ટાઈપરાઈટરની એક ભૂલથી 200થી વધુ દર્દીનો હત્યારો કેવી રીતે પકડાયો?

- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી
એ બહુ બુદ્ધિશાળી હતો, ડૉક્ટર હતો અને પોતે સેંકડો લોકોની હત્યા કરીને ક્ષેમકુશળ છૂટી શકે છે તેની તેને ખાતરી હતી. પોલીસે તેને પકડી પાડ્યો છતાં તેની ઉદ્ધતાઈ ઓછી થઈ ન હતી.
એ કહેતો હતો, “લોકો અચાનક મૃત્યુ પામે છે, વૃદ્ધો તો ચોક્કસ, એક દિવસ તેમનું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે.” તે મક્કમ હતો કે તેણે કશું ખોટું કર્યું નથી અને તેથી પોલીસ તેનો વાળ સુધ્ધાં વાંકો કરી નહીં શકે, પરંતુ તેણે એક ભૂલ કરી હતી.
બ્રિટિશ ઇતિહાસના સૌથી મોટા સિરિયલ કિલરની ધરપકડનો પ્રારંભ એક ફોન કૉલથી થયો હતો. માન્ચેસ્ટર વિસ્તારનું નાનકડું ગામ છે હાઇડ. તેની વસ્તી 30,000થી થોડી વધુ હતી.
હાઇડનાં ભૂતપૂર્વ મેયર કેથરિન ગ્રન્ડીનું ઑગસ્ટ, 1988માં 81 વર્ષની વયે અવસાન થયું હતું. 81 વર્ષની વયે અવસાન થાય તેમાં કોઈ શંકા ન હોય, પરંતુ કેથરિનનાં વકીલ પુત્રીને માતાના વસિયતનામામાં કશુંક ખોટું હોવાનું જણાયું હતું.
વસિયતનામામાં લખેલું હતું કે, “હું મારું ઘર ડૉ. હેરોલ્ડ ફ્રેડરિક શિપમેનને વારસામાં આપું છું.” કેથરિનનાં પુત્રીનું કહેવું હતું કે આ વસિયતનામું મારા માતાએ કર્યું નથી, કારણ કે તેઓ બે મકાનનાં માલકણ હતાં અને તેઓ તેમની મિલકત આપવા ઇચ્છતા હોત તો તેમણે ડૉક્ટરને બંને મકાન આપ્યાં હોત અને એક મકાન આપ્યું હોય તો પણ વસિયતમાં બીજા મકાનનો ઉલ્લેખ નથી.
તેનો અર્થ એ હતો કે વસિયતનામું કોઈ એવી વ્યક્તિએ બનાવ્યું હતું, જે નહોતી જાણતી કે કેથરિન ગ્રન્ડી બે મકાનનાં માલિક છે.
એક મહિના પછી 1988ની સાતમી સપ્ટેમ્બરે હેરોલ્ડ શિપમેનની ધરપકડ કરાઈ હતી. અધિકારીઓએ એમ માન્યું હતું કે આ એક ખૂનની તપાસ છે, પરંતુ તેમાં 200થી વધુ હત્યાનો કાંડ બહાર આવ્યો હતો. આ કથા તેની છે.
અગાઉ જણાવ્યું તે પ્રમાણ હાઇડ ગામની વસ્તી ત્રીસેક હજારની હતી અને તેમાંથી આશરે 3,000 લોકો શિપમેનના દર્દી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ક્યાંક કશું ખોટું થતું હોવાનું સૌપ્રથમ એલન મેસીના ધ્યાનમાં આવ્યું હતું. એલન મેસી ફ્યુનરલ ડિરેક્ટર હતા એટલે કે તેઓ મૃતકોના અંતિમ સંસ્કારનું કામ કરતા હતા.
એલને તેમનાં પુત્રી ડેબીને જણાવ્યું હતું કે ડૉ. હેરોલ્ડના દર્દીઓનો મૃત્યુદર ઘણો વધારે છે. બીજી ગંભીર બાબત એ હતી કે તેમાં મોટા ભાગનાં મહિલા હતાં.
આ બાબતે કેવો પ્રતિભાવ આપવો તે એલન શરૂઆતમાં જાણતા ન હતા, કારણ કે નાના ગામમાં ડૉ. હેરોલ્ડ બહુ આદરપાત્ર વ્યક્તિ હતા. આવા માણસ પર કોઈ આરોપ કેવી રીતે મૂકી શકાય એ વાતથી તેઓ ચિંતિત હતા.
તેમ છતાં મન મક્કમ કરીને તેઓ હેરોલ્ડને મળવા ગયા હતા અને તેમને સવાલ કર્યો હતો કે ખરેખર શું ચાલી રહ્યું છે? હેરોલ્ડે કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. તેઓ શાંત બેઠા રહ્યા હતા. થોડી વાર પછી ઉઠ્યા અને કબાટમાંથી અનેક ફાઇલો કાઢી. તે એલનની સામે મૂકતાં કહ્યું, “આ રજિસ્ટરમાં બધી માહિતી છે. તપાસવી હોય તે જોઈ શકે છે.”
આ ઘટના કેથરિન ગ્રન્ડીનાં પુત્રીએ માતાની વસિયત બાબતે ફરિયાદ કરી તેના ચાર મહિના પહેલાં બની હતી.
હેરોલ્ડના હત્યાકાંડનો ભોગ બનેલાંમાં મોટા ભાગનાં વૃદ્ધા હતાં. તેમના મૃતદેહો મળી આવવાનું પણ રહસ્યમય હતું. એ વૃદ્ધાઓની લાશો મળી આવી ત્યારે તેમણે સુઘડ પોશાક પહેર્યા હતા અને ખુરશીમાં બેઠેલી હતી.
વૃદ્ધા હોવા છતાં તેમના મૃત્યુનું કારણ બની શકે તેવી કોઈ બીમારી અથવા રોગનાં ચિહ્નો તેમાં જોવા મળતાં ન હતાં.
હેરોલ્ડે આટલાં વર્ષો સુધી સંખ્યાબંધ લોકોની હત્યા કરી અને તે પકડાયો નહીં તેનું એક કારણ એ હતું કે તેનો ભોગ બનેલા મોટા ભાગના લોકો એકલા, વૃદ્ધ હતા.
આ વૃદ્ધો પાસે કોઈ ન હોય, તેમનાં સંતાનો દૂર હોય ત્યારે ડૉક્ટર તેમને સમય આપતા હતા. તેમની સાથે વાતો કરતા હતા. તેમની લાગણી સમજતા હતા અને તેમની સારવાર માટે તેમના ઘરે જતા હતા. આ વૃદ્ધો પોતાના દિલની બધી વાત ડૉક્ટરને કહેતા હતા.
આ પ્રકારના વર્તનને કારણે તેઓ હાઇડમાં પ્રસિદ્ધિ ન પામ્યા હોય તો જ આશ્ચર્ય થાય.
ડૉક્ટર તેમના દર્દીઓના ઘરે જતા હતા તેથી તેમની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ હતા. કોણ એકલું છે, કોની પાસે સંપત્તિ છે, કોનાં સંતાનો, સગાંસંબંધી તેમના આરોગ્ય વિશે પૂછપરછ કરે છે અને કોણ એકલું નથી એ બધું તેઓ સારી રીતે જાણતા હતા.
કેટલાક વૃદ્ધોએ તેમના ઘરની ચાવી પણ ડૉક્ટરને આપી હતી. તેના આધારે ડૉક્ટર નક્કી કરતા હતા કે કોની હત્યા કરવી.
‘કંઈક ખોટું છે’

ઇમેજ સ્રોત, GREATER MANCHESTER POLICE
ડૉક્ટર હેરોલ્ડ હાઇડના ડોનીબ્રુક મેડિકલ સેન્ટરમાં કામ કરતા હતા. તેમને અગાઉ એક જગ્યાએથી કાઢી મુકાયા હતા, પરંતુ તેની વાત પછી કરીશું.
હેરોલ્ડ 1976ની આસપાસ હાઇડમાં કામ કરવા આવ્યા હતા. એ પછીનાં દસ વર્ષમાં તેમના અનેક વૃદ્ધ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, પરંતુ વૃદ્ધ લોકોનું મોત ક્યારેક તો થાય જ છે, એમ ધારીને કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.
હેરોલ્ડ ડોનીબ્રુક હૉસ્પિટલમાં 12 વર્ષથી કામ કરતા હતા. 1989માં આવા જ એક દર્દીનું મોત થયું હતું. તેનું નામ જોસેફ વિલ્કોકસ હતું. તેઓ 62 વર્ષના હતા. તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી અને તેમને બીજી પણ બીમારીઓ હતી.
તેથી એક નર્સ રોજ વિલ્કોસના ઘરે સારવાર માટે જતાં હતાં. કાયમની માફક 6 નવેમ્બરે બપોરે નર્સ પહોંચ્યાં ત્યારે તેમણે વિલ્કોસને મૃત અવસ્થામાં જોયા હતા. વિલ્કોસ ખુરશી પર બેઠા હતા. તેમણે સરસ પોશાક પહેર્યો હતો અને તેમનું શરીર સંપૂર્ણપણે ઠંડું પણ પડ્યું ન હતું.
