તેજસ્વી વિજ્ઞાનીની હત્યાનો એ કેસ જેમાં હત્યારા પતિને સજા આપવામાં 45 વર્ષ લાગી ગયાં

બ્રેન્ડા પેજ અને ક્રિસ્ટોફર હેરિસન 1971માં મળ્યા હતા

ઇમેજ સ્રોત, NEWSLINE MEDIA

ઇમેજ કૅપ્શન, બ્રેન્ડા પેજ અને ક્રિસ્ટોફર હેરિસન 1971માં મળ્યા હતા
    • લેેખક, કેન બેન્ક્સ
    • પદ, બીબીસી સ્કોટલૅન્ડ નોર્થ-ઈસ્ટ સંવાદદાતા

આશરે 45 વર્ષ અગાઉ પોતાની ભૂતપૂર્વ પત્નીની ઘાતકી હત્યા માટે હાલમાં જ 82 વર્ષીય પતિને દોષિત ઠેરવવામાં આવ્યો છે. નિવૃત્ત સંશોધન વિજ્ઞાની ક્રિસ્ટોફર હેરિસને, તેમના છૂટાછેડાના એક વર્ષ પછી એબરડીનમાં તેમનાં 32 વર્ષીય પત્ની બ્રેન્ડા પેજની હત્યાનો ઇનકાર કર્યો હતો.

જીનેટિક્સ ઍક્સપર્ટ બ્રેન્ડાનો મૃતદેહ તેમના ઘરમાં લોહીના ડાઘવાળા પલંગ પરથી 1978ની 14 જુલાઈ મળી આવ્યો હતો. અદાલતે હેરિસનને તેમનાં ભૂતપૂર્વ પત્નીની હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. પત્ની બ્રેન્ડા “તેજસ્વી વિજ્ઞાની” હોવાનું હેરિસને પોલીસને જણાવ્યું હતું.

એબરડીનની હાઈકોર્ટમાં ચુકાદો વાંચવામાં આવ્યો ત્યારે હેરિસને કોઈ ભાવનાત્મક પ્રતિભાવ આપ્યો ન હતો. ન્યાયાધીશ લૉર્ડ રિચર્ડસને હેરિસનને પેરોલ માટે લાયક બનતા પહેલાં ઓછામાં ઓછાં 20 વર્ષના કારાવાસની સજા ફરમાવી હતી.

ન્યાયાધીશે કહ્યું હતું કે હેરિસને ભૂતકાળમાં કોઈ ગુનાહિત કૃત્યો કર્યાં નથી. તેમણે બ્રેન્ડા પેજનો પીછો કર્યો હતો અને “પૂર્વયોજિત” હુમલો કર્યો હતો. એ “ઘાતકી અને અધમ” હુમલો હતો.

લૉર્ડ રિચાર્ડસને જણાવ્યું હતું કે “હિંસાના અક્કલહીન કૃત્ય”ને કારણે ડૉ. પેજના જીવનનો “ક્રૂર અને અકાળ” અંત આવ્યો હતો. તેમની ક્ષમતાનો લાભ લઈ શકાયો ન હતો. બચાવ પક્ષના વકીલ બ્રાયન મેકકોનાચીએ જણાવ્યું હતું કે હેરિસન કસ્ટડીમાં જ મૃત્યુ પામે તેવી તમામ શક્યતા છે.

અદાલતના ચુકાદા પછી સ્કોટલૅન્ડ પોલીસની મુખ્ય તપાસ ટીમના ઇન્સ્પેક્ટર ગેરી વિન્ટરે બીબીસી, સ્કોટલૅન્ડને જણાવ્યું હતું કે ડૉ. પેજ “તેજસ્વી, ગમતીલા” વિજ્ઞાની હતાં.

તેમણે કહ્યું હતું, “તેઓ અપાર સિદ્ધિ મેળવી શક્યાં હોત.”

તેમણે ઉમેર્યું હતું, “ન્યાય માટે સમયનો કોઈ અવરોધ હોતો નથી.”

