30 વર્ષ પહેલાં જે મહિલાની હત્યા થઈ, તેની ઓળખ એક ટેટૂથી કેવી રીતે થઈ?

ઇમેજ સ્રોત, INTERPOL
- લેેખક, ઍલાઈસ કડી
- પદ, બીબીસી ન્યૂઝ
ત્રીસ વર્ષ પહેલાં એક મહિલાની હત્યા થઈ હતી પરંતુ તેની ઓળખ આજ દિન સુધી કરી શકાઈ ન હતી. પણ પોલીસે ચલાવેલી સીમાચિહ્નરૂપ ઝુંબેશને કારણે આ શક્ય બન્યું છે.
રીટા રૉબર્ટ્સ નામની આ બ્રિટિશ મહિલાની બૅલ્જિયમમાં હત્યા થઈ હતી.
ઇન્ટરપૉલ એજન્સીના જણાવ્યા અનુસાર મૃતક મહિલા રીટા રૉબર્ટ્સના પરિવારે બીબીસીના એક રિપોર્ટમાં તેના એક ટેટૂને જોયું હતું.
છેલ્લે મે, 1992માં 31 વર્ષીય રીટાનો સંપર્ક તેના પરિવાર સાથે એક પોસ્ટકાર્ડ મારફત થયો હતો. ત્યારબાદ તેના કોઈ સમાચાર પરિવાર પાસે ન હતા. પોસ્ટકાર્ડ મળ્યાના એક મહિના બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
પરંતુ ત્યારથી પોલીસના અનેક પ્રયત્નો છતાં રીટાની ઓળખ થઈ શકી ન હતી .
ઇન્ટરપૉલે એક નિવેદન જાહેર કર્યું છે જે તેના પરિવારે આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અમારી જુસ્સાદાર, પ્રેમાળ અને આનંદી સ્વભાવવાળી બહેનને ક્રૂરતાથી છીનવી લેવામાં આવી. આ સમાચાર પચાવવા ઘણા અઘરા છે પરંતુ અમને એ વાતનો સંતોષ છે કે અંતે અમને એ જાણવા મળ્યું કે અમારી બહેન સાથે શું થયું હતું.”
ઇન્ટરપૉલે પહેલી વાર જાહેરમાં મૂકી નોટિસ