નર્સે એ દિવસે હૉસ્પિટલના કમ્પ્યૂટરમાં જોયું હતું કે એ દિવસે સવારે વિલ્કોસના ઘરે ડૉ. હેરોલ્ડ તેમની તપાસ કરવા માટે જવાના હતા. નર્સે હેરોલ્ડને ફોન કરીને જણાવ્યું હતું કે આ દર્દીનું મૃત્યુ થયું છે. તમે સવારે અહીં આવ્યા ત્યારે તમને આવું કંઈ લાગ્યું હતું?
હેરોલ્ડે સ્પષ્ટ ના પાડી હતી અને કહ્યું હતું કે હું દર્દીના ઘરે ગયો જ નથી. મારે આજે તેમને ત્યાં જવાનું ન હતું.
નર્સને ખાતરી હતી કે તેણે સવારે કમ્પ્યૂટરમાં જોયું ત્યારે ડૉ. હેરોલ્ડની વિઝિટ નક્કી હતી, પણ ક્યાંક ભૂલ થઈ છે. આ બાબતે નર્સ અને હેરોલ્ડ વચ્ચે ઝઘડો થયો હતો.
હૉસ્પિટલ પાછા ફર્યા પછી રેકૉર્ડ તપાસતાં નર્સને જાણવા મળ્યું હતું કે હેરોલ્ડ સાચું કહેતા હતા. તેમની વિઝિટ નક્કી કરાઈ નહોતી.
તેમ છતાં નર્સને લાગ્યું હતું કે “કંઈક ખોટું છે.” નર્સે તેમના ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી હતી. હૉસ્પિટલના અન્ય તબીબો અને સ્ટાફ ડૉ. હેરોલ્ડના દર્દીઓનાં સતત મૃત્યુ બાબતે પહેલાંથી જ ગણગણાટ કરતા હતા. તેથી ડૉ. હેરોલ્ડે માત્ર ચાર વર્ષ કામ કર્યા પછી ડોનીબ્રુક હૉસ્પિટલ છોડીને હાઇડ સિટીમાં પોતાની હૉસ્પિટલ શરૂ કરી હતી.
હેરોલ્ડ એટલા વિખ્યાત હતો કે તેમણે પોતાની હૉસ્પિટલ શરૂ કરી ત્યારે તેમની પાસે ખાસ કરીને વૃદ્ધ દર્દીઓની કતાર લાગતી હતી.
એક ઇન્જેક્શન અને ખેલ ખતમ

ડૉ. હેરોલ્ડના દર્દીઓ સતત મરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોને શંકા પડી હતી. હાઇડની બીજી હૉસ્પિટલમાં કામ કરતાં ડૉ. લિન્ડા રેનોલ્ડ્સ અને રાજ પટેલે પોલીસને આ બાબતે તપાસ કરવા વિનંતી કરી હતી.
તેમની શંકાનું કારણ એ હતું કે હેરોલ્ડના ઘણા મૃત દર્દીઓની લાશનું દહન કરવામાં આવતું હતું. એ માટે તેમનાં સગાંસંબંધી અરજ કરતાં હતાં. અહીં નોંધવું જોઈએ કે ખ્રિસ્તીઓમાં મૃતદેહોનું સામાન્ય રીતે દહન કરાતું નથી. તેમને દફનાવાય છે. એંસીના દાયકામાં પણ માન્ચેસ્ટરના એક નાનકડા ગામમાં તેનું પ્રમાણ વધારે ન હતું.
તેમ છતાં હેરોલ્ડના મૃત દર્દીઓના દહનનું પ્રમાણ બહુ ઊંચું હતું. સ્થાનિક નિયમ અનુસાર, કોઈ મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવા હોય તો તેની અરજી પર બે ડૉક્ટરોની સહી અનિવાર્ય હતી. એક ડૉક્ટર તરીકે હેરોલ્ડ સહી કરતા હતા, જ્યારે બીજી માટે અન્ય ડૉક્ટરનો સંપર્ક કરવો પડતો હતો.
આ કારણે ડૉ. લિન્ડા રેનોલ્ડ્સને શંકા પડી હતી કે હેરોલ્ડ તેમના દર્દીઓની હત્યા કરી રહ્યા છે. પણ એ કેવી રીતે કરી રહ્યા છે?
આ જાણવા માટે આપણે ભૂતકાળમાં જઈએ અને હેરોલ્ડનાં બાળપણ અને યુવાનીની વાતો જાણીએ.
