‘પૉઇઝન કિલર’ : ઝેર મોકલી 100 લોકોની આત્મહત્યાનું કારણ બનવાનો આરોપી કઈ રીતે ચલાવતો ‘મોતનો વેપાર’

કૅનથ લૉ
ઇમેજ કૅપ્શન, કૅનથ લૉ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

એપ્રિલ-2023માં બ્રિટનના અખબારે અંડરકવર ઑપરેશન હાથ ધર્યું હતું અને દાવો કર્યો હતો કે કૅનેડાના એક શેફે (રસોઇયો) અમુક બ્રિટનવાસીઓને આત્મહત્યા માટેની રૅસિપિ વેચી છે અને તેનાથી મૃત્યુ પણ થયાં છે. કૅનેડાની સ્થાનિક પોલીસ કેટલાક સમયથી આત્મહત્યાના એક કેસની તપાસ કરી રહી હતી, જેના તાર પણ આ શેફ સાથે જોડાઈ રહ્યા હતા.

અહેવાલ પ્રકાશિત થયાના દસેક દિવસમાં પીલ રિજનલ પોલીસે 57 વર્ષીય કૅનથ લૉની ધરપકડ કરી. પ્રારંભિક તપાસ બાદ જે ચિત્ર સામે આવ્યું તે ચોંકાવનારું હતું. એકલા બ્રિટનમાં કૅનથે 270થી વધુ લોકોને સામગ્રી મોકલી હતી. આ યાદીમાંથી 90 લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં. આ કેસે બ્રિટનમાં તંત્રની સક્રિયતા ઉપર સવાલ ઊભા કર્યા, જેના પગલે સરકાર ખાસ કાયદાકીય જોગવાઈઓ કરી રહી છે.

કૅનથના કહેવા પ્રમાણે, જે સામગ્રી મોકલવામાં આવી હતી, તે કાયદેસરની છે અને તેનાં ખરીદ-વેચાણ ઉપર કોઈ પ્રતિબંધ નથી. ખરીદનાર તેનો કઈ રીતે ઉપયોગ કરે છે, તેના માટે તેઓ જવાબદાર નથી.

તાજેતરમાં ઑન્ટારિયોની પોલીસે કૅનથ ઉપર ઇરાદાપૂર્વક હત્યાના 14 અને બિનઇરાદાપૂર્વક હત્યાના 14 એમ કુલ 28 ખટલા માંડ્યા છે. તેમની ઉપર આત્મહત્યાની દુષ્પ્રેરણા તથા તેના માટે મદદના પણ આરોપ છે. જો તેમનો ગુનો સાબિત થશે તો તેમણે ઓછામાં ઓછા 25 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.

(નોંધ: આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઇન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

મોતની રૅસિપિ

આ બ્રિટીશ નાગરિકોએ આત્મહત્યા પૂર્વે ચોક્કસ ઑનલાઇન ફોરમની મુલાકાત લીધી હતી
ઇમેજ કૅપ્શન, આ બ્રિટિશ નાગરિકોએ આત્મહત્યા પૂર્વે ચોક્કસ ઓનલાઇન ફોરમની મુલાકાત લીધી હતી

કૅનેડાના ટૉરેન્ટોમાં રહેતા અને વ્યવસાયે શેફ કૅનથ લૉ ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રિઝર્વેટિવ્સનું ઓનલાઇન વેચાણ કરતા. આ સાથે જ 'મોતની રૅસિપિ'નું પણ વેચાણ થતું.

જે પદાર્થ કૅનથ દ્વારા મોકલવામાં આવતો, તેનો સમાવેશ 'પ્રતિબંધિત' કે 'નિયંત્રિત' ચીજવસ્તુઓની યાદીમાં નથી થતો. તે ખાદ્યપદાર્થોમાં પ્રિઝર્વૅટિવ તરીકે વપરાતો હોવાથી તેનું છૂટથી ખરીદ-વેચાણ થાય છે. પરંતુ, આ પદાર્થને અમુક માત્રામાં લેવામાં આવે તો તેને ખાનારનું મૃત્યુ થઈ શકે છે. જાહેર હિતાર્થે બીબીસી ન્યૂઝે આ પદાર્થનું નામ સાર્વજનિક નથી કર્યું.

