અમરેલી: માનતાના નામે 400 પશુઓની બલિ ચઢાવનારો ભૂવો કેવી રીતે ઝડપાયો?

ઇમેજ સ્રોત, FARUKH KADRI/BBC
(અહેવાલની કેટલીક વિગત વાચકોને વિચલિત કરી શકે છે)
"અમે પહોંચ્યા ત્યારે બે બોકડા કપાયેલા હતા અને બીજા 11 રસ્તામાં હતા. આ વ્યક્તિઓ નિર્દયતાપૂર્વક તલવારના ઘા મારીને પશુઓનું શિરચ્છેદન કરતા હતા. છેલ્લાં 10 વર્ષમાં 400 જેટલાં પશુઓનો માનતાના નામે બલિ ચઢાવી દીધો હતો."
આ શબ્દો છે રાજકોટની સંસ્થા વિજ્ઞાન જાથાના ચૅરમૅન જયંત પંડ્યાના.
અમરેલીના બાબરાના વાલ્મીકિ વાસમાં શનિવારે કાળી ચૌદસના દિવસે 'માનતા'ના નામે માતાજીના મઢે બે પશુનો બલિ ચઢાવાતો હોવાની માહિતી વિજ્ઞાન જાથા નામની સંસ્થાને મળી હતી. તેના ચૅરમૅન જયંત પંડ્યા પોલીસકર્મીઓની સાથે લઈને રાત્રે પોણા બાર વાગ્યાના સમયે વાલ્મીકિ વાસમાં પહોંચ્યા ત્યારે બે બોકડાનો બલિ ચઢાવાઈ ગયો હતો અને તેમાંથી 'પ્રસાદ' બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.
થાળીમાં બોકડાનાં માથાં હતાં. અનેક જગ્યાએ લોહી હતું અને બાજુમાં તલવાર-છરા સહિતનાં તીક્ષ્ણ હથિયારો પણ હતાં.
સમગ્ર બાબતે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે "વાલ્મીકિ વાસમાં માનતાના નામે બે બોકડાનું મોત કરી નાખ્યું. રમેશભાઈ છેલ્લાં દસ વર્ષથી ભૂવાપણું કરીને લોકો સાથે આર્થિક શારીરિક અને માનસિક છેતરપિંડીનું કામ કરતા હતા. અને આસપાસના વિસ્તારોમાં દોરા, ધાગા અને દાણા જોઈને લોકોને ગુમરાહ કરીને ભ્રામકતા ફેલાવતા હતા."
આ કેસમાં બાબરા પોલીસે ભૂવા રમેશ વાલોદરા અને તેમના ત્રણ દીકરાઓ સહિત ચાર લોકો સામે FIR નોંધીને પશુ સંરક્ષણ અધિનિયમ ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
11 બોકડાને કેવી રીતે બચાવી લીધા?

ઇમેજ સ્રોત, FARUKH KADRI/BBC
જે ચાર લોકો સામે કેસ દાખલ કરાયો છે તેમાં રમેશભાઈ વાલોદરા છે. જે પોતે ભૂવો હોવાનો દાવો કરે છે અને બાકીના ત્રણ અનિલભાઈ, વિનોદભાઈ અને અજયભાઈ તેમના પુત્રો પણ તેમની સાથે પશુઓનો બલિ ચઢાવવામાં મદદ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ અંગે પોલીસ દ્વારા એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું છે કે "એક વ્યક્તિએ તેના ઘરે પુત્રનો જન્મ થયો હોવાથી બાધા પૂરી કરવા માટે આ બોકડા મંગાવ્યા હતા."
બાબરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આર.એચ. રતન અને પીએસઆઈ એન રાધનપરાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે "બાબરાના વાલ્મીકિ વાસમાં રમેશભાઈએ પોતાના ઘરની બહાર જ મેલડીમાતાનું મંદિર બનાવ્યું છે. ત્યાં જ પૂજા અને હવનની પણ વ્યવસ્થા હતી."
"અમે ત્યાં પહોંચ્યા ત્યારે એકાદ વર્ષની ઉંમરના બે બકરાની હત્યા કરાઈ ચૂકી હતી. ત્યાં જ છરીઓ અને તલવારો પણ હતી. અને આરોપીઓનાં કપડાં પર લોહી પણ હતું. જેમની પૂછપરછ કરતા આ હત્યા તેમણે જ કરી હોવાની કબૂલાત કરી હતી."
13 હજારના બે બોકડા ખરીદ્યા

ઇમેજ સ્રોત, FAR7UKH KADRI/BBC
પોલીસ કર્મચારીઓએ આગળ ઉમેર્યું કે "રમેશ વાલોદરા લોકોને ઘરમાં સંતાનપ્રાપ્તિ, સંકટ દૂર કરાવવા, વ્યસન દૂર કરાવવા સહિતની બાધા રખાવતો હતો અને તે પૂર્ણ કરવા માટે મોટે ભાગે બલિની જ માગ કરતો હતો."
જયંત પંડ્યાએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે "કાળી ચૌદસના દિવસે કુલ 13 બોકડાની બલિની માનતા પૂર્ણ કરવાની હતી. પણ જેમની પાસેથી બોકડા મંગાવ્યા હતા તેમની પાસે હતા નહીં, તેથી તેમણે 6,500 રૂપિયાના ભાવના બે બોકડા પહેલા મોકલી આપ્યા. અન્ય 11 બોકડાઓ રિક્ષામાં આવી રહ્યા હતા. જેની વિજ્ઞાન જાથાએ જીવદયા પ્રેમીને વાત કરતા પોલીસ અને જીવદયા પ્રેમીના સહયોગથી તેમનો બચાવ કરવામાં આવ્યો હતો."
તેમણે વધુમાં ઉમેર્યું કે "આ કથિત ભૂવા પાસે હિન્દુ-મુસ્લિમ દરેક જ્ઞાતિના લોકો આવતા હતા. બધા પાસે પશુબલિની જ માગણી કરતા હતા. તેઓ પશુબલિની માગ કરીને લોકો પાસેથી પાંચ હજારથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીના પૈસા વસૂલતા હતા. અત્યાર સુધીમાં છેલ્લાં 10 વર્ષમાં 400 જેટલાં પશુઓનો માનતાના નામે બલિ ચઢાવી દીધો હતો. અને તેની તેમણે પોતે કબૂલાત કરી છે."

ઇમેજ સ્રોત, Jayant Pandya/Facebook
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મળતી માહિતી મુજબ લગભગ દર મહિનાની તેરસ અને ચૌદસના દિવસે આ રીતે પશુનો બલિ ચઢાવાતો, જેથી સ્થાનિકો કંટાળી ગયા હતા. અને તેમણે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.
આ સંસ્થાએ અગાઉ પુરાવા રૂપે રમેશ વાલોદરાના ધૂણવાના અને ક્રૂરતાથી પશુબલિના બે વીડિયો પણ બનાવ્યા હતા. જોકે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો તેમણે દર મહિને થતી પશુબલિનો ઇનકાર કર્યો હતો. પણ વિજ્ઞાન જાથાએ વીડિયોના પુરાવા આપ્યા તો તેમની પાસે કોઈ જવાબ ન હતો.
જયંત પંડ્યાએ લોકોને અંધશ્રદ્ધામાં નહીં દોરાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે "એકવીસમી સદીમાં માનતાના નામે પશુઓની હત્યા ન થવી જોઈએ. માનતાના નામે કોઈ પશુઓનો બલિ ચઢાવે તો તે પ્રતિબંધિત છે. તેની સામે ગુનો લાગુ પડે છે."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોઈની આસ્થા સામે વાંધો નથી. આસ્થા હોય તો કોઈ મીઠો પ્રસાદ ધરાવીને પણ માનતા પૂર્ણ કરી શકાય છે. પણ પશુબલિ એ નિષેધ છે. સંતાનપ્રાપ્તિ, રોગ મટાડવા માટે આવી માનતા ન માનવી જોઈએ.












