકો છે. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.

‘બૂમો પાડી પણ કોઈ જવાબ ન મળ્યો’

શિવાની પોતાનું બળેલું ઘર બતાવે છે

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, શિવાનીએ પોતાની ભાભીના પરિવાર પર તેમનું ઘર સળગાવી નાખવાનો કેસ નોંધાવ્યો છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેસરવાની પરિવારનો લાકડાનો વારસાગત વેપાર છે અને તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે.

ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટ પર દુકાન અને ગોડાઉન બનાવ્યું હતું અને ઉપર પરિવાર રહેતો હતો.

ઘરના દરેક માળ પર એક બેડરૂમ હતો. એક વર્ષ પહેલાં લગ્ન થયાં બાદ અંશુ તેમનાં પત્ની સાથે ઉપરના માળે રહેતા હતા. જ્યારે તેમનાં માતા-પિતા પહેલા માળે અને તેમનાં બહેન શિવાની બીજા માળે રહેતાં હતાં.

શિવાનીએ બીબીસીને જણાવ્યું કે અંશિકા સામાન્ય રીતે રાતે આઠ વાગ્યા આસપાસ જમવા માટે આવતી, પરંતુ અંશિકા તે દિવસે ન આવી તો અમને લાગ્યું કે કદાચ તે સૂઈ ગઈ હશે.

શિવાનીના કહેવા પ્રમાણે તેમના ભાઈ રાતે 10 વાગ્યે દુકાનેથી આવ્યા અને પત્નીને બોલાવવા ગયા હતા.

શિવાનીએ કહ્યું, “ભાઈએ દરવાજો ખખડાવ્યો છતાં કોઈ પણ પ્રતિક્રિયા ન આવતા તેમણે દરવાજાની ઉપર લાગેલા કાચ તોડીને અંદરથી દરવાજો ખોલ્યો હતો. તેમણે (અંશુ) અંશિકાને મૃત જોઈ. આ જોઈને તેમનાથી ચીસ નીકળી ગઈ અને અમે બધા ઝડપથી ઉપરની તરફ ભાગ્યાં હતાં.”

અંશુ અને તેમના કાકાએ ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા પોલીસ સ્ટેશન પર મૃત્યુની માહિતી આપી અને અંશિકાનાં માતા-પિતાને પણ જાણ કરી હતી.

બંને પરિવાર વચ્ચે ઝઘડો

શિવાનીના પિતા રાજીન્દર કુમાર અને માતા શોભા દેવી ઘરમાં લગાડેલી આગમાં બળીને મૃત્યુ પામ્યા હતા

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, શિવાનીના પિતા રાજીન્દરકુમાર અને માતા શોભાદેવી ઘરમાં લગાડેલી આગમાં બળીને મૃત્યુ પામ્યાં છે

પોલીસનું કહેવું છે કે એક જ કલાકની અંદર અંશિકાનો પરિવાર ડઝનેક સંબંધીઓ સાથે ત્યાં પહોંચ્યો અને થોડીક જ મિનિટોમાં બંને પરિવાર વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો.

શિવાનીએ અમને પોતાના મોબાઇલમાં પુરુષોની ચીસો અને એકબીજાને લાકડી અને ડંડાથી મારવાનો વીડિયો પણ દેખાડ્યો હતો.

વીડિયોમાં એક પોલીસવાળો બંને પક્ષોની વચ્ચે ઊભો રહીને સ્થિતિને નિયંત્રણ કરવાની કોશિશ કરતો નજરે પડે છે. જોકે, તેને સફળતા મળતી નથી.

પછી અંશિકાનો મૃતદેહ ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો અને આરોપ છે કે તેમના (અંશિકા) સંબંધીઓએ ઘરને આગ ચાંપી દીધી.

ઘરના ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટમાં રાખેલાં લાકડાં સળગી ગયાં અને આ કારણે શિવાની અને તેમનાં માતા-પિતા તથા કાકી ઘરમાં જ ફસાઈ ગયાં હતાં.

શિવાની અને તેમનાં કાકી બીજા માળની બારી તોડીને બાજુના ઘરમાં પહોંચી ગયાં હતાં. જોકે, શિવાનીનાં માતા-પિતા એટલાં ભાગ્યશાળી નહોતાં.

અગ્નિશામક દળોએ ત્રણ કલાક પછી લગભગ ત્રણ વાગ્યે ઘરમાં દાખલ થઈને આગ ઓલવી અને વૃદ્ધ દંપતીના મૃતદેહો મળ્યા.

શિવાનીએ પોતાનાં આંસુ લૂછતાં કહ્યું, “મારી માતાનો મૃતદેહ સીડી પર મળ્યો. મૃતદેહને એક કોથળામાં નાખીને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવ્યો.”

