હાઈ બ્લડપ્રેશર : હૃદય, મગજ અને કિડની ખરાબ કરી નાખતી આ બીમારીને કેવી રીતે રોકવી?

હાઈ બ્લડપ્રેશર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હાઈ બ્લડપ્રેશર અથવા હાઇપરટૅન્શન એક એવી બીમારી છે, જેને કારણે શરીરનાં હૃદય, મગજ અને કિડની જેવાં મહત્ત્વપૂર્ણ અંગોની કામગીરી ધીમે ધીમે અથવા એક જ ઝાટકે બંધ પડી જવાનું જોખમ હંમેશાં તોળાયેલું રહે છે. જોકે, હવે મેડિકલ વિજ્ઞાનના વિકાસથી પ્રી-હાઇપરટૅન્શન તરીકે ઓળખાતી એવી સ્થિતિનું નિદાન કરવું સહેલું બન્યું છે, જેમાં યોગ્ય સમયે જાણ થઈ જાય અને યોગ્ય પગલાં લેવામાં આવે તો હાઈ બ્લડપ્રેશરની બીમારીને રોકી શકાય અને પાછી ઠેલી શકાય છે.

હાઈ બ્લડપ્રેશર એ હાર્ટ ઍટેક, મગજમાં સ્ટ્રોક આવવો કે કિડની નિષ્ફળ જવાથી થતાં મૃત્યુમાં કારણરૂપ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, ભારતમાં થતાં કુલ મૃત્યુના 10.8 ટકા મૃત્યુ માટે હાઇપરટૅન્શન એટલે કે હાઈ બ્લડપ્રેશર (હાઈ બીપી) જવાબદાર છે.

ભારતમાં 29% સ્ટ્રોક અને 24% હાર્ટ ઍટેક માટે હાઇપરટૅન્શન સીધું જવાબદાર છે.

વૈશ્વિક સ્તરે હાઈ બીપી અથવા હાઇપરટૅન્શનની બીમારી દર વર્ષે આશરે 94 લાખ લોકોનાં મૃત્યુનું કારણ બને છે, અને મૃત્યુ પામેલા લોકોમાંથી ઘણાને ક્યારેય ખબર નહોતી કે તેઓ હાઇપરટૅન્શનથી પીડાતા હતા.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં દર 3 વ્યક્તિએ એક વ્યક્તિ પ્રી-હાઇપરટૅન્શન એટલે કે હાઈ બીપીની બીમારી થવાની પહેલાંની સ્થિતિમાં છે.

આ સંશોધન 18-54 વર્ષની વયના 7 લાખ 43 હજાર 067 પુખ્ત વયના લોકો પર નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે-5ના ડેટાનું વિશ્લેષણ કરીને કરવામાં આવ્યું છે. નમૂનામાં 87.6 ટકા સ્ત્રીઓ અને 12.4 ટકા પુરુષોનો સમાવેશ થાય છે.

તેઓએ નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે-5 ના ડેટાનું વિશ્લેષણ હાથ ધર્યું હતું. જેમાં 28 ભારતીય રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોના 707 જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા.

નેશનલ ફૅમિલી હેલ્થ સર્વે-5 (2019-21) એ અહેવાલ આપ્યો હતો કે 15 અને તેથી વધુ ઉંમરના 21 ટકા સ્ત્રીઓ અને 24 ટકા પુરુષોને હાઇપરટૅન્શન છે અને 39 ટકા સ્ત્રીઓ અને 49 ટકા પુરુષોને પ્રી-હાઇપરટૅન્શન છે.

સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે 33 ટકાથી વધુ ભારતીયો પ્રી-હાઇપરટૅન્શનથી પીડાય છે. આ સ્થિતિ ચિંતાજનક હોવાનું મનાય છે. કારણ કે તે ઘણી વખત સંપૂર્ણ વિકસિત હાઇપરટૅન્શનમાં બદલાઈ શકે છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ, સાક્ષર વ્યક્તિઓ, દારૂ પીનારા અને ઊંચું બ્લડ ગ્લુકોઝ સ્તર ધરાવતી વ્યક્તિઓ પ્રી-હાઇપરટૅન્સિવ હોવાની શક્યતા સૌથી વધુ હતી.

તમાકુનાં સેવન અને પ્રી-હાઇપરટૅન્શનના વ્યાપ વચ્ચે કોઈ આંકડાકીય રીતે નોંધપાત્ર સંબંધ નથી જોવા મળ્યો.

પ્રી-હાઇપરટૅન્શન શું છે?

ગુજરાતમાં હાઈપરટેન્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રી-હાઇપરટૅન્શન એ વાસ્તવિક હાઇપરટૅન્શન વિકસે તે પહેલાંનો એક તબક્કો છે. હાઇપરટૅન્શન પહેલાનાં તબક્કામાં બ્લડપ્રેશર ધીમે ધીમે વધે છે.

હાઇપરટૅન્શન અથવા હાઈ બ્લડપ્રેશર (બીપી) એ ભારતમાં જાહેર આરોગ્યની મુખ્ય સમસ્યાઓમાંથી એક છે. તેનો વ્યાપ શહેરી અને ગ્રામીણ બંને વસ્તીમાં ઝડપથી વધી રહ્યો છે. તેથી, પ્રી-હાઇપરટૅન્શન એ એક તબક્કો છે જ્યાં વ્યક્તિએ જાગૃત થઈ જવું જોઈએ.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા પ્રમાણે, પ્રી-હાઇપરટૅન્શનમાં જ્યારે ભૂખ્યા પેટે બ્લડ સુગર 100થી નીચે હોય તો તે નૉર્મલ કહેવાય. પરંતુ જો તે 100થી 125 વચ્ચે આવે તો તે પ્રી-હાઇપરટૅન્શન કહેવાય અને તેનાથી વધારે હોય તો તે હાઇપરટૅન્શન એટલે કે હાઈ બ્લડપ્રેશરની બીમારી કહેવાય.

ડૉક્ટર ભૂપેશ શાહ અમદાવાદસ્થિત હૃદયરોગના નિષ્ણાત છે. તેઓ કહે છે કે, "બ્લડપ્રેશર 120/80થી વધારે ન હોવું જોઈએ."

ડૉક્ટર ભૂપેશ કહે છે કે, "પ્રી-હાઇપરટૅન્શનના તબક્કામાં તાત્કાલિક ધોરણે જીવનશૈલીમાં નિયંત્રણ લાવવું જોઈએ. નહીં તો 10-20 વર્ષના ગાળામાં અથવા તો તેનાથી પણ ઓછા સમયમાં હાઇપરટૅન્શનમાં વધારો થઈ શકે છે."

અમદાવાદ હૉસ્પિટલ્સ ઍન્ડ નર્સિંગ હોમ્સ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવે છે કે, મોટા ભાગે પ્રી-હાઇપરટૅન્શનનું કારણ જાણી શકાતું નથી.

"પરંતુ તેનાં કેટલાંક દેખીતાં કારણો છે, જેમાં તમાકુ, દારૂનું સેવન, ઉચ્ચ કૉલેસ્ટ્રોલ, સ્થૂળતા, બેઠાડું જીવન, જ્યારે નિયંત્રણની બહાર જાય ત્યારે સંપૂર્ણ હાઇપરટૅન્સિવ સ્ટેજ તરફ લઈ જાય છે."

"પરંતુ તણાવ બ્લડપ્રેશર વધારવામાં ફાળો આપે છે. તેથી, શક્ય હોય તો તણાવ કરવાનું ટાળવું જોઈએ અને આરામ માટે સમય કાઢવો જોઈએ."

ડૉક્ટર ભૂપેશ વધુમાં જણાવે છે, "જ્યારે કોઈ વ્યક્તિને અસ્વસ્થતા જણાય, ધબકારા વધે, શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા ઘરમાં હાઇપરટૅન્શનનો વારસાગત ઇતિહાસ હોય, ત્યારે વ્યક્તિએ નિયમિત અંતરાલ પર પોતાની તપાસ કરાવવી જોઈએ."

વાસ્તવમાં આ એક એવો તબક્કો છે, જ્યાં તમારે તમારી ખાણીપીણીની આદતોને નિયંત્રિત કરવાનું શરૂ કરવું જોઈએ, મીઠાનું સેવન ઓછું કરવું, વગેરે. આ રીતે આ પ્રિ-હાઇપરટૅન્શન સ્ટેજને લાંબા સમય સુધી રોકી શકાય છે.

પરંતુ ડૉક્ટર ભૂપેશ કહે છે કે, "જો પ્રારંભિક તબક્કામાં તેનાં લક્ષણો શોધી કાઢવામાં આવે અને યોગ્ય દવાઓ લેવામાં આવે તો પ્રી-હાઇપરટૅન્શનને સંપૂર્ણ રીતે અટકાવી શકાય છે અને મટાડી શકાય છે."