અભરાઈએ ચડી ગયેલા કેસની ફરી તપાસ

1978માં બ્રેન્ડા પેજ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં

ઇમેજ સ્રોત, PAGE FAMILY

ઇમેજ કૅપ્શન, 1978માં બ્રેન્ડા પેજ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેરિસનને 1978માં હત્યા પછીના થોડા કલાકો પછી પકડી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પ્રોસિક્યુટરને એક અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.

જોકે, એ સમયે હેરિસનને કોર્ટમાં લઈ જવા માટે પૂરતા પુરાવા ન હોવાનું નક્કી થયું હતું.

છેક 37 વર્ષ પછી 2015માં આ કેસની ફરીથી તપાસ કરવામાં આવી હતી.

સાક્ષીઓનાં નિવેદન ફરી નોંધવામાં આવ્યાં હતાં અને અસંખ્ય ફોરેન્સિક સંગઠનોએ ડીએનએનું વિશ્લેષણ કર્યું હતું.

બે યુવા વિજ્ઞાનીઓએ 1972માં લગ્ન કર્યાં હતાં, પરંતુ ચાર વર્ષ બાદ તેઓ અલગ થઈ ગયાં હતાં અને 1977માં તેમના છૂટાછેડા થયા હતા.

પોતે લગ્નમાં રાજી ન હોવાની ફરિયાદ ડૉ. પેજે કરી હતી અને કહ્યું હતું કે તેમને તેમના પતિનો ડર લાગે છે.

ડૉ. પેજનો જન્મ ઈપ્સવિચમાં થયો હતો અને તેમણે યુનિવર્સિટી કૉલેજ લંડનમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. વિજ્ઞાનના સ્નાતક તરીકે ફર્સ્ટ ક્લાસ ઓનર્સ ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ તેમણે ગ્લાસગો યુનિવર્સિટીમાંથી જીનેટિક્સમાં પીએચ. ડી. કર્યું હતું.

ગ્લાસગોમાં જીનેટિક્સનો અભ્યાસ કરતી વખતે 1971માં તેમની મુલાકાત તેમના ભાવિ પતિ સાથે થઈ હતી.

હેરિસનનો જન્મ નોર્થ યોર્કશાયરના રિપનમાં થયો હતો અને તેણે ક્વીન્સ કૉલેજ કૅમ્બ્રિજમાં અભ્યાસ કર્યો હતો. બાદમાં તેઓ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં બાયૉલૉજીના શિક્ષક બન્યા હતા.

કિટ તરીકે પણ ઓળખાતા હેરિસન ફરી બ્રિટન ગયા હતા અને ગ્લાસગો વાઇરસ સંશોધનકેન્દ્રમાં સંશોધક તરીકે કામ કર્યું હતું.

ડૉ. પેજ અને હેરિસને તેમનું રિલેશનશિપ શરૂ થયાના એક વર્ષમાં જ 1972ની છઠ્ઠી મેએ ઈપ્સવિચમાં લગ્ન કર્યાં હતાં.

એ પછીના વર્ષે ડૉ. પેજની નિમણૂક યુનિવર્સિટી ઑફ એબરડીન મેડિકલ સ્કૂલમાં જીનેટિક્સ વિભાગનાં આચાર્ય તરીકે કરવામાં આવી હતી.

તેમના પતિએ એબરડીન જતા પહેલાં એડિનબર્ગમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

જોકે, ડૉ. પેજે તેમના પતિના વર્તન બાબતે તેમની નજીકના લોકોને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તેમના પતિ હિંસક બની શકે છે અને તેઓ આ લગ્નથી ખુશ નથી.

1976માં તેઓ અલગ થઈ ગયાં હતાં અને ડૉ. પેજને પોતાનો ફ્લેટ મળ્યો હતો.

જોકે, તેમનાં 88 વર્ષની વયના મોટા બહેન રિટા લિંગના જણાવ્યા મુજબ ડૉ. પેજને લાગતું હતું કે તેનો પતિ સતત તેમનો પીછો કરી રહ્યો છે.