હેરોલ્ડનો ઉછેર ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા ટ્રક ડ્રાઇવર હતા અને માતા ગૃહિણી હતાં. હેરોલ્ડ પર માતાનો મોટો પ્રભાવ હતો. માતાએ હેરોલ્ડને એક જ પાઠ ભણાવ્યો હતો કે ગરીબીમાંથી બહાર નીકળવું હોય તો સારી રીતે અભ્યાસ કરો. હેરોલ્ડ એ શિખામણને ગંભીરતાપૂર્વક અનુસર્યા હતા.
તેઓ શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના માતાને કૅન્સર થયું હતું. 1960ના દાયકામાં કૅન્સર માટે કોઈ અસરકારક સારવાર ન હતી. તેથી ડૉક્ટરો માતાની પીડા ઓછી કરવા પેઇનકિલર અને મોર્ફિનનાં ઇન્જેક્શન આપતાં હતાં. આ મોર્ફિના ઇન્જેક્શન વિશે હેરોલ્ડની ઉત્સુકતા વધી હતી.
તેમને પણ પેઇનકિલર ઇન્જેક્શનનું વ્યસન થઈ ગયું હતું. તેમણે નશા માટે માતાની દવાઓ લેવાનું શરૂ કર્યું હતું.
માતાના મૃત્યુ પછી હેરોલ્ડે મેડિકલ સ્કૂલમાં ઍડમિશન મેળવ્યું હતું. એ સમયગાળામાં તેમણે લગ્ન કર્યાં હતાં અને તેમનું વ્યસન વધતું જતું હતું.
અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે હૉસ્પિટલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ વ્યસન તેમને જંપીને બેસવા દેતું ન હતું. હૉસ્પિટલમાં તેમની પ્રથમ નિમણૂક જુનિયર સ્ટાફ તરીકે કરવામાં આવી હતી. તેથી તેઓ કશું કરી શક્યા ન હતા.
તેમણે થોડા સમયમાં એ હૉસ્પિટલ છોડી દીધી હતી અને ટોડમોર્ડન નામના નાનકડા ગામમાં અબ્રામ મેડિકલ પ્રૅક્ટિસ હૉસ્પિટલમાં જોડાયા હતા. ત્યાં તેમને સ્વતંત્રતા મળી હતી. તેમના કામ પર કોઈ દેખરેખ રાખતું ન હતું. તેથી તેમણે પોતાના વ્યસન માટે નવો ખેલ શરૂ કર્યો હતો.
તેઓ તેમના દર્દીઓને પેઇનકિલરનાં વધારે ઇન્જેક્શન લખી આપતા હતા અને બાકી બચેલાં ઇન્જેક્શનનો પોતે ઉપયોગ કરતા હતા, પણ બે વર્ષમાં તેમનો ખેલ ઉઘાડો પડી ગયો હતો. હૉસ્પિટલ પ્રશાસનને ખબર પડી હતી કે હેરોલ્ડ વ્યસની છે. તેથી તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.
તેમનું મેડિકલ લાયસન્સ રદ થવાનું હતું, પરંતુ એવું ન થાય એ માટે તેમણે 600 પાઉન્ડ દંડ ભરવો પડ્યો હતો અને વ્યસનમુક્તિ કેન્દ્રમાં જવું પડ્યું હતું.
ત્યાંથી બહાર આવીને તેઓ હાઇડમાં સ્થાયી થયા હતા. તેમ છતાં તેમનો સ્વભાવ બદલાયો ન હતો. હવે તેમને પેઇનકિલરને બદલે લોકોની હત્યા કરવાની લત લાગી હતી.
બાળપણમાં મળ્યું હતું મોર્ફિનનું ઇન્જેક્શન.
તેઓ તેમના વૃદ્ધ અને એકલવાયા દર્દીઓના ઘરે જતા હતા. હોમ વિઝિટમાં કશું ખોટું ન હતું. વૃદ્ધોને દવાખાને જવામાં તકલીફ ન પડે એટલા માટે ડૉક્ટર તેમના ઘરે જાય છે, એમ કહીને લોકો હેરોલ્ડની પ્રશંસા કરતા હતા.
તેમણે દર્દીઓની પસંદગી પહેલેથી જ કરી રાખી હતી. તેઓ દર્દીના ઘરે જતા હતા અને તેમની સાથે વાતચીત કરતા. ડૉક્ટર આવવાના છે એમ જાણીને દર્દીઓ (જેમાં મોટા ભાગની મહિલાઓ હતી) પણ સુઘડ કપડાં પહેરીને ડૉક્ટરના આવવાની રાહ જોતા હતા.