પ્રીહાઇપરટૅન્શન હાઈ બીપીમાં ફેરવાઈ જાય ત્યારે શું થાય?

gujaratma hypertension

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા મુજબ, હાઈ બ્લડપ્રેશર હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

  • અતિશય દબાણ આર્ટરીને બ્લૉક કરી શકે છે. જેનાથી હૃદયમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઘટી શકે છે. આનાથી લોહીના પ્રવાહમાં ઘટાડો થઈ શકે છે.
  • છાતીનો દુખાવો.
  • હાર્ટ ઍટેક, જે ત્યારે થાય છે જ્યારે હૃદયને રક્ત પહોંચવાનું અવરોધિત થાય છે અને હૃદયના સ્નાયુના કોષો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે.
  • હૃદય નિષ્ક્રિય થવું, એ ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરના અન્ય મહત્ત્વપૂર્ણ અવયવોને પૂરતું લોહી અને ઓક્સિજન પમ્પ કરી શકતું નથી.
  • અનિયમિત હૃદયના ધબકારા જે અચાનક મૃત્યુનું કારણ બની શકે છે.
  • હાઇપરટૅન્શન મગજને રક્ત અને ઓક્સિજન પહોંચાડતી આર્ટરીઓ પણ વિસ્ફોટ અથવા અવરોધિત કરી શકે છે, જેના કારણે સ્ટ્રોક આવે છે.
  • વધુમાં, હાઇપરટૅન્શન કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, જે કિડનીની ફેઇલ કરી શકે છે.

પ્રી-હાઇપરટૅન્શન કેવી રીતે નિયંત્રિત કરવું?

ગુજરાત હાઈપરટેન્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા મુજબ, સ્વસ્થ બ્લડપ્રેશર રાખવા માટે,

  • વજન નિયંત્રણમાં રાખવું
  • દરરોજ પુષ્કળ ફળો અને શાકભાજી ખાઓ
  • ખોરાકમાં મીઠું ઓછું કરો અને તળેલા ખોરાકનું સેવન ઓછું કરો
  • ચરબી અને ખાંડ ઓછી કરો
  • તમાકુ ખાવાનું બંધ કરો
  • કેફીનનું સેવન ઓછું કરો
  • વધુ પડતો દારૂ ન પીવો
  • નિયમિત રીતે કસરત કરો (દિવસમાં સરેરાશ 30 મિનિટ અને યોગ)

સંશોધન શું દર્શાવે છે?

હાઈપરટેન્શન શું છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પ્રી-હાઇપરટૅન્શનનો વ્યાપ સમગ્ર ભારતીય જિલ્લાઓમાં 15.6 ટકાથી 63.4 ટકા વચ્ચે છે. જેનો એકંદર સરેરાશ દર 33.7 ટકા છે.

દેશનાં દક્ષિણ રાજ્યોમાં 30.2 ટકાના સરેરાશ દરે પ્રી-હાઇપરટૅન્શનનું પ્રમાણ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછું છે. પુડ્ડુચેરીમાં 27.7 ટકા, તેલંગણામાં 28.2 ટકા, તામિલનાડુમાં 29.7 ટકા અને આંધ્રપ્રદેશમાં 29.8 ટકાનો વ્યાપ હતો.

આશ્ચર્યજનક રીતે, ઉત્તર ભારતનાં રાજ્યોએ પણ સરેરાશ 39.4 ટકા, હિમાચલ પ્રદેશમાં 35.3 ટકા અને ચંદીગઢમાં 28.6 ટકા સાથે સારો દેખાવ કર્યો હતો.

તેનાથી વિપરીત, જમ્મુ અને કાશ્મીરમાં 45.2 ટકા, લદ્દાખમાં 48.8 ટકા, રાજસ્થાનમાં 43.5 ટકા અને છત્તીસગઢમાં 38.8 ટકાનો હાઇપરટૅન્શનનો દર જોવા મળ્યો છે.

ભારતીય તબીબી સંશોધન પરિષદના અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતમાં હાઈ બ્લડપ્રેશરમાં વધારો 15.9 ટકા નોંધાયો હતો.

ભારતમાં વ્યક્તિઓમાં ઓછામાં ઓછા એક વાર માપેલા બ્લડપ્રેશરનો વ્યાપ 66.7 ટકા હતો.

ગુજરાતની સ્થિતિ કેવી છે?

ગુજરાતમાં હાઈપરટેન્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

આ સંશોધન મુજબ, લગભગ 7.4 લાખ લોકોના સૅમ્પલમાંથી, ભારતમાં જે લોકોએ કમસે કમ એક વાર બ્લડપ્રેશર ચેક કરાવ્યું હોય તે 66.7 ટકા છે.

આમાં, દક્ષિણનાં રાજ્યોમાં સરેરાશ 75.8 ટકા લોકોએ બ્લડપ્રેશર મપાવેલું હોય છે.

