જૂનાગઢ : હિંદુ મંદિરમાં થયેલા મુસ્લિમ યુગલના નિકાહની કહાણી

યુગલ

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

ઇમેજ કૅપ્શન, મંદિરમાં જેમના નિકાહ થયા એ યુગલની તસવીર
    • લેેખક, હનીફ ખોખર
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"મારા નિકાહ મંદિરમાં કરવામાં આવ્યા છે અને બધું ખૂબ જ સારી રીતે થયું. હિંદુ જૂથે અમને ખૂબ જ મદદ કરી અને અમારાં લગ્ન કરાવ્યાં."

ગુજરાતના જૂનાગઢમાં એક મંદિરમાં હિંદુ સમુદાય દ્વારા જેમના નિકાહ કરાવાયા એ દુલહનના આ શબ્દો છે. જૂનાગઢના અબ્દુલ કાદરના નિકાહ ‘સત્યમ સેવા મંડળ’ દ્વારા કરાવવામાં આવ્યા હતા..

‘સત્યમ સેવા મંડળ’ના પ્રમુખ મનસુખભાઈ વાજા અને અબ્દુલ કાદર બંનેનું કહેવું છે કે કોમી એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા તેમણે આ રીતે આયોજન કર્યું હતું.

જૂનાગઢમાં મૌલવી મહંમદ જાવિદે અબ્દુલ કાદિરના નિકાહ પઢાવ્યા હતા જ્યારે મનસુખભાઈ સહિત અનેક લોકોએ તેમાં હાજરી આપી હતી.

જૂનાગઢના ‘સત્યમ સેવા મંડળ’ નામની સંસ્થાએ આ મુસ્લિમ યુગલના નિકાહ રામમંદિરમાં કરાવ્યા હતા ઇસ્લામિક રીતિરિવાજ સાથે પઢવામાં આવ્યા હતા.

બીબીસી ગુજરાતીના સહયોગી હનીફ ખોખરે આ વિશે વધુ જણાવ્યું કે, "જૂનાગઢ શહેરમાં અંબિકાચોકમાં આવેલા અખંડ રામનામ સંકીર્તન મંદિરમાં એક મુસ્લિમ યુગલનાં લગ્ન (નિકાહ) કરાવાયાં હતાં."

ગ્રે લાઇન

‘1800થી વધુ યુગલોનાં લગ્ન કરાવ્યાં’

આયોજક મનસુખભાઈ સાથે દુલ્હાની તસવીર

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

હનીફ ખોખરનું કહેવું છે કે, કોમી એકતા અને ભાઈચારાને વધારવાના હેતુસર આ નિકાહ કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું, "જૂનાગઢમાં ‘સત્યમ સેવા મંડળ’ નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવતા મનસુખભાઈ વાજા અને સાથી મિત્રો વર્ષોથી કોમી એકતા લાવવા કાર્યરત છે. અત્યાર સુધીમાં મંડળે 1800થી વધુ યુગલોનાં લગ્ન કરાવી આપ્યાં છે. જેમાં હિંદુ, મુસ્લિમ અને દરેક ધર્મના લોકોનાં લગ્નો સામેલ છે."

આ વિશે મંડળના પ્રમુખ મનસુખભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "રામમંદિરમાં મુસ્લિમ યુગલના નિકાહથી કોમી એકતાનો દાખલો બેસે છે. અમે જૂનાગઢમાં ભાઈચારાના હેતુથી સર્વજ્ઞાતિય લગ્ન કરાવીએ છીએ, જેમાં મુસ્લિમ યુગલોના નિકાહ પણ સામેલ છે.”

"આ અંખડ રામનામ સંકીર્તન મંદિરમાં છેલ્લાં 30 વર્ષથી અંખડ રામધૂન કરાવાય છે. તે મંદિરના હૉલમાં જૂનાગઢના ડુંગરપુર ગામમાં રહેતા મુસ્લિમ પરિવારનાં દીકરી હીના કુરેશીના નિકાહ ગોંડલના અબ્દુલ કાદર સાથે કરવામાં આવ્યા છે. આ લગ્નથી અમે અને તમામ ખુશ છીએ."