પોલીસે શું કહ્યું?

શિવાનીની બે પોલીસ ફરિયાદોમાં અંશિકા અને તેના પરિવારના 12 સભ્યો અને 60-70 અજાણ્યા લોકો સામેલ છે.

એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે અંશિકાના પિતા, કાકા અને તેમના દીકરાઓ સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જેલમાં છે.

એક અધિકારીએ ઉમેર્યું, “અંશિકાના પિતાએ અંશુ, તેમનાં માતા-પિતા તથા બહેનો સામે અંશિકાને દહેજ માટે હેરાન કરવાની અને તેમની હત્યાનો આરોપ લગાવતી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે.”

શિવાનીએ પોતાના પરિવાર પર લગાડેલા આરોપોને નકાર્યા છે. જોકે, તેમણે સ્વીકાર્યું છે કે અંશિકાના પરિવાર તરફથી લગ્ન દરમિયાન કાર સહિત અન્ય સામાન મળ્યો હતો.

તેમણે કહ્યું કે તેમણે (અંશિકાનો પરિવાર) જે કંઈ પણ આપ્યું એ તેમની પુત્રીને આપ્યું છે. અમે કોઈ માગણી કરી નહોતી.

જે રાતે પત્નીનું મૃત્યુ થયું તે દિવસથી અંશુ ઘરે પાછા ફર્યા નથી.

શિવાનીએ જણાવ્યું કે અંશુ એટલા માટે છુપાયા છે કે અંશિકાના પરિવારના મોટા ભાગના સંબંધીઓ જેલની બહાર છે અને તેમને (અંશુ) જીવનું જોખમ લાગે છે.

કાયદો અને આંકડાઓ

અંશુ કેસરવાની પરિવારના મકાનના ત્રણ માળ સળગી ગયા હતા

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, આગથી તબાહ થઈ ગયેલું કેસરવાની પરિવારનું ઘર

1961થી ભારતમાં દહેજ લેવું અને આપવું બંને ગેરકાનૂની છે. જોકે, એક તાજેતરના અભ્યાસ પ્રમાણે 90 ટકા ભારતીય લગ્નોમાં દહેજ આપવામાં આવે છે.

પોલીસને દર વખતે પત્ની ઉત્પીડનની હજારો ફરિયાદો મળે છે અને ગુનાના આંકડા જણાવે છે કે ભારતમાં 2017થી 2022 વચ્ચે પૂરતું દહેજ ન મળવાને કારણે 35 હજાર 493 નવવિવાહિત યુવતીઓની હત્યા કરવામાં આવી હતી.

જોકે, કથિતરૂપે દહેજ હત્યાના મામલામાં આટલા ભયાનક બદલાની ઘટના ક્યારેય સાંભળવા મળી નહોતી.

શિવાની હવે પોતાના કાકાના પરિવાર સાથે પાડોશમાં રહે છે. શિવાની એ જગ્યા દેખાડવા માટે લઈ ગયાં, જ્યાં થોડા સમય પહેલાં તેમનું ઘર હતું.

તે રાતની ભયાનક ઘટનાનો પડછાયો દરેક જગ્યાએ દેખાઈ રહ્યો છે. દીવાલો કાળી છે અને ફ્લોર રાખથી ઢંકાયેલી છે.

બળી ગયેલા ધાતુનાં વાસણો, તવા અને ફર્નિચરના અવશેષો જ્યાં-ત્યાં પથરાયેલા છે.

શિવાનીએ કહ્યું, “મને ન્યાય જોઈએ છે. મારું જીવન બરબાદ થઈ ગયું, મારું ઘર અને પરિવાર બચ્યો નહીં. હું એક સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ ઇચ્છું છું. જે લોકો દોષી સાબિત થાય તેમને સજા મળવી જોઈએ.”

શિવાનીએ કહ્યું કે તેમણે ઘર શું કામ સળગાવ્યું? અમને હવે પુરાવાઓ કેવી રીતે મળશે?

પોલીસ સામે નારાજગી

કેસરવાની પરિવારના ઘરની હાલત એ રાતની કહાણી બતાવે છે

ઇમેજ સ્રોત, ANKIT SRINIVAS

ઇમેજ કૅપ્શન, કેસરવાની પરિવારના ઘરની હાલત એ રાતની કહાણી બતાવે છે

શિવાની પોલીસથી પણ નિરાશ છે. તેમણે આરોપ લગાવ્યો કે અમારા ઘરની બહાર બે ડઝન પોલીસકર્મી હતા. જોકે, કોઈ પણ મારાં માતા-પિતાને બચાવવા માટે અંદર ગયા ન હતા. તેઓ બસ ત્યાં ઊભા રહીને જોતા રહ્યા.

