ગુજરાત: નકલી માર્કશીટથી MBBSમાં પ્રવેશ લીધો, ડૉકટર બની પ્રૅક્ટિસ કરી, 43 વર્ષે કેવી રીતે ખબર પડી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

માણસને જ્યારે કોઈ શારીરિક તકલીફ થાય કે બીમાર પડે તો તરત એ ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર પર દર્દીઓ ભરોસો મૂકીને તેમણે આપેલી સૂચનાનું પાલન કરતા હોય છે.

પણ આખી જિંદગી જે ડૉક્ટરે પ્રૅક્ટિસ કરી હોય, દર્દીઓની સારવાર કરી હોય અને એ જ ડૉક્ટર જો નકલી હોય તો...?

કંઈક આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે અને ડૉક્ટરને કોર્ટે દોષિત ઠરાવીને સજા કરી છે.

17 વર્ષની ઉંમરે એક માણસ ધોરણ 12ની નકલી માર્કશીટ મેળવે છે. એક કૉલેજમાં એમબીબીએસના કોર્સમાં પ્રવેશ મેળવે છે. ડૉક્ટર બને છે, આખી જિંદગી પ્રૅક્ટિસ કરે છે.

જોકે, સમયનું પૈડું ફરે છે, 41 વર્ષ અને 10 મહિના સુધી કેસ ચાલે છે અને આરોપીએ ખોટી રીતે ડિગ્રી મેળવી હોવાનું પુરવાર થાય છે.

નોંધનીય છે કે આ કેસમાં પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, દોષિતે ગુજરાતમાં તેના પર કેસ થતાં બાદમાં અન્ય રાજ્યમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો હતો.

કોણ છે આ 'નકલી ડૉક્ટર', કેવી રીતે પ્રવેશ મેળવ્યો અને કોર્ટમાં શું દલીલો થઈ? વાંચો સમગ્ર કિસ્સો...

ખોટી માર્કશીટ રજૂ કરીને એમબીબીએસમાં પ્રવેશ લીધો

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ સમગ્ર કિસ્સો એવો છે કે ઉત્પલ અંબુભાઈ પટેલે 17 વર્ષની ઉંમરે બી. જે. મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 1980ના જુલાઈ મહિનામાં બે ફૉર્મ રજૂ કર્યાં હતાં.

પહેલા ફૉર્મમાં તેમણે 48.44 ટકાની માર્કશીટ રજૂ કરી હતી, પણ MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે 55 ટકાથી વધુ માર્કસ હોય તે વિદ્યાર્થી પ્રવેશ માટે મેરિટમાં આવે તેમ હતું. આથી તેણે રજૂ કરેલું પ્રથમ ફૉર્મ રદ કરી દેવાયું હતું.

પછી ઉત્પલ પટેલે પ્રવેશ મેળવવા માટે બીજું ફૉર્મ રજૂ કર્યું હતું, જેમાં સુધારેલી માર્કશીટ રજૂ કરી હતી.

આ સુધારેલી માર્કશીટમાં 68 ટકા દર્શાવેલા હતા. તેને તા. 28 જુલાઈ 1980ના દિવસે અમદાવાદમાં આવેલી એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજ ખાતે ઇન્ટરવ્યૂ માટે બોલાવાયો હતો.

તેને મેરિટમાં 114મો નંબર આવ્યો હતો અને MBBSના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ખોટી માર્કશીટ રજૂ કરવાની હોવાની કેવી રીતે ખબર પડી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, માર્કશીટ શંકાસ્પદ હોવાથી તત્કાલીન ડીન દ્વારા તેને કારણદર્શક નોટિસ પણ અપાઈ હતી. દરમિયાન તેણે બી.જે. મેડિકલ કૉલેજમાં MBBSનો અભ્યાસ પૂર્ણ કરી લીધો.

ઉત્પલ અંબુભાઈ પટેલ ડિગ્રી મેળવીને ડૉક્ટર પણ બની ગયો હતો. એટલું જ નહી, આખી જિંદગી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ પણ કરી હતી.