માત્ર કૅનેડાના ઑન્ટારિયોમાં 28 લોકોનાં મૃત્યુને કૅનથે વેચેલા પદાર્થની સાથે સાંકળવામાં આવે છે. આ જટિલ કેસની તપાસ માટે દેશની 11 પોલીસ એજન્સીઓ જોડાઈ હતી. આ સિવાય કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ઇન્ટરપોલ મારફત આ કેસમાં તપાસ માટે કૅનેડાનો સંપર્ક સાધ્યો હતો.

મોતનો કુરિયર

ટૉમ પારફેટ
ઇમેજ કૅપ્શન, મૃતક ટૉમ પારફેટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીલ પોલીસની તપાસ પ્રમાણે, કૅનથે પોતાની વેબસાઇટ, ઓનલાઇન ફોરમ અને ઇ-કૉમર્સ વેબસાઇટ ઉપરથી આ ઝેરી સામગ્રીનું વેચાણ કર્યું હતું. વિશ્વના 40 દેશોમાં લગભગ એક હજાર 200 કરતાં વધુ ઑર્ડર ડિલિવર થયા છે.

આ પ્રકરણ બહાર આવ્યા બાદ કૅનેડા, અમેરિકા અને યુકેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. એકલા બ્રિટનમાંથી 272 પાર્સલ ડિલિવર થયાં હતાં. જેના આધારે બ્રિટનની નૅશનલ ક્રાઇમ એજન્સી દ્વારા સેંકડો લોકોના ઘરે 'વેલફેર વિઝિટ' હાથ ધરવામાં આવી હતી.

તપાસમાં 90 લોકો મૃત્યુ પામ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ લોકો કૅનથ દ્વારા જ મોકલવામાં આવેલા પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ તે સ્પષ્ટ નહોતું થયું. જ્યારે અન્ય લોકોને મનોવિજ્ઞાનના નિષ્ણાતો દ્વારા પરામર્શની સેવાઓ આપવામાં આવી હતી.

બ્રિટનમાં સુરે વિસ્તારના ગિલ્ડફૉર્ડ ખાતે રહેતાં નેહા રાજુનાં મૃત્યુની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે તેમણે ઓનલાઇન કોઈ પદાર્થ મંગાવ્યો હતો, જેનું સેવન કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું.

આ પ્રકરણ બહાર આવ્યા બાદ કૅનથ સાથે જોડાયેલી અનેક વેબસાઇટ ઓફલાઇન થઈ ગઈ હતી. જોકે, ઓનલાઇન ફોરમ ઉપર કૅનથની પોસ્ટ યથાવત્ હતી.

વર્ષ 2023માં કૅનેડામાં કૅનથ સામેની કાર્યવાહી પછી બ્રિટનના મૃતક ટૉમના (ઉંમર વર્ષ 22) પિતા ડેવિડ પારફેટે બીબીસી રેડિયો 4 સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે તેમના દીકરાએ આત્મહત્યાના વિચારો વિશે ઓનલાઇન ચર્ચા કરી હતી.

કેટલાક ફોરમ આવા મુદ્દા ઉપર જ ચર્ચા કરે છે. જ્યાં કેટલાક દ્વારા ટૉમને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવામાં આવી હતી. લોકો તેમની સમસ્યાની ચર્ચા કરતા હોય છે, ત્યારે તેની ઉપર કોઈ નિયમન કે નિયંત્રણ નથી હોતું. નાજુક મન:સ્થિતિ ધરાવતા લોકો ઉપર આવી દુષ્પ્રેરણાની તરત અસર થઈ શકે છે.

ઑક્ટોબર-2021માં કૅનથ દ્વારા મોકલવામાં આવેલા પદાર્થનું ટૉમે સેવન કર્યું હતું અને એ પછી તેમનું મૃત્યુ થયું હતું. ડેવિડે ઓનલાઇન ફોરમ ઉપર સ્યૂસાઇડ માટે પ્રેરિત કરતા અને તેના માટે વસ્તુઓ વેચતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે કૅનથની ધરપકડ બાદ અન્ય લોકો અને કંપનીઓ હજુ પણ આ પદાર્થ વેચતા હશે.