રિટા લિંગે જણાવ્યું હતું કે મારી બહેને તેના સંબંધને “અત્યંત નાજુક” ગણાવ્યો હતો અને કહ્યું હતું કે હેરિસન બહુ વિચિત્ર માણસ છે. “તે ક્યારેક બહુ સારો તો ક્યારેક બહૂ જ દુષ્ટ” બની જતો હતો.

ડૉ. પેજે વધારે પૈસા કમાવા 1976માં ઍસ્કૉર્ટ તરીકે બીજી નોકરી શરૂ કરી હતી અને ઑઇલઉદ્યોગના કામદારોની મુલાકાત લીધી હતી.

રિટા લિંગના કહેવા મુજબ તેમની બહેન બહુ મહેનતુ હતી અને સારા એવા પ્રમાણમાં પૈસા કમાતી હતી.

તેમણે જણાવ્યુ હતું કે ડૉ. પેજને સારી રેસ્ટોરાંમાં જવાનું અને લોકોને મળવાનું ગમતું હતું. રિટા લિંગે ચિંતા વ્યક્ત કરી ત્યારે ડૉ. પેજે તેમને કહ્યું હતું કે તમે જૂનવાણી થઈ રહ્યાં છો.

બે અને બે એકસાથે મૂકો

1978 થી ક્રિસ્ટોફર હેરિસનનો પોલીસ મગશોટ

ઇમેજ સ્રોત, CROWN OFFICE

ઇમેજ કૅપ્શન, 1978 થી ક્રિસ્ટોફર હેરિસનનો પોલીસ મગશોટ

ઑક્ટોબર, 1977માં છૂટાછેડા થયા હતા અને ડૉ. પેજે હેરિસનને દૂર રાખવાનો આદેશ પણ પ્રાપ્ત કર્યો હતો.

ડૉ. પેજે તેમનાં બહેનને એક દસ્તાવેજ આપ્યો હતો, જે તેમનું વિલ હોવાનું બાદમાં જાણવા મળ્યું હતું. એ દસ્તાવેજ પર તેમણે લખ્યું હતું, “આ મારા મૃત્યુ પછી જ ખોલવામાં આવશે.”

રિટા લિંગે કહ્યું હતું, “તેના મૃત્યુપર્યંત મેં તે ખોલ્યું ન હતું. એ તેનાં લગ્નને સુસંગત હશે એવું મને લાગતું ન હતું. મેં એ પછી જ બે અને બે ચાર કર્યા હતા.”

ડૉ. પેજ મૃત્યુ પામ્યાં પૂર્વેના વીકએન્ડ પર રિટા લિંગે તેમને છેલ્લી વખત જોયાં હતાં.

રિટા લિંગે કહ્યું હતું, “તે એક કૉન્ફરન્સમાં ગઈ હતી. એ બહુ સફળ રહી હતી અને મારી બહેન બહુ સારા મૂડમાં હતી, પરંતુ એબરડીનમાંના પોતાના ઘરે જવા ઇચ્છતી ન હતી, કારણ કે ભૂતપૂર્વ પતિ ત્રાસ આપશે એવો ડર તેને હતો.”

હેરિસનનાં એક પરિચિત એલ્સા ક્રિસ્ટીએ કહ્યું હતું કે ડૉ. પેજના મૃત્યુના થોડા સમય પહેલાં તેમણે તેમને ફોન કર્યો હતો.

એલ્સા ક્રિસ્ટીએ કહ્યું હતું, “તેમણે કહ્યું હતું કે તેઓ ડૉ. પેજની હત્યા કરશે.”

ડૉ. પેજનો મૃતદેહ 1978ની 14 જુલાઈએ એલન સ્ટ્રીટમાંના તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. તેમના માથા અને ચહેરા પર 20થી વધુ ઈજા થઈ હતી.

હત્યારાએ પાછળની બારી બળજબરીથી ખોલી નાખી હશે અને તેમના પાછા ફરવાની રાહ જોતો હશે, એવું માનવામાં આવતું હતું.

જેમ્સ ડગ્લસની મુલાકાત 1977માં સંશોધનકાર્ય દરમિયાન ડૉ. પેજ સાથે થઈ હતી. તેઓ ડૉ. પેજના પાડોશીઓ પૈકીના એક હતા.