ઇમેજ સ્રોત, INTERPOL
યુરોપની પોલીસે એક વર્ષ પહેલાં ચાલુ કરેલા અભિયાન ‘આઇડેન્ટિફાય મી’ મારફત રીટાની ઓળખ થઈ હતી.
30 વર્ષ પહેલાં બેલ્જિયમ, જર્મની અને નેધરલૅન્ડમાં થયેલી સિલસિલાબંધ હત્યાઓમાં જે 22 મહિલાની ઓળખ થઈ થઈ ન હતી તેમાં રીટાનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અભિયાન મારફત ઇન્ટરપૉલે પહેલી વાર જાહેરમાં નોટિસો લગાવી હતી. જેમાં તેમણે મૃતદેહોની ઓળખ કરવા માટે કથિત બ્લૅક નોટિસ જાહેર કરી હતી.
અત્યાર સુધી આ પ્રકારની નોટિસ ઇન્ટરપૉલ વિવિધ દેશો કે રાજ્યોની પોલીસ સાથે જ શેયર કરતી હતી.
મોટા ભાગના પીડિતોની ઉંમર 15થી 30 વર્ષની હતી. તેમનું આખું લિસ્ટ ઇન્ટરપૉલની વેબસાઇટ પર મૂકાયેલું છે. જેમાં તે મહિલાઓની માહિતી, તેમની ઓળખ થઈ શકે તેવી વસ્તુઓની તસવીરો, તેમના ચહેરાઓનું થયેલું રીકન્સ્ટ્રક્શન અને કેસ વિશેની અન્ય વિગતો પણ છે.
શું બન્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રીટા રૉબર્ટ્સ ફેબ્રુઆરી, 1992માં કાર્ડિફમાં પોતાના ઘરેથી બેલ્જિયન શહેર ઍન્ટવર્પ ગયા હતા. ચાર મહિના પછી તેમની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ નદીમાં પડેલો મળી આવ્યો હતો.
તેમના પરિવારે જણાવ્યું હતું કે, "તે એક સુંદર વ્યક્તિ હતી જેને મુસાફરી ખૂબ પસંદ હતી. તે પરિવારને પ્રેમ કરતી હતી. તે જ્યાં જાય એ જગ્યાને પ્રફુલ્લિત કરી દેવાની તેનામાં ક્ષમતા હતી. તે જે જગ્યાએ પાર્ટીમાં જાય ત્યાંનો જાણે કે તે આત્મા બની જતી હતી. અમને એ આશા છે કે જ્યાં પણ તે હશે, તેને શાંતિ મળી હશે."
ઇન્ટરપૉલના પોલીસ સેવાઓના વડા સ્ટીફન કાવનાઘે જણાવ્યું હતું કે, “પરિવારના એક સભ્યે તેના ટેટૂને જોયા પછી તેની ઓળખ કરી હતી. એ ટેટૂમાં લીલાં પાંદડાં સાથેનું એક કાળું ફૂલ અને નીચે "R'Nick" લખેલું હતું. આ વર્ષે મે મહિનામાં પ્રકાશિત થયેલા બીબીસી ન્યૂઝના લેખમાં તેમણે આ ટેટૂની તસવીર જોઈ હતી.
"રીટાના પરિવારના એક સભ્યે બીબીસી દ્વારા ‘આઈડેન્ટિફાઈ મી’ અપીલને જોઈ અને તેને અચાનક સમજાયું કે તેમના પરિવારના આ ખોવાયેલા સભ્યને શોધવાની આ તક છે.”
ટેટૂને ઓળખ્યા પછી તેના પરિવારે બેલ્જિયમમાં તપાસકર્તાઓ સાથે મુલાકાત કરી અને ઔપચારિક રીતે તેની ઓળખ કરી.
કાવનાઘે કહ્યું, "અહીં એક ભયંકર વિરોધાભાસ છે. અમને ગર્વ છે કે અમે ઇન્ટરપૉલના સભ્યદેશો સાથે કામ કરી શક્યા છીએ, અમને ગર્વ છે કે અમે આ મહિલા રીટાને ઓળખી શક્યા છીએ. પરંતુ અમને એ વાતનું દુ:ખ છે કે એક પરિવારે તેના સદસ્યને આવી પરિસ્થિતિઓમાં ગુમાવ્યા છે."
બેલ્જિયન સત્તાવાળાઓએ હવે રીટા રૉબર્ટ્સ વિશે અથવા તેના મૃત્યુની આસપાસ બનેલી ઘટનાઓ વિશેની કોઈ પણ માહિતી સાથે આગળ આવવા માટે લોકોને અપીલ કરી છે.
અભિયાનથી પોલીસને મળી સફળતા

ઇમેજ સ્રોત, INTERPOL
‘આઇડેન્ટિફાઈ મી’ અભિયાન લૉન્ચ થયા પછી પોલીસે જણાવ્યું છે કે તેમને આ 22 મહિલાઓ વિશે અલગ-અલગ 1250 માહિતી મળી છે. આ તમામ મહિલાઓના મૃતદેહો નેધરલૅન્ડ, બેલ્જિયમ અને જર્મનીમાંથી મળી આવ્યા હતા.
આ માહિતીમાં તે મહિલાઓનાં સંભવિત નામ, તેમનાં કપડાં અને ઘરેણાં વિશે વાત અને પુરાવાઓ મળ્યા છે.
કાવનાઘના જણાવ્યા અનુસાર પોલીસ અન્ય 21 વ્યક્તિના કેસમાં પણ આશાસ્પદ છે અને તેમને વિશ્વાસ છે કે આ તો હજુ શરૂઆત છે.
આ અભિયાનની શરૂઆત નેધરલૅન્ડની પોલીસે કરી હતી. તે ઍમ્સ્ટરડમમાં 1999માં થયેલી એક મહિલાની હત્યાનો ભેદ ઊકેલવા માટે પ્રયત્નો કરી રહી હતી.
આ પ્રકારના જ એક કેસમાં ચાદરમાં વીંટાળેલો એક મહિલાનો મૃતદેહ જર્મનીના એક સેઇલિંગ ક્લબમાં 2002માં મળી આવ્યો હતો.
“આ મહિલાઓના પરિવારો હતા, મિત્રો હતા, જીવનસાથી હતા, તેમનાં સ્વપ્નો હતાં અને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હવે અમારી પાસે આ કેસોની મડાગાંઠને ઉકેલવાની તક છે અને અમે એ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ.”