હેરોલ્ડ સિવાય પોતાને ત્યાં કોઈ આવતું નથી. તેઓ આવે ત્યારે દર્દીઓ તેમની સાથે વાતચીત કરતા હતા. દરેક દર્દી સ્વાસ્થ્યસંબંધી કોઈને કોઈ ફરિયાદ કરતો હતો અને હેરોલ્ડ કહેતા હતા કે ફરિયાદના નિવારણ માટે તેઓ ઇન્જેક્શન આપી રહ્યા છે. આ વૃદ્ધ દર્દીઓ મોટા ભાગે સોફા અથવા ખુરશી પર બેસતા હતા. હેરોલ્ડ તેમને મોર્ફિનનું ઇન્જેક્શન આપતા હતા. દર્દીઓ ધીમે ધીમે ગૂંગળાવા લાગતા હતા. તેમના હૃદયના ધબકારા ધીમા પડી જતા હતા અને અવસાન પામતા હતા.
પોલીસના અંદાજ મુજબ, હેરોલ્ડે તેમની 27 વર્ષની કારકિર્દી દરમિયાન 215થી 250 દર્દીઓની હત્યા કરી હતી.
છેડો મળ્યો

ઇમેજ સ્રોત, EDWIN FLAY
ક્યારેક એક જ સપ્તાહમાં હેરોલ્ડના ત્રણ-ત્રણ દર્દીઓ મૃત્યુ પામતા હતા, તો ક્યારેક બે-ત્રણ મહિના સુધી કોઈનું મોત નહોતું થતું, પરંતુ હકીકત એ છે કે અન્ય ડૉક્ટરોની સરખામણીએ હેરોલ્ડના દર્દીઓનાં મોતનું પ્રમાણ વધારે હતું. તેમ છતાં ત્રણ દાયકા સુધી કોઈને શંકા પડી નહીં? આ ખૂની આટલાં વર્ષો સુધી કેમ પકડાયો નહીં?
ખરું કહીએ તો કેટલાક લોકોને શંકા પડતી હતી, પરંતુ હેરોલ્ડનું નામ એટલું મોટું હતું કે તેની સામે બોલવાની હિંમત કોઈ કરતું ન હતું.
હેરોલ્ડ વગદાર હતા કે ગુંડા હતા તેથી લોકો તેમનાથી ડરતા હતા એવું નથી. હેરોલ્ડની ઇમેજ એક સારા, મૈત્રીપૂર્ણ, કુટુંબવત્સલ, દર્દીની સંભાળ રાખતા ડૉક્ટર તરીકેની હતી.
હા. તેમની કેટલીક આદતો વિચિત્ર હતી. તેઓ ક્યારેક અચાનક ગુસ્સે થઈ જતા હતા. તરુણાવસ્થા દરમિયાન તેઓ ડ્રગ્ઝના વ્યસની હતી. કોઈનેય તેમના કોઈ દર્દીના ઘરે જવાની કે તેમના બ્લડ સૅમ્પલ લેવાની છૂટ ન હતી. તેઓ દરેક બાબત પર નિયંત્રણ રાખતા હતા. બધાનો સ્વભાવ થોડો વિચિત્ર હોય છે, એવું ધારીને કોઈ સારા સ્વભાવના ડૉક્ટર પર હત્યાનું આળ મૂકતું ન હતું.
તેથી ડૉ. લિન્ડા રેનોલ્ડ્સ પ્રથમ વખત પોલીસ પાસે ગયાં ત્યારે તેમને પણ કશું તથ્ય જણાયું ન હતું. તેમણે રેકૉર્ડ તપાસ્યા હતા. તેમાં બધું બરાબર હતું. આવા માણસને પૂછપરછ માટે અટકાયતમાં લઈને લોકોનો રોષ શા માટે વહોરી લેવો જોઈએ?
હેરોલ્ડનું પ્લાનિંગ પરફેક્ટ હતું. પોતાના પર વારંવાર શંકા વ્યક્ત કરાય છે એ 27 વર્ષ દરમિયાન જાણવા છતાં હેરોલ્ડ કોઈના હાથમાં સપડાયા ન હતા.
