પતિની હત્યા કરી લાશ ખાળકૂવામાં ફેંકી દેનાર પત્ની નવ વર્ષ બાદ કેવી રીતે પકડાઈ?

પાંડિયન-સુકાંતિ દંપતી
    • લેેખક, થંગદુરઈ કુમારપાંડિયન
    • પદ, બીબીસી તમિલ

નવ વર્ષ પહેલાં ગુમ થયેલી એક વ્યક્તિની ખોપરી ગટરની ટાંકી સાફ કરતી વખતે મળી આવી જેના પગલે તમિલનાડુના શિવગંગા જિલ્લામાં સનસનાટી વ્યાપી ગઈ હતી.

આ હત્યાનું કારણ મનાતી વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસે માત્ર 24 કલાક હતા. જે વ્યક્તિએ મૃતદેહ ગટરની ટાંકીમાં ફેંક્યો હતો એ વ્યક્તિ નવ વર્ષથી એ જ વિસ્તારમાં રહેતી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

શિવગંગા જિલ્લાના દેવકોટ્ટાઈની ગમ્બર સ્ટ્રીટમાં એક મકાનમાલિકે તેના ઘરની ગંદા પાણીની ટાંકીની સફાઈનું કામ હાથ ધર્યું હતું. ટાંકીમાંનું ગંદુ પાણી બહાર કાઢવાનું કામ એક સ્યૂઇજ વાહન (Sewage van) દ્વારા કરવામાં આવતું હતું.

એ કામગીરી પૂર્ણ થાય એ પહેલાં એક આઘાતજનક બાબત તેમની રાહ જોઈ રહી હતી. ખાળકૂવામાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું ત્યારે તેમાં એક ખોપરી તરતી જોવા મળી હતી. તેથી ગભરાયેલા મકાનમાલિકે કામ તરત અટકાવી દીધું હતું અને દેવકોટાનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

પોલીસ ઇન્સ્પૅક્ટર સર્વણનના વડપણ હેઠળની પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તેમણે ખાળકૂવામાં તપાસ હાથ ધરી હતી. એ પછી ટાંકીમાં બાકી રહેલું પાણી બહાર કાઢવામાં આવ્યું ત્યારે કેટલાક વધુ પુરાવા મળ્યા હતા.

ગંદા પાણીમાંથી માનવ ખોપરી ઉપરાંત કેટલાંક હાડકાં પણ મળી આવ્યાં હતાં. સાથે એક ધોતી, શર્ટ અને દોરડું પણ મળી આવ્યાં હતાં. પોલીસે બધું કબજે કરીને તપાસ માટે એક બૉક્સમાં રાખી દીધું હતું.

બીબીસી ગુજરાતી

તપાસ કેવી રીતે આગળ વધી?

પોલીસ તપાસ

આ ખોપરી સાથે પોતાને કોઈ લેવાદેવા નથી, એવું મકાનમાલિકે જણાવ્યું ત્યારે પોલીસે પાડોશમાં તપાસ શરૂ કરી હતી.

એ તપાસમાં જાણવા મળ્યું હતું કે લગભગ આઠ વર્ષ પહેલાં આ ઘરમાં એક મહિલા એકલી રહેતી હતી. એ મહિલાએ તેના પાડોશીઓને એવું જણાવ્યું હતું કે તેનો પતિ પરદેશ ગયો છે.

પાડોશીઓના જણાવ્યા મુજબ, વિદેશ ગયેલો એ મહિલાનો પતિ શહેરમાં પાછો ક્યારેય આવ્યો ન હતો અને તેને કોઈએ ક્યારેય જોયો પણ ન હતો.

આ માહિતી મળ્યા પછી પોલીસે મહિલાની શોધ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે મહિલા તો એ જ વિસ્તારમાં રહેતી હતી. પોલીસે તેને શોધી કાઢી હતી અને તેની પૂછપરછ શરૂ કરી હતી.

બીબીસી ગુજરાતી

મહિલાએ ઘડી હતી વાર્તા

સુકાંતિ

સુકાંતિ નામની 39 વર્ષની એ મહિલાએ પોલીસને એ જ કથા કહી હતી, જે તેણે તેના પાડોશીઓને કહી હતી.