તેમના કહેવા મુજબ, “પોલીસે મને મૃતદેહની ઓળખ કરવા કહ્યું હતું. હું ભયભીત થઈ ગયો હતો. એ સ્મૃતિ 45 વર્ષ મારી સાથે રહી છે.”

ડૉ. પેજને દયાળુ તથા વિચારશીલ ગણાવતાં કહ્યું હતું, “તેઓ બહુ બુદ્ધિશાળી હતાં. વૈજ્ઞાનિક રીતે અત્યંત સટીક હતાં. તેઓ ઘણું બધું જાણતાં હતાં.”

ક્રિસ્ટોફર હેરિસન

ઇમેજ સ્રોત, CROWN OFFICE

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટોફર હેરિસન હાલ 82 વર્ષનો છે, તે તેમનાં પત્નીની હત્યાના આરોપને નકારે છે

એ સમયે હેરિસન એક શકમંદ હતા, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આ હત્યાના સમાચાર અખબારોમાં છવાયેલા રહ્યા હતા અને પોલીસે મુખ્ય સાક્ષીઓ અથવા મહત્ત્વપૂર્ણ પુરાવા શોધવાનું ચાલુ રાખ્યું હતું.

જોકે, તેમાં કોઈ સફળતા મળી ન હતી અને જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ડૉ. પેજનું મૃત્યુ વણઉકલ્યો કોયડો બની રહ્યું હતું.

હત્યાનાં 37 વર્ષ બાદ ભૂતપૂર્વ લૉર્ડ ઍડ્વોકેટ ફ્રેન્ક મુલહોલેન્ડે ફેબ્રુઆરી, 2015માં આ કેસની તપાસ ફરી શરૂ કરવાની સૂચના સ્કોટલૅન્ડ પોલીસને આપી હતી.

‘ભયાનક અગ્નિપરીક્ષા’

ડૉ. પેજના એલન સ્ટ્રીટના ફ્લેટમાં એક ગોદડા પરથી મળી આવેલું વીર્ય તેમના ભૂતપૂર્વ પતિની ડીએનએ પ્રોફાઇલ સાથે મેળ ખાતું હતું. ફોરેન્સિક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અન્ય પુરુષ કરતાં એ વીર્ય હેરિસનનું હોવાની શક્યતા 590 મિલિયન ગણી વધારે છે.

2020ની 27 માર્ચે હેરિસનની ફરીથી પૂછપરછ કરવામાં આવી હતી. એમાં તેણે સતત કહ્યું હતું કે તેના તેમનાં ભૂતપૂર્વ પત્નીના મૃત્યુ સાથે કોઈ લેવાદેવા નથી.

તેણે પોલીસને એવું પણ કહ્યું હતું કે, “બ્રેન્ડાની તેજસ્વી કારકિર્દી હતી. તે એક તેજસ્વી વિજ્ઞાની હતી.”

ડૉ. બ્રેન્ડા પેજના મૃત્યુના ચાર દાયકા પછી હેરિસન પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ડૉ. પેજના મૃત્યુ બાબતે હજારો લોકો સાથે વાત કરવામાં આવી હતી.

દસ દિવસના ખટલા પછી આઠ પુરુષો અને સાત મહિલાઓની જૂરીએ ચુકાદો આપવામાં અઢી કલાકનો સમય લીધો હતો.

ડૉ. પેજના ભત્રીજા ક્રિસ લિંગે અદાલતની બહાર કહ્યું હતું કે આખરે ન્યાય થયો હોવાથી તેમનો પરિવાર “ખૂબ જ આનંદિત” છે.

તેમણે કહ્યું હતું કે “અમે બ્રેન્ડાને તથા તેમણે હત્યાની રાત્રે કેવી ભયાનક અગ્નિપરીક્ષાનો સામનો કરવો પડ્યો હશે એ વિશે ન વિચાર્યું હોય એવો એક દિવસ ગયો નથી. બ્રેન્ડા અત્યંત દયાળુ, બુદ્ધિશાળી સ્ત્રી હતાં. તેમણે લાંબુ જીવવાનું હતું.”

બીબીસી
બીબીસી