જોકે પોલીસે આ આરોપોને ફગાવી દીધા છે.

નામ ન આપવાની શરતે એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને કહ્યું કે "આ એક સંવેદનશીલ કેસ હતો. લોકો ભડકેલા હતા. અમારો પ્રયાસ મૃતદેહને ત્યાંથી કાઢીને અને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ લઈ જવાનો હતો. અમારો પ્રયાસ એ હતો કે અમે ભીડને ઓછી કરીએ અને તણાવ વધતા રોકી શકીએ."

તેમણે કહ્યું, "કોઈને આશંકા નહોતી કે ઘરને આગ ચાંપી દેવાશે. આ સાવ અણધાર્યું બની ગયું. અમે તરત આગ ઓલવનારને બોલાવ્યા. અમે પાંચ લોકોએ ઘરમાંથી બહાર કાઢવામાં મદદ પણ કરી હતી."

આ બેવડી ત્રાસદીએ અંશિકાના પરિવારને પણ હચમચાવી નાખ્યો છે. અમે તેમનો પક્ષ જાણવા માટે તેમનાં માતા-પિતાના ઘરે ગયા હતા. અંશિકા લગ્ન પહેલાં ત્યાં રહેતાં હતાં.

આ ઘરના મુખ્ય દરવાજા પર લોખંડનું મોટું તાળું લટકેલું હતું.

અંશિકાના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર તેમના કાકાનું ઘર છે. તેમના બે કાકા અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે.

જોકે પરિવારે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.

દરવાજો ખખડાવ્યા પછી અંશિકાના વૃદ્ધ દાદા જવાહરલાલ કેસરવાની (90 વર્ષ) બહાર આવ્યા. તેમનો એક પૌત્ર પ્લાસ્ટિકની ખુરશી લઈ આવ્યો અને તેઓ તેના પર બેઠા. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી.

તેઓ થોડીક મિનિટો પછી કહે છે કે "હું તમને શું કહું? મારો આખો પરિવાર જેલમાં છે. મારા દીકરો, મારો પૌત્ર..."

તેમણે આરોપ લગાવ્યો, "તે લોકોએ અંશિકાની હત્યા કરી નાખી અને આત્મહત્યામાં ખપાવવા માટે અંશિકાને ફાંસી પર લટકાવી દીધી હતી.”

જવાહરલાલે જણાવ્યું કે અંશિકાનાં લગ્ન ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું, “અમે 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અમે તેમને ઘરસંસારમાં જરૂર પડે એ બધું આપ્યું હતું. અમે 16 લાખ રૂપિયા અને એક કાર પણ આપી હતી.”

તેમણે અફસોસ કરતા કહ્યું, "અંશિકા છેલ્લી વખત ફેબ્રુઆરીમાં મળવા આવી હતી. અંશિકાએ અમને કહ્યું હતું કે તેને હેરાન કરે છે. અમે તેને કહ્યું સાસરીમાં રહીને તાલમેલ બેસાડે. ધીરે ધીરે બધું જ ઠીક થઈ જશે."

પડોશમાં પણ સન્નાટો

કેસરવાની પરિવાર પોતાના વિસ્તારમાં ખાનદાની ઓળખ ધરાવે છે. આ વિસ્તારના લોકો કેસરવાની પરિવારના લોકોને વિનમ્ર, મિલનસાર અને મદદગાર ગણાવે છે.

આ બેવડી ત્રાસદીએ તેમના પાડોશીઓને પણ હચમચાવી દીધા છે.

કેસરવાની પરિવારના મકાનની પાસે રહેતી એક વ્યક્તિએ કહ્યું કે “તે લોકો ખૂબ જ સારા છે. અમે વિચારી પણ નથી શકતા કે આવું કેવી રીતે બની શકે. તેઓ ઝઘડાખોર નથી.”

તેમણે કહ્યું, “અમને ખબર નથી કે આગ કોણે લગાવી. જોકે, પોતાની દીકરીનો મૃતદેહ જોઈને કોઈ પણ ગુસ્સે થઈ જાય.”

પાડોશમાં રહેતી એક મહિલાએ કહ્યું કે અંશિતાનો સ્વભાવ ખૂબ જ સારો હતો. તે સારી છોકરી હતી.

તેમણે કહ્યું કે અંશિકાનો પરિવાર સામાન્ય છે. તેમના પરિવાર પર જે આરોપ લાગ્યા છે, તેવો ભયાનક ગુનો તેઓ ન કરી શકે.

મહિલાએ કહ્યું કે "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેનાં સાસુસસરા પણ આગમાં મરી ગયાં. પરંતુ મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે અંશિકા સાથે જે થયું તે વિશે કોઈ વાત કરતું નથી. તેનું મૃત્યુ કેવી રીતે થયું?"