મનસુખભાઈ વધુમાં જણાવે છે કે, "અમે સર્વજ્ઞાતિ એક સમાન અને સર્વધર્મ એક સમાનમાં માનીએ છીએ. આજના સમયમાં એકતા, ભાઈચારો અને શાંતિ દેશ માટે ખૂબ જરૂરી છે, એટલે જ આ અગાઉ પણ અમે અનેક મુસ્લિમ દીકરીઓના નિકાહ મંદિરમાં કરાવેલા છે."

ગ્રે લાઇન

બંને પરિવારોની સંમતિ

દુલ્હા દુલહનની તસવીર

ઇમેજ સ્રોત, HANIF KHOKHAR

નિકાહ માટે બંને પરિવારોની સંમતિ લેવામાં આવી હતી અને ત્યાર બાદ મંદિરમાં નિકાહનું આયોજન કરાયું હતું.

હનીફ ખોખર કહે છે, "સેવાકીય સંસ્થા ચલાવતા મનસુખભાઇ વાજાએ બંને પક્ષને સમજાવ્યું હતું કે, મંદિરમાં નિકાહનું આયોજન કરીએ અને પછી બંને પરિવાર પણ સંમત થયા હતા."

"મુસ્લિમ પરિવારના સભ્યો બારાત લઈને આવ્યા હતા અને સંપૂર્ણ રીતે મુસ્લિમ રીતિ રિવાજ મુજબ શાદીનું આયોજન થયું હતું."

મંદિરમાં જેમના નિકાહ થયા તે દુલ્હા અબ્દુલ કાદર કુરેશી કહે છે કે, "હું નસીબદાર છું કે મારા આવી પવિત્ર જગ્યા પર નિકાહ થયા છે. તે માટે અમે બધા જ ખૂબ ખુશ છીએ."

"આ અવસરે અમે આયોજકોનો આભાર માનીએ છીએ અને તમામ લોકોને શાંતિ અને ભાઈચારા માટે અપીલ કરીએ છીએ."

ગ્રે લાઇન

નિકાહ પઢાવનાર મૌલવીએ શું કહ્યું?

દુલહન હિના કુરેશી અને અબ્દુલ કાદર કુરેશીના નિકાહ પઢાવવા આવેલા ડુંગરપુર મસ્જિદના મૌલાના મહંમદ જાવિદે ઇસ્લામી શરિયત મુજબ સંપૂર્ણ રીતિ રિવાજ સાથે નિકાહ પઢાવ્યા હતા.

નિકાહના અવસરે મૌલાના મહંમદ જાવિદે જણાવ્યું હતું કે, "આ પ્રસંગ હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચે કોમી એકતાના પ્રતીક સમાન છે."

તેમણે કહ્યું, "આનાથી ભાઈચારાની લાગણી ફેલાઈ રહી છે. આજે દેશના વિકાસ માટે કોમી એખલાસ અને શાંતિની ખૂબ જરૂર છે. ત્યારે આવા સંજોગોમાં મનસુખભાઇ વાજા અને સાથીઓ દ્વારા મંદિરમાં નિકાહ કરવવામાં આવ્યા છે તે કોમી એકતાનું સૌથી મોટું ઉદાહરણ છે."

"આજે દેશને મનસુખભાઇ જેવા લોકોની ખૂબ જરૂર છે. જ્યાં સુધી આવા લોકો આ દેશમાં છે, ત્યાં સુધી દેશમાં ગંદી રાજનીતિ રમવાવાળા લોકોના નાપાક ઇરાદાઓ ક્યારેય સફળ નહીં થાય અને આ દેશની એકતાને ક્યારેય કોઈ તોડી નહીં શકે."

રેડ લાઇન
રેડ લાઇન