તેમણે કરેલી દરેક હત્યાને વૃદ્ધાવસ્થાને લીધે થયેલું મૃત્યુ ગણાવાતી હતી. તેમાં 49 વર્ષની એક મહિલાનો પણ સમાવેશ થતો હતો. 49 વર્ષની વયે કોઈ મોટી બીમારી ન હોય તો બેઠાં-બેઠાં કોઈનું હૃદય બંધ પડી ન જાય, પણ આ મહિલા એકલાં, હતાશ હતાં. તેમની સાથે કામ કરનાર એક માનસિક સ્વાસ્થ્ય સ્વયંસેવકે પણ અન્ય લોકોને જણાવ્યું હતું કે મહિલા મૃત્યુ પામ્યાં છે. ઘણાને એવું લાગ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી છે. તેમનો કેસ ત્યાં જ અટકી ગયો હતો.
કદાચ આવી ઘટનાઓએ હેરોલ્ડને અહેસાસ કરાવ્યો હતો કે “મને કોઈ પકડી શકશે નહીં.” તેઓ આનંદમાં હતા અને એ દરમિયાન તેમણે એક ભૂલ કરી હતી.
તેમણે કેથરિન ગ્રન્ડીનું નકલી વસિયતનામું બનાવ્યું હતું અને એ કેથરિનનાં વકીલ દીકરીના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે ફરિયાદ કરી હતી.
અગાઉ જણાવ્યા પ્રમાણે કેથરિન પાસે બે ઘર હતાં અને આ વસિયતમાં એક જ ઘરનો ઉલ્લેખ હતો. તેથી કેથરિનની દીકરીની શંકા દૃઢ બની હતી.
સંપત્તિ માટે પોતાનાં માતાની હત્યા કરવામાં આવ્યાની શંકા તેમણે વ્યક્ત કરી હતી.
હેરોલ્ડની આ પહેલી ભૂલ હતી. મજબૂત પુરાવા હોવાથી પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે પણ તે મક્કમ હતો.
તેની ઊલટતપાસના વીડિયો યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે. તેમાંથી તેના બેફિકર વલણનો ખ્યાલ આવે છે.
પૂછપરછ દરમિયાન હેરોલ્ડ પોલીસ અધિકારીઓને તબીબી તથ્યો તથા કેથરિનનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે થયું હોવાનું સમજાવતા દેખાય છે.
કેથરિનનું વસિયતનામું ટાઈપરાઈટર પર ટાઈપ કરાયું હતું અને પોલીસે હેરોલ્ડનું ટાઈપરાઈટર જપ્ત કર્યું હતું. તેનું પરીક્ષણ કર્યું હતું, જે હેરોલ્ડની બીજી ભૂલ હતી.
એ ટાઈપરાઈટર પર અક્ષરો સ્પષ્ટ રીતે ઊપસતા ન હતા. કેથરિનની વસિયતમાં પણ એવું જ જોવા મળ્યું હતું. આમ સાબિત થયું હતું કે જે ટાઈપરાઈટર પર કેથરિનની નકલી વસિયત ટાઈપ કરવામાં આવી હતી તે હેરોલ્ડનું હતું.
તેમ છતાં હેરોલ્ડ અડગ રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેથરિન ગ્રન્ડીને કશુંક ટાઈપ કરવું હોય ત્યારે હું તેમને મારું ટાઈપરાઈટર આપતો હતો.
હેરોલ્ડ સતત એવું રટણ કરતા હતા કે વસિયત ખોટી છે એ હું જાણતો નથી. હું કેથરિનના મૃત્યુ વિશે કશું જાણતો નથી, પરંતુ તેમણે મારા ટાઈપરાઈટરનો ઉપયોગ જરૂર કર્યો હતો.
પોલીસને વધુ પુરાવાની જરૂર હતી.
હેરોલ્ડે કેથરિન ગ્રન્ડીના મૃત્યુના પ્રમાણપત્ર પર સહી કરી હતી. તેમાં લખ્યું હતું કે કેથરિન વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ પામ્યાં છે.
પુત્રી એન્જેલાએ કહ્યું હતું કે કેથરીન ભલે 80 વર્ષનાં હોય, પણ તેમની તબિયત સારી હતી. તેઓ અચાનક મૃત્યુ પામે તેવી શક્યતા ન હતી.
આખરે કેથરિનના દફનાવાયેલ મૃતદેહને બહાર કાઢીને તેનું પોસ્ટમૉર્ટમ કરવાની પરવાનગી એન્જેલાને આપવામાં આવી હતી.
પોસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું હતું કે કેથરિનને ઘાતક પ્રમાણમાં ડાયમોર્ફિન આપવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ડાયમોર્ફિન માત્ર ડૉક્ટર પાસે જ હોય છે. તેમ છતાં હેરોલ્ડે એવી દલીલ કરી હતી કે હું તેના વિશે કશું જાણતો નથી. તેમણે એવું સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો કે કેથરિને ડાયમોર્ફિનના ઓવરડોઝ વડે આત્મહત્યા કરી હતી.
હજુ પણ કોઈ મજબૂત પુરાવા મળ્યા ન હતા અને તપાસ એક હત્યા પુરતી સીમિત હતી.
ડૉ. હેરોલ્ડ પર તેમના દર્દીઓને મોર્ફિનના ઓવરડોઝથી મારી નાખવાનો આરોપ હોવાના સમાચાર ફેલાયા અને અનેક પરિવારો એ જાણવા આગળ આવ્યા હતા કે તેમનાં સગાંસંબંધી સાથે આવું કશું થયું છે કે કેમ.
એ પૈકીના અનેક ઘરનાં વૃદ્ધ મહિલાઓ અચાનક મૃત્યુ પામ્યાં હતી. તેમના ડૉક્ટર પણ હેરોલ્ડ હતા. એ મહિલાઓની લાશો પણ સરસ પોશાક પહેરીને ખુરશીમાં મૃત હાલતમાં મળી આવી હતી.
થોડા સપ્તાહમાં એક હત્યાની તપાસ 20 હત્યા સુધી પહોંચી ગઈ હતી અને આ નાના ગામમાં પત્રકારો ઊમટી પડ્યા હતા.
અન્ય ત્રણ મહિલાઓ જોન મલિયા, વિનફ્રેડ મેલર અને બિઆન્કા પોમ્ફ્રેના દફનાવાયેલા મૃતદેહો બહાર કઢાયા હતા. તેમના શરીરમાંથી પણ ઘાતક માત્રામાં ડાયમોર્ફિન મળી આવ્યું હતું.
પોલીસે હેરોલ્ડની હૉસ્પિટલમાં દરોડો પાડ્યો હતો અને તેનાં તમામ રજિસ્ટર, નોંધવહી તથા કમ્પ્યૂટર જપ્ત કર્યાં હતાં.
દર્દીનું રજિસ્ટર દોષરહિત હતું. હેરોલ્ડે જે કહ્યું એ બધા સાથે હકીકત મેળ ખાતી હતી. પોલીસને હજુ પણ મજબૂત પુરાવા મળ્યા ન હતા, પરંતુ એક ફોરેન્સિક નિષ્ણાતે કમ્પ્યુટરની તપાસ કરી ત્યારે અલગ જ માહિતી બહાર આવી હતી. આ હેરોલ્ડની ત્રીજી અને સૌથી મોટી ભૂલ હતી.
હેરોલ્ડે તેમણે કરેલી હત્યા પર ઢાંકપિછોડો કરવા દર્દીના રેકૉર્ડમાં ફેરફાર કર્યા હતા. હત્યા થઈ ત્યારે પોતે અલગ સ્થળે હતા, અલગ ઍપૉઇન્ટમૅન્ટ હતી એવું દર્શાવ્યું હતું. તેમણે તેમના દર્દીઓ લેતા જ ન હતા એવી દવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને દર્દી ગંભીર રીતે બીમાર છે તથા ગમે ત્યારે મૃત્યુ પામી શકે છે, એવો આભાસ સર્જ્યો હતો.
તેમણે પેપર રજિસ્ટરમાં તમામ રેકૉર્ડ બદલી નાખ્યા હતા. તેમાં પણ કોઈ ભૂલ ન હતી. કમ્પ્યૂટર પરના રેકૉર્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો, પરંતુ નવી ટેકનૉલૉજી સાથે કામ પાર પાડવામાં તેમણે ભૂલ કરી હતી.
પ્રારંભિક રેકૉર્ડ અને બદલવામાં આવેલા રેકૉર્ડ બધાની નોંધ કમ્પ્યૂટરમાં હતી. કમ્પ્યૂટર પરના કોઈ પણ દસ્તાવેજમાં ફેરફાર કરવામાં આવે તેનો ટાઇમસ્ટેમ્પ જરૂર હોય છે, એ આપણે બધા જાણીએ છીએ.
તેથી કઈ તારીખે, કયા સમયે, કેટલી વખત ફાઇલમાં ફેરફાર કરાયો હતો એ બધી માહિતી મેળવી શકાય છે, પરંતુ હેરોલ્ડને આ વાતની ખબર ન હતી.
હેરોલ્ડનો કમ્પ્યૂટર ચેક કરતાં આ તમામ માહિતી બહાર આવી હતી અને પોલીસને મજબૂત પુરાવા મળ્યા હતા.
એ પછી કેટલાક વધુ મૃતદેહો ખોદી કાઢવામાં આવ્યા હતા. એ પછી હેરોલ્ડ સામે 15 લોકોની હત્યાનો ખટલો શરૂ થયો હતો.
