ભારતમાં દહેજ લેવા-દેવાની પ્રથામાં ઘટાડો થયો છે?

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/Getty
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, ભારત સંવાદદાતા, બીબીસી
વિશ્વ બૅન્કના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતનાં ગામડાઓમાં દહેજ પ્રથા કેટલીક હદ સુધી સ્થિર રહી છે, પરંતુ આ કુપ્રથા અવિરત ચાલુ રહી છે.
સંશોધનકર્તાઓએ 1960થી 2008 સુધીના વર્ષોમાં ગ્રામીણ ભારતમાં થયેલાં 40,000 લગ્નોનો અભ્યાસ કર્યો હતો.
સંશોધકોને જાણવા મળ્યું હતું કે 1961થી ભારતમાં દહેજ લેવા કે દેવાને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં 95 ટકા લગ્નોમાં દહેજ લેવામાં આવ્યું હતું.
દહેજને કારણે મહિલાઓને અનેક વખત હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. સ્ત્રીઓ સાથે ઘરેલુ હિંસા કરવામાં આવે છે અને ઘણી વખત તો એ હિંસામાં મહિલાનું મોત પણ થઈ જાય છે.
દક્ષિણ એશિયામાં દહેજ લેવાની અને દેવાની પ્રથા સદીઓ પુરાણી છે. દહેજમાં કન્યાનો પરિવાર પૈસા, વસ્ત્રો અને ઘરેણાં વગેરે વરરાજાના પરિવારને આપતા હોય છે.
આ સંશોધન ભારતના 17 રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. એ 17 રાજ્યોમાં દેશની કુલ વસતીના 96 ટકા લોકો રહે છે. દેશનો સૌથી હિસ્સો ગામડાંઓમાં વસે છે અને આ સંશોધનમાં ગ્રામ્ય ભારત પર જ ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું હતું.
એસ અનુકૃતિ, નિશીથ પ્રકાશ અને સુંગોહ ક્વૉન નામના અર્થશાસ્ત્રીઓએ લગ્ન વખતે આપવામાં કે લેવામાં આવેલા પૈસા તથા ભેટસોગાદ જેવા સામાનની કિંમતની માહિતી મેળવી હતી.

1975થી 2000 દરમિયાન દહેજ સ્થિર રહ્યું

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE
આ અર્થશાસ્ત્રીઓએ 'કુલ દહેજ'નું આકલન કર્યું હતું. એ માટે તેમણે નવવધૂના પરિવાર તરફથી વરરાજા કે તેમના પરિવારને આપવામાં આવેલી ભેટોની રકમ અને વરરાજાના પરિવાર તરફથી નવવધૂના પરિવારને આપવામાં આવેલી રકમ વચ્ચેનો તફાવત કાઢ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંશોધકર્તાઓને જાણવા મળ્યું હતું કે 1975 પહેલાં અને 2000 પછી ફુગાવાના કારણે દહેજની કુલ સરેરાશ 'નોંધપાત્ર રીતે સ્થિર' હતી.
સંશોધનકર્તાઓને એવું પણ જાણવા મળ્યું હતું કે વરરાજાના પરિવારે નવવધૂના પરિવાર માટેની ભેટસોગાદમાં સરેરાશ 5,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
નવવધૂના પરિવાર તરફથી વરરાજાના પરિવારને આપવામાં આવેલી ભેટસોગાદોની કુલ રકમ આશ્ચર્યજનક રીતે સાતગણી એટલે કે લગભગ 32,000 રૂપિયા હતી. તેનો અર્થ એ થયો કે સરેરાશ વાસ્તવિક દહેજ 27,000 રૂપિયાની આસપાસ હતી.

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
દહેજમાં પરિવારની બચત તથા આવકના એક મોટા હિસ્સાનો ખર્ચ થતો હોય છે. 2007માં ગ્રામીણ ભારતમાં કુલ દહેજનું પ્રમાણ વાર્ષિક ઘરેલુ આવકના 14 ટકા હતું.
વર્લ્ડ બૅન્ક રિસર્ચ ગ્રુપનાં અર્થશાસ્ત્રી ડૉ. અનુકૃતિ કહે છે "આવકના એક હિસ્સાના સ્વરૂપમાં, ગ્રામીણ ભારતમાં સરેરાશ આવક વધવાની સાથે દહેજનું પ્રમાણ ઘટ્યું છે."
ડૉ. અનુકૃતિ કહે છે, "આ એક સરેરાશ દાવો છે. વાસ્તવમાં દહેજનું પ્રમાણ એટલું મોટું છે કે તેની ગણતરી દરેક પરિવારની અલગ-અલગ આવકના પ્રમાણ મારફત જ જાણી શકાય તેમ છે. અમારા માટે ઘરેલુ આવક અને ખર્ચના આંકડા મેળવવા જરૂરી છે, પણ કમનસીબે આપણી પાસે એવા કોઈ આંકડા ઉપલબ્ધ નથી."
ભારતમાં લગ્ન
•ભારતમાં લગભગ તમામ લગ્ન મોનોગૅમસ (એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેના) હોય છે.
•કુલ પૈકીના એક ટકાથી પણ ઓછા કિસ્સામાં છૂટાછેડા સુધી વાત પહોંચતી હોય છે.
•વર-વધૂની પસંદગીમાં તેમનાન માતા-પિતાની ભૂમિકા મહત્વની હોય છે. 1960થી 2005 દરમિયાન થયેલાં 90 ટકાથી વધારે લગ્નોમાં માતા-પિતાએ જ તેમનાં બાળકો માટે જીવનસાથીની પસંદગી કરી હતી.
•90 ટકાથી વધારે દંપતી લગ્ન પછી તેમના પરિવારની સાથે જ રહે છે.
•85 ટકાથી વધુ કન્યાઓ બીજા ગામમાં રહેતા પુરુષ સાથે લગ્ન કરતી હોય છે.
•78.3 ટકા લગ્નો પોતાના જિલ્લામાં જ કરવામાં આવે છે.
(સ્રોતઃ ગૌરવ ચિપલુણકર અને જેફ્રી વીવર લિખિત 'મૅરેજ માર્કેટ ઍન્ડ રાઈઝ ઓફ ડાવરી ઇન ઇન્ડિયા')
ભારતમાં 2008થી લઈને અત્યાર સુધીમાં ઘણુંબધું બદલાઈ ગયું છે, પરંતુ સંશોધનકર્તાઓનું કહેવું છે કે દહેજની ચુકવણીની પૅટર્નમાં કોઈ ફેરફારના સંકેત મળતા નથી, કારણ કે લગ્નનાં માર્કેટને પ્રભાવિત કરતાં પરિબળોમાં આજે પણ કોઈ માળખાગત પરિવર્તન આવ્યું નથી.

તમામ ધર્મોમાં પ્રચલિત છે દહેજની પ્રથા

ઇમેજ સ્રોત, SAM PANTHAKY
ભારતના તમામ મુખ્ય ધર્મોમાં દહેજની પ્રથા પ્રચલિત હોવાનું આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું. દિલચસ્પ વાત એ છે કે ખ્રિસ્તી તથા શીખ ધર્મના લોકોમાં દહેજની બાબતમાં 'જોરદાર વૃદ્ધિ' જોવા મળી છે. હિન્દુઓ અને મુસલમાનોની સરખામણીએ ઉક્ત બન્ને સમુદાયોમાં દહેજના સરેરાશ પ્રમાણમાં વધારો થયો છે.
વધુ એક રસપ્રદ વાત એ પણ જાણવા મળી હતી કે અલગ-અલગ રાજ્યોમાં સમયની સાથે ઘણો તફાવત જોવા મળ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દક્ષિણના રાજ્ય કેરળમાં 1970ના દાયકાથી 'દહેજમાં વધારો' જોવા મળ્યો હતો અને તાજેતરનાં વર્ષોમાં ત્યાં દહેજની સરેરાશ સૌથી વધારે રહી છે.
હરિયાણા, પંજાબ અને ગુજરાત જેવાં અન્ય રાજ્યોમાં પણ દહેજમાં વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં સરેરાશ દહેજમાં ઘટાડો થયો છે.

1975 પછી સરેરાશ દહેજમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Marco VDM
ડૉ. અનુકૃતિ કહે છે, "રાજ્યોમાં દહેજ મામલે આટલો મોટો તફાવત શા માટે છે તેનો કોઈ નિશ્ચિત જવાબ અમારી પાસે નથી. આ સવાલનો જવાબ ભાવિ સંશોધનમાં મેળવવાની અમને આશા છે."
જાન્યુઆરીમાં પ્રકાશિત એક સંશોધનપત્રમાં અર્થશાસ્ત્રીઓ ગૌરવ ચિપલુણકર અને જેફ્રી વીવરે, ભારતમાં ગત સદીમાં થયેલાં 74,000થી વધારે લગ્નોના આંકડાઓનો ઉપયોગ કરીને જણાવ્યું હતું કે દેશમાં દહેજની પ્રથા સમય સાથે કેવી રીતે આગળ વધી છે.
સંશોધનકર્તાઓને જાણવા મળ્યું હતું કે 1930થી 1975 દરમિયાન લગ્નો તથા દહેજ સંબંધી પેમેન્ટમાં બમણો વધારો થયો છે અને દહેજનું સરેરાશ વાસ્તવિક મૂલ્ય ત્રણગણું વધી ગયું છે, પરંતુ 1975 પછી સરેરાશ દહેજમાં ઘટાડો થયો હતો.
તેમના અનુમાન મુજબ, 1950 અને 1999 દરમિયાન ભારતમાં દહેજની ચૂકવણીનું કુલ મૂલ્ય લગભગ 250 અબજ ડૉલર્સ હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