સુકાંતિએ જણાવ્યું હતું કે તેનો પતિ પાંડિયન (ઉ.વ. 43) કોઈમ્બતુર ગયો હતો અને ત્યાં એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. કોઈમ્બતુર રહેતા પતિએ સુકાંતિને કહ્યું હતું કે તે સમયાંતરે ઘરખર્ચ માટે પૈસા મોકલતો રહેશે.

પોલીસે સુકાંતિની વાત માનવાનો ઇનકાર કર્યો હતો અને સુકાંતિને વધુ આકરી પૂછપરછ કરી ત્યારે તેણે કેટલીક ચોંકાવનારી માહિતી આપી હતી.

સુકાંતિએ સ્વીકાર્યું હતું કે ખાળકૂવાની ટાંકીમાંથી મળેલી ખોપરી તેના પતિની જ છે. તેમાંથી મળેલાં હાડકાં, ધોતી અને શર્ટ પણ તેનાં પતિનાં છે. પતિનો મૃતદેહ પોતે જાતે જ ખાળકૂવાની ટાંકીમાં ફેંકી દીધો હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

સુકાંતિના પતિના મૃત્યુના દિવસે શું થયું હતું તેની માહિતી મેળવીને પોલીસે તપાસ આગળ ધપાવી હતી.

બીબીસી ગુજરાતી

પરિવારજનો શું કહે છે?

પાંડિયન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ મૃતક પાંડિયનનાં નાનાં બહેન સુધા સાથે આ બાબતે વાત કરી હતી.

સુધાએ બીબીસીને કહ્યું હતું, “મારો ભાઈ ગુમ થયાને આઠ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. મારો ભાઈ ગુમ થયાના છ મહિના પછી મેં દેવકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.”

સુકાંતિએ પૂછપરછમાં પોલીસને આપેલી માહિતી સુધાને સ્વીકાર્ય ન હતી. સુધાની શંકા યથાવત્ રહી હતી.

સુધાએ કહ્યું હતું, “હું મારા ભાઈને છેક દરવાજા સુધી મૂકવા ગઈ હતી. તે દિવસે મારા ભાઈએ જે ધોતી અને શર્ટ પહેર્યાં હતાં એ જ ખાળકૂવામાંથી હાડપિંજર સાથે મળી આવ્યાં હતાં.”

સુધાએ ભાઈના હાથ પર બાંધેલો લાલ દોરો પણ ટાંકીમાંથી મળી આવ્યો હતો. મૃતક પોતાનો ભાઈ હોવાની પુષ્ટિ સુધાએ કરી હતી.

સુધાને તેમના ભાઈના ગુમ થવા બાબતે કાયમ શંકા હતી. તેમણે જ કેટલાક ગંભીર સવાલ ઉઠાવ્યા હતી.

સુધાએ કહ્યું હતું, “મારો ભાઈ મેદસ્વી હતો. કોઈએ તેને ઉઠાવીને ખાળકૂવામાં ફેંક્યો હોય એવી શક્યતા નથી. તેથી પોલીસે તપાસ કરવી જોઈએ અને આ કૃત્ય કરનાર લોકોને શોધી કાઢવા જોઈએ.”

આ ઘટના બાબતે વાત કરતાં પાંડિયનના પિતા સિદ્ધપ્પા શેખરે પણ પાંડિયનના ગુમ થવા બાબતે શંકા વ્યક્ત કરી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું, “મેં છ વર્ષ પહેલાં મારા સંબંધીઓને કહેલું કે સુકાંતિએ જ મારા દીકરાને મારીને નદીમાં ફેંકી દીધો હશે, પણ કોઈએ મારી વાત માની નહીં, કારણ કે હું દારૂનો વ્યસની હતો.”

તેમણે ઉમેર્યું હતું, “ખાળકૂવામાંથી હાડકાં મળી આવ્યાં ત્યારે મારા જમાઈએ અમને આ વિશે જાણ કરી હતી. પછી અમે ત્યાં ગયા હતા અને તે પાંડિયનના હોવાની પુષ્ટિ કરી હતી.”

પોલીસે તપાસ કરીને આ કૃત્ય કરનારની ધરપકડ કરવી જોઈએ તેવી માગણી તેમણે કરી હતી.

બીબીસી ગુજરાતી

કેવી રીતે થઈ હતી હત્યા?

પાંડિયનનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને ઘટના બની તે દિવસે શું થયું હતું એ પોલીસ ઇનસ્પેક્ટર સર્વણને બીબીસીને જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, જે ખાળકૂવામાંથી ખોપડી અને હાડકાં મળી આવ્યાં હતાં, તે ચાર ઘરવાળા એક મકાનની વચ્ચે આવેલો છે. તે મકાનના માલિક સિરાલન ચેન્નઈમાં રહેતા હતા. સિરાલને ત્રણ ઘર ભાડેથી આપ્યાં હતાં અને એ પૈકીના એકમાં પાંડિયન તથા સુકાંતિ રહેતાં હતાં.

ઇન્સપેક્ટર સર્વણને કહ્યું હતું, “એ ઘરમાં છેલ્લા નવ વર્ષથી રહેતો પાંડિયન એક રહસ્યમય વ્યક્તિ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.”

“નજીકમાં રહેતી પાંડિયનની પત્ની સુકાંતિની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તેનો પતિ પાંડિયન ડ્રાઇવર તરીકે કામ કરતો હતો અને છેલ્લા છ મહિનાથી કામ પર જતો ન હતો. ઘરમાં દારૂ પીને પડ્યો રહેતો હતો અને સુકાંતિ સાથે ઝઘડા કરતો હતો.”

સર્વણને કહ્યું હતું, “2014ની પહેલી મેએ, પાંડિયન મૃત્યુ પામ્યો તે દિવસે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. પાંડિયને સુકાંતિ પર હુમલો કર્યો હતો. તેનાથી ગુસ્સે થયેલી સુકાંતિએ કહ્યું હતું કે એ તેની માતાને ત્યાં જઈ રહી છે. સુકાંતિનાx માતા નજીકમાં જ રહે છે. સુકાંતિએ ઘરની બહાર જવાનો પ્રયાસ કર્યો ત્યારે પાંડિયને તેને અટકાવી હતી. સુકાંતિએ પાંડિયનને ધક્કો માર્યો હતો. તેથી પાંડિયન નજીકના થાંભલા સાથે અથડાયો હતો અને નીચે પડી ગયો હતો.”

પાંડિયનના બહેન સુધા
ઇમેજ કૅપ્શન, પાંડિયનના બહેન સુધા

તેમણે ઉમેર્યું હતું, “સુકાંતિ તેની માતાના ઘરે ચાલી ગઈ હતી. થોડી કલાક પછી સુકાંતિ પાછી ફરી ત્યારે પાંડિયન એ જ જગ્યાએ અચેતન અવસ્થામાં પડ્યો હતો. એ નજીક ગઈ અને પાંડિયનના નાક પાસે હાથ રાખ્યો ત્યારે ખબર પડી હતી કે પાંડિયન મૃત્યુ પામ્યો છે.”

ગભરાયેલી સુકાંતિએ નજીકમાં આવેલી ખાળકૂવાનું ઢાંકણું ખોલીને પતિની લાશ અંદર ધકેલી દીધી હતી અને ઢાંકણું બંધ કરી દીધું હતું.

તપાસમાં જાણવા મળ્યા મુજબ, છ મહિના પછી સુકાંતિ તે ઘર ખાલી કરીને નજીકમાં આવેલા એક અન્ય ઘરમાં રહેવા ચાલી ગઈ હતી. તે દરજીકામ કરીને ગુજરાન ચલાવતી હતી.

પાંડિયન-સુકાંતિ દંપતીને 16 વર્ષની પુત્રી અને દસ વર્ષનો પુત્ર છે.

ઇન્સપેક્ટર સર્વણને કહ્યું હતું, “સુકાંતિએ હત્યાની કબૂલાત પૂછપરછ દરમિયાન કરી એ પછી કેસ નોંધીને તેને મદુરાઈ સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવી છે. અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.”

ઝડપભેર તપાસ કરીને આરોપીને 24 કલાકમાં જ ઝડપી લેવા બદલ શિવગંગાના પોલીસ વડા અરવિંદને સ્થાનિક તપાસ ટુકડીને બિરદાવી હતી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું, “માત્ર હાડપિંજર જ મળ્યું હોય ત્યારે ગુનેગારને શોધી કાઢવાનું મુશ્કેલ અને પડકારજનક હોય છે. દેવકોટા પોલીસે બહુ કુશળતાપૂર્વક એ કામ કર્યું હતું અને ગુનેગારની 24 કલાકમાં ધરપકડ કરી હતી.”

તેમણે ઉમેર્યું હતું, “આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીને મેં અભિનંદન આપ્યાં છે. આ હત્યામાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી