‘મને 'ડાકણ' ગણાવી નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો’ અરવલ્લીની આદિવાસી મહિલાની આપવીતી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી
  • 'મારી અને મારા સસરાની તબિયત સારી રહેતી નહોતી એટલે એ લોકો મને ડાકણ કહેતાં'
  • 'મારા સાસુ અને દિયરનાં કહેવાથી મારા પતિ પણ મને ડાકણ માનવા લાગ્યા હતા'
  • 'મને દીકરો અવતર્યો એટલે આ લોકો મને સારી રીતે બોલાવવાં લાગ્યાં પણ મારા દીકરાને ટીબી થયો એટલે ઘરના લોકો ફરી મને ડાકણ કહેવાં લાગ્યાં'
  • 'મારા પતિ મને મળવાં પણ આવતા બંધ થઈ ગયાં'
  • 'હું ખેતરે જ રહેતી હતી'
બીબીસી ગુજરાતી
મહિલાને ઢોર માર માર્યો

ઇમેજ સ્રોત, H.P. Patel

ઇમેજ કૅપ્શન, મહિલાને ઢોર માર માર્યો

“મારા પતિ ડ્રાઈવર છે, એમને હું ગમતી નથી અને એ મોટા ભાગે ઘરે આવતા નથી. મારો દીકરો ટીબીની બીમારી કારણે પથારીવશ છે. મારી સાસુ અને ઘરના લોકો મને ડાકણ કહેતાં હતાં. હું અમારા ખેતરે રહેતી હતી. મારી દીકરી શાળાએ ગઈ ત્યારે અચાનક મારા જેઠ અને સાસુ સહીતનાં લોકો મારા ઘરે આવ્યાં અને મને ઢોર માર મારી નિર્વસ્ત્ર કરીને બાંધી દીધી. મારી દીકરીએ પોલીસ બોલાવી એમાં હું બચી ગઈ.”

આ શબ્દો છે અરવલ્લીના ભિલોડા પાસેનાં નાનકડા ગામ ગઢીયામાં રહેતાં સંગીતા ભગોરાનાં.

સંગીતા ભગોરાનાં લગ્ન ૧૫ વર્ષ પહેલાં થયાં હતાં. સંગીતાને એક દીકરો અને બે દીકરી છે. સંગીતા સિવાયનાં તેમનાં પરિવારનાં લગભગ તમામ સભ્યો ભણેલાં છે. દીકરો પ્રિન્સ છેલ્લા કેટલાક સમયથી ટીબીની બીમારી કારણે પથારીવશ રહે છે.

બીબીસી સાથે વાત કરતા સંગીતા કહે છે, “શરૂઆતમાં અમારું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું, પહેલા ખોળે દીકરીનો જન્મ થયો અને બીજી દીકરી આવી ત્યારે મારી અને મારા સસરાની તબિયત સારી રહેતી નહોતી એટલે એ લોકો મને ડાકણ કહેતાં. મારા સાસુ મંજુલાબહેન અને દિયર અશોક ભગોરાનાં કહેવાથી મારા પતિ હિતેન્દ્ર પણ મને ડાકણ માનવા લાગ્યા હતા.”

તેઓ ઉમેરે છે, “થોડા સમય પછી મને દીકરો અવતર્યો એટલે આ લોકો મને સારી રીતે બોલાવવાં લાગ્યાં પણ મારા દીકરાને ટીબી થયો એટલે ઘરના લોકો ફરી મને ડાકણ કહેવાં લાગ્યાં. મારા પતિ મને મળવાં પણ આવતા બંધ થઈ ગયાં. હું ખેતરે જ રહેતી હતી.”

ગ્રે લાઇન

પુત્રીએ પોલીસ બોલાવી

ઘટનાસ્થળની તસવીર

ઇમેજ સ્રોત, H. P. Patel

સંગીતાબહેનના કહેવા પ્રમાણે, મારઝૂડની ઘટના સમયે સંગીતાનાં મોટી દીકરી હજુ બે દિવસ પહેલા જ તેમનાં મામાને ઘરે ગઈ હતી અને નાની દીકરી પાલ્લા ગામમાં શાળાએ ગઈ હતી. તેમના પતિના કાકા પણ બીમાર રહેતા હતા.

સંગીતાબહેન કહે છે, “મારાં સાસુ મંજુલા અને મારા પતિનો કાકાનો દીકરો દિયર અશોક અચાનક મારા ઘરે આવ્યાં અને મને કહેવા લાગ્યા કે ‘તું ડાકણ છે, દીકરાનો તું જીવ લઈ લઈ લે પણ મારા બાપાને સાજો કરી દે’ કહી ઘરમાંથી બહાર કાઢી મારવાં લાગ્યાં. મેં બૂમાબૂમ કરી પણ કોઈ મદદે ન આવ્યું. એ લોકોએ મને ખેતરમાં નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો અને એ જ હાલતમાં ઘરની ઓસરીમાં થાંભલીએ બાંધી દીધી.”

તેઓ ઉમેરે છે, “મારી નાની દીકરી શાળાએથી પાછી આવી અને તેણે મને નગ્ન હાલતમાં જોઈ. કોઈ મદદે ન આવ્યું એટલે 108 નંબર પર ફોન કરી પોલીસ બોલાવી. અમે પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં કહ્યું કે તમારી ફરિયાદ લખાઈ જશે પહેલાં સારવાર કરાવો. મને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પણ કોઈ ફરિયાદ નથી નોંધાઈ, કારણકે મારા દિયરની પત્ની પોલીસમાં છે. છેવટે અમે મોટા સાહેબ પાસે મોડાસા ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ.”

ઘટનાસ્થળના સીસીટીવી

ઇમેજ સ્રોત, Social media

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ મુદ્દે અમે અરવલ્લીના સુપરિન્ટેન્ટ ઑફ પોલીસ સંજય ખરાત સાથે વાત કરી. એસપી ખરાતે બીબીસી સાથે વાત કરતા કહ્યું, અમારી પાસે 108માં ફરિયાદ નોંધાઈ ત્યારે અમે પગલાં લીધા હતાં. પરંતુ તે સમયે સંગીતાબહેન ભગોરાએ પોતાનો ઘરનો મામલો હોવાનું કહીને ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરી ઘરમેળે સમાધાન કરી લઈશું એમ કહ્યું હતું. ત્યારબાદ ફરી એક દિવસ પછી અમારી પાસે આવ્યા છે.

તેઓ ઉમેરે છે, “કેસની ગંભીરતાને જોઈને અમે તત્કાલ એસ.પી. ઓફિસથી એક ટીમ સંગીતાબહેનનાં ગામે રવાના કરી છે. તેમની ફરિયાદ નોંધીને સાત લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમે સંગીતાબેનને માર મારતાં હોય એવા સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કર્યાં છે, જેના આધારે અમે ગુનો દાખલ કરી તાત્કાલિક આરોપીની ધરપકડ કરીશું.”

બીબીસીએ સંગીતાબહેનનાં દિયર અને મારઝૂડમાં સામેલ અશોક ભગોરાનો પણ સંપર્ક કર્યો. અશોક ભગોરાએ કહ્યું, “સંગીતાએ રાગદ્વેષથી અમારા સાત જણ સામે ફરિયાદ કરી છે પણ અમારા ડુંગરી ગરાસિયાનું ' પાટા પંચ' [આદિવાસીની ડુંગરી ગરાસિયા જ્ઞાતિની પંચાયત] મળશે એમાં ઘરમેળે મામલો પતાવી દઈશું.”

અશોક ભગોરાએ વધુ કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.

ગ્રે લાઇન

શિક્ષણ પણ બેઅસર

મહિલા

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC

જુલાઈ 2021માં દાહોદ જિલ્લાના ખજૂરી ગામમાં એક પરિણીત આદિવાસી મહિલાને બીજા પુરુષ સાથે કથિત સંબંધ રાખવા બદલ જાહેરમાં માર મારીને નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાની ઘટના બની હતી.

આ કેસમાં પોલીસે વાઇરલ વીડિયોને આધારે 19 લોકો સામે ગુનો નોંધ્યો હતો.

એક સ્ત્રીને ડાકણ કહીને તેમની સાથેનો સંપર્ક કાપી નાખવો અને એ પછી પણ તેમને સંતાપ આપવાના સમાજના વલણ વિશે જાણવા અમે જાણીતા સમાજશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ભૂતપૂર્વ કુલપતિ ડૉ. વિદ્યુત જોશી સાથે વાત કરી.

ડૉ. જોશી કહે છે, આદિવાસી સમાજમાં લોકો એવું મને છે કે તેમને પિતૃઓ તરફથી સારા અને ખરાબ આશીર્વાદ મળે છે. ઘરમાં કોઈ સ્ત્રીનાં આગમનથી સારું થાય તો તેમને આશીર્વાદ ગણવામાં આવે છે અને ખરાબ થાય તો ભૂત ડાકણ જેવી અતૃપ્ત આત્મા આવી હોવાનું માને છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે રહેતા આદિવાસીઓમાં આ વલણ ઘણું વધારે જોવા મળે છે.

તેઓ ઉમેરે છે, “અહીં શિક્ષણનું પ્રમાણ વધ્યા પછી પણ આવી માન્યતામાં લોકોનો વિશ્વાસ બરકરાર છે. ઘણા કિસ્સામાં સાસુ વહુનાં ઝઘડામાં વિધવા સાસુને ડાકણમાં ખપાવી દઈ તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે છે. ગામના લોકો પણ આ બહિષ્કારમાં જોડાય છે, કારણકે આદિવાસીઓમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે ડાકણની સાથે રહેવાય નહીં અને પછી એ મહિલાને હેરાન કરવામાં આવે છે. આદિવાસીઓ શિક્ષણને પગલે ડાકણમાં ખપાવવાનું વલણ થોડું ઓછું થયું છે પરંતુ હજુ બંધ નથી થયું.”

બીબીસી ગુજરાતી

ફરજિયાત નિર્વસ્ત્ર સ્નાન

આદિવાસી

ઇમેજ સ્રોત, Getty Images

મહિલાને ‘ડાકણ’માં ખપાવી દેવાના આ વલણ વિશે વધુ જાણકારી મેળવવા માટે અમે રાજસ્થાન અને ગુજરાતની સરહદે રહેતા આદિવાસી પર સંશોધન કરનાર પ્રોફેસર સારિકા દવે સાથે વાત કરી.

બીબીસી સાથે વાત કરતા સારિકા દવે કહે છે, “આ વિસ્તારના ગામોમાં લોકો એવું માને છે કે એમના પિતૃઓ સાથે ભુવા સંપર્ક કરાવી આપે છે. તેઓ નહીં ગમતી સ્ત્રી, વિધવાને ડાકણ તરીકે ખપાવી દે છે અને આવી મહિલાઓ પર અત્યાચાર ગુજારે છે. આદિવાસી વિસ્તારમાં એમના ખાસ કોઈ મંદિરો નથી હોતા આ પ્રજા દેવી-દેવતા , ભૂત-પ્રેત , ભગત-ભુવામાં ખૂબ માને છે. આ ઉપરાંત એમને મૃતાત્માનો ભય ખૂબ સતાવે છે.”

તેઓ કહે છે, “એ લોકો એવું માને છે કે પિતૃઓ એમનામાં ગૂઢ શક્તિઓનું આરોપણ કરે છે એટલે રોગ, આફત, મુશ્કેલીઓને પિતૃઓની નાખુશી માને છે. કાર્યો સારા થાય તો તેને પિતૃઓના આશીર્વાદ માને છે. આ માટે વારેતહેવારે વિધિઓ કરાવે છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર રહેતા આદિવાસીમાં આ માન્યતા વધુ ઘર કરી ગઈ છે અને એમાં કાયમ સ્ત્રી એમનો સૉફ્ટ ટાર્ગેટ હોય છે.”

સારિકા ઉમેરે છે, “હમણાં સરકારે આદિવાસીઓની ભાદરવી પૂનમના મેળામાં નિર્વસ્ત્ર સ્નાન પર પ્રતિબંધ મુક્યો છે અન્યથા પહેલાં શામળાજી પાસે નાગધરો કુંડમાં જે મહિલા પર ડાકણ કે ભૂત નો પડછાયો છે એવી મહિલાઓને એમના પતિ, ભાઈ અથવા સાસરીવાળા ભાદરવી પૂનમે વહેલી સવારે લાવી ઠંડા પાણીમાં પુરુષોની હાજરીમાં ફરજિયાત નિર્વસ્ત્ર સ્નાન કરાવતાં હતાં. સ્ત્રીઓ પર આ પ્રકારે થતાં અત્યાચારને કેટલાક વર્ષોથી સરકારે બંધ કરાવ્યો છે.”

ગુજરાતના આ વિસ્તારના ગામડાઓમાં આજે પણ સ્ત્રીને ડાકણમાં ખપાવી પરેશાન કરવાનાં કિસ્સા બની રહ્યાં છે.

રેડ લાઇન
રેડ લાઇન