કમ્પ્યૂટરમાં પ્રાપ્ત થયેલા પુરાવા પોલીસે જે દિવસે દેખાડ્યા અને પૂછ્યું ત્યારે હેરોલ્ડની આંખો પહોળી થઈ ગઈ હતી. તેનો બધો ઘમંડ ખતમ થઈ ગયો હતો. તેને કદાચ ખ્યાલ આવી ગયો હતો કે તે પકડાઈ ગયો છે અને છટકી શકે તેમ નથી. હેરોલ્ડ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. તેને વિશ્વાસ ન હતો કે તે આ રીતે પકડાઈ જશે. એ પછી ઊલટતપાસ દરમિયાન હેરોલ્ડ પોલીસ તરફ પીઠ ફેરવી, આંખો બંધ કરીને બેસી રહેતો હતો.
તેણે પોલીસ સાથે ક્યારેય વાત કરી ન હતી કે ક્યારેય પોતાનાં કૃત્યોની કબૂલાત કરી હતી.
અલબત્ત, પોલીસને તેની જરૂર ન હતી. પોલીસ પાસે મજબૂત પુરાવા હતા, પરંતુ આ હત્યાઓ હેરોલ્ડે શા માટે કરી હતી એ સવાલનો જવાબ ક્યારેય મળ્યો નથી.
કેથરિન ગ્રેન્ડીના કિસ્સામાં ઓછામાં ઓછું તેમની મિલકત હત્યાનું એક કારણ હોઈ શકે, પણ અન્ય હત્યાઓનું શું?
હેરોલ્ડ શિપમેનનો કેસ બ્રિટનમાં પ્રખ્યાત છે. એ કદાચ બ્રિટનમાં સૌથી વધુ હત્યા કરનાર સિરિયલ કિલર હતો. ઘણા મનોવિજ્ઞાનીઓએ હેરોલ્ડે કરેલી હત્યા પાછળનાં કારણ જાણવાનો અભ્યાસ કર્યો હતો.
કેટલાક લોકોએ કહ્યું હતું કે ડૉક્ટર હોવાને કારણે હેરોલ્ડ એવું માનવા લાગ્યો હતો કે તે ભગવાન છે અને તેણે આ હત્યાઓ એવું ધારીને કરી હશે કે જે જીવનદાન આપી શકે એ જીવ લઈ પણ શકે.
કેટલાકના કહેવા મુજબ, હેરોલ્ડ તેમનાં માતાના અકાળ મૃત્યુનો બદલો લઈ રહ્યો હતો. “તેણે જે વૃદ્ધ મહિલાઓની હત્યા કરી હતી તેમની પાસે એક એવી વસ્તુ હતી, જે તેની માતા પાસે ક્યારેય ન હતી. એ હતું દીર્ઘાયુષ્ય.”
હેરોલ્ડને 15 આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તેનો અર્થ એ હતો કે તે જીવતો હોય ત્યાં સુધી જેલમાંથી ક્યારેય બહાર આવી શકશે નહીં, પરંતુ તેના મનમાં કંઈક બીજું હતું.
કથા હજુ પૂર્ણ નથી થઈ

હેરોલ્ડને દોષિત ઠેરવાયો એ પછી તેણે કેટલાં વૃદ્ધા, વૃદ્ધોની હત્યા કરી હતી એ શોધવા એક સમિતિની રચના કરાઈ હતી.
અધિકારીઓને ભીતિ હતી કે હેરોલ્ડ જેલમાં પણ હત્યાનો સિલસિલો બંધ કરશે નહીં. હેરોલ્ડની સાથે જેલમાં રહેલા બે કેદીને પેઇનકિલરના ઓવરડોઝને કારણે આઇસીયુમાં દાખલ કરવા પડ્યા હતા.
એ દર્દશામક દવાઓ જેલમાં ગેરકાયદે લાવવામાં આવી હતી, પરંતુ ખરેખર શું થયું હતું એ છેલ્લે સુધી જાણી શકાયું ન હતું. કેદીઓએ કે હેરોલ્ડે કોઈ જવાબ આપ્યો ન હતો.
હેરોલ્ડે 2004માં જેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા માટે પણ તેણે યોગ્ય સમય પસંદ કર્યો હતો. તેણે નિવૃત્તિની વય પહેલાં આત્મહત્યા કરી હોવાથી તેમનાં પત્નીને તમામ પેન્શન મળ્યું હતું. એ તેના નિયંત્રણ હેઠળની છેલ્લી વસ્તુ હતી.