જોકે, ત્યાર બાદ રજૂ કરેલી સુધારેલી માર્કશીટ સહિત અન્ય દસ્તાવેજ નકલી હોવાનું ધ્યાને આવતાં આ પ્રકરણમાં તારીખ 7 જુલાઈ 1991માં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી ઉત્પલ અંબુભાઈ પટેલ અને તેની મદદગારી કરનાર સહઆરોપી સામે IPC કલમ 420, 468, 471, 380 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં નવ મૌખિક પુરાવા અને 39 દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે માન્યું હતું કે આરોપીએ ખોટી માર્કશીટ તૈયાર કરીને MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો.

આરોપી ડૉક્ટર 61 વર્ષનો થયો ત્યારે એટલે કે બનાવનાં 43 વર્ષ બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ પવનકુમાર એમ. નવીને આખરે એક દાખલારૂપ ચુકાદો આપી આ કેસમાં સજા ફટકારી હતી.

કોર્ટે પોતાના ચુકાદામાં આરોપી ડૉક્ટરના ગુનાહિત કૃત્યને લઈ બહુ ગંભીર અવલોકનો અને નિરીક્ષણો પણ કર્યાં હતાં.

કોર્ટમાં શું થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સરકાર પક્ષ તરફથી કોર્ટને ભારપૂર્વક જણાવાયું હતું કે, “આ કિસ્સામાં આરોપીના ગંભીર કૃત્યને કારણે અન્ય આશાસ્પદ અને લાયક વિદ્યાર્થીની બેઠક છીનવાઈ છે અને તેમણે મળવાપાત્ર તક ગુમાવવી પડી છે. જો આ કેસમાં નરમાશ કરાય તો શિક્ષણવિરોધી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે એમ છે.”

કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, “આરોપી પાસે પ્રવેશપાત્ર યોગ્યતા ન હોવા છતાં અન્ય કોઈ યોગ્ય વિદ્યાર્થીની તક ઝૂંટવી લેવાનું ગંભીર કૃત્ય કર્યું છે. આ સમાજ વિરુદ્ધનું કૃત્ય છે. આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય એ જોવું કોર્ટની ફરજ છે.”

આ કેસની વિગતો અંગે માહિતી આપતાં સરકારી વકીલ પી. વી. પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું :

“ઉત્પલ પટેલને 12 સાયન્સની પરીક્ષામાં 48 ટકા માર્ક્સ જ આવ્યા હતા. જે બાદ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે બીજા સિરિયલ નંબરવાળી વધુ માર્ક્સ ધરાવતી નકલી માર્કશીટ બનાવી હતી. પ્રવેશ બાદ વેરિફિકેશનમાં માર્કશીટ બનાવટી હોવાનું સામે આવતા તેની સામે ફરિયાદ થઈ.”

“કેસમાં સાત સાહેદોએ જુબાની આપી અને 39 દસ્તાવેજ રજૂ કરાયા, જેના આધારે આ નિર્ણય આપ્યો છે.”

કોર્ટમાં કરેલી અન્ય દલીલો અંગે જણાવતાં તેમણે કહ્યું હતું કે, “અમે દલીલ કરી હતી, ડૉક્ટરનું સ્થાન સમાજમાં પ્રતિષ્ઠિત હોય છે. તેથી આ કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી કરી વધુમાં વધુ સજા થવી જોઈએ. આરોપી વૃદ્ધ હોવાને કારણે છોડી શકાય નહીં. આ કિસ્સામાં દોષિતે બીજા રાજ્યમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે, તે હાલ ખાનગી પ્રૅક્ટિસ કરે છે.”

કોર્ટે દોષિતને IPCની કલમ 420, 468 અને 471માં ત્રણ વર્ષની સજા અને દસ-દસ હજાર દંડ કર્યો છે.

બીબીસી
બીબીસી