આ પૈકી, ઓછામાં ઓછા એક વખત બ્લડપ્રેશર તપાસવામાં દક્ષિણનાં રાજ્યો ટોચ પર છે, લક્ષદ્વીપ (90.8%), કેરળ (88.5%), તામિલનાડુ (83.3%), અને પુડ્ડુચેરી (83.2%).

ઉત્તર ભારતનાં રાજ્યોએ પણ તેમની વસ્તીમાં ઓછામાં ઓછું એકવાર તેમનું બ્લડપ્રેશર તપાસવાની ટકાવારી વધુ દર્શાવી છે, જેમાં ચંદીગઢ (82.6%), પંજાબ (82.5%), દિલ્હી (81.9%), હરિયાણા (78.1%), અને હિમાચલ પ્રદેશ (76.5%) .

તેનાથી વિપરીત ગુજરાતમાં માત્ર 58 ટકા લોકોએ ઓછામાં ઓછું એક વાર બ્લડપ્રેશર ચેક કરાવ્યું છે.

ગુજરાત એવાં રાજ્યોમાંથી એક છે, જ્યાં વ્યક્તિનું બ્લડપ્રેશર માપવાનો દર ઓછો છે. એવાં રાજ્યો વિશે વાત કરીએ કે જ્યાં ઓછામાં ઓછા એક વખત બ્લડપ્રેશરની તપાસ કરાવવાની ટકાવારી ઓછી હોય, તે છે, મધ્ય પ્રદેશ (62.4%) અને છત્તીસગઢ (62.3%), ઉત્તરમાં રાજસ્થાન (58.3%), પૂર્વમાં ઓડિશા (55.5%), ઝારખંડ (59.8%), પશ્ચિમમાં ગુજરાત (58.0%), અને ઉત્તર-પૂર્વમાં નાગાલૅન્ડ (57.5%).

ગુજરાતમાં 58 ટકા લોકોએ કમસે કમ એક વાર તેમનું બ્લડપ્રેશર મપાવ્યું છે. તેમાંથી 35 ટકા લોકો પૂર્વ-હાઇપરટૅન્શન સ્ટેજમાં છે અને 12.9 ટકા લોકાનું બ્લડપ્રેશર જરૂર કરતાં વધારે નોંધાયું છે.

આ રિસર્ચ અનુસાર, ગુજરાતમાં, જામનગર (6.8 ટકા), બોટાદ (6.9 ટકા), અમરેલી (8.2 ટકા) અને સુરેન્દ્રનગરમાં (8.4 ટકા) તુલનાત્મક રીતે ઓછા પ્રમાણમાં બ્લડપ્રેશરમાં વધારો જોવા મળ્યો હતો.

આ સંશોધને ટોચના 20 પર્ફૉર્મર ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યા છે, જ્યાં બ્લડપ્રેશરમાં વધારો થવાના કેસ ઓછા છે. ગુજરાતના ઉપર દર્શાવેલા જિલ્લાઓ તે 20 યાદીમાં છે.

તેઓએ એવા જિલ્લાઓ યાદી પણ બહાર પાડી છે કે જેમણે ખરાબ પ્રદર્શન કર્યું છે અને એવા લોકોની સંખ્યા વધુ છે કે જેમણે એક વખત પણ તેમનું બ્લડપ્રેશર માપ્યું નથી. તે જિલ્લા છે, ખેડા (39.4 ટકા), બોટાદ (40.9 ટકા), દાહોદ (42 ટકા).

આ સંશોધન કેમ કરવામાં આવ્યું?

ગુજરાતમાં હાઈપરટેન્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, "આ અભ્યાસ ભારતમાં બ્લડપ્રેશર, પ્રીહાઇપરટૅન્શન અને વધેલા બ્લડપ્રેશરના બદલાતા તફાવત પર પ્રકાશ પાડે છે."

"આ તફાવતો દર્શાવે છે કે આરોગ્યસંભાળની અસમાનતાઓને દૂર કરવા માટે, સંવેદનશીલ જૂથો માટે તાત્કાલિક ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ કરવાની કેટલી જરૂર છે."

વિશ્વમાં મૃત્યુદરનું મુખ્ય કારણ બિનચેપી રોગો છે. એવો અંદાજ છે કે ભારતમાં થતાં કુલ મૃત્યુ પૈકી 64.9 ટકા મૃત્યુ બિનચેપી રોગોને કારણે થાય છે. તેમાંથી, માત્ર કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ફાળો જ 27.4 ટકા છે.

હાઇપરટૅન્શનને નિયંત્રિત કરીને કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે હૃદયની રક્તવાહિનીને સંબંધિત રોગો રોકી શકાય છે.