આત્મહત્યાની અંધારી આલમ

આત્મહત્યા કેવી રીતે કરવી અને તેના વિશે ચર્ચા માટે ઇન્ટરનેટ ઉપર અનેક વેબસાઇટ છે. આવા ફોરમો ઉપર આત્મહત્યા માટેના 'સ્ટેપ-ટુ-સ્ટેપ' વર્ણન આપવામાં આવ્યાં હોય છે.

આત્મહત્યા માટેના એક ઇન્ટરનેટ ફોરમ ઉપર (ઑક્ટોબર-2023ની સ્થિતિ પ્રમાણે) 40 હજાર કરતાં વધુ સભ્યો છે અને તેના ઉપર 20 લાખ કરતાં વધુ મૅસેજ પોસ્ટ કરવામાં આવ્યા છે. તેને ઓફલાઇન કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.

એક શખ્સે હોટલના રૂમની તસવીર મૂકી હતી, જેમાં કથિત રીતે આત્મહત્યા કરવા માટેનું સેટઅપ હતું. જેના ઉપર એક શખ્સે 'શુભકામનાઓ. આશા રાખું કે તારા માટે સફળ રહે અને તું શાંતિપૂર્વક વિદાય લે.' એવી ટિપ્પણી કરી હતી તો બીજાએ 'સફર માટે શુભકામના'નો સંદેશ મૂક્યો હતો.

એપ્રિલ-2020માં લિડ્સ (યુકે) ખાતે રહેતા જો નિહિલ નામના 23 વર્ષીય યુવકે આત્મહત્યા કરી. તેમણે પોતાની સ્યૂસાઇડ નોટમાં ચોક્કસ ફોરમને બંધ કરવા માટે પ્રત્યનો કરવા પરિવારજનોને કહ્યું હતું, જેથી કરીને બીજા કોઈ તેને એક્સેસ ન કરી શકે. આ વેબસાઇટ ઉપર જ જોને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા મળી હતી.

કાયદો અને વ્યવસ્થાના અધિકારીઓ માટે આ પ્રકારનાં ફોરમો ઉપર નિયંત્રણ મેળવવું મુશ્કેલ હોય છે, કારણ કે તે ગુમનામ રીતે હોસ્ટ થયેલી હોય છે અને તેને કોણ ચલાવે છે તેના વિશે માહિતી મેળવવી મુશ્કેલ હોય છે.

છતાં યુકેમાં 'ઓનલાઇન સેફ્ટી બિલ' પસાર થઈ ગયું છે. જે ઇન્ટરનેટને બાળકો માટે વધુ સલામત બનવશે તેવો કાયદા બનાવતા લોકોને વિશ્વાસ છે. તેમાં આત્મહત્યા માટેની દુષ્પ્રેરણા આપતા મૅસેજને જાણ થયેથી તત્કાળ ઉતારી લેવાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે, કર્મશીલોનું કહેવું છે કે તે પુખ્તો માટે ઉપલબ્ધ રહેશે. અમુક ફોરમોએ યુકેના નવા કાયદા મુજબ સેન્સરશિપનું પાલન નહીં કરવાનાં મૅસેજ પણ પોતાના પ્લૅટફૉર્મ ઉપર મૂક્યાં હતાં.

બીજી બાજુ, કૅનેડામાં કૅનથ લૉ સામે પ્રાથમિક તપાસ વગર સીધો જ ખટલો ચલાવવામાં આવશે. માત્ર કૅનેડાના ઑન્ટારિયોમાં તેમની સામે હત્યાના પહેલા દરજ્જાના 14 તથા સ્યૂસાઇડ માટે દુષ્પ્રેરણાના 14 એમ કુલ 28 ગુના દાખલ કરવામાં આવ્યા છે. મૃતક 16થી 36 વર્ષના હતા.

કૅનેડાના અખબાર 'ધ ગ્લૉબ ઍન્ડ મેલ' સાથે વાત કરતા કૅનથે કહ્યું હતું કે 'હું જે પદાર્થ વેચું છું, તે કાયદેસર છે અને પછી ખરીદનાર તેનો ઉપયોગ કેવી રીતે કરે છે, તેના માટે હું જવાબદાર નથી.'

જો કૅનથ દોષિત ઠરશે તો તેમને આજીવન કેદની સજા થઈ શકે છે અને 25 વર્ષ સુધી પેરોલની કોઈ સંભાવના નહીં હોય.